એક દિવસે, માં શમતા ઓમે (મારા અગ્રિમ શિષ્યા અને હું ઓળખું છું ત્યાં સુધી તેઓ એક અત્યંત ગરિમાપૂર્ણ અને સુંદર આત્મા છે) એક ખુબ જ ગહન વાત કહી અને તે પણ તેમની સામાન્ય સરળતાથી.

“સ્વામી,” તેમને કહ્યું, “મને એક વિચાર આવ્યો, માનવ જીવન કેટલું સુંદર અને સરળ છે. રોજ સવારે ઉઠો, સારા કર્મ કરો, ભરપેટ ભોજન કરો, બીજાને મદદ કરો, માનવસેવા કરો અને થોડો આરામ કરો. બસ આટલું જ છે. પરંતુ કોઈ કારણોસર, આપણામાંનાં મોટાભાગનાં લોકોએ જીવનને જરૂર કરતાં વધારે વિચારો અને ચિંતા કરીને ખુબ જ પેચીદું બનાવી દીધું છે.”

આ સંદેશની સાથે સાથે એક શબ્દ જે મને ખુબ અલગ લાગ્યો, તે હતો “બનાવી દીધું છે”. આ બનાવવાની કોશિશ કરતાં કરતાં આપણે જીવનને એવી રીતે જોતા થઇ ગયાં છીએ કે તે કશુંક એવું છે કે જેને કઈક બનાવી શકાય. સત્ય તો એ છે કે આપણે તેને નથી બનાવી શકતાં. અમુક એવા પરિબળો છે કે જેનાં ઉપર આપણો કાબુ હોય છે, પરંતુ બાકીનું બીજું બધું, મોટાભાગનું આપણા પ્રભુત્વ અને ઈચ્છાઓથી પરે હોય છે.

જે ક્ષણે આપણી જીવન પ્રત્યેની દ્રષ્ટી તેને કશુંક બનાવી શકાય એ બાબતથી હટાવીને જીવનની સાથે વહી શકાય એવી કેળવી લઈશું ત્યારે આપણો તેનાં પ્રત્યેનો દ્રષ્ટિકોણ કુદરતી રીતે બદલાઈ જશે. બિનજરૂરી સંઘર્ષ પાછલી પાટલીએ બેસી જશે અને તમે તમારે કઈ બાબતો માટે સમર્પણ કરી દેવું અને કઈ બાબતો માટે તમારે સત્તા બધી હાથમાં લેવી તેનાં પ્રત્યે તમે ખુબ જ સજાગ થઇ જશો.

આ કર્મ-ચલીત અને પરિણામ-કેન્દ્રી દુનિયામાં, આપણે બનાવી દેવાની બાબત ઉપર ખુબ જ વધારે પડતો ભાર મૂકી દીધો છે. પાર્કર પાલ્મરનાં શબ્દોમાં કહીએ તો, “આપણે જો કૃષિજીવનમાં કુદરતની નજીક જીવતા હોત તો ઋતુઓ આપણા જીવનને બાંધી રહી હોત. પરંતુ આજનો સમય એ કૃષિ જીવનનો નહિ પરંતુ ઉત્પાદનનો છે. આપણે જીવનને કશું “વાવીએ” છીએ તેમ નથી માનતાં – આપણે તો કશુંક “બનાવીએ” છીએ તેમાં માનીએ છીએ. આપણે રોજબરોજનાં જીવનમાં કયા શબ્દો વાપરીએ છીએ તેનાં તરફ ધ્યાન આપો: આપણે સમય કાઢ્યો, મિત્રો બનાવ્યા, અર્થ બનાવ્યો, પૈસા બનાવ્યા, ગુજરાન ચલાવ્યું, પ્રેમ કર્યો વિગેરે.”

આપણે સમુદ્રો, પર્વતો કે નદીઓ બનાવી શકતાં નથી. આપણે સુર્યપ્રકાશ, વાદળા કે વરસાદ બનાવી શકતાં નથી. આપણે આપણી આજુબાજુ રહેલાં ભવ્ય સર્જનનાં ફક્ત સાક્ષી બની રહેતાં હોઈએ છીએ. યોગિક ગ્રંથો કહે છે આપણામાંનાં દરેકજણની અંદર સમગ્ર બ્રહ્માંડ સમાયેલું હોય છે. બાઈબલ પણ કહે છે કે ભગવાનનું રાજ્ય આપણી અંદર જ આવેલું છે. અને, આપણી અંદર રહેલાં આ રાજ્ય, આ બ્રહ્માંડમાં દરેક જાતનાં સ્થળો આવેલાં હોય છે – અત્યંત સુદંર અને અત્યંત દર્દનાક પણ. તેમાં ભયરૂપી ઘનઘોર જંગલ છે, નકારાત્મકતાનું દળદળ છે, અહંકારનાં સડેલા વૃક્ષો છે, ઈર્ષ્યાનાં થોર છે, લાલચની લતાઓ છે, ઈચ્છાઓનો કાદવ છે અને દુર્ગંધ મારતો નફરતનો મળ પણ છે.

આટલું કહ્યાં પછી, આપણા આ જ આંતરિક જગતમાં આત્યંતિક સુંદર સ્થળો પણ આવેલાં છે. આનંદનો મહાસાગર, પ્રેમની ભરતી, જીવન ઋતુઓ, વસંતનાં રંગો, પાનખરનો સમય, શિયાળાનો માફ કરનારો હુંફાળો સૂર્ય, ચંદ્ર વગરની સુંદર રાત્રી કે જેમાં તમારી ભલાઈનાં કર્મોનાં તારલા મઢ્યા હોય છે. તેમાં બધું જ છે. આ બધું આપણી અંદર, અહી જ રહેલું છે. જીવનયાત્રામાં, આપણી પાસે આ બધાં અનેક સ્થળોમાંથી પસાર થયાં સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી.

પરંતુ આપનું જીવન કઈ ફક્ત આપણા વિશેની જ વાત નથી, એ તો એક ખુબ જ મોટી ઘટના છે. એક સામુહિક વિકાસ, એક બ્રહ્માંડીય પ્રક્રિયા. ખરેખર, આપણે પણ એટલાં જ જીવનમાં રહેલાં છીએ જેટલું જીવન આપણામાં રહેલું હોય છે.

જીવનનાં દરેક રંગો કઈ આપણા મનને ગમી જતાં હોય એવા ન પણ હોય, પરંતુ તે તમામ એક હેતુ સાથે ત્યાં રહેલાં હોય છે. કોઈ વખત, તે કુદરતને આપણા કેનવાસ ઉપર રંગો પાથરવા માટે મદદ કરે છે, જાણે જીવનને એવું ન કહેતા હોય “મને જ્યાં લઇ જવું હોય ત્યાં લઇ જા”, બ્રહ્માંડનાં જ્ઞાનને સન્માનિત કરવાં માટે તે હોય છે. આપણે આપણી જાતને હંમેશાં કશુંક ને કશુંક બનાવતાં રહેવાનું, સાચું બનાવવાનું અને હાલ ને હાલ બનાવવાનું દબાણ ન આપવું જોઈએ. કોઈ વાર આપણે ફક્ત ધીરજ દાખવીને જતું કરવાનું હોય છે. અને આપણે જીવનને તેને જે રીતે આપણી સમક્ષ પ્રગટ થવું હોય તે રીતે થવા દેવું જોઈએ.

Some time when the river is ice ask me
mistakes I have made. Ask me whether
what I have done is my life. Others
have come in their slow way into
my thought, and some have tried to help
or to hurt: ask me what difference
their strongest love or hate has made.

I will listen to what you say.
You and I can turn and look
at the silent river and wait. We know
the current is there, hidden; and there
are comings and goings from miles away
that hold the stillness exactly before us.
What the river says, that is what I say.
(Stafford, William. “Ask Me.” Ask Me: 100 Essential Poems of William Stafford.)

ચોક્કસ, આપણે અંકુશિત રહીને આપણું જીવન આપણને જે રીતે પસંદ હોય તે મુજબ જીવવાનું ગમતું હોય છે. પરંતુ, જો તમે મને પૂછો તો જીવનને એક આકાર આપવાનો વિચાર માત્ર જ પોતાની રીતે અધુરો છે. આપણે કોઈ માટીના પીંડ નથી કે જેણે મનપસંદ આકાર આપી શકાય કે નથી કોઈ ખડક કે જેની કોઈ મૂર્તિ બનાવી શકાય. કદાચ, આપણે બ્રહ્માંડ તરફથી આવેલી એક ભેટ બરાબર છીએ, એક નાનકડું બીજ કે જે અંકુરિત થવાની રાહ જોઈ રહ્યું છે. કદાચ, તમને થોડી માવજતની જરૂર છે, થોડી કાળજીની અને તમે એક નાજુક છોડ બની ઉગશો અને પાછળથી એક મહાકાય વૃક્ષ કે જે પ્રેમ અને ભલાઈનાં ફળોથી લદાયેલું હોય. આખરે તો, બધું જ તમારી અંદર જ સમાયેલું હોય છે અને રાહ જોતું હોય છે કે તમે તેને શોધી કાઢો.

જીવન સરિતા તમારી પસંદગીઓથી પરે રહીને સ્વતંત્રપણે વહે છે. તમારે તેમાં વહેવું, ઉપર પડ્યા રહેવું, તરવું, કે ડૂબવું, તે તમારી અંગત પસંદગીની વાત છે. કોઈ પણ કીમતે, તે તમને તેની સાથે જ લઇ જતું હોય છે.

તમને સૌને નાતાલની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન.

હસો. શ્વાસ લો. ધ્યાન કરો. જતું કરો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email