હું નિયમિતપણે વિવિધ પ્રકારનાં લોકોને મળતો હોવ છું. તેમાં ચાર્ટર્ડ પ્લેનમાં ફરવાં વાળાથી માંડીને મોટરગાડીમાં ફરવાં વાળાનો સમાવેશ થાય છે, અને એવાં લોકોનો પણ સમાવેશ થાય છે કે જેઓ ક્યારેય પ્લેનમાં નથી બેઠા કે જેમને બે રૂપિયાની બસ ટીકીટ પણ પોષાતી નથી. ટૂંકમાં, તેમાંનાં ઘણાં એવાં છે કે જેઓ રાત્રે સુઈ નથી શકતાં કેમ કે તેમની પાસે ઘણું બધું હોય છે અને જયારે કેટલાંક એવાં છે કે જેઓ રાત્રે સુઈ નથી શકતાં કેમ કે તેમની પાસે બહુ ઓછું હોય છે. તો પછી હું એવું માનું છું કે રાતે નિરાંતે સુવા માટેનો ઉપાય સફળતા ઉપર આધારિત નથી. કારણકે કોઈ પણ કિસ્સામાં તમે સુઈ તો શકતાં જ નથી, કદાચ એ વધુ સારું રહેશે કે એક ગોળી મોઢામાં નાંખો અને તમારી સ્વપ્નસૃષ્ટીમાં એક લટાર મારી આવો. મજાક કરું છું.

ગંભીરતાપૂર્વક કહું તો, એવું શું છે કે જે અમુક લોકોને અથાગ સફળ બનાવે છે? પ્રમાણિકતા? ખરેખર? (હું આશા રાખું.) કદાચ નસીબ, જરૂરી સ્રોતોની સવલત, તકો, સમર્પિતતા, સખત મહેનત, વિગેરે તેમાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ, એવાં ઘણાં મહેનતુ લોકો પણ છે કે જેમની પાસે પણ સ્રોતો છે અને બીજા પાસે હોય એવી તકો પણ છે, છતાં પણ તેઓ દિવસ-દિવસનું જીવન જીવતાં હોય છે.

તો, પછી એવી એક વસ્તુ કઈ છે કે જે તમને દરેક સફળ લોકોમાં દેખાય છે? બિલકુલ દરેક વ્યક્તિમાં, કોઈપણ અપવાદ સિવાય. ઓછા નામે, હું જે આટલાં બધાં લોકોને મળ્યો છું તેનાં પરથી મને એવું ચોક્કસ લાગે છે તેમાંના દરેક લોકો પાસે એક ખાસ ગુણ હોય છે. એ એક એવી ખાસિયત છે કે જે કોઈ પણ પોતાનાંમાં લાવી શકે છે કે કેળવી શકે છે. હું તેનાં વિશે વાત કરું તે પહેલાં ચાલો હું તમને એક નાનકડી વાર્તા કહું: ડેન એરીલીનાં અદ્દભુત પુસ્તક, Predictably Irrational: The Hidden Forces That Shape our Decisions, માં તેઓ એક ઝીઆંગ યુની વાર્તા ટાંકે છે કે જે ચીનનાં સમ્રાટ બનવાં જઈ રહ્યાં હતાં.

તેમાંનો પ્રસંગ:

ઈ.સ.પૂર્વે ૨૧૦માં એક ઝીઆંગ યુ નામનો ચીની સેનાપતિ યાન્ગ્તઝે નદીને પાર કરીને ચીનનાં લશ્કર ઉપર આક્રમણ કરવાં જાય છે. નદીનાં કિનારે એક રાત રોકાઈ જાય છે, અને વહેલી સવારે તેનું લશ્કર નવાઈ સાથે ઉઠીને જુએ છે તો તેમનાં જહાજ બળતાં હોય છે. તેઓ ઉતાવળા થઇને જોવા જાય છે કે તેમનાં ઉપર કોણે હુમલો કર્યો હોય છે, પણ જુએ છે કે ખુદ ઝીઆંગ યુ પોતે જ તેમનાં જહાજો બાળી રહ્યો હતો, અને પછી તે બધાં રાંધવાનાં વાસણો પણ કચડી નાંખવાનો આદેશ આપે છે.

ઝીઆંગ યુ પોતાનાં લશ્કરને જણાવે છે કે જહાજ અને વાસણો વગર, તેમની પાસે એક જ રસ્તો છે કે કાં તો યુદ્ધ જીતી જવું કાં તો ખતમ થઇ જવું. તેનાંથી ઝીઆંગ યુને ચીની લશ્કરનો પ્રિય સેનાપતિ તો ન બનાવ્યો, પણ તેનાંથી લશ્કર ઉપર જબરદસ્ત અસર થઇ. પોતાનાં શસ્ત્રો લઇને તેઓ જોરશોરથી લડ્યાં અને લાગલગાટ નવ યુદ્ધો જીતી ગયાં અને ચીની લશ્કરની મુખ્ય છાવણીઓને મિટાવી દીધી.

આપણામાંથી એવા કેટલા છે કે જે પોતાનાં ધ્યેય માટે થઇ ને બધું જ દાવ પર લગાવી દેવાની હિંમત ધરાવતા હોય? આપણામાંથી એવાં કેટલા કે જે એકચિત્ત થઇને જીતને હાંસિલ કરવા માટે બાકીનાં બધાં જ દરવાજા બંધ કરી દે? આટલું કહ્યાં પછી, આ ઉગ્રતા કે કટિબદ્ધતાની વાત નથી કે જે હું કરી રહ્યો હોય. મારી દ્રષ્ટીએ, તે એક ખાસિયત કે જે દરેક સફળ વ્યક્તિ અચૂકપણે ધરાવે છે તે છે તેમની નિર્ણાયત્મકતા.

હા, તેમની નિર્ણય કરવાની શક્તિ.

સફળ લોકો નિર્ણય લેવાંથી ડરતાં હોતાં નથી. એક વખત તે જે નક્કી કરે લે, બસ તે પછી તેઓ તે કરીને જ ઝંપતા હોય છે.

જો તમે એક દરવાજો ખોલવા માટે અમુક દરવાજાઓ બંધ કરી દેવાં માટે તૈયાર હોવ તો કુદરત તમારા માટે તે દરવાજો ખોલી આપશે. બસ અધવચ્ચે છોડી નહિ દેતાં. જ્યાં સુધી તમે પાછા વળી ન શકો તે મુકામ સુધી પહોંચી જવાની ઈચ્છા રાખતાં ન હોવ ત્યાં સુધી તમારા પ્રયત્નોમાંથી કઈ નક્કર વળતર મળશે તેવી અપેક્ષા પણ નહિ રાખતાં. જયારે તમે કોઈ પણ કાર્ય ફક્ત એક માત્ર એકાગ્રતા અને તેને બસ પાર પાડવાનાં જ વિકલ્પ તરીકે લેશો ત્યારે તમને સફળ થવાનાં લાખો માર્ગ આપોઆપ મળી જશે. પરંતુ, તમે જો તમારી પાસે જે છે તેને ગુમાવી દેવાની સતત ચિંતા કરતાં રહો, તો તમે લગભગ ક્યારેય તમને જે મળી શકે તેમ છે તેને પ્રાપ્ત નહિ કરી શકો. હારને ટાળવા માટે થઇને, તમે આપોઆપ તમારી જાતને જીતની તકથી પણ વંચિત રાખી દો છો.

નિર્ણાયત્મકતાનો અર્થ લાપરવાહી નથી, જો કે. વિચાર્યા વગરનાં નિર્ણયો અને બુદ્ધિ વગરનાં કર્મોનો અર્થ નિર્ણાયત્મકતા નથી. આવા વર્તન માટે તો બીજો જ કોઈ વધારે યોગ્ય શબ્દ છે. મૂર્ખતા. નિર્ણાયત્મકતાનો, અર્થ તો છે તમારા ઈરાદાઓનો ધ્યાનપૂર્વક વિચાર કરીને અંતિમ પસંદગી કરવી. તેનો અર્થ છે તમારી જાતને ઓળખવી, એ જાણવું કે તમે શેની વિરુદ્ધમાં છો, અને તેનાં વિશે જ લક્ષ્ય રાખવું. નિર્ણાયત્મકતા એ તમારી વાસ્તવિકતાઓ અને સ્વપ્નાઓ વચ્ચે સંતુલન જાળવવાનું એક નાજુક કાર્ય છે. તેની શરૂઆત થાય છે તમારી જાત વિશે તમારી જાત જોડે જ ઈમાનદારી દાખવવાથી.

જેમ કે સુન ત્ઝુંએ Art of War નામનાં પુસ્તકમાં લખ્યું છે, “જો તમે દુશ્મનને અને તમારી જાત એમ બન્નેને ઓળખતાં હોવ તો તમારે સો યુદ્ધોનાં પરિણામથી ડરવાની જરૂર નથી. જો તમે તમારી જાતને જાણતા હોવ અને દુશ્મનને ન ઓળખતાં હોવ, તો તમારી દરેક જીતનાં બદલામાં તમે એક હારને પણ મેળવશો. અને તમે જો તમને કે તમારા દુશ્મનને એમ એકેયને નહિ ઓળખતાં હોવ, તો તમે દરેક લડાઈમાં મરશો.”

આપણી દરેક તલાશમાં, પછી તે આધ્યાત્મિક હોય કે ભૌતિક, અંગત હોય કે વ્યવહારુ તમને દુશ્મનો તો મળવાનાં જ. કોઈ પણ પ્રકારનો પ્રતિકાર, કે વિરોધી બળો, પછી તે તમારી પોતાની માન્યતાઓ હોય કે લાગણીઓ અથવા તો પછી બીજા લોકો હોય – તે તમામ તમારા દુશ્મનો છે. તે નફરત કરવાં માટે નથી પણ સમજવાં માટે છે, કેમ કે તમારા દુશ્મનો જ તમને મજબુત બનાવતાં હોય છે, તે તમને વિચારતાં કરે છે. જો તમે એક ક્ષણનો સમય લઇને તમને પોતાને ઓળખવાનો પ્રયાસ કરો અને તમારા માર્ગમાં શું આડું ઉભું છે તેનાં વિશે ચિંતન કરો અને જયારે તમે વર્તમાન ક્ષણની ખોટી સલામતીને જતી કરીને નવી ભૂમિને ખેડવાં માટે તૈયાર રહેતાં હશો, તો તમે તમારી સ્વપ્નસૃષ્ટીમાં એક છલાંગ લગાવીને પહોંચી જશો.

નિર્ણાયત્મક લોકો પોતાનાં સ્વપ્નોની પાછળ નથી ભાગતાં, તે તેને સાકાર કરે છે. તેઓ પોતાનાં જગતની રચના જાતે કરે છે. નિર્ણય લેવાનું ખુબ સરળ બની જતું હોય છે જયારે તમે એ હકીકતનો સ્વીકાર કરી લો છો કે તમારા દરેક નિર્ણય ખરા સાબિત નહિ થાય. ચાલો શરૂઆતથી જ એ સ્વીકારી લઈએ કે કોઈ વખત તમે ઉંધા મોઢે પણ જમીન પર પછડાશો, અને ધૂળ ચાટતા પણ થઇ જશો.  એમાં કશો વાંધો નહિ. ચાલો પાછા ઉભાં થઇ જાવ, ધૂળ ખંખેરી નાંખો અને પાછા લાગી જાવ. કારણકે, એક સુવાક્ય છે, સામાન્ય રીતે ગાંધીજીએ કહ્યું હોય એવું બધાં માને છે, “પહેલાં તે તમારી અવગણના કરશે, પછી તે તમારા તરફ હસશે, પછી તેઓ તમારી જોડે ઝઘડશે, અને પછી તમે જીતી જશો.”

તમારો વિરોધ તમારી અંદરથી આવતો હોય કે બહારથી, તમને કોઈ વખતે એવું લાગશે કે તમારી મજાક થઇ રહી હોય કે તમે નિર્બળ પડી ગયાં હોય, પણ તે સમયે તમારી જાતને તમારો નિર્ણય યાદ અપાવો અને બસ ચાલતાં રહો. એક સમયે એક ડગલું. મહેનત પૂર્વક, અદાપુર્વક. તમારું મસ્તક સત્યનાં ગૌરવથી ઊંચું ઉઠાવીને. તમારી આંખો નમ્રતાથી સહેજ ઝુકેલી રાખીને. અને બહુ ઝાઝી વાર લાગ્યા વિના જ તમે તમારા સ્વપ્નોને મળશો. તેઓ તમારી રાહ જોતા હશે પોતાનું મસ્તક પૂજ્યભાવ અને સમર્પણથી ઝુકેલું રાખીને. આવી રીતે સફળ થવાતું હોય છે. નિર્ણાયત્મક રીતે.

મને એ જણાવતાં અત્યંત આનંદ થાય છે કે આ બ્લોગ હવે હિન્દી, ગુજરાતી, તમિલ, અને ફ્રેંચમાં પણ ઉપલબ્ધ છે. આ બધાં બ્લોગ્સ પર સમયે-સમયે નવા લેખો આવતાં રહેશે. હું તે તમામ સ્વયંસેવકોનો આભારી છું જેઓ નિ:સ્વાર્થભાવે મારા અંગ્રેજી લેખોનું અનુવાદન, ચકાસણી અને પ્રકાશન કાર્ય કરી રહ્યાં છે. ટીમ, તમારો ખુબ ખુબ આભાર. તમારા એક એક હાવભાવ મારા હૃદયને સ્પર્શી રહ્યાં છો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email