એક સામાન્ય કહેવત એવી છે કે આપણે આ જગતમાં કશું પણ લીધા વગર આવ્યાં છીએ અને કશું પણ લીધા વગર જવાનું છે. હશે, કદાચ. જો એ કદાચ સંપૂર્ણપણે સત્ય હોય તો સારું પણ છે. હકીકત તો એ છે કે, આપણે ઘણું બધું લઈને જન્મ્યાં હોઈએ છીએ અને ઘણું બધું આપણી સાથે લઈને પણ જઈશું. એક રીતે, આપણા કર્મો તો આપણી સાથે જવાના જ છે. તમે કદાચ પુનર્જન્મમાં માનતાં હોવ કે સ્વર્ગમાં, આપણા કર્મો આપણા વર્તમાન જીવનકાળની પેલે પાર સુધીનાં ભવિષ્યને પણ નક્કી કરતાં હોય છે.

જન્મની વાત પર પાછા ફરીએ તો, આપણે ચોક્કસ ખાલી હાથે આ જગતમાં નથી આવ્યાં. આ પાંચ ઇન્દ્રિય વાળું શરીર કે જે સ્પર્શ, ગંધ, સ્વાદ, અવાજ અને દ્રશ્યને અનુભવી શકે છે તેની સાથે સાથે આપણે બીજી બે અદ્દભુત વસ્તુઓને લઈને આવ્યાં છીએ. પ્રથમ છે જીવન. હા, આપણે આપણી અંદર પરપોટા કરતું જીવન લઈને જન્મ્યા છીએ. જીવન કે જે શ્વાસ અને ઉછ્વાવાસનાં કુલ સરવાળા કરતાં ક્યાંય વધુ છે. આ જીવન આંધળી મજુરી કરવા માટે કે મુઠ્ઠભેડ કરવા માટે પણ નથી (એવું કરવું જરૂરી પણ નથી). શરૂઆતમાં, જીવન સુંદર હોય છે અને દરેક વસ્તુ આશાસ્પદ લાગે છે. એક બાળકની અંદર જોઈએ તો તેનાં ચહેરા પર તેજ હોય છે, હોઠ પર સ્મિત રમતું હોય છે, અને તેનું રુદન પણ સુંદર લાગે છે (મોટાભાગે). એક બાળક જીવનની ભવ્યતાને અંદર ભરીને સતત વિસ્મયતાપૂર્વક જીવન જીવે છે. બાળકને કોઈ ભવિષ્યની યોજનાઓ નથી હોતી કે ભૂતકાળની કોઈ ગ્લાની નથી હોતી. તે ફક્ત વર્તમાન ક્ષણમાં જીવન જીવે છે. જો કે તમે જેમ જેમ મોટા થતાં જાવ છો, પસાર થતો એક એક દિવસ તમને અંદરથી તોડતો જતો હોય છે. તમે બદલાતાં જાવ છો, તમે એકાકી થતાં જાવ છો, થોડા વધારે નકારાત્મક, થોડા વધારે પડતા થાકેલાં.

આપણે ઇચ્છીએ તો પણ, એ શક્ય નથી કે આપણે હંમેશાં માટે એક બાળક બનીને રહીએ. કારણકે જે બીજી વસ્તુ છે કે જે આપણે સાથે લઈને જન્મ્યા છીએ તે આપણી વર્તમાન ક્ષણમાં જીવવાની પ્રતિજ્ઞા અને ખરેખર તેમ કરવાની જે વાત છે તે બેની વચ્ચે આવી જતી હોય છે. તમારે એક બાળક જેવા રહેવું હોય છે, હકારાત્મક અને સાહસિક. તમારે ઈર્ષ્યા, નકારાત્મકતા અને નિંદાની લાગણીઓ નથી જોઈતી હોતી. તમારે તમારો બધો ભાર ફેંકી દેવો હોય છે, તમારે ભવિષ્યની કોઈ ચિંતા નથી કરવી હોતી, પરંતુ, એક વિચાર અને બસ બધું કકડભૂસ….બધી સુંદરતા સંધ્યા સમયે વિલાઈ જતાં સુર્યપ્રકાશની જેમ અદ્રશ્ય થઇ જાય છે. આપણા જીવનની આ બીજી બાજુ એ આપણી ગળે પડેલા એક બોજ સમાન છે. અને, જો તમે કદાચ અનુમાન ન કરી શક્યાં હોય તો, હું “મન”નાં સંદર્ભમાં વાત કરી રહ્યો છું. આપણામાંનાં દરેક જણ મનને લઇને જન્મ્યાં છીએ. એક સતત વાતોડિયા મન સાથે. જે લપલપીયું છે.

ધ્યાન આપશો તો તમને જણાશે કે એ બિલકુલ બંધ જ નથી રહેતું. જ્યાં સુધી તમારે પ્રથમ ભેટ જોઈતી હશે (જીવન), તો તમારે બીજી ભેટ (મન)ને પણ સહન કરવી જ પડશે. જેમ કે જ્હોન મિલ્ટને Paradise Lost માં લખ્યું છે:

“The mind is its own place, and in it self
Can make a Heav’n of Hell, a Hell of Heav’n.”

જો તમારે પ્રયોગ કરવો હોય તો શાંતિથી એક જગ્યાએ એકલાં બેસો, અને તમે જોશો કે બધી દિશાઓમાંથી વિચારો તમારા પર આક્રમણ કરશે. અને તે મોટાભાગે નકારાત્મક, ચિંતાતુર, અને તણાવગ્રસ્ત વિચારો જ હશે. સારા વિચારો શિયાળામાં વચ્ચે-વચ્ચે કોઈ વાર પડી જતાં વરસાદની જેમ બહુ થોડા જ હશે. પણ તમને શું ખબર છે કે સજાગતાની ટોંચ શું છે? તે એ છે કે આ ડહાપણ સાથે જીવવું કે વિચારો તો ખાલી ખોખા જેવાં છે. તેમનો એકલાંનો કોઈ અર્થ નથી હોતો. કે, તેમાં કોઈ સાર હોતો જ નથી. વિચારોથી તમે છેતરાઈ ન જાવ. એ તો ટીવી જેવા છે, તમે ચેનલ બદલો અને તેમાં કશુંક ને કશુંક દરેક ચેનલ પર સતત ચાલતું જ રહેતું હોય છે. મન પણ આવું જ છે. તમારે એ બધી ચેનલ કઈ જોવાની જરૂર નથી.

તમારા વિચારોને નહિ જોવાની કે અવગણવાની ક્ષમતા તમારી સજાગતામાંથી આવે છે અને વ્યંગ્યાતમક રીતે જોઈએ તો સજાગતા પ્રાપ્ત થાય છે પ્રથમ તમારા વિચારોને જોવાથી. જો કે, તમારા વિચારોને એક સ્વતંત્ર અવલોકનકાર (સજાગપણે) તરીકે જોવા અને તેની પાછળ દોરવાઈ જવામાં ફરક રહેલો છે. એકવાર તમે સજાગતાની કળામાં નિપુણ થઇ જશો ત્યારે તમે તમારા મન ઉપર એક અસામાન્ય કાબુ ધરાવી લેશો. તમને ભાન થશે કે તમારે મનનાં અવિરત ચાલતાં બબડાટને સાંભળવાની કશી જરૂર નથી હોતી, કે તમે તેની અર્થહીન ચટરપટરનો કોઈ પ્રતિભાવ આપવા માટે બંધાયેલા નથી. કે, આ ઘોંઘાટિયાં મન સાથે તમારા મગજમાં લાંબા-લાંબા સંવાદો ચલાવવાની પ્રક્રિયા બિલકુલ અર્થહીન અને એક બિનજરૂરી કવાયત છે. માયકલ સિંગરની The Untethered Soul માંથી જો ટાંકવું હોય તો:

તમારા વિચારોની અસર આ દુનિયા ઉપર, તમને લાગે છે તેનાં કરતાં બહુ જ ઓછી પડતી હોય છે. જો તમારે નિષ્પક્ષપણે તમારા વિચારોને જોવા હોય તો તમને જણાશે કે મોટાભાગનાં વિચારોને એકબીજા સાથે કોઈ પ્રાસંગિકતા હોતી નથી. તેમની તમારા સિવાય બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ ઉપર અસર નથી પડતી. તે તો તમને જ ફક્ત અત્યારે શું ચાલી રહ્યું છે, ભૂતકાળમાં શું થયું હતું, અને ભવિષ્યમાં શું થઇ શકે છે તેનાં વિશે સારું કે ખરાબ અનુભવડાવે છે. જો તમે તમારો સમય કાલે વરસાદ નહિ પડે તેવાં આશાસ્પદ વિચારો કરીને પસાર કરો, તો તમે તમારો જ સમય બગાડી રહ્યાં છો. તમારા વિચારો વરસાદને નથી બદલવાના. તમે એક દિવસે એ સમજી જશો કે મન સાથે અવિરત ચટરપટર કર્યે રાખવાનો કોઈ અર્થ નથી, અને બીજું કે દરેક વસ્તુને સમજવાની કોશિશ કરવાની પણ કોઈ જરૂર નથી હોતી. અંતે તમે એ સમજશો કે જીવન પોતે કઈ તમારા પ્રશ્નોનું કારણ નથી. એ તો આપણું મન છે કે જે જીવન વિશે આપણા મનમાં જે હલ્લો મચાવે છે તેનાંથી ખરેખર જીવનમાં પ્રશ્નો ઉભા થતાં હોય છે.

ક્યારેય નાનાં બાળકને રમકડાથી રમતું જોયું છે? તેઓ રમતી વખતે સતત બોલબોલ કરે છે. તેઓ પોતાનાં રમકડા જોડે પણ વાતો કરે છે. તેઓ રમકડાઓ સાથે દરેક જાતની લાગણીઓ વ્યક્ત કરે છે જાણે કે તે રમકડા કોઈ જીવંત ન હોય. મનની ચટરપટરનો અર્થ પણ એક બાળકનાં રમકડા સાથેનાં સંવાદો જેટલો જ હોય છે. આ સમજ તમારા મનને શાંત કરવા માટેનું પ્રથમ પગલું છે. ધ્યાનની ક્રિયા એટલે મનને સમજવાની પ્રક્રિયા એવું નથી. એમાં કશું સમજવાનું છે જ નહિ. એનાં બદલે, એમાં તમારે તમારા મનને જોવાનું છે કે જેથી કરીને તમે તેને અવગણવાનું કે પછી તેને તમારી ઈચ્છા મુજબ કોઈ દિશામાં કાર્યરત કરવાનું શીખી શકો.

કોઈએ મને એક દિવસ એક સુંદર ટુંચકો ઈ-મેઇલ કરીને મોકલ્યો હતો. તે સૌ પ્રથમ વિદ્વાન ઓશોએ કહ્યો હતો.

હું તમારા માટે તેને અહી બીજા શબ્દોમાં રજુ કરું છું.

એક પ્રખ્યાત વૈજ્ઞાનિકને પોતાનાં પુત્ર માટે એક ભેટ ખરીદવી હતી.
“રમકડા નહિ,” તેને દુકાનદારને કહ્યું, “મારા ૬ વર્ષનાં પુત્ર માટે કઈક બુદ્ધિશાળી વસ્તુ બતાવો.”
દુકાનદાર અંદર ગયો અને એક જીગ્સો પઝલ (ટુંકડા જોડીને ચિત્ર બનાવવાની રમત કે કોયડો ઉકેલવાની રમત) લઈને આવ્યો અને તેનાં પર લખ્યું હતું કે ૩ અને તેથી વધુ ઉંમરનાં બાળકો માટે.
“આ તો એકદમ સહેલું થઇ પડશે એનાં માટે,” પિતાએ મજાક ઉડાવતા કહ્યું “તે એક વૈજ્ઞાનિકનો પુત્ર છે. મને કશુંક વધારે અઘરું હોય એવું કઈક બતાવો.”
“મારો વિશ્વાસ કરો, સાહેબ,” પેલા દુકાનદારે કહ્યું. “આ સૌથી અઘરો કોયડો છે. તમે પણ કદાચ નહિ ઉકેલી શકો.”
આવી ચુનોતીથી એકદમ ઉત્સાહમાં આવીને વૈજ્ઞાનિકે તો ત્યાંનું ત્યાંજ ખોખું ખોલીને પેલો કોયડો ઉકેલવાનું શરુ કરી દીધું.
તેને પોતાને પણ નવાઈ લાગી, અડધા કલાક પછી પણ તે પોતે કોયડો ઉકેલી શક્યાં નહિ.
“મને સમજાતું નથી,” તે પોતાનું માથું ખંજવાળતા બોલ્યાં, “આ કેવો કોયડો છે?”
“હળવાશથી લો, સાહેબ,” દુકાનદારે શાંતિથી જવાબ આપતા કહ્યું. “તેને ઉકેલી શકાય તેમ છે જ નહિ. તેને સમજી પણ શકાય તેમ નથી. આ જીવનનો કોયડો છે.”

જેમ વહેતી નદી વિશે કશું સમજવાનું હોતું નથી, કે ઠંડી હવાની લહેરખીનો અનુભવ કરવા માટે કશું સમજવાનું હોતું નથી, એવી જ રીતે જીવનમાં સમજવાનું કશું નથી કે જેથી કરીને તેની અદ્દભુતતાને બતાવી શકાય. કશું પણ સમજવામાં જાગૃત મનનાં હસ્તક્ષેપની જરૂર પડે છે. અને તમને કહી દઉં, કે શાંતિ આવી બધી દખલગીરીમાં શક્ય નથી હોતી. શાંતિ અત્યારે અહી જ છે, વર્તમાન ક્ષણમાં. કોઈ પણ જાતની આલોચના વગર.

ચાલો જીવનની ભેટમાં જેવાં છીએ તેવાં આનંદપૂર્વક બની રહીએ તેને સમજી કાઢવાનો પ્રયત્ન કર્યા સિવાય. જો સમજવા જેવું કશુંય હોય તો તે એ છે કે બધી જ સમજ કોઈ એક સમયે તો અર્થહીન જ હોય છે. પેલા બાળકનાં રમકડાની જેમ, જીવન પણ રમવાનું એક સાધન માત્ર જ છે. તેને બહુ ગંભીરતાથી ન લેશો.

મળેલ ભેટ માટે કૃતજ્ઞતા રાખો અને એવી રીતે જીવો કે તમે જીવનને પ્રેમ કરતાં હોવ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email