જીવન એ એક રમુજ પમાડે એવો ધંધો છે. આપણને જેટલું એમ લાગે કે આપણને ખબર પડી ગયી છે તેટલું જ તે વધારે રહસ્યમય બનતું જાય છે. કોઈ હોશિયાર જાદુગરની જેમ, તે આપણને તેની વિવિધ યુક્તિઓ બતાવીને દંગ કરી દેતું હોય છે. એવું પણ બને છે કે તેની તમામ અચંબાભરી યુક્તિઓ કઈ કાયમ વ્હાલી લાગે જ એવું પણ નથી. કોઈ કોઈ તો એકદમ ક્રૂર મજાક પણ લાગી શકે છે. અને જયારે જીવન તમને અણધાર્યો આંચકો આપે ત્યારે તમારી આંતરિક શક્તિની પરીક્ષા થતી હોય તેવું લાગે છે. અને આવા સમયે જીવન છે તે તમારી શ્રદ્ધા અને સમર્પણને દિવ્યતાની અદાલતમાં આવ્હાન આપે છે એ જોવા માટે કે તેઓ તમારી પડખે આ સમયે ઉભા રહે છે કે કેમ.

શું શ્રદ્ધાનો અર્થ એવો છે કે તેનાંથી આપણે જીવનને વશમાં કરી લઈશું? કે બધી શરતો આપણે નક્કી કરી શકીશું? દરેકજણ કેટલું સરળતાથી આવું વિચારી લેતાં હોય છે! પરંતુ શ્રદ્ધા અને સમર્પણને આવું કશું તમને આપવાનું હોતું નથી. તો પછી ભગવાન પ્રત્યે સમર્પણ અને શ્રદ્ધા રાખવાનો અર્થ શું છે જો તે આપણા કોઈ પ્રશ્નોને હલ ન કરી શકવાનાં હોય તો? ચાલો હું તમને રામાયણમાંથી એક વાર્તા કહું.

રામ અને લક્ષ્મણ સીતામાતાની શોધમાં ઘનઘોર જંગલમાં ભટકી રહ્યાં હતાં. ચાલતાં ચાલતાં તેઓ એક શાંત સરોવરની પાસે આવ્યાં કે જેમાં સુંગધિત પુષ્પો ખીલી રહ્યાં હતાં. લક્ષ્મણે તેમાં સ્નાન કરી થોડી વાર થાક ખાવાનું કહ્યું. ઊંચા અને દેખાવડા રામે પોતાનું ધનુષ્ય તેમનાં મજબુત ખભા ઉપરથી નીચે ઉતારીને પોચી જમીનમાં ખુપ્યું. પોતાનાં બાણોનો ભાથો ધનુષ્ય ઉપર લટકાવીને તેઓ સરોવરમાં પોતાનાં થાકેલાં અંગોને વિરામ આપવા ગયાં. લક્ષ્મણ બાજુનાં વૃક્ષ ઉપરથી સ્વાદિષ્ટ ફળો તોડી લાવ્યો.

થોડી વાર પછી તેમનાં શરીર સુકાઈ ગયા પછી તેઓ આગળ જવા માટે તૈયાર થયાં. જેવું રામે પોતાનું ધનુષ્ય ઊંચક્યું, કે તેમણે એક દેડકાની મરણતોલ ફાટેલી અવાજે કાંવ કાંવ સાંભળી. રામે જોયું તો ત્યાં એક નાનકડો દેડકો ઈજાગ્રસ્ત થઇને પડ્યો હતો કે જ્યાં તેમનું ધનુષ્ય ખુપેલું હતું. અત્યંત દયાથી તેમનું હૃદય છલકાઈ ગયું અને તેમણે તરત જ આ દેડકાને પોતાનાં કોમળ હાથોમાં ઊંચકી લીધો.

“અરે નાનકડા જીવ તે એક પણ વખત ચીસ કેમ નાં પાડી?” રામે પૂછ્યું. “જયારે મારું ધનુષ્ય તારી આરપાર ઉતરી ગયું ત્યારે તે મદદ માટે બુમ કેમ નાં પાડી?”
દેડકો પીડામાં પણ હસી પડ્યો, અને બોલ્યો, “તમે મારા તારણહાર છો, રામ! આખી દુનિયા તમારી મદદ માટે પોકાર પાડે છે જયારે પણ દુઃખી હોય. પણ જયારે તમે પોતે જ કોઈને મારવાનું નક્કી કરી લીધું હોય તો પછી મદદ માટે કોનો પોકાર કરવાનો રહ્યો.”
“હું ખુબ જ દિલગીર છું,” રામ એક સામાન્ય મનુષ્યની જેમ બોલ્યાં. “મારો તને મારવાનો કોઈ જ ઈરાદો નહોતો.”
“પણ હું તો બહુ ખુશ છું, મારા દેવ,” દેડકો બોલ્યો.

રામ અને લક્ષ્મણ બન્ને વિસ્મયતા પૂર્વક આ નાનકડા જીવ તરફ જોઈ રહ્યાં. આખરે અહી ખુશ થવા જેવું શું હતું?

“હે રામ! તમારા હાથે મરવા કરતાં પણ જો વધારે સારી કોઈ વાત હોય,” દેડકાએ બોલવાનું ચાલું રાખતાં કહ્યું, “તો તે એ છે કે તમારા હાથમાં પ્રાણત્યાગ કરવાં. હું કટલો નસીબદાર છું કે હું મારા જીવનનાં છેલ્લાં શ્વાસ તમારા હાથમાં લઇ રહ્યો છું.”

જયારે મેં પ્રથમ વાર આ વાર્તા વાંચી, ત્યારે તે મને ખુબ ઊંડે સુધી સ્પર્શી ગયી હતી. મને લાગ્યું કે તેમાં શ્રદ્ધાની વાતને કેટલી સુંદર રીતે વણી લીધી છે. સમર્પણમાં પણ શું આવું જ નથી? કે એવી કેટલીય બાબતો રહેવાની કે જે મારા કાબુ બહારની હોય અને મારા માટે તે બાબતો વિશે શું કરવું તે હું ભગવાનને નક્કી કરવાં દેવાં માટે સહમત છું. સમર્પણ કે શ્રદ્ધાનો અર્થ એ બિલકુલ નથી કે આપણા ઉપર કોઈ નુકશાન આવી નહિ પડે કે બધું જ આપણી યોજનામુજબ સમુંસુતરું પાર ઉતરશે. તેનો અર્થ માત્ર એટલો જ છે કે આપણે એ હકીકતનો સ્વીકાર કરીને ચાલીએ કે એવી ઘણી બાબતો રહેવાની કે જે કુદરતની કામ કરવાની જટિલમય રીતમાં આપણે તે નહિ સમજી શકીએ, અને આપણને તેનાં વિશે કોઈ વાંધો નથી.

એક દેડકા તરીકે, મને મારી ઉપર પડતું અને મારા હાડકાં ભાંગી નાંખતું મોટું ધનુષ્ય દેખાઈ પણ ન શકે કે હું તેને મારી ઉપર આવતાં અટકાવી પણ ન શકું. પરંતુ તે મારો જુસ્સો, મારી શ્રદ્ધા અને મારું સમર્પણ નહિ તોડી શકે. નિષ્કામ પ્રભુને ચોક્કસપણે કોઈની શ્રદ્ધા કે સંપત્તિની કામના હોતી નથી. તો સમર્પણ એ કોઈ ભગવાનને ખુશ કરવાં માટે નથી. એ તો ફક્ત આપણી પોતાની જાતને જ મજબુત અને શુદ્ધ કરવાં માટે હોય છે. તે તો પ્રેમ અને નમ્રતાભર્યું જીવન જીવવા માટે હોય છે. જેને આપણે પૂજતા હોઈએ તેનાં પ્રત્યે આપણી પ્રેમભરી લાગણી એટલે સમર્પણનો સાર.

એક માણસ એક ટેકરી ઉપર પોતાની ગાડી ચલાવી રહ્યો હોય છે. જોરદાર પવન ફૂંકાતો હોય છે અને એક તીવ્ર વળાંક લેતાં અચાનક તેની ગાડી ગબડી જાય છે. નીચે ઊંડી ખાઈમાં પડતી ગાડીમાંથી તે પોતે કેમ ય કરીને બહાર નીકળી જાય છે. એક ચમત્કારીક રીતે તેનાં હાથમાં એક નાનકડાં ઝાડની ડાળી આવી જાય છે. તે વૃક્ષ ઘણું જુનું, પાતળું અને નબળું હોય છે. દરેક પસાર થતી ક્ષણે તે વૃક્ષ પોતાનાં મૂળમાંથી નીકળી ઉખડતું જતું હોય છે.

તે વ્યક્તિ તો ખુબ જ જોશમાં આવી જઈને ભગવાનને મદદ માટે પોકારી ઉઠે છે. કોઈ જવાબ આવતો નથી અને વૃક્ષ તો કમજોર પડતું જતું હોય છે. છતાં પણ તે હિંમત નથી હારતો અને ફરી ફરીને મદદ માટે બુમ પાડતો રહે છે. થોડી મિનીટો બાદ આકાશમાંથી એક ગર્જના થાય છે.

“છોડી દે તે ડાળી,” સ્વર્ગીય અવાજે કહ્યું. “હું તારી રક્ષા કરીશ.”
પેલાં માણસે નીચે જોયું તો ઊંડી અંધારી ખાઈ હતી. તેને બચવાનો કોઈ આરો ન દેખાયો. તેને ઉપર જોયું અને બુમ પાડી, “ખરેખર?”
“હા, છોડ ડાળી,” અવાજ આવ્યો. “હું ભગવાન છું.”
માણસે એક ક્ષણ માટે વિચાર કર્યો અને પાછી બુમ પાડી, “કોઈ બીજું છે ઉપર?”

ક્યાંક ને ક્યાંક આપણામાંનાં મોટાભાગનાં લોકોએ સમર્પણને એક મજાક બનાવી દીધું છે. આપણને કેમનાં બચાવવાનાં તેનાં માટે પણ આપણો પોતાનો એક ચોક્કસ ખ્યાલ હોય છે. જયારે આપણા જીવનમાં આપણી સાથે જે કઈ બને તે આપણી અપેક્ષા મુજબનું ન હોય ત્યારે અને જયારે આપણને મળતી મદદ આપણી ધારણા બહારની હોય ત્યારે આપણે તેને ચુનોતી આપતા હોઈએ છીએ કે તેની સામે બાથ ભીડીએ છીએ કે આપણે તેને સવાલ કરતાં હોઈએ છીએ. આપણે વિચારતાં થઇ જઈએ છીએ કે અમુક વસ્તુઓ આપણી સાથે કેમ બની રહી છે એવું માનીને કે આપણે તો કોઈ દિવસ એવું કઈ કર્યું નથી કે આપણે આ વસ્તુને લાયક હોઈએ. હોય કદાચ અને કદાચ નાં પણ હોય. એવું પણ હોય કે આપણે આપણા ઉલ્લંઘનો અને આધ્યાત્મિક પાપોને સહેલાઇથી અણદેખ્યા કરતાં હોઈએ. જયારે કુદરત ક્યારેય અણદેખ્યું નથી કરતું. ક્યારેય નહિ. સફરજનનાં ઝાડ ઉપર કેરીઓ નથી પાકતી હોતી.

જયારે કઠણાઈનો સમય આવે ત્યારે જ ડગી જતી શ્રદ્ધા કામની પણ શું? જયારે બધું બરાબર ચાલતું હોય ત્યારે તો કોઈ પણ સમર્પણ કરી દેતું હોય છે. જયારે તકલીફ આકરી થવા માંડે ત્યારે જ આપણને એ ખબર પડતી હોય છે આપનું સમર્પણ ખરેખર કેટલું મજબુત છે. સમર્પણનો સોદો ન થાય. તે કશાનાં બદલે નથી હોતું. તે તો ફક્ત એક કૃતજ્ઞતાની અભિવ્યક્તિ માત્ર છે, દિવ્યતા ઉપરનાં આપણા પ્રેમની અભિવ્યક્તિ.

સમર્પણ એ આપણા દુઃખ કે જે આપણી કાબુ બહારનાં છે, તેનું મારણ છે.

જો તમે જીવનનાં સુંદર મોતીની ખોજમાં હોવ, તો તમે શ્રદ્ધાનાં આશરે વળગી રહેજો. કારણકે, વહેલાં કે મોડા, જીવન તમને દુઃખનાં તોફાની મહાસાગરમાં ઊંડે ડૂબકી મારવાં માટે લઇ જ જતું હોય છે. દરેકજણ ને. જેમ કે કહેવાય છે ને, “No one is a virgin. Life screws us all.”

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email