ખાલીપો એ એક ખરી લાગણી છે. તે કોઈ બિમારી નથી. તે ફક્ત એકાકીપણું, દુઃખી હોવું, અસમંજસ હોવી કે બધાથી વિયોજન થઇ જવાંની વાત માત્ર નથી, પરંતુ આ બધાની એક મિશ્ર લાગણી છે. કોઈ એક સમયે, આપણામાંનું દરેકજણ એક પીડાદાયક ખાલીપાની લાગણી અનુભવતું હોય છે. એક દિવસે મને એક ખુબ જ સુંદર વાક્ય વાંચવા મળ્યું:

હું એમ વર્તુ છું જાણે કે બધું બરાબર હોય. હું લોકોના રમુજી ટુંચકા ઉપર હસું છું, હું મારા મિત્રો સાથે મળીને અર્થહીન હરકતો કરું છું, અને એમ વર્તુ છું કે જાણે મારું જીવન જાણે કે નિશ્ચિંત હોય. જો કે આ રમુજ પમાડે એવું છે. જયારે હું ઘરે પાછો આવું છું, હું મારા મગજની એ ચાંપ બંધ કરી દઉં છું. અને પછી અચાનક હું તૂટી જાવ છું. મને એકલું, ખાલીપણું, અને થકાવટ લાગે છે. જાણે કે હું કોઈ બે વ્યક્તિ ન હોય. એક જાહેર જનતા માટે અને એક મારી જાત માટે. કાશ તેઓ આ જાણતાં હોત, કાશ.

મને લાગે છે કે આવું કેમ થતું હશે? આપણે પહેલા કરતાં પણ વધારે એકાકી થઇ ગયા હોય એવું કેમ લાગે છે? જયારે આપણી પાસે બધું હોવાં છતાં પણ આપણે ખાલી કેમ લાગીએ છીએ? જેમ કે જીવનનાં ભર્યાભાદર્યાપણાને જાણે ખાલીપાની માત્રાથી ન માપવાનું હોય. ચાલો હું તમને એક વાર્તા કહું જે મેં મારા બાળપણમાં વાંચી હતી.

એક નાનું બાળક બહાર તડકામાં પોતાનાં રમકડાં વડે રમતું હતું. થોડી વાર પછી, એક રહસ્યમય આકૃતિ તેનાં ચાળા પાડી રહી હતી. આ રમતથી તેને એકદમ અજીબ નવાઈ લાગી, તે પોતાનાં આ સાથીને પકડવાંની કોશિશ કરે છે. પણ તે ગમે તેટલી કોશિશ કેમ ન કરે, તે તેનાં ચહેરાને કે તેને પકડી શકતું નથી. જાણે કે ચુંબકનાં બે સમાન ધ્રુવો એકબીજાથી અપાકર્ષણ ન પામતા હોય, તેમ તેનો આ મિત્ર તેનાંથી દુર જ થતો જતો હતો.

પેલું બાળક અધીરું બનીને રડવા લાગે છે અને તેની માં તેનો અવાજ સાંભળીને બહાર દોડતી આવે છે. કાલીઘેલી વાણીમાં બાળક તેનાં આ મિત્રને પકડવાં માંગે છે તેમ પોતાની માંને જણાવે છે.

“એ તો તારો જ પડછાયો છે,” માં બાળકની નિર્દોષતા ઉપર હસતાં હસતાં જણાવે છે. “તું તારો જ પડછાયો પકડી ન શકે.”

પરંતુ, બાળકતો પોતાની માં શું કહેવાની કોશિશ કરી રહી છે તે પણ નથી સમજતું કે નથી તેનાં હાથમાં આ પડછાયો આવતો. તે તો વધુ જોશથી રડવા માંડે છે.

માં ધીમેથી તેનો હાથ પકડીને તેને તેનું માથું પકડવાનું કહે છે, તેનાં ચહેરા ઉપર ટપલી મારવાનું કહે છે. પડછાયો પણ બિલકુલ તેમ જ કરે છે; પોતાની જાતને પકડીને, તે પડછાયાને પણ પકડી શકે છે. બાળક તો ખીલખીલાટ હસી પડે છે જાણે કે કોઈ મોટો ખજાનો કેમ હાથ ન લાગ્યો હોય!

જીવનની ખુશીઓ પણ પડછાયા સમાન હોય છે. હું એમ નથી કહી રહ્યો કે તે અર્થહીન છે કે તેની પાછળ દોટ મુકવી તે નકામું છે. તેની પાછળ પડવું, જો કે, એક રમત રમવા જેવું છે, પોતાનાં પડછાયા સાથે કરાતી એક ગપશપ સમાન છે. જ્યાં સુધી તેની સાથે રમતાં રહીએ ત્યાં સુધી બધું બરાબર છે, તેની ક્ષણિકતામાં આનંદ માણવા જેવું છે. જે ક્ષણે આપણે તેને પકડવાં માંગીશું, તેનાં માલિક બનવાં માંગીશું કે સંઘર્ષ શરુ થઇ જશે. પોતાની જાતને પકડવી એ જ એક સમજભર્યો માર્ગ છે.

જેવી રીતે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એ કોઈપણ ભૌતિક વસ્તુની સંતુલનતા નક્કી કરે છે તેમ આપણી પાસે આનંદનું એક કેન્દ્ર હોય છે કે જે આપણા લાગણીકીય અને આધ્યાત્મિક સંતુલનને અસર કરે છે.

જ્યાં સુધી એક બાળક ભાખોડિયા ભરવાનું કે ચાલવાનું શરુ નથી કરતુ ત્યાં સુધી તેની પોતાની માં જ તેની દુનિયા હોય છે માંનું દૂધ એકમાત્ર ઉત્તમ ખોરાક હોય છે અને તેનો ખોળો એકમાત્ર સલામત સ્થળ. તેનાં આનંદનું કેન્દ્રબિંદુ તેની માં જ હોય છે. જેવું બાળક થોડું મોટું થાય છે કે તેનું ધ્યાન પોતાની માં અને પોતાનાં રમકડાં વચ્ચે આંદોલિત થયાં કરે છે. હવે, તેને માંનાં ખોળામાંથી બહાર નીકળવું હોય છે અને પોતાનાં લાય બંબા અને પોલીસની ગાડી સાથે રમવું હોય છે. તેનાં આનંદનું કેન્દ્રબિંદુ માં તરફથી રમકડાં તરફ ખસે છે.

થોડા વધુ વર્ષો પસાર થાય છે અને બાળકને છે તે હવે પોતાનાં મિત્રો સાથે રમવું હોય છે. પહેલાંનાં રમકડાંઓથી તેને હવે નવાઈ નથી લાગતી. પહેલાં પોતાની માં જોડે જે સંતાકુકડી રમવાની મજા આવતી હતી તેમાં હવે શરમ આવે છે અને તે હાસ્યાસ્પદ લાગે છે. આનંદનું કેન્દ્રબિંદુ હવે ખસી ગયું હોય છે. નાં તો રમકડાં કે નાં તો માં પરંતુ હવે મિત્રો અને પોતાનાં સ્વપ્નાઓ તેનું મગજ રોકી રાખે છે.

થોડો વધુ મોટો થાય છે કે તેનું ધ્યાન હવે સતત ભૌતિક આનંદોમાં જાય છે. મોટા થતાં યુવાનને હવે ઘરની બહાર રહેવું હોય છે, પોતાની ઉપર કોઈનું નિરીક્ષણ નથી જોઈતું હોતું અને બસ મોજ કરવી હોય છે. તે પોતે કરી શકે તેનાંથી વધારે તેને જોઈતું હોય છે વધારે આનંદ માણવો હોય છે. તેનાં આનંદનું કેન્દ્રબિંદુ હવે દૈહિક સુખ અને મોટા યુવાનનાં રમકડાંઓ વચ્ચે વહેંચાઇ જાય છે.

સંપતિ કમાવવાની વાત ઉપર કેન્દ્રિત થઇને તે હવે પોતાની મહત્વકાંક્ષાને ઇંધણ પૂરું પાડવા માટે સખત મહેનત કરવાં લાગી જાય છે. નોકરી શોધીને તે કમાવાનું શરુ કરે છે અને વધુ ને વધુ મેળવવાની સ્પર્ધામાં દોડવા માંડે છે. આ ઉમરે, તે થકવી નાંખનારુ નહિ પણ આનંદદાયક લાગે છે. એક સિદ્ધિનો આનંદ લાગે છે અને ભૌતિક પ્રગતિમાં એક આનંદ લાગે છે કારણકે પોતાનાં આનંદનું કેન્દ્રબિંદુ હવે તેની કારકિર્દી છે. મોંઘા સાધનો તરફ તેનાં મનનું ખેંચાણ ચાલુ રહે છે તેમજ દૈહિક ઈચ્છાઓ પણ. પરંતુ સમય જતાં હવે તેની અંદરની નવાઈ ખતમ થઇ જવાં લાગે છે. તે વસ્તુઓ હવે તેનાં જીવનની દિનચર્યાનો એક ભાગ બની જાય છે.

એક વખત તેનું પોતાનું કુટુંબ બને છે, થોડા વર્ષો પસાર થઇ જાય છે કે હવે તે પોતાનાં બાળકોમાં અને કુટુંબમાં તલ્લીન બની જાય છે. તેની આજુબાજુનાં દરેકજણ તેની પોતાની અંદર મશગુલ હોય છે અને અચાનક, એક દિવસ, તેને ભાન થાય છે કે પોતે તો એકલાં જ છે. એકલાં. એકદમ એકલાં. આ વખતે તે એકાકીપણું જોરદાર લાગી આવે છે. માં, રમકડાં, ભણતર, સફળતા, જાતીય આનંદ, સંપત્તિ, કુટુંબ આ કોઈ પણ વાત હવે તેનાં આનંદનું કેન્દ્રબિંદુ નથી હોતું. પોતે કોઈ આનંદને જતાં પણ કરવાં નથી માંગતા કેમ કે તેમનાં વગર તો જીવન કેટલું ખાલી થઇ જશે, તેમ તે વિચારે છે.

આ આનંદોને પકડી રાખવામાં થોડી મદદ મળી જાય છે જો કે. તેમ છતાં ખાલીપો તેને એક અસમંજસ, એકાકીપણા અને કશુંક ખુંટતું હોવાની ભાવના તરફ દોરી જાય છે. કોઈ માર્ગ દેખાતો નથી. જીવનમાં જાણે કોઈ હેતુ કે કોઈ અર્થ ન હોય એવું લાગે છે. ન કોઈ દિશા ન કોઈ રસ. સંતોષ અને ખુશીની તો વાત જ જવા દો.

મુખ્ય વાત એ છે તમારા આનંદનું કેન્દ્રબિંદુનું મૂળ તમારા આંતરિક જગતની અંદર રોપાયેલું હોવું જોઈએ. તેને શોધી કાઢવામાં ક્યારેય મોડું નથી થયુ હોતું. અને જો તમે મારો વિશ્વાસ કરતાં હોય તો તમને કહી દઉં કે આની શોધ કરવાની શરૂઆત એ ધ્યાન કરવાથી નથી થતી. તે તો ફક્ત એક નાનકડો હિસ્સો છે (તમારા ધ્યાનનું કેન્દ્ર તમારા આનંદનાં કેન્દ્રને નક્કી કરે છે). જો કે, તમારી જાતને શોધવાની આંતરિક મુસાફરી શરુ થાય છે સંતોષ, કૃતજ્ઞતા અને દયાની લાગણીને જાગૃતપણે તમારી અંદર ખીલવવાથી.

તમે જો સંતોષથી ભરેલા હશો તો તમે ખાલી થશો જ નહિ, જો તમે કૃતજ્ઞ હશો તો તમે દુઃખી નહિ થાવ, જો તમે દયાથી ભરેલા હશો તો તમે ગુસ્સો કરશો જ નહિ.

તમારી જાતને પ્રેમથી ભરી દો. તે કરવાં જેવું છે. તમારા વિચારોનાં વ્યાસને ફરીથી સરખો કરી લો કે જેથી કરીને તમે તમારી લાગણીઓનું પુન: એકત્રીકરણ કરી શકો.

ગ્રંથો તેને સંસ્કૃત શબ્દ શૂન્ય ઉપરથી શૂન્યતાનું નામ આપે છે જેનો અર્થ થાય છે ખાલીપણું. તે જ જીવનનો સાર છે અને એક સુસ્પષ્ટ ઘટના છે.

જયારે આત્માની અંધારી રાત્રીમાં તમે તમારો જ પડછાયો ગુમાવો છો, જયારે દુઃખતો ખાલીપો સહન ન થાય તેવું એકાકીપણું બની જાય ત્યારે ટટ્ટાર થઇને બેસી રહો અને પ્રભાત થવાની રાહ જુઓ. ફરીથી સૂર્યોદય થશે અને આનંદનો પડછાયો ફરી તમને મંત્રમુગ્ધ કરી દેશે. જો કે યાદ રહે, પડછાયો હંમેશાં પડછાયો જ હોય છે. તે અસ્થાયી અને અસ્થિર હોય છે. દરેક વસ્તુનું પણ એવું જ હોય છે. આ જ છે જીવન. અને તે સરસ છે. સુંદર છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email