તમને ક્યારેય એવી અનુભૂતિ થઇ છે કે તમે જીવનમાં કઈ મોટું કામ કર્યું નથી? કે પછી તમે તમારા સ્વપ્નાઓનું જીવન ક્યારેય જીવ્યાં જ નથી? જો હા, તો તમે એકલાં નથી. સામાન્ય રીતે, આપણે જીવનને એક અખંડ એકમ તરીકે જોવા માટે ટેવાયેલાં હોઈએ છીએ. આપણને એવું લાગે છે કે આપણી જવાનીનો મોટો ભાગ જતો રહ્યો હોવાથી જાણે આપણે બધું જ ગુમાવી બેઠા છીએ. કે હવે તો કઈ બહુ થઇ શકે નહિ. પરંતુ આજે, હું તમને એક જુદો દ્રષ્ટિકોણ આપવા માંગું છું. એવું કઈક કે જેનું મેં મારા જીવનમાં અને હું જાણું છું અને મળ્યો છું તેવાં અસંખ્ય લોકોના જીવનમાં તેનું અવલોકન કરેલું છે. (એક લાંબો લેખ વાંચવાની તૈયારી કરી લેજો. આખરે આ જીવન વિશેની વાત છે, કોઈ મજાક નથી.)

જીવન માત્ર એક ટુકડા સિવાય બીજું બધું હોઈ શકે છે, તે અનેક ક્ષણો અને અનુભવોનું બનેલું હોય છે. જો હું તમને એવું કહું કે એક જીવનમાં આપણે અનેક જીવન જીવીએ છીએ તો તમને કેવું લાગશે? અને તે આપણા ઉપર છે કે એક જીવનકાળમાં આપણે જેટલાં પણ જીવન જીવતા હોઈએ તેનો બનતો વધુ ફાયદો ઉઠાવીએ. આપણો દરેક દસકો જે આપણે જીવતાં હોઈએ છીએ તે આપણને એક નવી વ્યક્તિ બનાવે છે. દરેક દસકો પોતાની રીતે એક જીવન જેવો હોય છે.

૦-૧૦

૦-૧૦ વર્ષ સુધીનાં જીવનમાં, મોટાભાગે આપણે આપણા માતા-પિતાની છત્રછાયા હેઠળ હોઈએ છીએ. આપણી ઓળખ તેમની સાથે બહુ ઊંડાણપૂર્વક જોડાયેલી હોય છે. આપણે બોલતાં, ચાલતાં, વર્તન કરતાં, ખાતાં શીખીએ છીએ. તેમની માન્યતાઓ આપણી માન્યતાઓ બની જતી હોય છે. આપણે તેમનું અવલોકન કરીને તેમનાં જેવું વર્તન કરતાં થઇ જઈએ છીએ. ધીરેથી, સારા ઈરાદાપૂર્વક આપણો સમાજ આપણને દુનિયા તરફ એક શરતી દ્રષ્ટિકોણથી જોતા કરે છે. આપણે આપણા માતા-પિતા, શિક્ષકો અને અન્ય લોકોની નકલ આપણને ખબર પણ ન પડે તે રીતે કરતાં થઇ જઈએ છીએ. આપણે આપણા પક્ષપાતો અને પૂર્વગ્રહો બાંધતા થઇ જઈએ છીએ. એક દુનિયાની દ્રષ્ટી આપણા મગજમાં આકાર લેતી થાય છે જે આપણા અવલોકનો અને જે માહિતી આપણે આપણી અંદર ઉતારી છે તેનાં આધારે હોય છે. આપણી કલ્પનાઓનાં ઘોડા ઉડતાં હોય છે. જેવાં આપણે લેગો સેટ રમવા બેસી જઈએ કે યંત્રમાનવ અને ઢીંગલીઓ જીવંત થઇ જતી હોય છે. કેન્ડી અને ગળી વસ્તુઓ અનેરી સ્વાદિષ્ટ લાગે છે. આપણા સ્વપ્નો અદ્દભુત હોય છે, વારુ, એ સ્વપ્નાઓ હોય છે. આપણે નવી વસ્તુઓ શિખવા માટે આતુર હોઈએ છીએ અને આપણને એવું લાગતું હોય છે કે આપણે દુનિયામાં કઈ પણ અને ગમે તે બની શકીએ તેમ છીએ.

૧૧-૨૦

૧૧ થી ૨૦ વર્ષની વચ્ચે આપણે આપણી પોતાની ઓળખ બનાવવાનું શરુ કરીએ છીએ. આપણે આપણી જાતીયતાને છતી કરતાં હોઈએ છીએ કે પછી તેનો સામનો કરતાં હોઈએ છીએ. આપણે આપણી માન્યતાઓને સવાલ કરતાં થઈએ છીએ અને આપણા જીવન અને સ્વપ્નાઓમાં માતાપિતાને હવે પાછલી પાટલીએ સ્થાન આપીએ છીએ. આપણને જયારે તેમની જરૂર હોય ત્યારે આપણને તેઓ જોઈતાં હોય છે. આપણે દરેક વસ્તુ માટે આપણા મતો બાંધીએ છીએ (અને મોટાભાગે, અને કમનસીબે, આપણે આખી જિંદગી હવે તેને વળગીને પણ રહેતાં હોઈએ છીએ). આપણને એવું લાગતું હોય છે કે મિત્રો મહત્વનાં છે, મારા ધ્યેય મહત્વનાં છે, મારા માતા-પિતા કંટાળાજનક છે અને તેમનાં મત જુના જમાનાનાં છે. આપણે જીવનને બિન્દાસપૂર્વક અજાણ્યા ક્ષેત્રોમાં પ્રવેશીને ખોજતા હોઈએ છીએ.

છોકરીઓ, ગેજેટ્સ અને બાઈક કાં પછી છોકરાઓ, સ્વપ્નાઓ અને ફેશન આપણા મગજ પર રાજ કરતાં હોય છે. કદાચ વિડીઓ ગેઈમ્સ અને પુસ્તકો પણ (ભણવાની ચોપડીઓ નહિ). આસક્તિ, આકર્ષણ દરરોજ થતું હોય છે. તમે પ્રેમમાં બહુ જલ્દી પડી જાવ છો – કેળાની છાલ પર પગ પડતાં લપસી પડાય તેટલી ઝડપે. આપણે અમુક મૂર્ખતાભરી ભૂલો કરી બેસીએ છીએ (તે તો જો કે આપણે દરેક દસકાઓમાં કરતાં હોઈએ છીએ). આપણા વિશેનો આપણો મત આપણા મગજમાં મજબુત બનતો જાય છે. મોટાભાગનાં તરુણાવસ્થાને પાર કરી પુખ્ત વયે પહોંચતા સુધી પોતાની જાતને કાં તો નિષ્ફળ કાં તો સફળનાં વર્ગમાં મૂકી દે છે. આપનું જીવન પણ એ પ્રમાણે આકાર લેતું થઇ જાય છે. આપણું ધ્યાનભંગ પ્રચુર માત્રામાં થઇ રહ્યું હોય છે.

આપણને એવું લાગતું હોય છે આપણે આપણા જીવનનાં મોટાભાગનાં નિર્ણયો લઇ લીધા છે. ખાસ કરીને, કોઈ એક ચોક્કસ પ્રકારનાં ભણતર વિશેનું હોય કે પછી નવી કોઈ કલા શીખવાની વાત હોય (સંગીત, નૃત્યકલા, રમત વિગેરે.) આ દસકામાં, જો કે, આગળનાં સમયનું કશું આગળ વધારવાની વાત નથી હોતી, પરંતુ એક નવીનતા જ હોય છે જો તમે વિચાર કરો તો. તમે તમારી જાતને ખોજતા હોવ છો કે તરુણાવસ્થામાં તમારા પગ જમીન પર ટકાવતા શિખતા હોવ છો, તમારી મૂંઝવણોમાં તમે ટકી રહેતાં હોવ છો, આમાં તમે એક આખું નવું જીવન જીવી લેતાં હોવ છો.

પ્રથમ ૧૦ વર્ષમાં તમે જે બાળક હતાં તેણે આ દસકાનાં પ્રશ્નો નથી ઉકેલ્યા હોતા. તમારું જે નવું સ્વરૂપ છે તેણે તે ઉકેલ્યા હોય છે. જયારે તમે ૨૦ વર્ષનાં થાવ છો, ત્યારે તમે એક જુદા જ વ્યક્તિ તરીકે ઉભરી આવો છો.

૨૧ – ૩૦

૨૧ થી ૩૦ વર્ષ દરમ્યાન, જો કે હજુ આપણે તેવાં જ નીડર હોઈએ છીએ (અને થોડા અવિચારી પણ) પરંતુ દુનિયાની વાસ્તવિકતા આપણા સ્વપ્નાઓમાં અને ધ્યેયોમાં એક સુક્ષ્મ બદલાવ લાવે છે. આપણે આપણી જાતને આપણી માન્યતાઓ મુજબ ઢાળીએ છીએ, જોકે તે આપણે શું કરી શકીએ તેમ છીએ અને શું કરી શકીએ તેમ નથી તેનાં વિશેની મોટાભાગે ખોટી અને ગેરમાર્ગે દોરવતી હોય તેવી હોય છે. તમે હજી વધુ મુર્ખ બનતાં જાવ છો, પરંતુ ક્યાંક તમે “તે એક” ને શોધવાનું શરુ કરો છો. હવે તમે થોડા વાસ્તવિક બનો છો. આ દસકાના મધ્યે આપણા જીવનમાં, મોટાભાગનાંઓએ પોતાનું ભણતર પૂરું કરી લીધું હોય છે અને નોકરી મળવાનાં આનંદમાં અને આર્થિક રીતે સલામત થવાની બાબતે આનંદ અનુભવીએ છીએ. આપણને એવું લાગતું હોય છે આપણે આપણી સ્વતંત્રતા શોધી કાઢી છે. તમે ફરારીનું પોસ્ટર (કે તમારા પ્રિય પોપ સ્ટારનું પોસ્ટર) હટાવીને તમારી પ્રથમ સામાન્ય ગાડી લોન ઉપર ખરીદો છો. જયારે આપણે ૩૦નાં થવા લાગીએ ત્યારે આપણામાંનાં મોટાભાગનાંઓને પોતે લગ્ન કરીને પોતાનાં સંબધને સ્થિર કરવાં માટે તૈયાર છીએ તેવું અનુભવવા માંડીએ છીએ (કે પછી માતા-પિતાનાં દબાવને લીધે તે હોય) વિગેરે.

જો કે થોડીઘણી નિરાશાઓ આવતી હોય છે, પણ તેમ છતાં આપણે મોટાભાગે હકારાત્મક અને પ્રસન્ન રહેતાં હોઈએ છીએ. આપણને એવું પણ ભાન થાય છે કે આ દુનિયા એક ખતરનાક સ્પર્ધાત્મક સ્થળ છે અને કોઈની પણ પાસે કોઈનાં માટે સમય નથી. આપણું મુખ્ય કેન્દ્રબિંદુ આપણી કારકિર્દી હોય છે, અને પહેલાંની જેમ હવે કોઈ સ્વપ્નાઓ નથી જોતા હોતા. જીવન પ્રત્યેની આપણી અપેક્ષાઓમાં આપણે હવે વધુ વાસ્તવિક થતાં જઈએ છીએ. આપણે આપણી જાતને હવે વધુ રીતે ડાહ્યાં અને “વ્યવહારુ” એમ બન્ને માનતાં થઇ જઈએ છીએ. જો કે હજી પણ આપણે જીવનને ખોજતા જ હોઈએ છીએ, એક સ્થિરતા જીવનમાં સ્થિર થતી જાય છે. બહુ ઓછા લોકો હવે ૨૫ પાર કર્યા પછી કઈક નવી કલા શીખવાનું સાહસ કરતાં હોય છે.

૩૧ – ૪૦

૩૧-૪૦ની વચ્ચે આપણે આપણી કારકિર્દીનો વિકાસ કરવામાં આપણે શ્રેષ્ઠ મહેનત કરીએ છીએ. મોટાભાગનાં લોકો આ દસકો પોતાનાં કામ અને કુટુંબ પ્રત્યેની ફરજો પૂરી કરવામાં વિતાવે છે. આપણું બાળપણ અને કોલેજનાં મિત્રો ક્યારનાંય દુર થઇ ગયાં છે. કદાચ અમુક થોડાક સાથે આપણે સંપર્કમાં હોઈએ પણ ખરા (જો તેવું હોય તો), પરંતુ તેમાંના મોટાભાગનાં તેમનાં પોતાનાં જીવનમાં આમ પણ વ્યસ્ત થઇ ગયા હોય છે. તમારા પોતાનાં બાળકો મોટા થતાં હોય છે, અને ઘરમાં દરવખતે ઘણું બધું ચાલી રહ્યું હોય છે. દરેકવસ્તુ ખુબ મોંઘી થતી જાય છે, એવું તમને લાગે છે. તમારી કમાણીનો અમુક ભાગ તો ઘરની લોન ચુકવવામાં જ ચાલ્યો જાય છે. તમે બચત માટે પણ વિચારો છો. હું મારા માટે નવો ફોન કે નવા શુઝ નહિ લઉં તો ચાલશે.

આપણે અન્ય લોકોના આપણા માટેના મત માટે પણ એક તટસ્થતા અનુભવતા થઇ જઈએ છીએ. આપણે દરેકને ખુશ નથી રાખી શકતાં એ જ્ઞાનનો ઉદય મોટાભાગનાં લોકોને થઇ જાય છે. આપણે આપણી ખુશીઓને બિલકુલ ન અવગણવી જોઈએ. તમે નાના હતાં ત્યારે તમને શેમાંથી ખુશી મળતી હતી તેનાં ઉપર હવે તમે ચિંતન કરવાં લાગો છો. કદાચ તમને ગિટાર વગાડવામાં કે ક્રિકટ રમવામાં આનંદ આવતો હતો. કાં તો પછી તમે ચિત્રકામ કે નૃત્ય કરતાં હતાં. પણ આ બધી દુરની યાદો થઇ ગઈ. કદાચ તમને હંમેશાં તરતા શીખવાનું કે ટેનીસ રમવાનું મન થતું હતું અને તમને એવું પણ લાગે કે તમે હજી પણ તે કરી શકો છો.

પછી, તમે તમારી જવાબદારી અને બીજી ફરજો પ્રત્યે સભાન થાવ છો અને તમે તમારા સ્વપ્નાઓ અને ઇચ્છાઓ બાજુ પર મૂકી દો છો. એક પ્રકારનું દુઃખ તમારી અંદર ઉભરી આવે છે કે તમે જાણો છો કે તમારે તમારી જાતને અવગણવી જોઈએ નહિ છતાં તમે અવગણો છો જેથી કરીને બીજા (તમારા સાથી, બાળકો વિગેરે)ને ખરાબ ન લાગે કે કે તમે તેમનાં માટે નથી એવો દોષ તેઓ તમને ન દે. આ તમારા આત્માને કોતરી ખાય છે – એવું જાણીને કે તમને ખબર છે તમને શેમાંથી ખુશી મળે તેમ છે, અને તમારી પાસે તેનાં માટેનાં સ્રોત પણ છે, તેમ છતાં તમારા પ્રિય વ્યક્તિઓ તમારાથી દુર ન થઇ જાય તે ડરથી તમે તે નથી કરતાં. આ કોઈકોઈ વાર દુઃખ આપે છે. આ દરમ્યાન, જીવનનો ખાલીપો વધતો જાય છે.

૪૧ – ૫૦

૪૧- ૫૦ પણ એક બીજો દસકો હોય છે. મોટાભાગનાં લોકો તેમની ચાલીસીમાં ચરમસીમાએ પહોંચી જાય છે, ખાસ કરીને એ લોકો કે જે પોતાનું જીવન એકદમ બરાબર રીતે જીવ્યાં હોય. હું અહી આ શું જખ મારી રહ્યો છું? મેં મારી તરુણાવસ્થામાં, વીસીમાં કે ત્રીસીમાં જોયેલા સ્વપ્નાઓનું આ જીવન નથી. શું મેં મારું જીવન વેડફી માર્યું છે? મેં મારા જીવનનાં છેલ્લાં ૨૦ વર્ષ મારા કુટુંબીજનોને આપ્યાં તેમ છતાં કોઈ પણ ખુશ નથી જણાતું, કે કૃતજ્ઞતા પણ નથી અનુભવતું. મેં મારું ધ્યાન ક્યારેય ન રાખ્યું, મેં તેમને પ્રથમ સ્થાન આપ્યું, તેમ છતાં હું તો એક એકલાં વાદળાની જેમ કોઈ દિશા કે તાકાત વગર તરી રહ્યો છું. આમ છતાં પણ તમે રાજકારણ, રમતગમત, વાતાવરણમાં આવેલાં બદલાવ અને બીજા અનેક દુન્વયી મુદ્દાઓ ઉપર વાતો કરો છો. કદાચ, હવે તમને ધ્યાનમાં પણ રસ પડવા લાગ્યો છે અને ભગવાનમાં તમારો વિશ્વાસ પહેલાં કરતાં ઘણો મજબુત થઇ રહ્યો હોય છે.

તમને લાગતું હોય છે કે તમે હજી પણ યુવાન છો અને તમારામાં હજુ ઘણી શારીરિક તાકાત છે, તેમ છતાં આજુબાજુનાં કોઈ તમને તે રીતે નથી જોતાં. તમને એ રીતે જોવામાં આવે છે કે તમે કોઈ “મધ્ય-વયે” પહોંચેલાં છો. આ કોઈ સરળ તબક્કો નથી હોતો. તમને લાગે છે કે તમે એટલાં યુવાન નથી રહ્યાં કે તમે હવે કોઈ વિચાર્યા વગરનાં સાહસ કરી શકો અને એટલાં ઘરડાં પણ નથી થઇ ગયાં કે તેને ટાળી પણ શકો. બુદ્ધિ અને શક્તિ તમારામાં ઉકળતાં હોય છે, ઘણાં લોકો પોતાની ચાલીસીમાં જ એક પ્રકારનો તણાવ અનુભવે છે. અરે કોઈ તો કડવા પણ બની જતાં હોય છે. તેમનાંમાં આ બધી કુદરતી ભેટો અને બુદ્ધિ હોય છે પરંતુ તેનો ઉપયોગ કરવા માટે કોઈ સ્રોત નથી હોતો. મોટાભાગનાં લોકો પોતાનાં જીવનનાં આ તબક્કે કઈક નવું કોશિશ કરવાનાં વિચાર માત્રથી થરથર કાંપવા લાગે છે. તેમને લાગે છે તેમનાં નસીબમાં હવે તેમણે આગલા વર્ષોમાં કરેલી પસંદગીઓને જ અમલમાં મુકવાનું છે. જે લોકોમાં કોઈ ઝનુન હોય છે તેઓ જ જીવનનાં આ તબક્કે કોઈક નવી મુસાફરીએ નીકળવાની હામ રાખતું હોય છે. (એ પછી બૌદ્ધિક, આર્થિક કે પછી બીજી કોઈ પણ હોઈ શકે છે).

૫૧ – ૬૦

૫૧ થી ૬૦ એ હજી એક બીજી જ રમત છે. નિવૃત્ત જીવન ગાળવાની યોજના તમારા મગજમાં ચાલતી રહેતી હોય છે. તમારા બાળકો તેમનાં જીવનમાં ગોઠવાઈ જાય તે બાબતનું દબાણ પણ તમારા મગજમાં ચાલતું રહેતું હોય છે. બન્ને સાથીઓ હવે એકબીજાને વધુ સારી રીતે ઓળખતાં થાય છે. તમે પણ થોડા નરમ પડો છો. મોટાભાગનાં લોકો આ સમયમાં એક રાજીનામાંની લાગણી સાથે જીવે છે કે જીવનમાં મારાથી બનતું બધું મેં કરી નાંખ્યું છે અને હવે મારે એક પ્રભાવશાળી રીતે વૃદ્ધ થવું છે. મારે અમુક ચોક્કસ રીતે જ રહેવું જોઈએ. તમે હવે થોડા વધારે પગાર વધારા માટે થઇને નોકરીઓ બદલવાનું પસંદ નથી કરતાં કારણકે તમે હવે એ દોડાદોડીથી થાકી ગયા હોવ છો. તમારે હવે થોડું સરળતાથી લેવું હોય છે.

સંભાવના છે કે તમારા બાળકો હવે તમારા ઘરમાંથી બહાર નીકળી ગયા હોય છે અને પોતપોતાનાં નવા કુટુંબમાં વ્યસ્ત થઇ ગયાં હોય છે. નવાં સંબંધો (પોતાનાં સાસરિયાં સાથે) બનતાં હોય છે અને નવી ગેરસમજણો ઉભી થતી હોય છે. તમને લાગે છે તમારા બાળકો તમને નથી સમજતાં અને તેમને લાગે છે કે તમે તેમને નથી સમજતાં. ધીરે ધીરે, તમે તમારાં ઉપર વધુ ને વધુ આધાર રાખતાં થઇ જાવ છો. અંતે તમને એ સમજાય છે કે જીવનને બીજાઓ ખુશ રહે તે માટે પોતાની પરવાહ કર્યા વગર કુરબાન કરી દેવું એ નરી મૂર્ખતા અને ઉદ્દાત્તપણું છે. અને, તેનાંથી જીવનમાં કોઈ પરિપૂર્ણતા નથી આવતી.

૬૧ – ૭૦

૬૧ થી ૭૦ વર્ષોમાં, તમે મોટાભાગે તમારી રીતે જ રહેતા હોવ છો. તમારા સાથી હોય છે તેમ છતાં પણ તમારી પોતાની ખુશી માટે તમે તમારા ઉપર જ આધારિત હોવ છો. તમારી આજુબાજુનાં દરેકજણ એવું કહેતાં હોય છે, “મને પણ થાક લાગે છે”. “તમે જે કઈ પણ કર્યું તે તમારી ફરજ હતી,” તમે એવું સાંભળો છો. આ તમારામાં એક વિચિત્ર વૈરાગ્ય ઉભો કરે છે. તમે કદાચ દાદા-દાદી હોવ છો તેમ છતાં પણ તમે એક બાળક જેવાં બની જાવ છે. તમે તમારા માં-બાપને – કે જે તમને એક સમયે તમારા જીવનમાં જરૂરી નહોતાં લાગતાં – યાદ કરી લો છો અને કદાચ તમે હવે તેમની કમી તમારા જીવનમાં અનુભવો છો. તમે તમારા બાળપણને ફરી ગણવાનું ચાલુ કરો છો, તમને ભૂતકાળની સુંદર યાદો યાદ આવી જાય છે. કદાચ તમે સમાચારપત્ર રોજ વાંચતા થઇ જાવ છો, થોડું ટીવી પણ જોઈ લો છો, કોઈ વાર તમને તમારા બાળકો તમારે ત્યાં બોલાવે છે અથવા તો તમે તેમને તમારે ત્યાં બોલાવતાં હોવ છો, કદાચ તમે હવે વધુ સામાજિક બનતાં જાવ છો, પરંતુ મોટાભાગે તમે તમારી દુનિયામાં એકલાં જ થઇ જાવ છો.

ઘણાં લોકો આ દસકા દરમ્યાન કઈ પણ નવી કોશિશ કરવાનો વિચાર પણ નથી કરતાં હોતા. તેમને લાગે છે કે તેમને પોતે એ સ્વીકારી જ લેવું જોઈએ કે પોતે હવે “વરિષ્ઠ નાગરિક” થઇ ગયાં છે અને જીવનમાં તેમને અત્યાર સુધી જે જોઈ લીધું અને જાણી લીધું તેનાંથી વધારે હવે કશું રહ્યું નથી. જો કે આ બીજું બધું હોઈ શકે છે પણ સત્ય નહિ.

૭૦ – ૮૦ & અને પાછલાં વર્ષો

૭૦ – ૮૦ વચ્ચેનો સમયગાળો વિચિત્ર હોય છે. અમુક રોજિંદા જીવનની દિનચર્યા મોટાભાગનાં લોકોની જિંદગીમાં છવાઈ જાય છે. કોઈને ય મરવું નથી હોતું પણ જીવવાની ઈચ્છા પણ છૂટી ગઈ હોય છે. તેમાં થોડો ઘણો જ રસ બાકી રહી ગયો હોય છે. અરે તમારા પૌત્ર-પૌત્રીઓ પણ તમને અમુક હદથી વધારે મોહીત નથી કરી શકતાં.તમને લાગે છે દરેકજણ તમે તેમને શું આપી શકો તેમ છો તેમાં જ રસ ધરાવતું હોય છે. જે આધ્યાત્મમાં ઊંડા ઉતરેલા છે તેઓ પોતાનાં મનની અંગતતામાં એક મોટી સાંત્વના આપે છે, પરંતુ મોટાભાગનાં લોકો તો બેચેન જ રહેતાં હોય છે. તેઓ પોતાનાં બાળકો કે જેઓ પણ પોતાનાં પુખ્ત જીવનની ચુનોતીઓ સાથે લડતા રહેલાં હોય છે તેમનાં માટે એક “કંટાળા” જેવાં બની જતાં હોય છે. અને એક દિવસે, બાળકોને ફોન આવે છે અને બધાં તમારી સ્મશાનયાત્રામાં ભેગા થાય છે. ચોક્કસ તેઓ થોડા સમય માટે દુઃખી પણ હોય છે. પણ થોડાક સમય માટે જ. તેઓ આ પ્રસંગે એકબીજાને મળે છે, તેમનાં માટે આ એક પુનર્મિલન જેવું હોય છે. તેઓ એમ પણ યાદ કરશે કે તમે કેટલા મહાન વ્યક્તિ હતાં. પણ આ કોઈ મુખ્ય વિષય પણ નહિ હોય. તમારું જીવન તેમનાં દિવસની કોઈ વિશિષ્ટતા નહિ હોય. તેઓ તો બધી વ્યવસ્થા કરવામાં પડ્યાં હશે.

આ મારો કોઈ ઈરાદો નહોતો પણ મને લાગે છે મેં માનવ જીવનનું બહુ જ ભયાનક ચિત્ર દોર્યું છે આજે. પણ તે કારણ વગરનું નથી. કેમ કે, હું તમને એ કહેવા માંગું છું કે જીવન ખરેખર આવું જ હોવું તે જરૂરી નથી. તમારું જીવન એ કોઈ મોટી ભુલ નથી. તમે ફક્ત કોઈ એક ચેસ, પિયાનો, કે ગણિતનાં ક્ષેત્રમાં જાણીતી પ્રતિભા નથી એટલાં માટે તમે હવે કશું કરી ન શકો તેવું નથી. નવી વસ્તુઓ માટે કોશિશ કરવામાં તમને કોઈ રોકી શકે નહિ (ભલે ને તમારી ઉંમર અત્યારે ગમે તે કેમ ન હોય.) તમે અત્યાર સુધી ખુબ જ ધાર્મિક હતાં કે નાસ્તિક હતાં તેનો અર્થ એ નથી કે તમે તમારી માન્યતા હવે બદલી ન શકો. તમારું જીવન તાજું રાખો જો તેનો આનંદ ઉઠાવવો હોય તો.

અંતે, લેખની શરૂઆતમાં મેં જે દ્રષ્ટિકોણનો ઉલ્લેખ કર્યો હતો તે આ છે:

કલ્પના કરો કે તમે તમારા જીવનનો દરેક દસકો પોતે એક નવું જીવન હોય તેવી રીતે જીવ્યા છો. એક નવો આરંભ. દરેક દસકાને અંતે એક નવી શરૂઆત.

૦ – ૧૦ વર્ષમાં, હું અંકશાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, વેદો વિગેરે શીખ્યો હતો. ૧૦ – ૨૦ મેં કમ્પ્યુટર અને તે ઉદ્યોગમાં કામ શોધ્યું. ૨૦ – ૩૦માં મેં મારી કારકિર્દીમાં ધ્યાન આપ્યું અને અનેક ધંધાઓ ઉભા કર્યા. મારા ત્રીજા દસકાનાં પ્રથમ વર્ષો મેં મારા અસ્તિત્વનાં, મારા પોતાનાં સત્યને શોધવા માટે આપ્યાં. અને પછી લોકોને મારાથી બનતી મદદ કરવા માટે આપ્યાં. ૪૦ – ૫૦, માં મારે થોડું લેખનકાર્ય કરવાની ઈચ્છા છે. જો કે મેં, મારા સમગ્ર જીવન દરમ્યાન, ઘણી ભૂલો પણ કરી છે, તેમ છતાં મારી પસંદગીઓ કોઈ અકસ્માતે નહોતી. બીજો દસકો મારો દરવાજો ખટખટાવે તે પહેલાં તેનાં માટે હું અત્યારથી મારું ધ્યેય નક્કી કરું છું.

હું આશા રાખું કે તમે તેનાં વિશે ખુબ જ ઊંડો વિચાર કરો: જો તમે દરેક દસકામાં એક નવું જીવન જીવી શકો તો કેવું? તમારી હાલની ઉંમર ગમે તે હોય, તમે તમારા જીવનનો આવતો દસકો કેવી રીતે જીવવા માંગો છો? તેનો અમુક ભાગ તમે એમાં રોકવા માંગશો કે જેમાં કોઈ મુલ્ય રહેલું હોય, તમારા માટે કોઈ અર્થ રહેતો હોય? તેમાં ફક્ત કુટુંબને જ મદદ કરવાનું નથી આવતું. એવું કશું છે કે જે તમે હંમેશાં કરવાં ઇચ્છતાં હોય? વારું, તો પછી આ જ સમય છે. તમારા સમયનો મોટો ભાગ તેનાં માટે રોકો અને બહુ જલ્દી જ તમે જે પણ વસ્તુ માટે ઈચ્છા રાખતાં હશો તેમાં માહેર થઇ જશો.

ખરેખર તમારા આવતાં દસકામાં તમે શું અલગ કરશો તેનાં વિશે વિચારો. ૨૫-૩૫ કે ૩૦ – ૪૦, ૬૦ – ૭૦ કે ૭૫ – ૮૫, તેનાંથી કોઈ ફરક નથી પડતો. બસ તમારો દસકો કોઈ એક નવું જીવન હોય તેવી રીતે જીવો. તમારી અંદરથી તમારું નવું સ્વરૂપ બહાર આવવા દો. વર્ષોનો સવાલ નથી, કટિબદ્ધતાનો સવાલ છે.

જીવનમાં પરિપૂર્ણતાની એક ક્ષણ સમગ્ર જીવનનાં ઢસરડા કરતાં ક્યાંય વધુ મહત્વની છે.

એક ૭ વર્ષનાં બાળકે પોતાનાં મિત્રને પૂછ્યું, “શું તું શેતાનમાં વિશ્વાસ કરે છે?”
“મને પાક્કી ખબર નથી,” મિત્રે જવાબ આપ્યો. “સાંતાક્લોઝની જેમ તે કદાચ તારા પિતા પણ નીકળે.”

સાંતા કે સેતાન, બુદ્ધ કે બુધ્ધુ, તમે તમારું પાત્ર જાતે નક્કી કરો. તમારું જીવન તમારા હાથમાં છે અને હજી બીજ રોપવામાં કોઈ મોડું નથી થઇ ગયું. કઈપણ નવું કરવામાં ક્યારેય મોડું થઇ જતું નથી. સાહસિક બનવામાં કોઈ મોડું નથી થઇ જતું. જો તમે જીવનને જીવવાનું બંધ નહિ કરો તો તે તમને ક્યારેય કંટાળો નહિ આપે.

ટાગોરે એક વખત કહ્યું હતું, “હું ઉંધી ગયો અને સ્વપ્નમાં જોયું કે જીવન તો આનંદ હતું. હું જાગ્યો અને જોયું કે જીવન તો સેવા હતી. હું તે મુજબ વર્ત્યો અને જોયું તો સેવા જ એક આનંદ હતો.”

જો તમારે એ આનંદને અનુભવવો હોય, તો તમારે તમારી જાતની સેવા કરીને, તમારી જાતની કદર કરીને, તમારા માટે કાળજી લઈને શરૂઆત કરવી પડશે. એક જવાબદારીપૂર્વક. જેમ કે એવું કહેવાય છે કે, તમે એક જ વાર જીવતાં હોવ છો. વારું, તમારે એવું કરવાની જરૂર નથી. તમે એક જ જીવનકાળમાં અનેક જીવન જીવી શકો છો. નિખાલસપણે મેં એવું વિચારેલું કે હું આ લેખ ૧૨૦૦ શબ્દોમાં પૂરો કરી લઈશ પણ તેનાં બે ગણા શબ્દો લખ્યા પછી પણ મારે હજી ઘણું કહેવાનું બાકી રહે છે.

તમારું જીવન એક સુદંર, કિંમતી સોગાદ છે. ખોલો, માણો અને તેનો ઉપયોગ કરો. તે જે હોય તે, ચાલો તેને એવો આકાર આપીએ કે જે તમને ગમતો હોય.

તમે કાળનો કોળીયો નથી. તમે નસીબને આધીન પણ નથી. તમારો જીવન પ્રત્યેનો હક બીજા કોઈપણ જેટલો જ છે. તમે આ જ જીવનકાળમાં અનેક સુંદર જીવન જીવી શકો તેમ છો. જે બાળસહજ કુતુહલતા, અજ્ઞાનતા, ઈચ્છા અને સ્વપ્નાઓ તમારામાં તમે જયારે ડાઈપર પહેરીને ફરતાં હતાં (સારું, ચાલોને થોડા મોટા હતાં) ત્યારે હતાં તેવી જ રીતે દરેક દસકામાં નવું જીવન જીવો.

તો આવતાં દસ વર્ષો તમે શેને આપવાના છો?

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email