મને દરેક પ્રકારનાં ઈ-મેઈલ મળતાં હોય છે. એક સ્વયંસેવકોની ટુકડી દ્વારા તે દરેક ઈ-મેઈલને વર્ગીકૃત કરવામાં આવે છે. લગભગ ૫૦% વાંચકો તેમનાં જીવનમાં ચાલી રહેલાં ઉતાર-ચડાવ વિશે મારો અભિપ્રાય પૂછતાં હોય છે. ૩૦%થી પણ વધુ ઈ-મેઈલ લોકો પોતાની કૃતજ્ઞતા વ્યકત કરતાં લખતાં હોય છે. કેટલાંક ૧૦% લોકો તેમનો પોતાનો ફિલસુફીક દ્રષ્ટિકોણ વ્યક્ત કરતાં લખતાં હોય છે. ૧% (કે તેનાંથી પણ ઓછા) ઈ-મેઈલ એવાં હોય છે કે જેમાં લોકો મને મારા કાર્યમાં પોતે કઈ રીતે મદદરૂપ થઇ શકે તેવું પૂછતાં હોય છે.

બાકીનાં ૯% લોકો પોતાની નફરત વ્યક્ત કરતાં હોય છે. તેઓ કોઈ વાર મારા દ્રષ્ટિકોણથી નારાજ થઇ જતાં હોય છે, કે મારા લખાણથી તેમને ખોટું લાગી જતું હોય છે કે પછી એક કે બીજી રીતે દુઃખી થઇ જતાં હોય છે. અને તેમાં કશો વાંધો નથી. આ બધો જીવનનો જ એક ભાગ છે. દરેકજણને ખુશ રાખવાં શક્ય નથી. વર્ષો વિતતાં મેં મારી જાતને અન્ય લોકોના મતની અસર થતાં બચાવી લીધી છે. આ કુદરતી પણ નથી કે નથી સરળ, પણ જે કોઈને પણ અંતરનાં આનંદનાં ફુવારા નીચે ન્હાવું હોય તેમણે દુનિયાનાં તેમનાં પોતાનાં માટેના મતથી તટસ્થ રહેવાની કળા હસ્તગત કરી લેવી સારી.

મારો મંત્ર અત્યંત સરળ છે, દિવસને અંતે (ખરેખર), સુવા જતાં પહેલાં, હું મારી જાતને ત્રણ સવાલો કરું છું. મેં મારો ઉત્તમ પ્રયત્ન કર્યો? હું સંપૂર્ણ જાગૃતતાથી બોલ્યો અને વર્ત્યો? મેં આજે કોઈને મદદ કરી? બસ, આપણે આટલું જ કરી શકીએ, ખરેખર તો. જો તમે તમારો દિવસ અર્થપૂર્ણ વિતે તે માટે બધું જ કરી છૂટ્યાં હોય, કોઈની લાગણીને દુઃખ ન પહોંચાડ્યું હોય, અને જો તમે દયાપૂર્વક વર્તન કર્યું હોય, તો તમે બરાબર છો. તમે જે કરી શકતાં હતાં તે તમે કરી દીધું છે. અને તેમ છતાં પણ જો કોઈ એકાદજણને કે કોઈ સમુદાયને તમારા પ્રત્યે સખત અણગમો રહી જ જતો હોય, તો પછી વારું, ઈશ્વર જ તેમની મદદે આવે.

નફરત એ અત્યંત પ્રભાવશાળી લાગણી છે. હકીકતમાં, તો તે ખુબ જ વિચિત્ર, દુઃખી અને ખોટી રીતે શક્તિ પ્રદાન કરનારી હોય છે. તે તમારી સ્વસ્થતા અને દયાને આંખનાં એક પલકારામાં પછાડી દે છે. તમારી આજુબાજુ જુઓ અને તમને અસંખ્ય ધાર્મિક કટ્ટરપંથીઓ નજરે પડશે, અને તમને જણાશે કે મારો કહેવાનો અર્થ શું છે. અને હજુ ખરાબ તો એ છે કે તેઓને નથી લાગતું હોતું કે તેઓ કટ્ટરવાદીઓ બની રહ્યાં છે. અને આ નફરતનું એક વિશેષ લક્ષણ છે: તે તમને અંધ બનાવી દે છે. મારે આની ઉપર વિસ્તારપૂર્વક નથી કહેવું; આપણા ઈતિહાસમાં પૂરતા પુરાવાઓ છે.

માર્ટીન લ્યુથર કિંગ, જુનીઅરે બહુ સુંદર રીતે કહ્યું છે, “એક નહિ ખબર પડેલાં કેન્સરની જેમ, નફરત એ વ્યક્તિત્વને અને તેની અનિવાર્ય એકતાને કોરી ખાય છે. નફરતથી માણસની ગુણ જોવાની ક્ષમતાને અને નિષ્પક્ષતાની કદર કરવાની સમજનો નાશ કરે છે. નફરત માણસને સુંદરતામાં કુરુપતા અને કુરુપતામાં સુંદરતા જોતા કરી દે છે, અને સત્યને અસત્ય સાથે અને અસત્યને સત્ય સાથે ભેળવી દે છે.”

બહુ દુઃખની વાત છે, પરંતુ આપણી દરેકની અંદર નફરતનો એક અંશ રહેલો હોય છે. આ એક નક્કર સત્ય છે. અંતે તો નફરત બીજું કઈ નહિ પણ એક તીવ્ર લાગણી છે. જ્યાં સુધી આપણી અંદર એક અસલામતી કે ભય (કે જે દરેકજણ અનુભવે છે) રહેલાં છે ત્યાં સુધી આપણી અંદર ઈર્ષ્યા અને નફરત પણ રહેવાનાં જ. તેનો અર્થ જો કે એ નથી કે આપણે આ જ ભાવો સાથે જીવવાનું છે.

જ્યાં સુધી આપણા અસ્તિત્વમાંથી ઈર્ષ્યા અને નફરત ધોવાઇ ન જાય ત્યાં સુધી આપણે આપણી જાતને શુદ્ધ કરી શકીએ તેમ છીએ. અને આ આંતરિક શુદ્ધતાની ક્રિયા ધ્યાન કરવાથી શરુ નથી થતી. એનાં બદલે એ તો શરુ થાય છે તમારા વાચાને સંયમિત રાખવાથી. ઘણી વાર, આપણે દુઃખ લાગે તેવાં, તિરસ્કારપૂર્ણ અને અયોગ્ય એવા વેણ જેને આપણે ક્યારેય મળ્યાં પણ નથી હોતા કે જે આપણને ઓળખતાં પણ નથી તેનાં માટે ઉચ્ચારી દેતાં હોઈએ છીએ. આવાં શબ્દો આપણી અંદર નફરતનું એક ફળદ્રુપ મેદાન તૈયાર કરે છે.

મને મારા બાળપણનો એક નાનકડો પ્રસંગ યાદ આવી ગયો. એક પ્રખ્યાત ધાર્મિક વ્યક્તિ ઉપર અનૈતિકતાનો આરોપ લાગ્યો હતો અને તે કોઈ કૌભાંડનું કેન્દ્રબિંદુ હતાં. આ સમાચાર ટેલીવિઝન ઉપર પણ આવી રહ્યાં હતાં. જેવી તેમની છબી ટીવી ઉપર આવી કે “આવ્યો આ બદમાશ.” એમ હું બોલી ઉઠ્યો. “ હકીકતમાં તો આ બધાં બદમાશો છે.” “બેટા” મારી માંએ અટકાવતાં કહ્યું, “જેને તું જાણતો પણ નથી તેનાં વિશે ખરાબ શબ્દો શા માટે ઉચ્ચારવા જોઈએ? આપણે સંપૂર્ણ સત્ય જાણતા પણ નથી. તેમનાં શું કારણો હતાં તેની પણ આપણને ખબર નથી. સંભાવના તો એવી પણ છે કે આપણે તેમને ક્યારેય મળવાનાં પણ નથી. તેઓ તને પણ ઓળખતાં નથી. શા માટે કોઈનાં વિશે એક મત બાંધી લઇને તારા પોતાનાં જ મગજને ગંદુ કરે છે?”

હું કદાચ ૮ કે ૯ વર્ષનો હશું એ વખતે પરંતુ કોઈ રીતે આ વાત મારી અંદર ઉતરી ગઈ.

“વધુમાં,” માં એ આગળ કહ્યું, “જયારે આપણી પાસે કશું સારું બોલવાનું ન હોય, તો ઓછાનામે આપણે કોઈના ઉપર થુંક ન ઉછાળવું જોઈએ.”
“માં તું મને એમ કહી રહી છે કે જયારે હું કઈ ખોટું જોઉં તો પણ મારે ચુપ રહેવાનું?” મેં પૂછ્યું.
“ના,” માં એ તરત જવાબ આપતાં કહ્યું. “તારે ખોટાંની સામે ઉભું રહેવું જ જોઈએ પરંતુ વાત અહી કોઈનાં માટે ખરાબ બોલવા વિશે થઇ રહી છે કે જે વ્યક્તિ તને અત્યારે સાંભળી પણ નથી રહી. તારા બોલ તેમનાં સુધી આમ પણ નથી પહોંચી રહ્યાં. ધ્રુણાસ્પદ શબ્દો તારી અંદર નિંદાને જન્મ આપશે. આપણે આપણી અંદર ઉતરીને પહેલાં જોવું જોઈએ.”

તેનાં શબ્દોની મારી ઉપર ઊંડી અસર થઇ કારણકે તેને એ જ વાત કહી હતી જેનું તે પોતે પાલન પણ કરી રહી હતી. હું કોઈ વસ્તુ કે વ્યક્તિ કે જેને હું ઓળખતો ન હોવ તેનાં વિશે કોઈ પણ પ્રકારની ટીકા કરવાથી દુર રહેવાની મારી બનતી કોશિશ કરું છું

હંમેશાં કોઈને કોઈ તો એવું રહેવાનું જ કે જેને આપણે નહિ ગમતાં હોય અને દરેકજણે આપણને ગમાડવું આમેય જરૂરી નથી હોતું. આપણે કોઈને આપણા વિશે અમુક રીતે અનુભવતા રોકી ન શકીએ. વધુમાં, તેમની નફરત તમારા માટે નથી હોતી. એ તો હોય છે તમે કેવા છો તેની ઉપર તેઓ પોતે શું વિચારે છે એનાં માટેની વાત છે. તેમનાં મત પ્રમાણે તમે કેવાં હોવાં જોઈએ તેનાં વિશેની વાત છે. એ સીધું જ તેમની ગેરસમજમાંથી આવતું હોય છે. તમે તેને જ નફરત કરી શકો જેને તમે સમજી નથી શકતાં હોતા કારણકે એક વખત જયારે તમે બીજી વ્યક્તિને અને તેનાં દ્રષ્ટિકોણને સમજવા લાગો છો ત્યારે, નફરતની ઉર્જાનું દયામાં રૂપાંતર થઇ જાય છે.

મુલ્લા નસરુદ્દીન એક વખત ટ્રેઈનમાં મુસાફરી કરી રહ્યાં હોય છે. બાજુમાં બેઠેલી સ્ત્રી મુલ્લાનું ધ્યાન ખેંચવા માટે કોશિશ કરે છે પરંતુ મુલ્લા પોતે પુસ્તક વાંચવામાં મશગુલ હોય છે. પેલી સ્ત્રી પોતાનાં ઉપર થોડું વધુ પરફ્યુમ છાંટે છે, તે ધીમે ધીમે કોઈ ગીત પણ ગાય છે, અને નાનકડો અરીસો કાઢીને પોતાની લીપ્સ્ટીક સરખી કરે છે. તે બાથરૂમ જવાના બહાને બે-ત્રણ વાર માફી માંગીને ઉભી પણ થાય છે. મુલ્લા તો પણ પોતાનાં વાંચનમાં જ તલ્લીન રહે છે.

“બંધ કરો મને ચીડવવાનું!” થોડા કલાકો વિત્યાં પછી તેને મુલ્લા ઉપર ચીખીને કહ્યું.
“મને માફ કરશો,” મુલ્લાને પોતાનાં ઉપર વિશ્વાસ ન બેસતાં જવાબ આપતાં કહ્યું. “મેં તમને એક શબ્દ પણ નથી કહ્યો કે તમારી સામે પણ નથી જોયું.”
“બરાબર! મને એ જ વાતની ચીડ ચડે છે અને મારાથી એ સહન નથી થતું.”

આ છે નફરતની શરીર રચના ટુંકસારમાં: આપણે જેણે સહન નથી કરી શકતાં (કે સમજી નથી શકતાં) તેને આપણે નફરત કરીએ છીએ. અને જે પણ આપણે સહન ન કરી શકીએ તેનો સમગ્ર આધાર આપણા પોતાનાં ડહાપણ, પ્રાથમિકતા, દ્રષ્ટિકોણ અને ઉછેર ઉપર આધારિત છે.

દુઃખની વાત એ છે કે નફરત એક એવો ભાગ છે કે જે આપણને શીખવવામાં આવ્યો હોય છે. કોઇપણ વ્યક્તિ નફરતને લઈને જન્મ્યું હોતું નથી, તે સહજ નથી હોતું. જયારે આપણા હૃદયમાં નફરત હોય છે, ત્યારે તેનો અર્થ છે કે કોઈ વ્યક્તિએ કે વિચારધારાએ કે પ્રસંગે આપણને નફરત કરતાં શીખવ્યું છે. અને સારું છે કે તેનો અર્થ એ પણ છે કે તેને આપણે પછીથી મગજમાંથી નિકાળી પણ શકીએ છીએ. દરેક શિખવવાનું અને શિખેલું કાઢી નાંખવાની જે વાત છે તે ચાર સ્તરોની જાગૃતતાથી શરુ થાય છે. તેનાં વિશે બીજી કોઈ વાર વાત કરીશું.

આપણે શું શિખવું છે તે આપણે જાતે પસંદ કરી શકીએ છીએ. નફરત તેમાંની એક વાત હોય તે જરૂરી નથી. ચાલો એવી વાત શીખીએ કે જે આપણી ચેતનાને શુદ્ધ કરે, આપણા આત્માની ઉન્નતિ કરે અને સત્ય અને દયાનાં માર્ગે ચાલવાની હિંમત આપે. કારણકે એક ઉદાર વ્યવહાર જ આપણી આંતરિક સુંદરતાને છતી કરી શકે છે. પ્રેમ એ નફરત કરતાં કરોડોગણું વધુ શક્તિશાળી છે, કારણકે પ્રેમ એક અવકાશ સર્જે છે અને એવાં મહેલો બનાવે છે જેમાં નફરત સુઈ નથી શકતી.

તો પ્રેમ શું છે, તમે કદાચ પૂછશો? કાળજી કરવી, દયા રાખવી, સમાનુભુતિ દાખવવી, પ્રતિદાન કરવું આ બધી વાતોથી પ્રેમ બને છે. જયારે તમે પ્રેમમાં હોવ છો ત્યારે આ તમામ વસ્તુઓ કુદરતીપણે આવતી હોય છે. આ બધાનો હૃદયથી અમલ કરો અને પ્રેમ તમારા અસ્તિત્વનાં એક-એક છિદ્રમાંથી શિયાળાનાં સુરજની જેમ પ્રકાશી ઉઠશે જે હંમેશાં તમારી આજુબાજુ શાંતિ અને હુંફ આપતું રહે છે.

નફરત કરતાં પ્રેમને પસંદ કરો અને તમે ક્યારેય નિરાશ નહિ થાવ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email