ઐતિહાસિક અને દંતકથા સમાન એવા રૂમીનાં મસાન્વી કાવ્યમાં, એક સુંદર છતાં થોડી અભદ્ર એવી એક વાર્તા છે એક ગરીબ અને એક લોભી માણસની.

એક ગરમ અરબી ઉનાળાનાં દિવસે એક દુર્બળ અને ઘરડો ભિખારી ભીખ માંગવા માટે એક ધનવાન માણસનો દરવાજો ખટખટાવે છે. તેની દયાભરી હાલત જોઈને દરવાન તેને વરંડા સુધી અંદર આવવા દે છે અને ત્યાં રાહ જોવાનું કહે છે.

જેવો ઘરનો માલિક આવે છે, ભિખારી આજીજી કરવાં લાગે છે, “મહેરબાની કરીને સાહેબ, મને રોટલીનો એક ટુકડો આપો?”
“તને શું લાગે છે,” માલિકે તેને ખખડાવતાં કહ્યું, “આ શું દુકાન છે?”
“ફક્ત એક વાટકી લોટ આપો?” તેને આશા રાખતા માંગ્યું.
“તને શું અહી આ લોટની ઘંટી છે એવું લખેલું ક્યાંય દેખાય છે?” ધનવાને તેની મજાક ઉડાવતાં કહ્યું.
“મને કશું નહિ તો વધ્યા-ઘટ્યા માંસનો એક ટુકડો આપો.” ભિખારીએ સતત માંગણી ચાલુ રાખતાં કહ્યું.
“ચાલતો થા અહીથી,” ધનવાને તાડુકતાં કહ્યું. “તને શું આ કતલખાનું લાગે છે?”
“તમને તકલીફ આપવા માટે માફી માંગું છું, સાહેબ,” ભિખારીએ ચાલતાં કહ્યું, “મને કઈ નહિ તો ખાલી એક પ્યાલો પાણી આપશો?”
“તને શું અહીં વહેતી નદી દેખાય છે?”

પેલા ધનવાને તો પોતાનાં દરવાનોને બોલાવીને આ માણસને ઘરની બહાર ફેંકી દેવાં કહ્યું.
“ઉભા રહો!” પેલા ભિખારીએ હાથ ઉંચો કરતાં કહ્યું.

એ પહેલાં કે તેઓ તેને અટકાવે, તે તો ઘરની અંદર ધસી ગયો અને ત્યાં પેશાબ કરવાં લાગ્યો.
રૂમી કાવ્યાત્મક રીતે કહે છે.

માલિક તો આઘાતથી ચુપ થઇ ગયો અને તાડૂક્યો “ઓ ય!”
‘હવે આ ઘર નક્કામું જ છે તો,’ એક રુખો જવાબ આવ્યો,

‘જ્યાં કશું ય કામનું બિલકુલ છે જ નહિ,
ત્યાં કઈ નહી તો કુદરતી હાજત તો થઇ શકે.’

અહી સંદેશો એ છે કે જરા તમને ચોક્ખું કહી દઉં.
જો કોઈ બાજ નજરે રાજવી રીતે તૈયાર કરેલો શિકાર નહિ હોય,

કોઈ મોર ચીતરેલો નહિ હોય કે જે આંખોને આકર્ષી શકે,
કે નહી હોય કોઈ પોપટ કે જેની બોલીથી કોઈને આહ નીકળતી હોય;

બાગમાં કોઈ પ્રેમીને રડાવી શકે તેવી જો કોઈ કોયલ નહિ હોય
જો કોઈ કલગીદાર સંદેશાવાહક પંખી નહિ હોય કે નહિ હોય કોઈ ઉંચે માળો બાંધતું સારસ,

તો પછી એવી કઈ ખાસિયત છે કે જે તમારી પાસે રહી ગઈ હોય.
કે તે તમારી પાસેથી કોઈને ખરીદવાનું મન થાય?

જો કે હું ભિખારી કે ધનવાન બેમાંથી કોઈની પણ વર્તણુકની તરફદારી નથી કરતો, પરંતુ વાર્તામાંનો સંદેશ મને ખુબ જ ગમી ગયો છે. કુદરત એ સુંદર અને ઉપયોગી જીવોથી ભરપુર છે. તેમાં વૃક્ષો છે, ફૂલછોડ છે, પંખીઓ છે અને પ્રાણીઓ છે કે જે અસ્તિત્વ અને અવલંબનની દિવ્ય અને જટિલ રમતમાં પોતાનો એક હેતુ સર કરે છે. રૂમી કહે છે કે મોર, પોપટ કે કોયલની જેમ આપણી પાસે કોઈ વિશેષ ભેટ રહેલી નથી. તો પછી, આ દુનિયામાં હોવાનું કયું મુલ્ય આપણે ઉમેરીએ છીએ? અને, જો આપણી પાસે જે કઈ પણ હોય તેને બીજા સાથે વહેંચવાનું હૃદય પણ જો આપણે ધરાવતા નહિ હોઈએ તો પછી આપણા જીવનમાં બીજું સારું શું રહ્યું?

આજનું મારું વિષય વસ્તુ છે દાન. જો તમે એક રહસ્યમય દ્રષ્ટિકોણથી વિચારો તો દાન કરવું શક્ય પણ નથી કેમ કે આપણી પાસે જે કઈ પણ હોય તે આપણે અન્ય પાસેથી લીધેલું જ હોય છે.આપણે તેને પ્રમાણિક કે ઉમદા કમાણી કહી શકીએ, તેમ છતાં, સત્ય તો એ જ છે કે આપણી પાસે જે કઈ પણ હોય તે ફક્ત આપણું અંગત એકત્રીકરણ માત્ર હોય છે કે જે પહેલેથી સમાજમાં હતું જ. હું એમ નથી કહી રહ્યો કે તમે કોઈ સાચા હકદાર માલિક નથી કે પછી તમારે બધું આપી દેવું જોઈએ પરંતુ એ જ વખતે હું એમ પણ કહીશ કે દાન એ એક આધ્યાત્મિક કર્મ છે.

દાનનું માપ એ ફક્ત પૈસામાં નથી થઇ શકતું. દયા પણ એક દાન છે અને સમાનુભુતી પણ. તમે કોઇપણને તમારાથી બનતી જે કઈ પણ મદદ કરતાં હોવ તો તમે દાન જ કરી રહ્યાં છો. તે કદાચ એટલું સહજ અને સરળ હોય છે કે જેમ વિમાનમાં કોઈ સ્ત્રીને ઉપરનાં કબાટમાં પોતાની બેગ મુકવામાં મદદ કરવી, કે પછી કોઈ બાળકને પોતાની બારી આગળની સીટ આપી દેવી. જે કોઈ પણ તમને દુઃખ આપી રહ્યું હોય તેને એક સ્મિત આપવું પણ એક દાન છે અને કોઈની સાથે તમારી રોટી વહેંચવી એ પણ એક દાન છે.

રસપ્રદ રીતે, જો કે કોઈ નવાઈની વાત નથી, જોવા જઈએ તો દાન શબ્દનાં સમાનર્થી શબ્દો શબ્દકોશમાં છે: દયા, ભલાઈ, સહાનુભૂતિ, માયાળુ-હૃદયતા, શાલીનતા, કોઈનો વિચાર કરવો, ચિંતા કરવી, સહિષ્ણુતા દાખવવી, નરમાઇ રાખવી. જયારે તમે આમાંનું કઈપણ કરતાં હશો તો તમે દાન જ કરી રહ્યાં છો.

દયા એ કોઈ ખર્ચ કે ભેટ નથી. તે તમારું સમાજમાં યોગદાન છે. જો તમે મને પૂછો તો, એ દરેક વ્યક્તિનું સામાજિક અને નૈતિક કર્તવ્ય છે. વધુમાં, તમારી પાસે શું સંગ્રહ હતો તેની ખબર ત્યારે જ પડે જયારે તમે તે આપી દો. પછી તમારી પાસે પ્રેમ, પૈસો, અભિમાન, ક્રોધ, દયા કે ભલાઈ ગમે તે હોય, તમારી પાસે જે હશે એ જ તમે આપી શકવાનાં છો.

જેમ તમે પૈસો બચાવો છો, થોડો થોડો કરીને એક એક પાઈ ભેગી થતી જાય છે, તેવી જ રીતે, ભલાઈનું નાનું નાનું કર્મ પણ ગણતરીમાં લેવાતું હોય છે. દયાનું એક નાનું અમથું ભાવપ્રદર્શન પણ તમારા આધ્યાત્મિક બચત ખાતામાં ઉમેરો કરે છે. કારણકે, દાન એ જ તો છે: તમારું આધ્યાત્મિક બચત ખાતું. જયારે તમને શાંતિ અને આંતરિક તાકાત જોઈતી હશે ત્યારે તમે આ ખાતામાંથી તેને ઉપાડશો. આ એજ ખાતું છે જેમાં તમારું સત્કર્મ જમાં થતું હોય છે.

એક વ્યક્તિ હોય છે કે જે ખુબ જ શ્રીમંત કુટુંબમાં જન્મે છે અને ખુબ જ ભપકાભર્યું તેમજ આત્મકેન્દ્રી જીવન જીવે છે. ભાગ્યે જ કશું દાનમાં કોઈને આપે છે. ફાર્મહાઉસથી લઈને પેન્ટહાઉસ સુધીનું તમામ અને બીજી અનેક સંપત્તિઓ તેની પાસે હોય છે. જયારે તે મૃત્યુ પામ્યો અને બીજી દુનિયામાં ગયો ત્યારે તેને એક નાનકડો રૂમ રહેવાં માટે મળ્યો. તેમાં તે માંડ લાંબો થઇને સુઈ શકતો.

“કોઈ ભૂલ થઇ હોય એમ લાગે છે,” તેને વિરોધ કરતાં કહ્યું. “પૃથ્વી પર તો હું તો એક મહેલમાં જન્મ્યો હતો અને મારી પાસે તમામ સુખ સુવિધાઓ હતી. મારા જીવનમાં આ નાનકડું કબૂતરખાનું ક્યાંથી આવ્યું? મારા સત્કર્મો ખલાશ થઇ ગયા કે શું?”
“વારું,” દેવદૂતે કહ્યું, “તે જે અમને આપ્યું હોય એમાંથી અમે જે તારા માટે બાંધી શકીએ એ જ અમે બાંધ્યું છે.”

જો કે તમારું દાન તમારા માટે સ્વર્ગમાં મહેલ ન બાંધી શકે, પણ આ દુનિયામાં તમારા માટે ચોક્કસ એક સંપત્તિ ઉભી કરી શકે છે. અને “બીજી દુનિયા” દ્વારા હું કોઈ સ્વર્ગીય જગ્યાની વાત કરી નથી રહ્યો પરંતુ તમારી લાગણીઓનાં આંતરિક જગત, આશીર્વાદોથી બનેલાં તમારા આધ્યાત્મિક જગતની વાત કરી રહ્યો છું. જો તમે પૈસાનું દાન ન કરી શકતાં હોવ, જો દશમો ભાગ પણ ન આપી શકતાં હોવ, તો પછી તમારા જૂનાં કપડા આપી શકો કે પછી બીજુ કશુંક. જો કશું પણ નહિ તો, પછી બીજાને ભલાઈનાં બે શબ્દો કહો.

આ રહ્યો દાનનો સાર: મદદ કરો, જ્યાં થઇ શકે ત્યાં, જયારે થઇ શકે ત્યારે, જે રીતે થઇ શકે તેમ, અને જેને પણ કરી શકો તેને. તમે જે પણ સંવેદનાપૂર્વક વહેંચી શકતાં હોય તે અન્ય સાથે વહેંચો.

ભૂલ ન થાય, દાન એ કોઈ સામાન્ય કર્મ નથી પણ એક અત્યંત મોટો લ્હાવો છે. એનાં ઉપર ચિંતન કરજો અને તમને ખબર પડશે કે આપણી આ દુનિયાને કશું આપી શકવા માટે સમર્થ હોવું એ કેટલાં મોટા આશીર્વાદની વાત છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email