તમને ક્યારેય તમારા સાથીને મળીને વાત કરવામાં ડર લાગે છે ખરો, પછી ભલેને તે એક સરળ સવાલ હોય કે આ રવિવારે તારે શું કરવાની ઈચ્છા છે? અને પછી આ સંવાદો તેમની સાથે થાય તે પહેલાં જ તમારા મગજમાં વારંવાર ચાલ્યા કરે છે? એટલાં માટે કે તમને એ ખબર નથી કે તે કેવી રીતે તેનો પ્રત્યુત્તર આપશે. અથવા તો કદાચ એટલાં માટે કે તમને એ વાતનો ડર હોય છે કે તે બિલકુલ ન ગમે તેવી રીતે જ વર્તણુક કરશે, તમારા પ્રત્યે ગુસ્સે થશે કે પછી ખોટી રીતે ચિડાઈ જશે.

જો તમે આ વાતનો અનુભવ કર્યો હશે તો તમે એ પેટમાં કશુંક વલોવાતું હોય તેવી લાગણીથી પરિચિત હશો. જયારે તમે એ અપ્રિય ધ્રાસ્કાને તમારા પેટમાં અનુભવતા હોવ છો, એ ઊંડે ડૂબી જતી લાગણીને અનુભવતા હોવ છો ત્યારે તમે જાણે કે કોઈ ચગડોળે ન ચડ્યાં હોય તેવું લાગતું હોય છે. જાણે કે ગરદન મરોડી નાંખે તેવી ઝડપથી ઉપર-નીચે ન થતાં હોવ. તમને તમારા જ હૃદયનાં ધબકારા જોર જોરથી સ્પષ્ટ સંભળાતા હોય છે, તમે અચાનક દુઃખી અને નકારાત્મક લાગણીનો અનુભવ કરવાં લાગો છો. અને પછી તમે અત્યંત ચિંતામાં સરકી જાવ છો. તેને આ વાતે કેવું લાગશે, તમે તેનાં પ્રતિકાર સાથે કેવી રીતે તાલ મેળવશો? વિગેરે વિગેરે. તમે એ બાબતની ચર્ચા કરવાનાં વિચાર માત્રથી ધ્રુજવા લાગો છો.

અને પછી તમે બસ રાહ જ જોયા કરો છો. તમે એમની સાથે વાત કરવાં માટેની એ “ખરી ક્ષણ”ની રાહ જુવો છો. તમે એવી આશા રાખો છો કે આ વખતે તે તમને સાંભળશે, અને માટે તમે તમારા હૃદયની વાત તેમનાં પ્રતિકારની ચિંતા કર્યા વગર તમે તેમને કરી શકશો. તમે આ ટેપ રેકર્ડ તમારા મગજમાં વગાડ્યાં કરો છો કારણકે તમે તમારા શબ્દો પ્રત્યે સભાન રહેવા માંગો છો, તમે તેમને પ્રેમ કરતાં હોવ છો અને તમારે તેમને ઠેસ નથી પહોંચાડવી હોતી, પરંતુ તમારે તમારી લાગણીને પણ વાચા આપવી હોય છે. તમે તમારી જાતને માનસિક રીતે તેમનાં પ્રકોપનો સામનો કરવાં માટે તૈયાર કરો છો, પરંતુ હકીકતમાં તો તમે કશી રીતે તૈયાર થતાં નથી. તેઓ કઈ જુદી રીતે વર્તતા નથી. તમે એ જ જૂની લાગણી સાથે ત્યાંથી ચાલવા માંડો છો – જાણે કે તમને સાંભળવામાં જ ન આવ્યા હોય, એક ગ્લાની સાથે, નકારાત્મક અને ઠેસ પહોચી હોય તેવી રીતે.

જો તમને મારા કહેવાનો શું અર્થ છે તેની ખબર હોય, તો હું તમને કહી દઉં કે તમારે મદદની જરૂર છે. પણ, એ તો તમારા સાથી છે કે જે લાગણીકીય રીતે વિક્ષેપિત છે તમે કદાચ એવું કહેશો. બિલકુલ. પણ તેમ છતાં, મદદની જરૂર તો તમને જ છે. તમે તમારા મન ઉપર એ અવાસ્તવિક વાતનો બોજ લઇ લીધો છે કે તમારે સામેવાળાની લાગણીને સંભાળવાની છે. તેઓ પોતાનાં વર્તન અને લાગણીઓ માટે ખુદ પોતે જ જવાબદાર છે, તેમને તેવું સમજાવવાને બદલે તમે એ વાતનો બોજો તમારા શિરે લઇ લીધો છે કે તમારા વર્તનથી સામેવાળાની લાગણી સરખી થઇ જશે. આ એક બહુ મોટી ભૂલ છે.

એક તંદુરસ્ત સંબંધમાં, બે વ્યક્તિઓ એકબીજા માટે હોય છે પરંતુ તેઓ પોતાનું પણ ધ્યાન રાખે છે. તેઓ એ સમજતાં હોય છે કે તેમને પોતાનાં જીવનની જવાબદારી લેવી જ પડે. જયારે આવી જવાબદારી કોઈ એક સાથીનાં ખભા ઉપર સરકી જાય ત્યારે આવો સંબંધ અશુભ બની જાય છે. તે ટકે પણ નહિ અને વ્યવહારુ પણ ન બની શકે. અરે તે સાચો સંબંધ પણ નથી રહેતો, જો તમે મને પૂછો તો.

આ એક સરળ પરંતુ ગહન વાર્તા છે કે જે ઈન્ટરનેટ પર ફરી રહી છે. મેં તે સૌ પ્રથમ મેલોડી બેટ્ટીની Codependent No More માં વાંચી હતી.

એક સ્ત્રી પર્વતો પર આવેલી એક ગુફામાં એક ગુરુ સાથે અભ્યાસ કરવાં ગઈ. જ્ઞાનની તરસમાં તેને એવ કહ્યું કે પોતે શિખવા માટે જરૂરી એવું બધું જ શિખવા માંગે છે. ગુરુએ તેને પુસ્તકોનો ઢગલો આપ્યો અને તેને એકલી ત્યાં મુકીને આવી ગયા કે જેથી કરીને તે અભ્યાસ કરી શકે.

“જાણવા જેવું બધું તે શિખી લીધું કે હજી નહિ?” તે દરરોજ સવારે તેને પૂછતાં.
“નાં,” દર વખતે તે જવાબમાં બોલતી, “હજી નથી શિખી.”

ગુરુ પછી તેનાં માથા ઉપર એક નેતરની સોટીથી પ્રહાર કરતાં. આવું મહિનાઓ સુધી ચાલ્યું. એ જ સવાલ, એ જ જવાબ, એ જ પ્રકારનો વ્યવહાર. એક સવારે, જો કે, જયારે ગુરુ મારવા માટે પોતાનો દંડો હવામાં વીંઝે છે ત્યારે પેલી સ્ત્રી હુમલાને હવામાં જ અટકાવતાં એ દંડો ગુરુનાં હાથમાંથી ખૂંચવી લે છે.
દરરોજની હિંસાનો અંત લાવી દેતાં તેને હાશ થઇ, પણ બદલાની બીક લાગતાં તેને ગુરુ સામે ઉપર જોયું. તેને નવાઈ લાગી પરંતુ ગુરુ તો હસી રહ્યાં હતાં.

“અભિનંદન,” ગુરુ બોલ્યાં, “તું આજે સ્નાતક થઇ ગઈ. જાણવા જેવું બધું તે આજે જાણી લીધું છે.”
“કેવી રીતે?” સ્ત્રી એ પૂછ્યું.
“તે જાણી લીધું છે કે જાણવા જેવું જેટલું પણ કઈ છે તે ક્યારેય બધે બધું શિખી શકાય તેમ નથી હોતું.” તેમણે જવાબ આપ્યો.
“અને તે એ જાણી લીધું છે કે દર્દને કેવી રીતે અટકાવવું.”

જયારે તમને એ વાતનું ભાન થઇ જશે કે કોઈ પણ સંબંધમાં દરેક પ્રકારનાં દ્રશ્યોને આવરી શકાય નહિ, કે તમે બીજી વ્યક્તિની લાગણીઓ અને વિચારોને સરખા કરી શકો નહિ, કે સામેવાળી વ્યક્તિએ પણ પોતાનાં જીવનની થોડી (સમગ્ર નહિ તો) જવાબદારી તો લેવી જ પડે, ત્યારે તમારું દર્દ એ જ ક્ષણે બંધ થઇ જશે. તમે તમારી જાતનું ધ્યાન સ્વયં રાખતાં થઇ જશો. એવું નથી કે તમે સામેવાળી વ્યક્તિને હવે ઓછો પ્રેમ કરો છો, હકીકતમાં તો તમારો પ્રેમ વધે છે કારણકે પેલાં ઝેરીલાપણાનું સ્થાન હવે જવાબદારીએ લઇ લીધું હોય છે.

એક ઝેરીલાં સંબંધમાં, સામેવાળી વ્યક્તિની જરૂરિયાત પ્રત્યેની સમજણનો ગંભીરપણે અભાવ રહેલો હોય છે. જે ઝનૂની સાથી હોય છે તે કાબુ કરવામાં નિપુણ હોય છે, જરૂરી નથી કે તેઓ પોતાની વાત મનાવી લેવા વાળા હોય પરંતુ તેઓ કાબુ કરનારા હોય છે. તેઓ તમારા પર વધારે પડતાં આધારિત રહીને તમારી પાસેથી એક ચોક્કસ પ્રકારનું વર્તન બહાર કઢાવી લે છે. તેઓ આમ જાણી જોઈને કે લુચ્ચાઈપૂર્વક નથી કરતાં હોતા. તેઓ આમ ફક્ત તેમની અંદરથી આવતાં ફરજીયાતપણાને લીધે કરતાં હોય છે. મોટાભાગે આજની તારીખ સુધી તેમનાં માટે શું કામ કરી રહ્યું હતું તેનાં આધારે. જલ્દી જ, જો કે, આ વસ્તુ બન્ને સાથીને ગૂંગળાવી મુકે છે કેમ કે આ એકદમ થકવી નાખનારું અને ભારેખમ હોય છે. ત્યાં આનંદ માટે બહુ થોડી શક્યતા બચી જાય છે કેમ કે તમારા મગજનો મોટો ભાગ ચિંતા અને ડરે લઇ લીધો હોય છે. તો, તેનો શું ઉકેલ છે, તમે પૂછશો?

એક ઉત્સાહિત સ્ત્રી પોતાની ઓફિસમાંથી પોતાનાં પતિને ફોન કરે છે.

“કલ્પના કર શું થયું હશે!” તેને એકદમ આનંદથી ચીસ પાડતાં કહ્યું. “મને મોટી લોટરી લાગી! હું હવે ૨૦મિલિયન ડોલરની માલિક છું!”
“તું મજાક કરું છું!” પતિએ પણ એટલાં જ આનંદમાં આવી જતાં ચીસ પાડીને કહ્યું.
“તારા કપડા પેક કરી લે,” પત્નીએ કહ્યું “આપણે, થોડો આરામ કરી લઈએ!”
“શિયાળાનાં કપડા કે ઉનાળાનાં?”
“બધાં જ. હું ઈચ્છું છું કે છ વાગ્યા પહેલાં તું મારા ઘરની બહાર હોય.”

અનાસક્તિ એ તમારો જવાબ છે. હું એમ નથી કહી રહ્યો કે તમે ઉપરોક્ત ટુચકામાં જેવું પેલી પત્ની કરે છે તેવું કરો. અને, હું કોઈ બ્રહ્મજ્ઞાનની ગુઢ વાત કે ફિલસુફીનાં અર્થમાં નથી કહી રહ્યો. સંબધોનાં સંદર્ભમાં અનાસક્તિને હું આ રીતે જોઉં છું: ભૌતિક અંતર એ અનાસક્તિ નથી (જો કે એ કોઈવાર મદદરૂપ થતું હોય છે ખરું). અનાસક્તિ એટલે સામેવાળી વ્યક્તિને જરૂરી સમય અને સ્થળ આપવા કે જેથી કરીને તેઓ વધુ જવાબદાર થતાં શીખે. આ એક યાદ અપાવવા જેવું છે કે તમે પ્રથમ તમારી જાતનું ધ્યાન રાખ્યા વગર બીજા કોઈનું ધ્યાન ન રાખી શકો. આ એક સમજણ છે કે તમને ખુશી મળે એવી વસ્તુઓ કરવાનો તમને પણ હક્ક છે. તમને પણ અન્ય લોકો જેટલો જ  જીવવા માટેનો હક્ક છે.

અનાસક્તિ કે વૈરાગ્યમાં એ હકીકતનો સ્વીકાર છે કે જે લોકોને તમે પ્રેમ કરો છો તેઓ તેમની પોતાની લાગણી માટે સ્વયં જવાબદાર છે. તેમને તેમની પોતાની જિંદગીને કાબુમાં રાખવા દઈ (અને નહિ કે તમારી) તમે ખરેખર તો તેમને જ મદદ કરો છો. આમ કરવાથી શરૂઆતમાં દુઃખ લાગી શકે પરંતુ અંતે તે તમારા સંબંધમાં એક નવો પ્રાણ ફૂંકશે. અહી એક એવી તટસ્થતા કેળવાશે કે જેથી કરીને તમે નાની-નાની બાબતો પ્રત્યે ચિંતા નહિ કરો અને તેને બધું તરત જ સરખું કરી દેવાની તાલાવેલીમાં નહી રહો. જે પરિસ્થિતિ તમે ઉભી નથી કરી તેને તમે સરખી પણ ન કરી શકો. દર વખતે તો નહિ જ.

અનાસક્તિમાં એ વાતનું ભાન થાય છે કે સૌથી અશાંત વ્યક્તિ જાતે પસંદ કરીને ખરાબ વર્તન નથી કરતાં. તેમનું coping mechanisms (આંતરિક અને બાહ્ય તણાવ સાથે કામ લેવાની ટેવ) તેમને અમુક રીતે વર્તવા માટે ફરજ પાડે છે. તમારી અનાસક્તિની સમજ તમને દરેક વસ્તુને ખુબ અસરકારક રીતે સંભાળવા માટે જરૂરી એવી શાંતિ પ્રદાન કરશે (તમારું મગજ છટકાવ્યા વગર). અનાસક્તિમાં તમે સંઘર્ષ અને ઘર્ષણનાં સમયે તેને હળવાશથી લેતાં શીખો છો (બેદરકારીથી નહિ). અહી તમે જયારે કોઈ ગરબડનો સામનો કરો ત્યારે તમે તેનાં પ્રત્યે જે પહેલો વિચાર આવે કે જે લાગણી પ્રથમ ઉઠે તેનો અમલ કરતાં પહેલાં તમે તમારી પ્રતિક્રિયાને ચકાસો છો. તમે તમારા સાથી જ્યાં સુધી એ વાત સમજી ન લે કે તમારા બેમાંથી કોઈ પણ કાયમ કઈ બીજા માટે હંમેશાં ઘસાયા ન કરે ત્યાં સુધી આ અનાસક્તિ તમને તમારી સ્વસ્થચિત્તતા ટકાવી રાખવામાં મદદરૂપ નીવડે છે.

આટલું કહ્યાં બાદ, અનાસક્તિ એ તો ફક્ત ઉકેલનો એક ભાગ માત્ર છે. હજી તેમાં બીજું વધારે પણ રહેલું છે. આવતા અઠવાડિયે, કાબુ કરનારા પ્રેમ અને કાળજીથી ઉભા થતાં સંકટ ઉપર લખીશ. જો તમે તમારો સંબંધ તંદુરસ્ત રહે તેમ ઇચ્છતાં હોવ તો વહેલાં કે મોડા તમારે તમારી જાતનો પક્ષ લેતાં શિખવું પડશે. એક સાચા પ્રેમમાં કુદરતી રીતે જ અનાસક્તિની એક માત્રા રહેલી હોય છે, નહીતર તો એ એક વળગણ સમાન અને અસુવિધાજનક બની જાય છે. નાદુરસ્ત સંબંધો એ ઝનુન અને આસક્તિનાં કેદીઓ સમાન હોય છે. જયારે બીજી બાજુ તંદુરસ્ત સંબંધમાં મિત્રતા અને સ્વતંત્રતાનું ઇંધણ પુરેલું હોય છે. વધારે પડતી કાળજી પ્રેમને દુર્બળ બનાવી દે છે.

તમારી જાત માટે બોલતા શીખો. ડરો નહિ. એક શ્વાસ ભરો. અને અનાસક્ત થઇ જાવ. દરેક વસ્તુને તરત જ સરખી કરી દેવાનો બિલકુલ પ્રયત્ન ન કરો. તમે તમારું ધ્યાન રાખવાનું શરુ કરશો તો કોઈ મરી નથી જવાનું. ઉલટાનું, તમે જેમ તમારા પગ ધરતી પર ટકાવીને તમારા માટે ઉભા રહેતાં શિખી લેશો ત્યારે તમારું અને બીજાનું જીવન ફક્ત વધુ સુંદર બની રહેશે. કારણકે, અંતે, આ નવી મળેલી તાકાતથી તમે વધુ પ્રેમાળ, કાળજી કરનાર, આત્મવિશ્વાસુ, અને વધુ ખુશ રહી શકશો.

આ લેખ સામાન્ય કરતાં બહુ વધારે લંબાણપૂર્વક લખાઈ ગયો, પરંતુ, મને લાગે છે, સંબંધો ઉપરનું લખાણ એક મંથર ગતિએ ચાલતો મામલો છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email