કાલાતીત વેદો અને અસંખ્ય ફિલસુફી પ્રબંધો શાંતિમય જીવન માટે, અનાસક્તિ અને સમતા વિશે વાત કરે છે. શું તે વ્યવહારુ, થઇ શકે તેવું છે ખરું? અનાસક્તિનાં વિષય ઉપર મને ગઈકાલે નીચેની ટીકા મળી (શબ્દશ: અહી રજુ કરું છું.):

આપણી અંદર ઘણાં બધાં હોર્મોન તેમજ શારીરિક, રસાયણિક અને જૈવિક ઘટકો આવેલાં છે કે જે દિન પ્રતિદિન આપણી માનસિકતા સાથે કામ કરે છે અને સમાજમાં ઘણાં ગુરુઓ છે કે જે કહેતા રહેતાં હોય છે ‘અરે, આ છોડી દો અને તેનો ત્યાગ કરી દો…’
અરે તેઓ પણ જાણે છે કે તમારા ‘આનંદ, સ્વાદ અને ઇચ્છાઓથી અલગ થઇ જવું એ શક્ય નથી…’ પરંતુ તેઓ તેમ છતાં પણ એ બધી બાબતો માટે આગ્રહ રાખે છે કારણ કે તેઓ જાણે છે કે આ ખરેખર તો શક્ય જ નથી કે અનાસક્ત થઇ જવું….એ તો આપણા મન અને માનસિકતાનો જ એક ભાગ છે…
આ સદીઓથી ચાલી આવતી એક ચાલ છે કે જે ગુરુઓ પોતાની સત્તાને ટકાવવા માટે પોતાનાં અનુયાયીઓ સાથે રમ્યાં કરે છે.

મુર્ખ ન બનશો.

હું સાંભળું છું તમને. તમારી વાતમાં કદાચ દમ પણ હોય. એટલું કહ્યાં પછી હું એમ કહીશ કે તમારે જો તમારું કોલેસ્ટેરોલ ઓછું કરવું હોય તો તમારા દાકતર તમને તળેલું ખાવાની મનાઈ કરશે. જો તમે ડાયાબીટીસનાં દર્દી હશો તો તે તમને ખાંડ ખાવાનું ટાળવાનું તેમજ દરરોજ ચાલવા જવા માટે કહેશે. જો તમારે તંદુરસ્ત જીવન જીવવું હોય તો તમારે પોષક આહાર આરોગવો જોઈએ અને કસરત કરવી જરૂરી છે. કોને સ્વાદિષ્ટ અને ગળ્યું ભોજન, તળેલું અને વિવિધ પકવાનો નથી ભાવતા? પણ જો તે આપણા જીવન માટે હાનિકારક ન હોત તો-તો આપણે તે આપણી અંદર દિવસ રાત ઠુંસતા રહેત. તમે જો હંમેશાં જંક ફૂડ જ ખાવ તો કઈ મરી નથી જવાના (અંતે તો મરી જ જવાના છો જો કે). પણ જે કોઈ પોતાની તંદુરસ્તી માટે જાગૃત છે, તે તેનો સંયમ રાખીને ખાશે, તેઓ સાવચેતી રાખશે. તેમને ખબર હોય છે કે તેની એક કિંમત હોય છે જે ચૂકવવી પડતી હોય છે. અને આ જ તો તેની ચાવી છે – તેની એક કિંમત ચૂકવવી પડતી હોય છે.

સદ્દગુણો જેવાં કે અનાસક્તિ, સત્ય, દયા અને વિગેરેની બાબતમાં પણ એવું જ છે. તમારે તેનું પાલન નથી કરવાનું. તમારે તમારો ગુસ્સો, ઈર્ષ્યા, ધ્રુણા અને નકારાત્મકતાને છોડી દેવાની કોઈ જરૂર નથી (તેમાંનું કશું છોડી દેવું સહેલું પણ નથી અને અશકય પણ નથી). જો કે યાદ રહે, તેની એક કિંમત ચૂકવવી પડતી હોય છે. તેનાં બદલે તમારે તમારી શાંતિ અને તમારી લાગણીકીય સ્વસ્થતાનો ભોગ આપવો પડશે. એક સાચ્ચા ગુરુ ક્યારેય કોઈ કર્મકાંડ કે કોઈ ચીલો નહિ ચાતરે, તે તો તમને ફક્ત પોતાની જ વાત કરશે કે તેમનાં પોતાનાં માટે કઈ વસ્તુએ કામ કર્યું હતું અને બાકીનું બધું તમારી ઉપર છે.

કદાચ કોઈ ગુરુ તમારી નબળાઈને અનુચિત રીતે દર્શાવશે કે પછી તમારું સત્ય તમને પોતાને દુઃખ પહોંચાડે એવું હોય તેમ પણ બને. કદાચ તેમાંના ઘણાં બધાં મુર્ખ લોકો હોય તેવું પણ બને. તો પણ, ઘણાં બધાં એવાં સંતો પણ છે કે જેમણે પોતાનું સમગ્ર જીવન દુનિયાનાં કલ્યાણ માટે ખર્ચી નાંખ્યું હોય. તેઓ બધાં કઈ એક જ માટીમાંથી નથી બનેલાં હોતા. જવા દો, મારો આજનો લેખ કઈ ગુરુઓ અને અનુયાયીઓ ઉપર નથી. પરંતુ, મારે તો અનાસક્તિ અને જતું કરવાની બાબત વિશે વાત કરવાની છે.

આસક્તિ એ કુદરતી બાબત છે, અને ઘણી વખત તે આરામદાયી પણ હોય છે, પણ જેમ કે મેં હમણાં કહ્યું, તેની એક કિંમત હોય છે. જો તમે લાગણીઓનાં ઉતાર-ચડાવનાં ચકડોળે ચડવામાં ખુશ હોવ તો પછી તમે તમારા હાલનાં સ્વભાવ અને લાગણીને વળગી રહી શકો છો. પરંતુ, જો તમારે ઊંડો અને લાંબો ચાલે એવાં આનંદનો અનુભવ કરવો હોય, તો તમારે ઘણું બધું જતું કરવાનું શીખવું પડશે. અને, જતું કરવાની બાબતનો પાયો છે અનાસક્તિ.

જ્યાં સુધી તમે અનાસક્તિ તમારા જીવનમાં નહિ લાવો, ત્યાં સુધી ખરેખર કઈ છોડવું કે જતું કરવાનું શક્ય નથી બનતું. કોઈ જયારે તમને દુઃખ પહોંચાડે, દાખલા તરીકે, તો તમે કહી શકો કે તમે તેમને માફ કરી દીધા છે કે પછી તમે તેમને જતાં કર્યા છે, પરંતુ જ્યાં સુધી તમે અધ્યાત્મિક રીતે તમારી જાતને અપરાધીથી અલગ નથી કરતાં ત્યાં સુધી કશું જતું કરવાનું શક્ય પણ નથી બનવાનું. તેમનાં વિચારો તમને હજી પણ પરેશાન કરશે જ, તેમની યાદ પણ તમને બેચેન બનાવી દેશે અને તેમનો અપરાધ તમને વારંવાર યાદ આવ્યા કરવાનો. તમે તમારી જાતને અનાસક્ત કરી દો અને તમે જોશો કે દુઃખ અદ્રશ્ય થવાનું શરુ થઇ જશે. આપણે શા માટે આટલાં વળગેલા રહીએ છીએ જો તે વળગણ આપણને આટલું દુઃખ આપી રહ્યું હોય, તમે કદાચ પૂછશો?

ચાલો આસક્તિ ઉપર થોડો પ્રકાશ પાથરવા માટે હું તમને દક્ષિણ ભારતનાં અમુક ભાગોમાં લોકો વાંદરાઓને કેવી રીતે પકડતાં તેની વાત કહું.

બહુ થોડા સમય પહેલાં, વાંદરાઓ ખેતરનાં પાકને નુકશાન પહોંચાડતા. જે ખેડૂતો દયા ધર્મનું પાલન કરતાં હોય તેઓ વાંદરાઓને બંદુક મારીને મારી નહોતાં નાંખતા. તેઓ તેમને પકડતાં, અને એકવાર પકડાઈ ગયાં પછી તેઓ વાંદરાઓને જંગલમાં લઇ જઈને છોડી મુકતાં. પરંતુ વાંદરા પકડવાનું કામ કલ્પના બહારનું અઘરું કાર્ય હતું.

આ કપિઓ ખુબ જ ફૂર્તીલા, કુખ્યાત અને આક્રમક હોય છે. અને જો તમને એમ લાગતું હોય કે રોકેટ સાયન્સ અઘરું હોય છે તો પછી એક વાંદરો પકડવાની કોશિશ કરી જુઓ (અથવા તો તેની બરાબરનું કાર્ય – ધ્યાન કરવાની કોશિશ કરી જુઓ). ખેડૂતોએ પાંજરું ગોઠવી જોયું પણ તરત જ તેમને ભાન થયું કે આમ કરવાથી વારંવાર વાંદરાઓનો કાં તો અંગુઠો, આંગળી કે કોઈ વખત આખો હાથ કે પગ આ પિંજરામાં કપાઈ જતો. બિચારું પ્રાણી પીડા અને દુઃખથી રડી પડતું અને આખી જિંદગી અપંગ બનીને રહી જતું.

ખેડૂતોએ આ વાંદરાઓ પકડવાં માટેનો કોઈને કોઈ સલામત માર્ગ શોધી કાઢવો પડે તેમ જ હતું. બધું કામ પડતું મૂકીને આખો સમય બસ વાંદરાઓ પર નજર રાખીને બેસી રહેવું તેમને પોષાય તેવું પણ નહોતું.

“એક સરળ ઉપાય છે,” એક હોશિયાર ખેડૂતે કહ્યું. “હું આ વાંદરાઓને અને તેમનાં વર્તનનું અવલોકન ઘણાં સમયથી કરતો આવ્યો છું. આપણે તેમને જરાય નુકશાન પહોંચાડ્યા વગર પકડી શકીએ તેમ છીએ.”

તેમને તેનું નિર્દેશન કરવાં માટે તેણે નારિયેળમાં એક નાની બખોલ પાડી. થોડું મોટી કે જેથી કરીને વાંદરો તેમાં પોતાનો હાથ નાંખી શકે. તેણે તે નારિયેળ નારીયેળીનાં વૃક્ષ ઉપર બાંધ્યું અને તેની અંદર એક કેળું મુક્યું.

બિલકુલ વધારે સમય લાગ્યાં વિના જ ત્યાં એક વાંદરો આવ્યો અને કેળાની સુગંધ આવતાં જ તેને પોતાનો હાથ અંદર નાંખ્યો. પરંતુ, જેવો તેને પોતાનો હાથ બહાર ખેંચવાની કોશિશ કરી તો તે નાનકડી બખોલમાંથી બહાર ન આવ્યો કેમ કે તેની મુઠ્ઠીમાં કેળું પકડેલું હતું.

અને પેલો હોશિયાર ખેડૂત વૃક્ષ ઉપર ચડવાં લાગ્યો. વાંદરો પોતાનો જ બંદી બની ગયો હતો. તે પેલું કેળું છોડી દઈને પોતાનો હાથ બહાર કાઢી શકે તેમ હતું, પણ નાં, તે તો કેળાને બરાબરનું પકડી જ રાખતો. તે બરાબરની ચીચીયારીઓ પાડતો પરંતુ પેલો માણસ શાંતિથી તેની પાસે પહોંચી ગયો અને વાંદરાને ધીમેથી પકડી લીધો.

તે લોકોએ અનેક નારિયેળ લટકાવ્યા અને થોડા સમય પછી તરત જ તેમને બધાં વાંદરાઓ પકડી લીધા.

વાર્તાનો સારાંશ છે: આસક્તિ એ વાંદરા જેવી વર્તણુક છે.

અને વધુ ગંભીર બાબત તરફ જોઈએ તો, આસક્તિનું મૂળ કારણ છે અજ્ઞાનતા. વાંદરાએ પોતાની સ્વતંત્રતા કરતાં પેલાં કેળા ઉપર વધારે કિંમત મૂકી. કેળું જતું કરવાં માટે, તેને પોતે પોતાની ઈચ્છાનાં વિષય (આ કિસ્સામાં કેળા) ઉપર જાગૃતપણે અનાસક્તિ લાવવી પડશે. તમે તમારી જાતને જાગૃતપણે થોડા અઠવાડિયા સુધી અનાસક્ત રાખો અને તમે જોશો કે જતું કરવાનું આપોઆપ શક્ય બનતું જશે. દાખલા તરીકે તમે ચા થોડા અઠવાડિયા માટે છોડી દો અને ચા પીવાની ઈચ્છા એની મેળે જ ચાલી જશે. મારા ઉપર વિશ્વાસ હોય તો કોશીસ કરી જુઓ.

વધુમાં, જતું કરવાનું તમને લાગે છે તેટલું અઘરું કાર્ય પણ નથી. તમે દરરોજ રાત્રીએ તમારા વિચારો, શરીર અને મનને સુઈ જતાં પહેલાં છોડી જ દેતાં હોવ છો. વાસ્તવમાં છોડ્યાં વગર ઊંઘ આવવી શક્ય જ નથી. ઊંઘમાં જે નવચેતના અને શાંતિનો અનુભવ થાય છે તે એટલાં માટે થાય છે કે તમે બધું છોડી દો છો. જો તમારે આ સમાન લાગણીનો અનુભવ જાગતી આંખે લેવો હોય તો પછી વહેલાં કે મોડા જતું તો કરવું જ પડશે.

જે કોઈ પણ જગ્યા એ તમે જોડાયેલાં હશો, તે તમને બંદી જ બનાવી દેશે. બસ આટલું સહજ અને સરળ છે આ. આ સારું છે કે ખરાબ એ તમારો અંગત દ્રષ્ટિકોણ છે. મનની જેલ એ ઈચ્છાઓની ઇંટો અને વળગણની સિમેન્ટથી ચણેલી છે. જાગૃતિ એકમાત્ર દરવાજો છે, અને સાવધાની એકમાત્ર બારી. વૈરાગ્ય એ એકમાત્ર એવું બુલડોઝર છે જેનાથી આ જેલ જમીનદોસ્ત થઇ શકે.

જો મન એ વાંદરો હોય તો ઇચ્છાઓ કેળા સમાન છે. પેલી બંધ મુઠ્ઠી એ આકર્ષણ છે અને તે હોશિયાર ખેડૂત વૈરાગ્યનું પ્રતિક છે. બધાં જ જીવન વૃક્ષ ઉપર ચડતાં હોય છે. અને નારિયેળ? નારિયેળ શું છે? આ સંસાર.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email