એક વખત બુદ્ધ બીજા નવ સંન્યાસી શિષ્યો સાથે નદી કિનારે ચાલી રહ્યાં હતાં. પોતાની શાંત અને પ્રભાવશાળી અદાથી તેઓ આનંદને સજાગતા વિશે વાત કરી રહ્યાં હતાં, ત્યારે અચાનક જ નવે નવ શિષ્યો ઉભા રહી ગયા, અને નદીની બીજી બાજુ વિસ્મયભરી નજરે જોવા લાગ્યા. ત્યાં એક યોગી નદી પાર કરીને તેમની તરફ આવી રહ્યાં હતાં. સામાન્ય રીતે, આ દ્રશ્ય કોઈ ખલેલ પહોંચાડે એવું નહોતું. ખાસ કરીને બુદ્ધ પોતે જયારે સજાગતા ઉપર પ્રવચન આપી રહ્યાં હોય ત્યારે. આ યોગી, જોકે, નદી કોઈ નાવમાં બેસીને પાર નહોતા કરી રહ્યાં, તેઓ તેને તરીને પણ પાર નહોતાં કરી રહ્યાં, તે તો સહજતાપૂર્વક પાણી ઉપર ચાલીને આવી રહ્યાં હતાં.

પેલાં સંન્યાસીઓને પાર વગરની નવાઈ લાગી, અને તેઓએ બુદ્ધને અટકાવતાં કહ્યું, “પ્રભુ, તમે આ દ્રશ્ય જોયું?” આ તો ચમત્કારોમાં પણ ચમત્કાર કહી શકાય. આ પણ કોઈ એક સિદ્ધ યોગી લાગે છે.”

બુદ્ધને કોઈ નવાઈ લાગી નહિ અને તેમણે તે પ્રશ્નનો જવાબ નહિ આપવાનું પસંદ કર્યું, તેઓ તો ચાલતાં રહ્યાં. ફક્ત આનંદ તેમની પાછળ ચાલતો રહ્યો.

જેવાં પેલાં યોગી નદી પાર કરીને આ બાજુ પહોંચ્યા, પેલા શિષ્યો તો તેમનાં પગે પડીને તેમનાં આશીર્વાદ માંગવા લાગ્યાં.

“હે! પૂર્ણત્તમ યોગી,” તેઓ બોલ્યાં, “તમે પાણી ઉપર ચાલવાની અલૌકિક શક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી?”
પેલા યોગીનાં મુખ ઉપર ગૌરવવંતી ચમક ઉભરી આવી અને પેલા શિષ્યોએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું, “શું અમે પણ પાણી ઉપર ચાલી શકીએ ખરા?”
“હા, તમે પણ ચાલી શકો,” યોગીએ કહ્યું. “જો તમે મારા માર્ગ ઉપર ૨૦ વર્ષ સુધી પૂરી શિસ્ત સાથે ચાલતાં રહ્યો, તો તમે પણ પાણી ઉપર મારી જેમ જ ચાલી શકો.”
“૨૦ વર્ષ!” તેઓ બધાં એકીસાથે નવાઈપૂર્વક બોલી ઉઠ્યાં.

તેમનો ઉત્સાહ જો કે તરત જ મરી ગયો. દુનિયામાં આખરે કોની જોડે ૨૦ વર્ષ સુધી સંયમિત જીવન જીવવાની દ્રઢતા છે? તેમને લાગ્યું. નિ:શંક, આ વાત આકર્ષક હતી પરંતુ તેની કિંમત એટલી મોટી હતી કે પરવડે જ નહિ – બે દસકા સુધીની શિસ્તબદ્ધતા.

તેમાંના બે જણ તો જો કે પેલા યોગી સાથે રોકાઈ ગયાં અને બાકીનાં બીજા શિષ્યો તેમને પ્રણામ કરીને બુદ્ધની પાછળ જવા દોટ મૂકી. બુદ્ધ શાંતિથી અને સ્વસ્થતાથી એક નાવિક તરફ ચાલીને જઈ રહ્યાં હતાં.

“હે સંત!” તેઓએ કહ્યું, “પેલાં મહાન યોગીએ કહ્યું કે અમે પણ પાણી ઉપર ચાલી શકીએ જો ૨૦ વર્ષ સુધી અમે સંયમિત જીવન જીવવાની તૈયારી રાખીએ તો. આ ખરેખર અદ્દભુત હતું. પણ, અમને લાગ્યું કે તમને કદાચ આનાથી વધુ સરળ માર્ગની ખબર હોય.”

બુદ્ધ એક ક્ષણ માટે અટક્યા, તેમનાં ઉત્સાહિત ચહેરા તરફ એક નજર તાકીને જોયું, અને પછી ચાલતાં રહ્યાં.

“હે ભલા માણસ, અમને તું નદી પાર કરાવી દઈશ?” તેમણે પેલા નાવિકને પૂછ્યું.
“જરૂર મહારાજ,” નાવિકે કહ્યું, “પરંતુ, તમારે તેની કિંમતમાં એક મુઠ્ઠી ચોખા આપવાં પડશે.”

તેઓ બધાં સહમત થયાં અને નાવમાં બેઠા. પેલો નાવિક શાંતિથી નાવ હંકારી રહ્યો હતો, જયારે નદીની અધવચ્ચે પહોંચ્યા, ત્યારે બુદ્ધે મૌન તોડ્યું.

“તેની બસ આટલી જ કિંમત છે, મારા આધ્યાત્મિક પુત્રો,” તેમને કહ્યું. “પેલાં મહાન યોગીની ૨૦ વર્ષની સંયમિતતાની કિંમત એક મુઠ્ઠીભર ચોખા જેટલી છે.”

બધાં શિષ્યોનાં માથા શરમથી ઝુકી ગયાં. નાં, એટલાં માટે નહિ કે તેઓ પેલા યોગીથી એટલાં પ્રભાવિત થઇ ગયાં હતાં, એ તો સ્વાભાવિક હતું. પરંતુ એટલાં માટે કે, એક સરળ ખલેલ પડી કે તેઓ ખુબ જ સહેલાઇથી પોતાનાં ગુરુને પણ છોડીને ચાલી ગયાં.

“જો તમારે પસંદ કરવાનું જ હોય તો,” બુદ્ધ બોલ્યાં, “તો તમારે જીવનમાં પસંદગીઓ તો કરવી જ પડશે. અને દરેક વસ્તુ તમારી પસંદગીઓ ઉપર અને ત્યારબાદ તમે જે કર્મો કરો છો તેનાં ઉપર આધાર રાખે છે. તમે થોડા લોકોને પ્રભાવિત કરવા માટે થઇ કોઈ શક્તિ પાછળ લલચાઈ જઈ શકો છો કાં તો પછી તમે એક અર્થસભર જીવન જીવીને આ સર્જનમાં રહેલ દરેકજણને મદદ કરી શકો છો. તે તમારા ઉપર નિર્ભર કરે છે.”
“માફ કરો, તથાગત, અમારી ભૂલ થઇ ગઈ. અમે તમારા શિષ્ય બનવાને પણ લાયક નથી કારણકે અમે ફક્ત એક સિદ્ધી જોઈ અને તે યોગીને પણ પૂર્ણત્તમ કહી દીધા.”

બુદ્ધ શાંત રહ્યાં, બધાં નાવમાંથી ઉતરી ગયા અને આનંદે નાવિકને એનું ભાડું આપી દીધું – એક મુઠ્ઠી ચોખા.

આપણી વચ્ચે ઘણા બધાં શિષ્યો રહેલાં છે. આપણે કોઈનામાં એક ગુણ જોઈએ અને આપણી પડખે જે ઉભું રહ્યું હોય તેનાં વિશેની તમામ બાબતો ભૂલી જતાં હોઈએ છીએ. આપણે એ નવી વ્યક્તિને તે જ સ્તર આપી દેવા માટે આતુર થઇ જતાં હોઈએ છીએ કારણકે તેમની એક વાત આપણને પસંદ પડી ગઈ હોય છે. આમ કરવામાં, આપણે આપણી પ્રેમાળ વ્યક્તિએ વર્ષો સુધી કરેલી આપણી કાળજી, બંધન, યાદોને ભૂલી જતાં હોઈએ છીએ. આપણે હજી કોઈને થોડી વાર પહેલાં જ મળ્યાં હોઈએ અને તેને જો કોઈ શકિતનું પ્રદર્શન કર્યું હોય તો તેનાંથી અંજાઈને આપણે પ્રબુદ્ધ એવા બુદ્ધને પણ ભૂલી જતાં હોઈએ છીએ. કોઈ પુરુષ કે સ્ત્રી જો તમારી જોડે સુંદર રીતે વાત કરે, તમારી તરફ થોડી વાર માટે થોડું ધ્યાન આપે કે તમે તરત ઘરે જઈને તમારા જીવનસાથીને કહેવા લાગો છો કે આ વ્યક્તિ કેટલી સારી છે અને તમારા પતિ કે પત્નીએ પણ તેમનાં જેવું બનવાનું લક્ષ્ય રાખવું જોઈએ.આવું કરીને, આપણે તેમની વર્ષો સુધીની મહેનતની કિંમત ફક્ત એક મુઠ્ઠીભર ચોખા જેટલી આંકી નાંખીએ છીએ. પેલા જેવા બનો, ફલાણા જેવાં કપડા પહેરો, તેની જેમ ખાવ અને એનાં જેટલું કમાવ, તેનાં જેવું વર્તન કરો વિગેરે-વિગેરે. આપણામાંનાં મોટાભાગનાં લોકો, પેલાં શિષ્યોની જેમ, સાશ્વતપણે કોઈ બીજા યોગીઓની સિદ્ધીઓ જોઈ-જોઈને પ્રભાવિત થઇ જતાં હોઈએ છીએ અને બુદ્ધને તેમનાં જેવું વર્તવાનું કહી દેતાં હોઈએ છીએ.

ફક્ત શિષ્યો જ નહિ, આપણી વચ્ચે એવા કેટલાંય યોગીઓ પણ રહેલાં છે. હકીકતમાં, આજની તારીખમાં અને આજના સમયમાં, આપણી પાસે ઈતિહાસમાં પહેલાં ક્યારેય ન હોય એટલાં યોગીઓ રહેલાં છે. પણ, આજે આપણી પાસે જુદી જાતનાં યોગીઓ છે. આપણામાંનાં મોટાભાગનાં લોકો, પેલા યોગીની જેમ, આપનું આખું જીવન એવી બાબતો પાછળ કામ કરવામાં ખર્ચી નાંખીએ છીએ કે જેની કિંમત ફક્ત એક મુઠ્ઠીભર ચોખા જેટલી જ હોય. પ્રેમની શીખને અવગણીને, આપણી અંગત ખુશીઓનો અનાદર કરીને, આપણી લાગણીકીય જરૂરિયાતોને કચડીને, આપણી તંદુરસ્તીનાં ભોગે આપણે કઈક લાભ મેળવી લેવા, કશાને પ્રાપ્ત કરી લેવા કે કઈક બની જવા માટે આપણે આમ કરતાં હોઈએ છીએ. આમાંનું મોટાભાગનું, હું હજી આગળ કહું તો, આપણે એટલાં માટે કરતાં હોઈએ છીએ કે જેથી કરીને બીજા લોકોને પ્રભાવિત કરી શકાય કે જે આપણા માટે બિલકુલ મહત્વનાં નથી હોતા, કે જે આપણી કદાચ બિલકુલ દરકાર નથી રાખતાં હોતા, કે પછી એમનાં માટે કે જેને આપણી કશી પણ પડી નથી હોતી. એવા લોકોનું ધ્યાન ખેંચવા માટે કે જે ક્યારેય પુરતું નહિ હોય. અને ખરાબમાં ખરાબ તો એ કે આપણે આવું આપણા માટે જે ખરેખર મહત્વનાં હોય તેવાં લોકોના ભોગે કરતાં હોઈએ છીએ.

આપણે સખત મહેનત કરીએ છીએ કે જેથી કરીને આપણે ખુશ રહી શકીએ અને જેથી કરીને આપણે આપણી ખુશી આપણી પ્રિય વ્યક્તિઓ સાથે વહેંચી શકીએ. પરંતુ, સખત મહેનત કરવામાં, કે આ સ્પર્ધા જીતી જવા માટે, આપણે મોટાભાગે એ દ્રષ્ટી ખોઇ બેસતાં હોઈએ છીએ કે આખરે આપણે આવું શા માટે કરીએ છીએ. બે લોકો એકબીજાને પ્રેમ કરવાના ઈરાદાથી, ખુશીઓ ભર્યું સહજીવન જીવવા અને એકબીજા સાથે વહેચવાની આશા સાથે નજીક આવે છે, પરંતુ તરત જ જીવનની વાસ્તવિકતા અને વ્યહારીકતા પ્રતિકાર, ભેદ, અસુસંગતતા માટે માર્ગ મોકળો કરી આપે છે, અને પ્રેમ છુમંતર થઇ જાય છે જેવી રીતે વહેલી સવારનાં સૂર્યપ્રકાશમાં ઉડી જતાં ઝાકળની જેમ.

શા માટે પ્રેમ એક છેતરામણી લાગણી છે? શા માટે લોકોને જયારે લાગે કે તે પોતે આ વ્યક્તિ સાથે નહિ જીવી શકે ત્યારે તેઓ તે સંબંધમાંથી બહાર નીકળી જાય છે? મારા આ પુસ્તકમાં કે જે મારા છેલ્લા પાંચ વર્ષનાં લેખન-સંગ્રહનું સંકલન છે તેમાં હું આ વિષય અને બીજું પણ ઘણું આવરી લઉં છું.

જીવનમાં મોટાભાગે આપણે મોટા ધ્યેયો માટે કામ કરતાં હોઈએ છીએ પરંતુ પ્રેમ એ મોટી વસ્તુઓનો બનેલો હોતો નથી. આપણા આ ગ્રહ ઉપરની દરેક વસ્તુ, પછી તે હિમાલય પર્વત હોય કે નાની અમથી કીડી, દરેક વસ્તુ એક નાનકડા એકમથી બનેલી હોય છે, અને તે છે કોષ. પ્રેમ પણ લાગણી, કાળજી, પોતાનાંપણાની લાગણી, કદર અને પરસ્પર માટે સન્માનની નાની ચેષ્ટાઓમાં દેખાતો હોય છે. પ્રેમને જેવી રીતે હું જોઉં છું તેને તે રીતે સમજવા માટે મારી સાથે ચાલતાં રહો. વાવવા માટેનાં અને ખાવા માટેનાં બિયાં અલગ-અલગ હોય છેઅને તે જ્ઞાન વડે ચાલો છોતરા અને બિયાંને અલગ તારવતાં શીખી લઈએ.

આ કદાચ એક એવી ક્ષણ હોઈ શકે કે જેમાં આપણે થોડો વિરામ લેવો જોઈએ, થોડો શ્વાસ લઈએ, ઉભા રહીએ અને આપણા જીવન સામું એક નજર કરીએ. આશા રાખું કે, તમે જેનાં માટે પણ કામ કરી રહ્યાં હોય, તે ગમે તેટલું મોટું કેમ ન હોય, તેનું મુલ્ય મુઠ્ઠીભર ચોખા કરતાં વધુ હશે. અથવા તો તે એવું પણ છે કે તમારે સંયમિત જીવન, તણાવ કે સંતાપ ભર્યું જીવન, ઉતાવળ કે ઉંદરોની દોટ જેવું જીવન જીવવાની જરૂર નથી, કેમ કે તમે એક મુઠ્ઠીભર ચોખા આપીને પણ આવું જ પરિણામ મેળવી શકો તેમ છો?

કૃષ્ણએ પણ સુદામાને મુઠ્ઠીભર પૌવાનાં બદલે દુનિયાભરનું સુખ આપ્યું હતું. જો કે એ મુઠ્ઠીભર ચોખા નહોતા કે જેણે લીધે કૃષ્ણને તે આપવાની જરૂર પડી હતી, એ તો હતો મુઠ્ઠીભર પ્રેમ.

સુદામાએ કરેલ શુદ્ધ પ્રેમનું થોડું અર્પણ. અને બસ તમારા સંબંધોનું ખેડાણ કરવા માટે આટલાં એક મુઠ્ઠીભર પ્રેમ માત્રની જ જરૂર હોય છે. આ પ્રેમનું બિયારણ એક દિવસ આખો ફાલ બનીને પાકશે અને તેમાંથી તેને પાછો વાવવામાં આવશે અને તેમાંથી હજી વધારે ને વધારે ને હજી પણ વધારે પ્રેમ ઉગતો રહેશે. આ બધાની શરૂઆત થાય છે એક થોડા અમથા બિયારણનાં છંટકાવથી.

અમુક લોકો માટે, એક મુઠ્ઠીભર ચોખા એ તેમનાં સમગ્ર જીવનની કીમત હોય છે, તે તેમની આખી દુનિયા હોય છે. અને અમુક લોકો માટે આખી દુનિયાની કિંમત એક મુઠ્ઠીભર ચોખાથી વધુ નથી હોતી. એ ફક્ત એક સમજણ, પ્રાથમિકતા અને દ્રષ્ટિકોણનાં સવાલની વાત છે.

તમારું શું છે?

આ છે મારા રજુ થયેલાં A Fistful of Love નામનાં પુસ્તકનું આમુખ કે જે જૈકો પબ્લિશિંગ હાઉસ દ્વારા પ્રકાશિત થયું છે.

તમારામાંનાં ઘણાં લોકોએ ભૂતકાળમાં મને જણાવ્યું છે કે તમારે મારા અઠવાડિક લેખોનું એક પુસ્તક જોઈએ છે કે જેથી કરીને તેને તમે તમારી પથારી પાસે રાખી શકો કે પછી કોઈને ભેટ આપી શકો. વારું, તો પછી આ રહ્યું તે. A Fistful of Loveની પ્રત એ આ શ્રેણીનું પ્રથમ પુસ્તક છે. તેમાં મેં પ્રેમ, સંબધ અને બીજી અનેક બાબતો વિશે લખેલાં ૫૦ લેખોનો સંગ્રહ છે. તે દુનિયાભરમાં પ્રાપ્ય છે. ભારતમાં ખરીદવા માટે અહી ક્લિક કરો અને દુનિયાનાં બાકીના ભાગોમાં ખરીદવાં માટે અહી ક્લિક કરો. આશા રાખું કે તમને વાંચવું ગમશે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email