દંતકથા એવી છે કે કઝાકિસ્તાનનાં રાજાએ એક વખત પોતાનો રાજદૂત ભારતનાં સમ્રાટ એવાં જલાલ-ઉદ્દ-દિન મોહમ્મદ અકબરનાં દરબારમાં મોકલ્યો. અકબરનાં દરબારમાં રહેલાં નવરત્નો પોતાની અસામાન્ય બુદ્ધિમત્તા અને કૌશલ્ય માટે પ્રખ્યાત હતાં. તેમાંનો એક એવો બીરબલ કે જે પોતાની હાજરજવાબી અને ડહાપણ માટે પ્રખ્યાત હતો. રાજા પોતાનાં સવાલોનો જવાબ વ્યક્તિગત રીતે સાંભળવા માંગતા હતાં માટે બીરબલને તેમની પાસે મોકલવામાં આવ્યો.

“ભગવાન ક્યાં રહે છે?” કઝાકિસ્તાનનાં રાજાએ પોતાનો પ્રથમ સવાલ કરતાં કહ્યું.

બીરબલે જવાબમાં એક દૂધનો પ્યાલો મંગાવ્યો. જેવો તેની પાસે હાજર કરવામાં આવ્યો કે તેને પોતાની આંગળી તેમાં બોળીને હલાવવા માંડ્યો.

“હં…” પોતાનું માથું હલાવતાં તેને કહ્યું. “આ દૂધમાં માખણ નથી.”

દરબારમાં હાજર લોકો બધાં જોરજોરથી હસવા લાગ્યા, અને પછી રાજાએ કહ્યું, “દૂધમાંથી મલાઈ મેળવવા માટે તેને વલોવવું પડે અને, ત્યારબાદ તેને ફરીથી વલોવવાથી તેમાં માખણ નીકળે.”

“બિલકુલ બરાબર, જહાપનાહ,” બીરબલે કહ્યું. “માખણ દૂધમાં જ છે પરંતુ આપણે તે જોઈ શકતાં નથી. માખણનો સ્વાદ માણતાં પહેલાં દૂધને અમુક પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. એવી જ રીતે, ભગવાન પણ દરેક જીવમાં વસતાં હોય છે, પરંતુ તેનાં અસ્તિત્વનો અનુભવ કરવાં માટે પ્રત્યેકજણે પોતાની જાતને શુદ્ધ કરવી પડતી હોય છે. દિવ્યતાને બહાર કાઢવા માટે પોતાની ચેતનાને, પોતાનાં અધમ વિચારોને, લાગણીઓને અને ઇચ્છાઓને વલોવવી પડતી હોય છે.”

“ખુબ સરસ,” રાજાએ જવાબથી ખુશ થતાં કહ્યું. “ભગવાન શું ખાય છે?”

દરબારમાં ખામોશી છવાઈ ગઈ.

“સ્પષ્ટ છે કે જો ભગવાન જીવતો હોય તો કઈક તો ખાતો જ હોવો જોઈએ,” તેને ઉમેરતાં કહ્યું.

“બિલકુલ, જહાપનાહ,” બીરબલે તરત જ જવાબ આપતાં કહ્યું. “ભગવાન જરૂર ખાતો હોય છે. તેનો ખોરાક છે આપણા જેવા મનુષ્યોનું મિથ્યાભિમાન. આપણો ઈતિહાસ તેનો સાક્ષી છે. અંતે તો દરેકને દિવ્યતાની અદાલતમાં હાજર થવું જ પડતું હોય છે. જે કોઈ પણ ભગવાનને ઇચ્છતું હોય તેને પોતાનો અહંકાર ભગવાનને અર્પણ કરવો પડતો હોય છે.”

“અતિ સુંદર!” રાજાએ વિસ્મયતાપૂર્વક કહ્યું. “અને, ભગવાન શું કરતો હોય છે?”

“આ સવાલનો જવાબ સાંભળવા માટે તમારે મારી નજીક આવવું પડશે,” બીરબલે કહ્યું.

રાજા તો આ સુચના સાંભળીને અવાક થઇ ગયો પરંતુ પોતાનાં સવાલનો જવાબ જાણવાની આતુરતાને લીધે, તે પોતાનાં સિંહાસન પરથી નીચે ઉતરીને જ્યાં બીરબલ ઉભો હોય છે ત્યાં પહોંચે છે.

“હું તમારા સવાલનો જવાબ ફક્ત તમારા સિંહાસન ઉપર બિરાજીને જ આપી શકું તેમ છું,” બીરબલે પોતાનું મસ્તક નમાવતાં કહ્યું.

હાજર દરબારીઓનાં તો આ સુચના સાંભળીને ભવાં ઊંચા થઇ ગયા અને એક ગભરાટ ભર્યો ગણગણાટ આખા દરબારમાં છવાઈ ગયો.

“તો જા અને બેસ,” રાજાએ કહ્યું. “મારે જવાબ તો શોધવો જ પડશે.”

એક અનોખી અદા સાથે, બીરબલ તો શાહી પગથીયા ચડે છે અને સિંહાસન ઉપર જઈને બેસે છે, એક એવું આસન કે જેની પર રાજા સિવાય કોઈ ક્યારેય બેઠું નહોતું.

પોતાનાં હાથ રત્નજડિત બે હાથા ઉપર ટેકવતાં બીરબલ એક સમ્રાટની માફક બોલ્યો, “ભગવાન આ કરે છે, ઓ રાજા! એક ઘડીભરમાં એક મારા જેવાં નશ્વર માણસ કે જે ગરીબીમાં જન્મ્યો હોય છે, તે રાજા બની જાય છે, અને બીજી બાજુ, તમારા જેવા, જે જન્મતા વેંત એક રાજા હોય છે, તેને કોઈ પણ આંચકા વગર સિહાંસન ઉપરથી નીચે ઉતારી મુકે છે.”

“તેં નિ:શંકપણે તે સાબિત કરી દીધું બીરબલ, કે દુનિયાનો સૌથી બુદ્ધિશાળી માણસ અકબરની સભામાં સેવા આપી રહ્યો છે.”

રાજાએ બીરબલને ખુબ બધી ભેટસોગાદો આપી અને તેને એક રાજવી વિદાય આપી.

આ વાર્તા ટાંકીને હું એવું નથી કહી રહ્યો કે ઉપર બેઠું બેઠું કોઈ બધાં નિર્ણયો કરી રહ્યું છે. તે વાત હું તમારી અંગત માન્યતા ઉપર છોડી દઉં છું. મેં આ વાર્તા તમને એટલાં માટે કહી કે જયારે મેં તે પ્રથમ વાર સાંભળી ત્યારે મને તેમાં રહેલી બીરબલની ઊંડી ફિલસુફી અને હાજરજવાબી ખુબ જ ગમી ગઈ હતી. મને લાગ્યું કે તમને પણ ગમશે. બીરબલનાં જવાબોમાં ક્યાંક, ખાસ કરીને પ્રથમ જવાબમાં, મહાન સત્ય છુપાયેલું છે.

વારે વારે લોકો મને પૂછતાં રહેતાં હોય છે કે પોતાનાં જીવનમાં ભગવાનની હાજરી કેવી રીતે અનુભવવી. હું તેમને કહેતો હોવ છું કે તેઓએ તેમનાં જીવનમાં રહેલી તમામ બાબતો માટે કૃતજ્ઞતા રાખવી જોઈએ કેમ કે કૃતજ્ઞતા એ નકારાત્મકતાનું ત્વરિત મારણ છે. અને જયારે તમે હકારાત્મક અને કૃતજ્ઞ હોવ છો ત્યારે દુનિયામાં રહેલી પ્રત્યેક વસ્તુમાં તમને દિવ્યતાનાં દર્શન થાય છે. પરંતુ, આ દિવ્યતાને વધુ અને સતત રીતે કેમ કરીને અનુભવવી? હું કહું છું કે તેનાં માટે જાગૃતપણે દયા દાખવતાં રહો. પણ એવું કરવું સહેલું નથી, એમ તેઓ કહેતાં હોય છે. તો પછી, હું માનું છું કે એક જ માર્ગ બચે છે અને તે છે આત્મ-શુદ્ધિકરણનો. તમારી જાતને જેટલી વધુ શુદ્ધ કરશો, તેટલી વધુ સંવેદનશીલતા તમે વિકસાવી શકશો એ બાબતોનો અનુભવ કરવાં માટે કે જે સામાન્ય રીતે માનવ સમજની બહાર હોય છે.

એક સદ્દગુણી જીવન અને નિયમિત ધ્યાન સાધના કોઈપણને શુદ્ધ કરી શકે છે. સદ્દગુણોને અપનાવવા એ ધ્યાન કરવાં કરતાં કે પછી કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ કરતાં પણ ક્યાંય વધુ મહત્વનું છે. વધુમાં, ધ્યાનની ક્રિયાથી મન ખુબ જ મજબુત બનતું હોય છે, તે તમને વધુ સજાગ બનાવે છે, કે જેથી કરીને તમે લલચામણી પરિસ્થિતિઓમાં (અને એવી પરિસ્થિતિઓ ઘણી આવશે.) પણ તમારા સિદ્ધાંતો માટે ખડે પગે ઉભા રહી શકો. પરંતુ, આજનું મારું કેન્દ્રબિંદુ ધ્યાન પણ નથી. પરંતુ એ છે નમ્રતા, કારણકે, નમ્રતા એ દિવ્યતાનું બીજ છે.

આધ્યાત્મિક આનંદથી ભરપુર થઇને ચર્ચનો મુખ્ય પાદરી ભગવાનની વેદી આગળ ધસી જાય છે. તે પોતાનાં ઘૂંટણિયે પડી જાય છે અને રડવા લાગે છે, “હું કઈ નથી, ભગવાન! હું કઈ નથી! કઈ નથી!”

હાજર બીજો પાદરી મુખ્ય પાદરીની આ અસામાન્ય નમ્રતા અને ભક્તિભરી સંવેદના જુવે છે. ભગવાન પ્રત્યેનાં પ્રેમથી ભરાઈ આવતાં તે પણ “ભગવાન, હું કઈ નથી! હું કઈ નથી, ભગવાન!” એમ કહી ભગવાનની વેદી તરફ દોટ મુકે છે.

હવે એવું બને છે કે ત્યાં હાજર એક નોકર કે જે પોતું કરી રહ્યો હોય છે. તે જુવે છે કે બે મોટી ધાર્મિક વ્યક્તિઓ કેવી રીતે ભગવાન સાથે એકમય થઇ ગયી છે. તેનાં પેટમાં પણ પતંગિયા ઉડવા લાગે છે. ઈશ્વરભક્તિ અને ઉત્કટતાથી તે પણ ભરાઈ આવે છે, પોતું નીચે ફેંકીને તે પણ ભગવાનની વેદી તરફ દોટ મુકે છે, “હું કઈ નથી! ઓ ભગવાન, મને સાંભળજો, હું કઈ નથી! કઈ નથી!”

મુખ્ય પાદરી આ વાતની નોંધ લે છે, અને બીજા પાદરી તરફ ફરીને કહે છે, “જો, એને શું લાગે છે કે પોતે કઈ નથી!”

ખોટી નમ્રતા એ આધ્યાત્મિકતાની દરેક કસોટીમાં નાપાસ થાય છે. દિવ્યતાનાં માર્ગે પ્રદર્શન અને ખોટા દેખાડાનું કોઈ સ્થાન નથી.

ગુરુ નાનક ખોટી નમ્રતા અને સાચી નમ્રતા વચ્ચેનો ભેદ ખુબ સરસ રીતે કરે છે. આ રહ્યું તેમનું વચન:

मिठतु नीवी नानका गुण चंगिआईआ ततु ॥
सभु को निवै आप कउ पर कउ निवै न कोइ ॥
धरि ताराजू तोलीऐ निवै सु गउरा होइ ॥
अपराधी दूणा निवै जो हंता मिरगाहि ॥
सीसि निवाइऐ किआ थीऐ जा रिदै कुसुधे जाहि ॥१॥
(શ્રી ગુરુ ગ્રંથ સાહિબ, પૃષ્ઠ ૪૭૦, શ્લોક મેહલા ૧.)

મધુરતા અને નમ્રતા, ઓ નાનક, સાર છે સદ્દગુણ અને સારાઈનો.
દરેકજણ પોતાની જાતને નમે છે; કોઈ બીજાને નમતું નથી.
જો કોઈ ત્રાજવે તોલવામાં આવે, તો ભારે બાજુ હંમેશાં નીચી નમતી હોય છે.
પાપી, એક શિકારીની જેમ, બે વખત ઝૂકતો હોય છે.
પણ શિશ ઝુકાવીને શું વળે, જયારે હૃદય જ મેલું હોય? ||૧||

જેવા તમે તમારા અહંકારને ઉતારતાં શીખો તેવાં જ તમે નમ્ર કુદરતી રીતે જ બની જાવ છો. અને નમ્રતા, જો હું વધુ કહું તો, ભગવાનની હાજરી તમારી રોજબરોજની જીન્દગીમાં અનુભવવા માંગતા હોવ તો, નમ્રતા એ સૌથી અગત્યની પુર્વપેક્ષિત જરૂરિયાત છે. નમ્રતા વિના, કોઈની પાસે ભગવાન વિશેની એક જડતાથી ભરેલી સમજણ એક સુક્કી બુદ્ધિમતાથી વિશેષ બીજું કશું જ નથી હોતું. નમ્રતા એ મહાન સંતોનું, પયગંબરોનું, અને મસીહાનું એક પ્રમાણ ચિન્હ હતું. એક સામાન્ય માનવીઓની જેમ જ તે આપણી વચ્ચે રહ્યાં અને શાંતિપૂર્વક પોતાનું કામ કરી ગયા.

ફળોથી લદાયેલું વૃક્ષ હંમેશાં થોડું ઝુકેલું રહે છે. કોઈ ભારને લીધે નહિ પરંતુ તેની પાસે આપવા જેવું કશું હોય છે એટલાં માટે. નમ્રતાભર્યું વર્તન અને વાણી તમને ભગવાનની નજીક લઇ જાય છે. તમારે જેટલું વધારે અર્પણ કરવાં જેવું હોય, તેટલાં જ વધુ નમ્ર તમે કુદરતી રીતે બની રહેશો. એ જ તોફાનમાં જયારે એક અડીખમ મહાકાય વૃક્ષને પવન જમીનદોસ્ત કરી નાંખતું હોય છે, તેમાં જ એક ઘાસનું તણખલું નૃત્ય કરતુ હોય છે અને બિલકુલ નુકશાન પામ્યા વગર ઝુમતું રહેતું હોય છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email