ચીનમાં એક શાઓલીન મંદિર આવેલું છે કે જેમાં એક અજીબ ઓરડો છે. તે એક હજાર અરીસા વાળા ઓરડાથી પ્રખ્યાત છે, કારણકે તેની દીવાલો અને છત એક હજાર અરીસાથી જડેલી છે. અનેક સંન્યાસીઓ ત્યાં પોતાનાં હલન-ચલનને સ્થિર કરે છે કારણકે તેઓ પોતાની જાતને જુદાજુદા એક હજાર ખૂણેથી જોઈ શકે છે. એક દિવસ એવું બન્યું કે તેમાં એક કુતરો ધસી આવ્યો.

તેણે જોયું કે પોતે બીજા એક હજાર કુતરાઓથી ઘેરાયેલો છે, તેને પોતાને થોડી અસલામતી અને ડર અનુભવાયો. તે તો પોતાનાં દાંત બહાર કાઢીને પેલા કુતરાઓને ડરાવવા માટે ઘૂરકીને ભસવા લાગ્યો. સહજ છે કે બાકીનાં હજાર કુતરાઓ પણ ઘૂરકીને સામે ભસવા લાગ્યા. હજી પૂરું ન થયું હોય તેમ હવે તે તેમની પાછળ દોડવા લાગ્યો. એક હજાર કુતરાઓ પણ તેની પાછળ દોડવા લાગ્યા. આમાં ને આમાં તેને કેટલાંય અરીસા તોડી નાંખ્યા અને પોતે પણ તેમાં ઈજાગ્રસ્ત થઇ ગયો, આ બધાં કુતરાઓ સાથે લડતાં-લડતાં તે ખુબ જ થાકી ગયો અને લોહીલુહાણ થઇને ત્યાંનો ત્યાં જ મૃત્યુ પામ્યો.

થોડી વાર પછી ત્યાં સંન્યાસીઓ આવ્યા અને ત્યાં આ મરેલો કુતરો અને તૂટેલાં અરીસાનાં કાચ જોઈને હતપ્રભ થઇ ગયા. તેઓ એ ત્યાં બધું સ્વચ્છ કર્યું અને ઓરડાની પાછી મરમ્મત કરી. થોડા દિવસો વિત્યાં હશે અને ત્યાં એક દિવસે નાનું ગલુડિયું આવી ચડ્યું. તેની પહેલાં આવેલાં કુતરાની માફક જ તેને ત્યાં એક હજાર ગલુડિયાઓ જોયા. તે તો એકદમ ખુશખુશાલ થઇ ગયું, તેને પોતાની પૂછડી પટપટાવી. એક હજાર કુતરાઓએ તેની સાથે જ પોતાની પૂછડીઓ પટપટાવી. એક હજાર મિત્રો જાણે મળી ગયા હોય તેનાં આનંદમાં આ ગલુડિયું તો ત્યાં ગુલાંટ ખાવા લાગ્યું. એક હજાર સુંદર ગલુડિયાઓ પણ સાથ આપવા લાગ્યા.

દર વખતે તે કોઈ એક ગલુડિયાની નજીક એક કદમ આગળ આવતું તો અંદરનું ગલુડિયું પણ બે કદમ તેની આગળ આવતું. નાનું ગલુડિયું તેમની તરફ પોતાની નાજુક આંખોથી પ્રેમભરી નજરે જોતું અને અંદરનાં દરેક ગલુડિયાઓ પણ તેની તરફ એટલાં જ પ્રેમથી જોતા.

આપણું વિશ્વ પણ આ હજાર અરીસા વાળા ઓરડાથી કઈ બહુ અલગ નથી. તમે ઘૂરકિયા ભરો અને હજાર લોકો સામે તમને ઘૂરકિયા ભરશે. તમે સ્મિત કરો અને હજાર લોકો સામે તમને સ્મિત આપશે. તમને ખબર છે કેમ? કારણકે પ્રતિક્રિયા આપવી એ કોઈ પણ વસ્તુની શરૂઆત કરવાં કરતાં ઘણું સહેલું છે.
મને ફરીથી કહેવા દો: પ્રતિક્રિયા આપવી એ કોઈ પણ વસ્તુની શરૂઆત કરવાં કરતાં ઘણું સહેલું છે.

નવી મિત્રતા બનાવવી, નવી શરૂઆત કરવી તેમાં હિંમતની જરૂર પડે છે. ઘણાં લોકો જીવનથી થાકી જાય છે અને તૂટી જાય છે, કે તેમનામાં સંબંધને ફરી ઠીક, તાજો કે તેનું પુન:સ્થાપન કરવાની હિંમત (કે ઈચ્છા) નથી રહેતાં. તેમને લાગે છે કે હવે તેમને કશાની પડી નથી. જો કે મને-પણ-કશી-ચિંતા-નથી વાળા સ્વભાવની પાછળ કાં તો તેમને તિરસ્કારનો ડર કાં તો ફરીથી ઘવાવાનો ડર રહેલો હોય છે. પરિણામે, લોકો તૂટેલાં સંબંધોને ભાંગી ગયેલી મિત્રતાને લઈને વર્ષો સુધી જીવે છે, કોઈકોઈ વાર તો પોતાનાં છેલ્લાં શ્વાસ સુધી.

જે ખરેખર મજબુત છે તેઓ માફી માંગવાથી કે માફ કરવાથી ડરતાં હોતાં નથી. જો સત્ય વચન કહું તો, માફી આપવી એ માફી માંગવા જેટલું અઘરું નથી હોતું. જેવી રીતે ખુબ જ આતુરતા પૂર્વક રાહ જોવાતી વર્ષા શુષ્ક જમીનની તરસને તૃપ્ત કરે છે અને અસંખ્ય બીજને અંકુરિત થવામાં મદદ કરે છે, તેવી જ રીતે માફી એ એક ધીમી ઝરમર છે કે જે સંબંધને ફરી નવો કરે છે. માફીની ગેરહાજરીમાં કોઈ પ્રેમની ખરી લાગણી ફૂટતી કે ખીલતી નથી હોતી.

આપણામાંનાં દરેકજણ હજાર અરીસા વાળા ઓરડાની અંદર ઉભેલાં છીએ અને એ આપણી ઉપર છે કે આપણી સ્મિત વેરવું કે ઘૂરકિયા કરવાં. બન્નેમાં તમને વળતર ૧૦૦૦ ટકા મળતું હોય છે. આપણો ઓરડો એ આપણું વિશ્વ છે. તે આપણું પોતાનું પ્રતિબિંબ છે.

આ વખતનાં નવા વર્ષમાં નવી પ્રતિજ્ઞા લેવાની સાથે સાથે, તેની શરૂઆત આપણે માફી માંગીને અને માફી આપીને કરીએ તો કેવું? કોઈએ કદાચ કઈ ખોટું કર્યું હોઈ શકે અને તેને માફી માંગવાની કોશિશ પણ કરી હોય પરંતુ તમે એટલાં બધાં દુઃખી થઇ ગયા હતાં કે તે સમયે કદાચ માફ નથી કરી શક્યાં.

ચાલો તમે તેમને માફ કરી દીધા છે એવું લખેલો એક પત્ર મોકલીએ તો કેવું રહેશે? તમે આ વિચાર ને રદ કરો તે પહેલાં ફરી એક વાર વિચાર કરી લે જો. અને માફી માંગવાની હોય ત્યાં માફી માંગી લઈએ તો કેવું રહેશે? તમે પણ કોઈને ક્યારેક તકલીફ આપી હશે. તો એક હૃદયસ્પર્શી માફીપત્ર લખીએ તો કેવું રહેશે (અને એમાંનો દરેક શબ્દ ખરો હોવો જોઈએ) અને તેમને એ આશા સાથે મોકલો કે કદાચ તેઓ તેનો ક્યારેય ઉત્તર ન પણ આપે? અને તેઓ ન આપે તો તેમાં પણ કશો વાંધો નથી. કારણકે માફી માંગવાની ચેષ્ટામાં તમે તમારું પોતાનું કર્મ કરી રહ્યાં છો અને તેમાં તમે તમારી ભૂલ એક પ્રભાવશાળી રીતે સ્વીકારીને તમારી જાતને વટાવી રહ્યાં છો, તેમાં તમે સામે વાળાની પ્રતિક્રિયા ઉપર આધારિત નથી હોતા.

સાચી માફી આપણને જેને દુઃખ આપ્યું હોય તે જ આપી શકે. જે પીડિત હોય છે તેને ક્યારેય અવેજીમાં નથી મૂકી શકાતું. કોઈ રાબી, પાદરી, સંત કે પયગંબર તમને એ દુઃખ માટે માફ ન કરી શકે કે જે તમે કોઈ બીજાને આપ્યું હોય. જો પીડિત વ્યક્તિ તમારા જીવનમાં હાજર ન હોય કે હવે તેનો સંપર્ક કરી શકાય તેમ ન હોય તો તેવાં કિસ્સામાં તમે કબુલાત કરવાનો માર્ગ લઇ શકો. અથવા તો, વધુ સારું એ રહેશે કે તમે કદાચ તમારા હૃદયમાં કોઈ એવી વ્યક્તિને માફ કરી દો કે જેઓએ તમને દુઃખ આપીને નીચા જોવડાવ્યું હોય.

તમને માફી મળી શકે તેમ ન હોય તો તમે બીજાને માફ કરી દો.

પોતના મિત્ર અને કુટુંબને સાથે લઈને એક દિવસ મુલ્લા નસરુદ્દીન એક મનોરંજન પાર્કમાં ગયા. બીજા બધાં ચકડોળ આગળથી પસાર થઇ જઈને મુલ્લાં એક ગોળ ગોળ ફરતા ચકડોળમાં કુદીને બેસી ગયા અને તેમાં વારે વારે બેસી જ રહ્યાં. જયારે પણ ચકડોળ ઉભો રહે ત્યારે મુલ્લાને ચક્કર આવે, અને તે એક પ્યાલો પાણી પીવે અને પાછા ચકડોળમાં જઈને બેસી જાય. આવું એક કલાક સુધી ચાલ્યું.

“વાહ, મુલ્લા! મને નહોતી ખબર કે તમને ચકડોળ આટલો બધો ગમતો હશે,” તેમનાં મિત્રે કહ્યું.
“ગમતો હશે? અરે હું તો તેને ધિક્કારું છું!” મુલ્લાએ જવાબ આપતાં કહ્યું. “મને ખુબ જ ચક્કર આવે છે અને ગમે ત્યારે મને ઉલટી થશે એવું થાય છે.”
“તો પછી તમે શું કામ બેસો છો?” મિત્રે પૂછ્યું.
“હું આ ચકડોળનાં માલિક પાસે ૫૦ રૂપિયા માંગું છું, અને તેને વસુલવાનો આ એક જ રસ્તો છે.”

જયારે આપણે કોઈ ગણતરીને બરાબર કરવાની કોશિશ કરીએ છીએ ત્યારે તે આપણી જાતને જ સજા કરવાં જેવું હોય છે, પેલાં મુલ્લાની માફક. જયારે બીજી વ્યક્તિ પોતાનો ગુનો સ્વીકારવાની ના પાડે, ત્યાં તમે તેમને તેની અનુભૂતિ કરાવડાવવા માટે કશું જ નથી કરી શકતાં. ફક્ત સમયની સાથે તેઓ કદાચ તે વાતને સમજે કે ના પણ સમજે. તેમ છતાં, આપણે તો તેમનાં સ્તરે નહિ જવાની આપણી બનતી કોશિશ કરવાની જ. અરે તમે જો તેમને ન પણ કહો (તમારી વાત કરવાના કે બીજા કોઈ ઈરાદા સાથે), તો પણ ઓછાનામે તમે પ્રયત્ન તો કરી જ શકો અને તમે તમારા હૃદયમાં તો તેમને માફ કરી જ દઈ શકો. જયારે તમે બીજાને માફ કરી દો છો, ત્યારે કુદરત તમને તમારા ખરાબ કર્મો માટે પણ માફ કરી દેતું હોય છે. ખાસ કરીને એવા કર્મો માટે કે જેમાં માફી આપવી એ કોઈ માનવનાં હાથની વાત ન હોય. હળવા હૃદયથી તમે એક અર્થપૂર્ણ સંબંધને આકાર આપી શકતાં હોવ છો.

તમારું જીવન તમારા સંબંધોની ઊંડાઈની માત્રા જેટલું જ સુંદર હોય છે. અને તે છે તમારો અન્ય સાથેનો સંબંધ અને તમારો પોતાની જાત સાથેનો સંબંધ.

અરે, જયારે આપણે કોઈ બીજા સમક્ષ ઘૂરકિયા કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ તો આપણે આપણી તરફ જ ઘૂરકિયા કરતાં હોઈએ છીએ. અરીસામાં જોઈ જુઓ, જો તમને મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો. અને, જયારે આપણે કોઈ બીજાને પ્રેમ કરતાં હોઈએ છીએ, ત્યારે કુદરતી રીતે જ આપણે આપણી જાતને પ્રથમ પ્રેમ કરીએ છીએ. આ વાત માફી સહીતની દરેક લાગણી માટે પણ એટલી જ સાચી છે.

એક હળવું સ્મિત ધારણ કરો, એક ઉષ્માભર્યું હૃદય રાખો કે જેથી કરીને તમે જયારે એક હજાર અરીસા વાળા ઓરડાની અંદર દાખલ થાવ તો તમે તમારી પોતાની ભવ્યતાને જોઇને મીઠી મૂંઝવણ અનુભવો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email