ઘણી વખત ઘણાં લોકો મને એવું કહેતા હોય છે કે તેઓ ધ્યાન કરવાં માટે બેસે છે પણ તેમનું મન બીજે જ ભટકવા માંડે છે. કે પછી તેઓ કોઈ નવી કલા શીખવાની કોશિશ કરે છે પરંતુ તે બહુ અઘરું પડે છે. એવું કેમ બને છે કે અમુક લોકો નવી ટેવને બહુ સહજતાથી હસ્તગત કરી લે છે અને વિના પ્રયત્ને તેમાં માહેર પણ બની જાય છે જયારે અમુક લોકો બહુ ખરાબ રીતે નિષ્ફળ જતાં હોય છે? ચાલો હું તમને ચીની વાંસની વાર્તાથી શરૂઆત કરતાં કહું.

ચીની વાંસ એ ખુબ જ અસામાન્ય હોય છે. પ્રથમ તે ઘણાં લાંબા સમય સુધી તો વધતું જ નથી હોતું. બહાર કશું દેખાતું જ નથી. તમે બીજ વાવો, પાણી પીવડાવો અને તેનું પોષણ કરો પણ કશું અંકુરિત થઈને બહાર આવતું જ નથી. તમને કદાચ એવું પણ લાગવાં માંડે કે બીજ અંદર જ ખતમ થઇ ગયું છે. એક આખું વર્ષ પસાર થઇ જાય છે અને તો પણ કોઈ વિકાસ થતો દેખાતો નથી, એક નાના છોડની નિશાની પણ નહિ.

તમે તેનું પોષણ કરવાનું ચાલુ રાખો છો છતાં બીજે વર્ષે પણ કશું જ વર્તાતું નથી. ત્રીજું વર્ષ, કશું નહિ. ચોથું વર્ષ, કશું પણ નહિ. કશું જ નહિ. પાંચમું વર્ષ, કશું જ નહિ. તમે ગમે તેટલું ખાતર કેમ ન નાંખો કે બિયારણની ગમે તેટલી માવજત કેમ ન કરો, પ્રથમ ૬૦ મહિના સુધી કોઈ પરિણામ દેખાતું નથી. નરી આંખે દેખાય તેવું તો કશું જ નહિ. અંતે, પાંચમાં વર્ષને અંતે, તમને એક નાનો ફણગો ફૂટેલો દેખાય છે. બે નાના પર્ણો જમીન બહાર ડોકિયું કરતાં દેખાય છે.

જો ફણગો ફૂટતાં પાંચ વર્ષ લાગે તો તેને પૂરો વિકાસ પામતાં કેટલી વાર લાગી શકે, કોઈને સહેજે એવો વિચાર આવી શકે? વારું, આ વાંસ હકીકતમાં હવે ફક્ત ૬ અઠવાડિયામાં જ ૮૦ ફૂટ જેટલું ઊંચું ચડી જાય છે. પ્રથમ પાંચ વર્ષમાં જેમાં કશું જ થતું દેખાતું નથી હોતું ત્યારે ખરેખર તો તે જમીનની અંદર વિકસતું જતું હોય છે.

જયારે નવી ટેવ કેળવવાની વાત આવે ત્યારે આનાથી વધું યોગ્ય બીજી કોઈ વાતનો હું વિચાર નથી કરી શકતો. આપણામાંનાં મોટાભાગનાં લોકો બહુ જલ્દી જ પડતું મૂકી દેતાં હોય છે. જયારે તમે નવી ટેવ પાડવા ઇચ્છતાં હોવ છો ત્યારે શરૂઆતમાં કોઈ જ પરિણામની આશા ન રાખો. જો તમે કોઈ નવું કૌશલ્ય શીખવા માટે ખરેખર ગંભીર હોવ તો તમારા લક્ષ્ય તરફ પા પા પગલીઓ ભરવાનું ચાલુ જ રાખો. એક સમયે એક પગલું.

નવું કઈ પણ શિખવાનું કે નવી ટેવ પાડવાની વાત એ આ ચીની વાંસની સમાન જ છે. તમે એક બીજ વાવી દો અને તેની માવજત કરવાનું ચાલુ રાખો, નિયમિતપણે, સતત, અને ખુબ જ જતનપૂર્વક. અને એક વખત એક મજબુત આધાર તૈયાર થઇ જશે ત્યારે તમે ઘડીભરમાં ઉંચી ઉડાન ભરી શકશો. થોડા મહિના પહેલાં, મેં એક લેખ લખ્યો હતો કે તમારી યોજનાઓ શા માટે નિષ્ફળ થઇ જતી હોય છે? (તમે અહી ફરી વાંચી શકો છો.) ચાલો હું તમારી સાથે નવી ટેવ કેળવવાનાં ત્રણ સોનેરી નિયમોની વાત કરું.

૧. અભ્યાસ

એવું માનીને જ ચાલો કે શરૂઆતમાં એ અઘરું લાગવાનું જ છે, અરે કંટાળાજનક પણ લાગશે. કશું પણ નવું શિખવાંમાં થોડી ચુનોતી તો રહેલી જ હોય છે. બધું સહજ લાગે તે સ્તરે પહોંચતા સુધી તમારે ખુબ જ અભ્યાસ કરવો પડતો હોય છે. કોઈ એક પિયાનો વગાડનારને કોન્સર્ટમાં ભાગ લઇને વગાડી શકે તેટલી પ્રવીણતા કેળવવા માટે ૧૦,૦૦૦ કલાકનો અભ્યાસ કરવો પડતો હોય છે. અભ્યાસ, અભ્યાસ, અભ્યાસ. જયારે તમે કંટાળી જાવ ત્યારે થોડો વધુ અભ્યાસ કરો. તમને લાગે કે તમે અભ્યાસ કરીને થાકી ગયાં છો તો તમારી અભ્યાસ કરવાની રીતને થોડી ફરી તાજી કરી લો. જયારે તમને એવું લાગે કે તમે હવે વધારે નહિ કરી શકો, તો પણ થોડો વધારે અભ્યાસ કરો. ધીરે ધીરે અભ્યાસની તીવ્રતા, ગુણવત્તા અને માત્રામાં વધારો કરતાં જાવ.

૨. ધીરજ

જો તમે છોડી નહિ દો, તો તમે નિષ્ફળ પણ નથી થઇ શકતાં. દાખલા તરીકે, જો તમે ધ્યાન કરવાનું શીખી રહ્યાં હોવ ત્યારે તમે એવી અપેક્ષા ન રાખો કે અમુક સોએક કલાકોનાં ધ્યાન દરમ્યાન જ તમે શાંતિનાં સમુદ્રમાં ડૂબકી મારી દઈ શકશો. એવી આશા ન રાખતાં કે તમે ખાલી ધ્યાન કરવાં માટે કટિબદ્ધ છો એટલાં માટે થઇને જ તમારું મન છે તે શાંત થઇ જશે. મને પણ કેટલાંય હજારો કલાકો લાગ્યા હતાં એક સઘન, સાવચેત અને સાચી સાધનાં કરતાં, ત્યારે જઈને હું કઈ જુદા જ સ્તરની જાગૃતતાનો અનુભવ કરી શક્યો હતો. ધીરજ એ જ તેની ચાવી છે. જયારે તમને તમારી જાત સાથે કોઈ ગેરવ્યાજબી અપેક્ષાઓ ન હોય ત્યારે ધીરજ દાખવી ઘણી સહેલી પડતી હોય છે.

૩. એકાગ્રતા

મેં એક વખત મેક્સ લ્યુકાડોનું એક સુંદર વાક્ય વાંચ્યું હતું: “જેણે ઓરકેસ્ટ્રા (વાદ્યવૃંદ)ને દોરવણી આપવી હોય તેને પોતાની પીઠ શ્રોતાગણ તરફ કરવી પડતી હોય છે.” જેમ તમે એકાગ્રતા સાથે પ્રગતિ કરી રહ્યાં હોવ ત્યારે તમને એ ખબર પડી જતી હોય છે કે કોના પ્રતિસાદને તમારે ગંભીરતાથી લેવાનો છે અને કોના પ્રતિસાદનો તમારે અસ્વીકાર કરવાનો છે. એકાગ્રતા દ્વારા હું એકરીતે સજાગતાનો અર્થ સુચવી રહ્યો છું. જો તમે ધીરજતાપૂર્વક અભ્યાસ કરી રહ્યાં હશો તો, શક્ય છે કે તમે સજાગ પણ રહેતાં જ હશો. જો તમે તમારા અભ્યાસમાંથી લાંબો સમય ચાલે એવું પરિણામ મળે એમ ઇચ્છતાં હોવ તો, તમારે સજાગ રહેવું જ પડશે. ધ્યાન કરવાનાં ઉદાહરણ તરફ પાછા વળીએ તો, ધ્યાન કરતી વખતે, પસાર થતી દરેક ક્ષણ તરફ ધ્યાન આપો, મનમાં ઉઠતાં પ્રત્યેક વિચાર તરફ, દરેક શ્વાસ અને ઉચ્છવાસ તરફ. આ અસ્ત્રાની ધાર સમાન તીક્ષ્ણ સજાગતાથી તમે તમારા અભ્યાસને કોઈ એક નવા જ સ્તરે લઇ જઈ શકશો. આ છે અંતર્મુખી થવાની અને તમારા પોતાનાં અવાજને સાંભળવાની કલા.

મુલ્લા નસરુદ્દીને પોતાની પત્ની માટે જન્મદિવસની ભેટ તરીકે એક પિયાનો ખરીદ્યો. પાડોશીઓને દિવસમાં કેટલાંય કલાકો સુધી તેનાં પિયાનોનાં અભ્યાસનો અવાજ સાંભળવો પડતો. થોડા અઠવાડિયા પછી, તેમનાં ઘરમાંથી પિયાનોનો અવાજ આવતો બંધ થઇ ગયો.

“શું થયું, મુલ્લા?” તેઓએ મુલ્લાને પૂછ્યું. “તમારી પત્ની હવે પિયાનો વગાડીને તેનો અભ્યાસ નથી કરતી કે શું?”
“મહેરબાની કરીને.” મુલ્લાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, “પિયાનોનો ઉલ્લેખ પણ ન કરશો. મહામહેનતે હું તેને વાસળી ઉપર લઇ ગયો છું.”
“પણ એવું શા માટે?”
“કારણ કે વાંસળીમાં,” તેને જવાબ આપતાં કહ્યું, “વગાડતી વખતે તે ગાય તો નહિ…”

આવી ફેરબદલીઓ ન કર્યા કરશો (અને જયારે તમે હજી શરૂઆત જ કરી રહ્યાં હોવ ત્યારે જોડે જોડે ગાશો પણ નહિ). રમુજ એક તરફ, પરંતુ જો તમે કોઈ નવી ટેવમાં ખરેખર પ્રવીણ થવા માંગતા હોવ તો ચુપચાપ તમારો અભ્યાસ કરતાં રહો.

નવી ટેવ પાડવા માટે કે કોઈ નવી કલામાં માહેર બનવાં માટે, ક્યાંક તો, તમારે તેની ઝનુનતાપૂર્વક ઈચ્છા કરવી જ પડશે. અન્ય લોકોની મંજુરી કરતાં પણ વધુ ઝનુનતાપૂર્વક. જે કોઈ પણનું ધ્યેય તમારા જેવું જ નહિ હોય તે તમારી સાથે સહમત નહિ જ થાય (કોઈ વખત કદાચ બધાં જ સાચ્ચા કારણોસર પણ). એવા પણ કેટલાંય હશે કે જે તમારી અંદર બિલકુલ વિશ્વાસ નહિ જ ધરાવતાં હોય, પરંતુ જો તમે ખરેખર ગંભીર જ હોવ તો તમારે જરૂર છે ફક્ત તમારો અભ્યાસ કર્યે જવાની, ધીરજતાપૂર્વક અને સજાગતાપૂર્વક.

તમે કશું પણ હાથમાં લો, જો તમે તેને પડતું નહી મુકો, તો તમે એક સઘન મહેતનનાં તબક્કામાંથી નરી સહજતા તરફ જરૂર સ્થળાંતર કરી શકશો.

તમે જેટલાં ઉચે ચડવા માંગતા હશો, તેટલાં જ ઊંડા તમારા મૂળ રોપાયેલા હોવાં જોઇશે. અને ઊંડાઈમાં ઉતરવા માટે હંમેશાં સમય લાગતો હોય છે. જો તમે ઊંડે ઉતરવાથી નહિ ગભરાતા હોવ તો તમે ઉંચાઈઓથી પણ નહિ ડરો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email