આજે બપોરે જયારે હું આશ્રમમાં મુલાકાતીઓને મળીને મારા ઓરડામાં પાછો ફર્યો, ત્યારે વરસાદ વરસવાનો બંધ થઇ રહ્યો હતો. થોડું થોડું ઝરમર ચાલુ હતું અને તમે જાણે કોઈ ભેજ વાળા વાદળોમાં ન ઉભા હોવ તેવો અનુભવ થઇ રહ્યો હતો. થોડી જ વારમાં ઝરમર પણ બંધ થઇ ગયું હતું. મને દુર દુર પંખીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો.

શિયાળાનો સૂરજ જાણે રમત રમતો હોય તેમ વાદળામાંથી ડોકિયું કરીને એક હૂંફાળી રજાઈ ઓઢાડી રહ્યો હતો. પંખીઓનો કલરવ નજીક સંભળાવા લાગ્યો. હું ઉભો થયો અને બીજી બારીમાંથી બહાર જોયું. અરે, શું સુંદર દ્રશ્ય હતું એ! દસેક ચકલીઓ ખુશી ખુશીથી પોતાનું ચણ જમીનમાંથી ખોદીને ખાઈ રહી હતી. જો કે મને પાક્કી ખબર નહોતી કે તે ખરેખર શું ખોદી રહી હતી. પણ તેમની હલચલ એકદમ તાલમેળ વાળી હતી. મેં સારી એવી મીનીટો સુધી આ દિવ્ય તાલમેળને નિહાળ્યાં કર્યો. વાદળા પાછા અંધાર્યા અને ફરી વરસાદ ચાલુ થયો. ચકલીઓ શાંત થઇ ગઈ અને જેવી રીતે ભૂરા આકાશમાં ઇન્દ્રધનુષ્ય જેમ અદ્રશ્ય થઇ જાય તેમ એક પછી એક અલોપ થઇ ગઈ.

પર્વતો જ્યાં હતાં ત્યાં જ થોભેલા હતાં અને નદી તટસ્થપણે વહી રહી હતી. દુનિયામાં દરેક વસ્તુ પહેલાં જેમ હતી તેમ જ ચાલી રહી હતી. હું એકદમ વિસ્મયતાથી અભિભૂત થઇ ગયો. આ સુંદર અને નાના પંખીઓનાં વર્તનમાં કઈક ખુબ જ સરળતા હતી, કે હું એકદમ ઊંડી સમાધિમાં સરી ગયો. ચકલીઓ સૂરજ આવતાંની સાથે બહાર આવી, અને પોતાનાં કામે લાગી અને જયારે વરસાદ ચાલુ થયો ત્યારે પાછી સંતાઈ ગયી. કેવું એકદમ સરળ!

સરળતા એ આધ્યાત્મિકતા છે.

અરે ધ્યાન પણ એટલાં માટે કરવામાં આવે છે કે જેથી કરીને તમે તમારી જાતને વધારે સારી રીતે સમજો, જેથી કરીને તમે તમારા જીવનને કુશાગ્રબુદ્ધિથી ચકાસી શકો અને તમારા પરના આવરણોને દુર કરી શકો. સાચું ધ્યાન તમારી ચેતનાનો વિસ્તાર કરે છે, જે તમને એક બાળક જેવા બનાવે છે. તમે દરેક વસ્તુને અને ઘટના પ્રત્યે કોઇપણ પ્રકારના નિર્ણય વગર જોતા શીખો છો. તમને એ વાતનું ભાન થાય છે કે તમારા જીવનની કોઇપણ જટિલતા એ તમે કોઈપણ વસ્તુને કેવી રીતે જુવો છો કે અનુભવો છે અને તેનાં વિશે કેવું તારણ કાઢો છો તેનાં ઉપર છે. એક સરળતાની સમજ તમારી ભૌતિક અને માનસિક અવકાશમાંથી અસ્તવ્યસ્તતાને દુર કરવામાં મદદરૂપ થાય છે.

જયારે તમારું મન ચોખ્ખું હોય છે ત્યારે જીવન પણ આપોઆપ સરળ બની જાય છે. તમે કુદરતી રીતે જ એક આધ્યાત્મિક દ્રષ્ટિકોણ કેળવો છો. અને તમે આધ્યાત્મિકતા તરફ આગળ વધી રહ્યાં છો તે કેવી રીતે ખબર પડે? તે એક વસ્તુ ઉપરથી કે તમે દરેક વસ્તુને એક આશિર્વાદ તરીકે જોવા લાગો છો. આ દુનિયાની ક્ષણભંગુરતા અને અસ્થાયીતાથી તમે હવે બિલકુલ હેરાન નથી થતાં. જેમ જેમ તમે તમારા પોતાનાં અનંત અસ્તિત્વમાં ઊંડા ઉતરતા જશો તેમ તેમ વધુને વધુ નિર્ભય બનતા જશો. કારણકે આ આધ્યાત્મિકતાનાં મૂળમાં એક સરળ સમજ રહેલી હોય છે – કે દરેક વસ્તુ એક આશિર્વાદ છે.

એક યોગી હોય છે કે જે પોતાનાં કઠોર તપથી ભગવાનને પ્રગટ કરે છે અને પોતે અમર થવાનાં આશિર્વાદ માંગે છે. ભગવાન તેને અમર બનાવી દે છે અને પછી યોગી તો અભિમાની બની જાય છે. તે એક ગામમાં સ્થાયી થઇ જાય છે અને લોકોને પજવવાનું ચાલુ કરી દે છે. લોકો પાસે પોતાની દરેક આજ્ઞાનું પાલન કરાવડાવે છે. લોકો જાણતા હોય છે કે આ યોગી અમર છે માટે તેઓ તેની આજ્ઞા આગળ ઝુકી જાય છે, પરંતુ આ યોગીનો ત્રાસ તો વધતો જ જાય છે.

એ જ ગામમાં એક હૃષ્ઠપુષ્ઠ કુસ્તીબાજ રહેતો હતો તેણે મનમાં નક્કી કરી લીધું કે બસ હવે બહુ થયું.

“હું તારા શરીરનાં એકએક હાડકાં ભાંગી નાંખીશ અને તારી આંખોનાં ડોળા પણ બહાર ખેંચી કાઢીશ,” તેને આ અમર યોગીને કહ્યું.
“હા હા હા! હું કશાથી મરુ તેમ નથી.”

આ પહેલવાને તો યોગીને એક ઝાપટ મારી અને ચોક્કસ તેનાં એક એક હાડકાં છે તે ભાંગી નાંખ્યા અને તેને આંધળો પણ બનાવી દીધો. અમરતાનાં આશિર્વાદને લીધે, જોકે, તે મર્યો તો નહિ જ. પણ આવા શરીર સાથે કે જે હલનચલન પણ ન કરી શકે કે આંખો જોઈ પણ ન શકે એવી હાલતમાં તેની જીવવાની ઈચ્છા જ મરી પરવારી. લોકોએ પણ તેનાં પ્રત્યે પોતાનો બદલો લીધો અને તેને એકલો જ મરવા માટે છોડી દીધો. પણ તે તો મરે જ નહિ ને.

અંતે, તેને સમજ પડી ગઈ કે મૃત્યુ એકમાત્ર તેની પીડાનો અંત લાવી શકે તેમ હતું. તે તો વ્યાકુળ બનીને મોત માટે પ્રાર્થના કરવાં લાગે છે. તેને બસ હવે મરવું જ હતું. તેને બરાબરની ખબર પડી ગયી કે અમરતા એ કોઈ આશિર્વાદ નથી. ઓછાનામે, મૃત્યુ હોત તો તેને ફરીથી જન્મવાની તક તો મળત અને ફરીથી આવી ભુલ તો ન કરેત. તેને એક નવું શરીર મળત, ભાડાની એક નવી જિંદગી, તેણે વિચાર્યું.

હું એમ નથી કહી રહ્યો કે દરેકજણે પોતપોતાનાં જીવનનું ખાતું બંધ કરીને મૃત્યુ માટે પ્રાર્થના કરવાનું ચાલુ કરી દેવી. હું તો ફક્ત એટલું જ કહી રહ્યો છું કે આપણામાંનાં મોટાભાગનાં લોકો શાશ્વતતાને વળગી રહેવાં માંગે છે, એક પ્રકારના કાયમીપણાને. સત્ય તો એ છે કે જયારે તમે જીવનને એક ભાર નહિ પણ આશિર્વાદ તરીકે જોવા માંડો ત્યારે જીવનનો અસ્થાયી સ્વભાવ કોઈ ત્રુટી તરીકે નહિ પણ એક ઉકેલ હોય તેવું લાગવાં માંડે છે, જીવન એક મોટા આશિર્વાદ સમાન લાગે છે.

જયારે આપણે અહી આવી જ ગયા છીએ તો પછી કૃતજ્ઞતા અને હકારાત્મકતાપૂર્વક થોડું જીવી પણ લઈએ. જયારે કોઈ ઉજવણીમાં પહોંચી જ ગયા છીએ તો તેમાં જોડાઈને થોડું મનોરંજન પણ કરી લઈએ. એક ખૂણામાં બેસી રહીને ચિંતા કે બબડાટ કરવાનો શું અર્થ? તેનાંથી કોઈનાં મનોભાવમાં તો હકારાત્મક ફરક આવવાનો નથી. આપણે પણ જીવનની ઉજવણી કરી લઈએ, આપણા હોવાની ઉજવણી કરી લઈએ.

એક બાળકનાં માં-બાપ પોતાનાં પાલતું કુતરા ટીન્કરનાં અવસાનથી ખુબ જ વ્યથિત થઇ ગયા હતાં. તેમને ખબર નહોતી પડતી કે તેઓ પોતાનાં પાંચ વર્ષનાં દીકરાને આ વાત કેવી રીતે કરે.

“મમ્મી ટીન્કરને શું થયું છે? તે કેમ હલતો નથી?”
“તે મરી ગયો છે, સોની,” માં એ જવાબ આપ્યો. “તે સ્વર્ગમાં ભગવાન પાસે જતો રહ્યો.”
“કેમ?” બાળકે નિર્દોષતાપૂર્વક પૂછતાં કહ્યું. “ભગવાન આ મરેલા કુતરાનું શું કરશે?”

જો આપણે જીવનમાં મસ્તી નથી કરી રહ્યાં, જયારે આપણને તક મળી છે તો જો આપણે ખેલદીલીથી નથી જીવી રહ્યાં, તો પછી આ દુનિયામાં કે પેલી દુનિયામાં આપણે કશાનો પણ આનંદ કેવી રીતે માણી શકીશું? અંતે તો, આપણે આનું આ જ વલણ આગળ લઇ જતાં હોઈએ છીએ. કાં તો અત્યારે જ આનંદ ઉઠાવો નહિ તો ક્યારેય નહિ. બસ આજ છે, જીવન, જેવું પણ છે એક આશિર્વાદ સમાન છે. તો પછી બીજી કોઈ પણ રીતે શા માટે જીવવું જોઈએ?

જયારે સૂરજ બહાર આવે ત્યારે ચકલીઓ બહાર આવે, તેઓ પોતાનો ખોરાક શોધે, અને જેવી સાંજ પડે કે પોતાનાં માળામાં પાછી ફરે. એ જ રીતે, જયારે સાચો સમય થાય ત્યારે એક આત્મા એક ગર્ભ શોધી લેતી હોય છે, પોતાનું જીવન જીવે અને પાછુ અનંત ચેતનામાં વિલીન થઇ જાય. કે પછી તે પોતાની ઈચ્છા પૂરી કરવાં માટે ફરી પાછું પુનર્જન્મ પામે, જેવી રીતે ભૂખી ચકલીઓ પાછી પોતાનાં ચણની શોધમાં ઉડતી આવે તેમ. આ સંસારનું ચક્ર છે. આ કુદરતની એક રહસ્યમય રમત છે. અસ્થિર પણ શાશ્વત. એકદમ આધુનિક છતાં પણ સરળ.

કોઈપણ રીતે જોઈએ તો આપણું જીવન, આપણો આ ગ્રહ એક આશિર્વાદ જ છે. એક સુંદર આશિર્વાદ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email