એક વખત એક શ્રીમંત ખેડૂત બુદ્ધને એક મોટી આશા સાથે મળવા જાય છે. તે તેમની સમક્ષ દંડ્વત પ્રણામ કરે છે અને તેમનાં આશીર્વાદની યાચના કરે છે. બુદ્ધ આશીર્વાદની મુદ્રામાં પોતાનો હાથ ઉંચો કરે છે.

“હે આદરણીય!” ખેડૂત બોલે છે, “મને એક બહુ મોટી મુશ્કેલી છે અને મને ખબર છે તમે એક જ મને મદદ કરી શકો તેમ છો.”
બુદ્ધ શાંત રહ્યાં અને પેલા માણસે બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે પોતાનો નક્કામો પુત્ર તેને ખુબ તકલીફ આપી રહ્યો છે અને પોતે તેનાં માટે પોતાની પત્ની પર ગુસ્સે થતો હતો કેમ કે તે પોતાનાં પતિને બદલે પોતાનાં પુત્રનો જ પક્ષ લેતી હતી.

તેણે કહ્યું, “તેમનાં મગજ બદલાય તેવું કઈક કરો જેથી કરીને તેઓને ખબર પડે કે હું તેમનાં માટે કેટલું બધું કરું છું.”
“હું તારા માટે આ પ્રશ્નનું સમાધાન કરી શકું તેમ નથી,” બુદ્ધે જવાબ આપ્યો અને ફરીથી પોતાની આંખો ધ્યાનમાં બંધ કરતાં હોય તેવી રીતે નીચે કરી.

ખેડૂતે બુદ્ધને કહ્યું કે તેને નવી વાવણી માટે ખુબ ચિંતા થાય છે, તેને લાગે છે આ વખતે વરસાદ બરાબર થાય તેવું નથી લાગતું અને વાંદરાઓ તેનાં પાકને નુકશાન કરી રહ્યાં છે.
“તેનાં માટે પણ હું તને કોઈ મદદ કરી શકું તેમ નથી,” બુદ્ધે શાંતિથી જવાબ આપતાં કહ્યું.

તેમ છતાં બુદ્ધની સમર્થતા માટે આશા રાખતાં તેણે કહ્યું, ઘણાં બધાં લોકો પાસેથી તેને પૈસા લેવાના નીકળે છે અને લોકો તેને બહુ જ હેરાન કરે છે અને તેને પૈસા વસુલવામાં ખુબ જ તકલીફ પડી રહી છે. અને તેને માથે પણ ઘણું દેવું છે અને લેણદારોને પૈસા આપવાના નીકળે છે. તેને બુદ્ધને પૂછ્યું કે તે કઈ માર્ગ બતાવી શકે તેમ છે કે કોઈ તાવીજ કે ટુંચકો કરી શકે તેમ છે.
“હમ્મ..” બુદ્ધ બોલ્યાં, “હું તારી આ મુશ્કેલી દુર કરી શકું તેમ નથી.”

“તો તમે શું કામનાં?” પેલો માણસ તો અકળાયો. “બધાં લોકો કહે છે કે તમે તો જ્ઞાની છો અને અહી તમે મારો એક પણ પ્રશ્ન દુર નથી કરી શકતાં. તમે શું ખરેખર કશું કરી શકો તેમ નથી? હું મારી આ ભયાનક જિંદગીથી કંટાળી ગયો છું.”
“જો,” બુદ્ધે ધીરજપૂર્વક કહ્યું, જાણે તેમણે આ માણસની કોઈ પણ નિંદા સાંભળી જ ન હોય, “કોઈ પણ સમયે, તારા જીવનમાં હંમેશાં ૮૪ મુશ્કેલીઓ કે પ્રશ્નો રહેશે. ૮૪મી મુશ્કેલીમાં આ સમસ્યાઓને ઉકેલવાની ચાવી હશે. જો તું ૮૪મો પ્રશ્ન ઉકેલી નાંખે, તો પ્રથમ ૮૩ પ્રશ્નોનો ઉકેલ આપોઆપ આવી જશે.”
“તો મહેરબાની કરીને મારાં ૮૪માં પ્રશ્નનું સમાધાન કરો,” પેલા માણસે કહ્યું, તે પાછો નમ્ર બનવા લાગ્યો.
“હું કેવી રીતે તેને ઉકેલું?” તેને ઉમેરતા કહ્યું.
“પ્રથમ, આપણે તારી ૮૪મી સમસ્યાને ઓળખવી પડશે.”
“મારો ૮૪મી સમસ્યા શું છે?
બુદ્ધે સ્મિત વેરતા પેલા માણસની આંખમાં કે જે અનેક ઈચ્છાઓ, શંકાઓ અને આતુરતાઓથી ભરેલી હતી એક ભેદક દ્રષ્ટીથી જોયું.

“તારી ૮૪મી સમસ્યા એ છે કે,” બુદ્ધ બોલ્યાં અને અટકી ગયા, “તારે તારી પ્રથમ ૮૩ સમસ્યાઓથી દુર થઇ જવું છે. જો તું એટલું સમજી લે કે જીવન તો સમસ્યાઓ વગરનું હોઈ જ નથી શકતું, તો જીવન એટલું ખરાબ નહિ લાગે.”
જોકે, તેને જેવી આશા હતી તેવો ઉત્તર તેને ન મળ્યો પરંતુ બુદ્ધની દયા ભરી નજરે તેને શાંતિની અનુભૂતિ કરાવી. ભલેને થોડા સમય માટે હોય. બુદ્ધે એટલું બોલીને પૂરું કર્યું, “થોડો મૃદુ બન, ઉમદા બન. જીવનને તું જીવનમાં જે જોવા માંગતો હોય તેની પરે જોતા શીખ.”

મારું ઈનબોક્સ ઈ-મેઈલથી છલકાઈ ગયું છે (હજારોની સંખ્યામાં સંદેશ મને મળતાં હોય છે.) જેમાં લોકો એવું માનતાં હોય છે કે હું તેમને દેવામાંથી મુક્ત થવા માટે મદદરૂપ થઇશ, એ કદાચ હું તેમને એવું કશુંક આપીશ કે અચાનક જ તેઓ દરેક બીમારીઓમાંથી મુક્ત થઇ જશે, કે પછી હું એક શબ્દ બોલીશ અને તેમની દરેક સમસ્યાઓ અદ્રશ્ય થઇ જશે કે પછી તેમનાં હૃદયની દરેક ઇચ્છાઓ પરિપૂર્ણ થઇ જશે. હું તમને આ બધી સમસ્યાઓમાં કોઈ મદદ કરી શકું તેમ નથી. સ્વામી ફક્ત શાંતિમાર્ગ બતાવે છે. તમે ધ્યાન અને ભક્તિ દ્વારા તમારો અંતર આનંદ કેવી રીતે શોધી શકો, હું તે જ ફક્ત શીખવી શકું તેમ છું. અને તે પણ તો જ કામ કરશે જો તમે પોતે તમારા માટે સમય કાઢીને તમારા ઉપર કામ કરવાં માટે ઈચ્છુક હશો તો. તેનાં માટે જરૂરી છે અહંકારનું પડ તૂટે અને તમારી ખરી ઓળખ તેમાંથી બહાર આવે. જયારે અહંકાર ઘવાય ત્યારે દર્દ થતું જ હોય છે, પણ તેને તોડવો જ રહ્યો જો તમારે ઇન્દ્રિયાતીત સ્થિતિનો અનુભવ કરવાની કોઈ શક્યતા ઉભી કરવી હોય તો.

બહું-બહું તો હું તમારા માટે પ્રાર્થના કરી શકું. કાં તો જો તમારી શ્રદ્ધા અવિચળ હશે તો, કદાચ, હું તમને મારું રક્ષણ પણ આપી શકું. પરંતુ, તેનો અર્થ એ નથી કે તમારા જીવનની ૮૩ સમસ્યાઓ હટી જશે. એક સહજ સવાલ ઉદ્દભવી શકે: તો પછી એવા રક્ષણનો અર્થ શું કે જે હોવાં છતાં તમારી સમસ્યાઓ દુર ન થાય? જવાબ છે: કૃપા. જે કૃપાનો અનુભવ તમે શરણાગતિમાં કરો છો તે ફક્ત તમને જ ખબર પડતી હોય છે. તે તમને એક હિંમત અને શાંતિ બન્ને એકસાથે આપતાં હોય છે. જેની કોઈ વ્યાખ્યા નથી થઇ શકતી.

જયારે સમસ્યા કે કોઈ પ્રશ્ન સંપૂર્ણપણે તમારા વિચારો અને લાગણીઓને ઘેરી લે ત્યારે તમે નોંધ્યું છે કે તમને એવું લાગવાં માંડે છે કે મારે જો આ તકલીફ ન હોત તો મારું જીવન સંપૂર્ણ રીતે બરાબર હોત? આ એક ભ્રમણા છે. જયારે આ વર્તમાન સમસ્યા તમારા જીવનમાં હાજર નહોતી ત્યારે શું તમારું જીવન સંપૂર્ણ હતું? નાં, કદાચ નહોતું. શક્ય છે કે ત્યારે કોઈ બીજા પ્રશ્નથી તમે ઢંકાયેલા હતાં.

એક નાના ગામમાં એક નાનકડો કિશોર રહેતો હતો જેનાં માટે દરેકને લાગતું હતું કે તે ભોટ છે. તેઓ તેને ૫૦ પૈસા અને ૧ રૂપિયાનો સિક્કો આપીને તેની પરીક્ષા કરતાં. તે હંમેશાં ૫૦ પૈસાનો સિક્કો લેતો અને તે જોઈને લોકોને ખુબ મજા પડતી. લોકો તેની મજાક ઉડાવતાં અને તેનાં અજ્ઞાન માટે હસતાં.

એક દિવસ, એક માણસે તેને પૂછ્યું, “એ લોકો તારી જોડે કોઈ રમત નથી રમી રહ્યાં. પણ તને મુર્ખ બનાવી રહ્યાં છે અને તારા ઉપર હસી રહ્યાં છે. તને ખબર નથી પડતી કે ૧ રૂપિયો એ ૫૦ પૈસાથી બે ગણો વધુ કિંમતી હોય છે?”
“સાહેબ,” છોકરાએ જવાબ આપતાં કહ્યું, “તમને ખબર નથી પડતી કે જે દિવસે હું એક રૂપિયાનો સિક્કો ઉઠાવીશ ત્યારે તેઓ મારી સાથે આ રમત જ રમવાનું બંધ કરી દેશે?”

તમે જે ક્ષણે જીવન સાથે ચાલક બનવાની કોશિશ કરો છો તે જ ક્ષણે રમત પૂરી થઇ જતી હોય છે. તમે તમારા જ ગુંથેલા જાળામાં ફસાઈ જાવ છો. તે ખુબ જ જટિલ થઇ જતું હોય છે. તેનાં બદલે થોડા નરમ બનો. જીવન તમારા ઈરાદાઓ અને યોજનાઓ મારફતે તમને જોતું હોય છે.

અરે કદાચ આપણને એવું લાગી પણ શકે કે મારું જીવન એ ફક્ત મારું જીવન છે, વાસ્તવમાં જો કે દરેકનું જીવન એક અતિ ભવ્ય, સાશ્વત અને અનંત અસ્તિત્વનો ફક્ત એક સુક્ષ્માતિસુક્ષ્મ ભાગ માત્ર છે. તમે જેટલાં વધુ અન્ય સાથે, બ્રહ્માંડ સાથે, સુમેળ ધરાવતાં હશો, તેટલી તમારા હૃદયમાં વધુ શાંતિ તમે અનુભવશો.

કોઈ વખત બહુ ખેવનાઓ રાખવામાં, તમે જે પાસે હોય છે તેને પણ ખોઈ બેસો છો. જો તમને આખો રૂપિયો જોઈતો હશે તો બહુ જલ્દી જ જીવન તમને ૫૦ પૈસા અને ૧ રૂપિયો બન્ને આપવાનું બંધ કરી દેશે. જીવન એ કોઈ એક પ્રશ્ન કે અનેક પ્રશ્નોનો સંગ્રહ નથી. તે તો એક મિત્ર છે. તેની સાથે મિત્રતા ભર્યો વર્તાવ રાખો. કોઈ વખત, તમારે પાસ્તા ખાવા હોય છે પણ તમારા મિત્રને થાઈ રેડ કરી ખાવી હોય છે. બરાબર…હું માનું છું.

કોઈ વખત, તમારી વચ્ચે અસંમતીઓ પણ થશે, કોઈ વખત તમારા ધાર્યા મુજબનું ન પણ થાય. અને તે પણ બરાબર છે. તમે એકબીજાનાં ન્યાયાધીશ બન્યાં વગર એકબીજા સાથે બની રહો. એ જ મિત્રતા છે, અને જીવન માટે પણ એવું જ છે. તેની સાથે મિત્ર જેવું વર્તન કરો.

જીવનની સાથે સાથે વિકસો, તેની બહાર રહીને નહિ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email