ઘણીવાર આપણે અમુક ચોક્કસ રીતે રહેવાની, અમુક રીતે વર્તવાની, અમુક ચોક્કસ વસ્તુઓ કરવાની યોજનાઓ અને પ્રતિજ્ઞાઓ કરીએ છીએ, પરંતુ લાલચનું એક મોજું આવે, એક નાની દલીલ થાય, એક નાનકડો વિરોધ થાય કે બસ પત્યું, બધું જ ધોવાઇને વહી જતું હોય છે. આપણે આપણા વચનો ભૂલી જતાં હોઈએ છીએ. આપણને આપણા વચનો ભૂલી જતાં હોઈએ છીએ અને પાછાં હતાં ત્યાંને ત્યાંજ આવી જતાં હોઈએ છીએ. પછી આપણે ચિંતા કરવાં લાગીએ છીએ અને આપણા પોતાનાં જ વચનો નહિ પાળવા બદલ આપણી જાતને જ દોષ આપવા લાગીએ છીએ. આપણને માઠું લાગવાં માંડે છે, ગ્લાની થવા લાગે છે. અને પછી આપણે ફરી બીજા સંકલ્પો કરવા લાગી જઈએ છીએ, આ વખતે આપણો આત્મવિશ્વાસ થોડો ડગી જાય છે, અને તેમ છતાં પણ ફરી આપણે આપણો સંકલ્પ તોડી નાંખતા હોઈએ છીએ.

શાં માટે મોટાભાગનાં લોકોને પોતાની જાતને બદલવાનું આટલું બધું અઘરું લાગતું હોય છે? શાં માટે વચનોનું પાલન કરવાનું આટલું કઠીન હોય છે? શા માટે આપણે કરેલા સંકલ્પોને વળગી રહેવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ? આ સવાલોનો જવાબ એક સાદા વાક્યમાં રહેલો છે. પણ હું આ બાબતે મારો મત કહું તે પહેલાં ચાલો હું તમને એક વાર્તા કહું.

એક વ્યક્તિ હોય છે કે જે પોતાનાં આવેગોથી થાકી ગયો હોય છે અને તંગ થઇ જાય છે. તેની રોજની કમાણી તે દારૂ, જુગાર અને સ્ત્રીઓની પાછળ ઉડાડી દેતો હોય છે. તે રોજ સાંજે ભૂખ્યા બાળકો અને આક્રંદ કરતી પત્ની પાસે આવતો હોય છે. તેની પત્ની જયારે-જયારે પણ આ વાતની ચર્ચા કરે કે તેનો સામનો કરે, તો તે તેને મારતો અને પાછળથી પસ્તાવો કરતો. તેને બદલવું હતું પરંતુ તે ગમે તે કેમ ન કરે તેમ છતાં પણ તેનાંથી જૂની ટેવો છૂટતી નહિ.

થાકી હારીને તે એક દિવસ મહંમદ પયગંબર પાસે જાય છે.

“હું બુરી આદતોથી ભરેલો એક ઇન્સાન છું,” તેને મહંમદ પયગંબરને કહ્યું. “મને મારી ખરાબ ટેવોમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવો.”
“ઇન્શાલ્લાહ,” પયગંબરે જવાબ આપ્યો. “મારી સલાહનું પાલન કરજે અને બધી ખરાબ આદતો તને છોડીને જતી રહેશે.”
“તમે જે કહેશો તે, અલ-રસૂલ. પણ મને દારૂ નહિ પીવાનું, જુગાર નહિ રમવાનું અને સ્ત્રીસંગ નહિ કરવાનું એવું નહિ કહેતા. મારા તમામ પ્રયત્નો નિષ્ફળ ગયાં છે.”
“હું તને આમાંથી એકેય કરવા માટેની મનાઈ નહિ કરું,” મહંમદે કહ્યું. “તેનાં બદલે ફક્ત એક જ વાત કરજે આવતા ચાલીસ દિવસો સુધી. ફક્ત સત્ય બોલજે.”
આ આદેશથી તેને થોડી કુતુહુલતા થઇ, તે બોલ્યો, “ખોટું બોલવું એ મારો કોઈ પ્રશ્ન નથી, હે પાક! હું તો મારા ઉલ્લંઘનોથી છૂટવા માંગું છું.”
“મેં કહ્યું એટલું કર અને અલ્લાહની મરજી હશે તો તું તારી બધી ખરાબ આદતો છોડી દઈશ.”
“તો, હું જે કરી રહ્યો છું તે કર્યે જ જાઉં,” તેને ફરી ખાતરી કરવા પૂછ્યું, “જ્યાં સુધી સત્ય બોલતો હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી?”

મહંમદે હકારમાં ડોકું હલાવ્યું.

પેલા વ્યક્તિએ સન્માનપૂર્વક નમસ્કાર કર્યા અને પોતાનાં ઘરે પાછો ફર્યો. જો કે તે અંદરથી સહમત નહોતો તેમ છતાં, તેને મહંમદની આજ્ઞાનું પાલન કરવાનું નક્કી કરી લીધું.

તે રાતે તે પીધેલી હાલતમાં ઘેર પાછો ગયો અને તેની પત્નીએ પૂછ્યું કે તે ક્યાં ગયો હતો, તે તેને પૂર્ણ સત્ય કહેવાની હિંમત ન કરી શક્યો કે દારૂ સિવાય તે જુગાર પણ રમીને આવ્યો હતો અને વેશ્યાગમન પણ કરીએ આવ્યો હતો. તે ચુપ રહ્યો.

બીજા દિવસે સાંજે, તે તેનાં બે જુના મિત્રોને મળ્યો તેઓએ તેને પૂછ્યું કે તે ક્યાં જઈ રહ્યો છે. પોતાની સત્ય બોલવાની પ્રતિજ્ઞાને લીધે તે ચુપ રહ્યો કારણકે તે તેમને સત્ય કહી શકે તેમ ન હતો. તેઓએ જયારે ફરીથી પૂછ્યું ત્યારે તેને કહ્યું કે પોતે પોતાનાં ઘરે જઈરહ્યો હતો અને પછી તે સત્યનું પાલન કરવાં માટે થઇને તે ઘેર પાછો ફર્યો.

થોડા દિવસો એમ પસાર થયાં અને તેને ભાન થયું કે ખોટાં કામ કરવાં અને સત્યપાલન કરવું એ બન્ને કામ એક સાથે કરવા ખુબ જ અઘરા છે. પોતાની આબરૂ ગુમાવવા કરતાં, તેને આ વ્યસનોથી દુર રહેવાનું ચાલુ કર્યું. જલ્દી જ તે ઘરનાં પ્રેમાળ અને તંદુરસ્ત વાતાવરણથી ટેવાઈ ગયો. તેનાં તન અને મન બન્ને આ નવી જીવનશૈલીથી ટેવાઈ ગયાં, અને ચાલીસ દિવસનાં અંતે તે સંપૂર્ણપણે બદલાઈ ગયો.

તમને એવું લાગશે કે આ વાર્તા સારી છે પણ સાચી ન હોઈ શકે, પરંતુ સત્ય તો એ છે કે આ સંપૂર્ણપણે શક્ય છે. અરે જ્ઞાનતંતુનાં વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને કહું છું કે જયારે આપણે કોઈ વાત ૬ અઠવાડિયા સુધી કરીએ તો આપણા મગજમાં એક નવો ચેતા માર્ગ બની જાય છે જે એક નવી આદત માટેનો માર્ગ મોકળો કરી આપે છે. કોઈ જૂની ટેવને તોડવા માટેનો સૌથી સરળ માર્ગ એ છે કે તેને બદલે એક નવી અને વધુ સારી ટેવ વડે તેને બદલવામાં આવે.

જો તમે આજુબાજુ રહેલાં સફળ વ્યક્તિઓનાં જીવનનો અભ્યાસ કરો તો તમને જણાશે કે તેમને કઈ અસંખ્ય સંકલ્પો નથી કરેલાં કે તે તમામને તેઓ વળગીને પણ નથી બેઠેલા. તેઓએ પણ કોઈ કામને ટાળ્યા કર્યું હોય છે, એમનામાં પણ હિચકીચાહટ થતી હોય છે અને તેમણે પણ ભૂલો કરી હોય છે. તેમ છતાં તેમનાં જીવનમાં અમુક સિદ્ધાંતો હતાં, સામાન્ય રીતે જોવા જઈએ તો ફક્ત એક કે બે, કે જેમના ઉપર તેઓ ક્યારેય બાંધછોડ નથી કરતાં. પોતાનાં સિદ્ધાંતને ખાતર, ફ્રેન્ક્લીન રૂઝવેલ્ટ સવારના નાસ્તાની પહેલાં એક નવું પુસ્તક અચૂક વાંચતા, મહાત્મા ગાંધી તેમની પોતાની ખાદી રેટિયાં ઉપર જાતે જ કાંતતા. બુદ્ધ પોતાની ભિક્ષા માંગવા દરરોજ જતાં. કોઈ માટે સેવા એ સિદ્ધાંત હતો તો કોઈ માટે અહિંસા અને કોઈનાં માટે સ્વાતંત્ર્ય. મહાન માણસો પોતાનાં સિદ્ધાંતો માટે ખપી ગયા. તેમની ટેવો તેમનાં સિદ્ધાંતોનું પરિણામ હતું.

જોકે, આજનું મારું તાત્પર્ય કોઈ નવી ટેવો પાડવાનું કે જૂની તેવો તોડવાનું નથી. તેનાં બદલે, મારો હેતુ તો આજનાં લેખની શરૂઆતમાં મેં ઉઠાવેલ પ્રશ્નનો જવાબ આપવાનો છે અને આજની દંતકથામાં રહેલો ખરો સંદેશ આગળ લાવવાનો છે. અને તે છે:

સફળ માણસોનાં જીવનમાં હંમેશાં ઓછા નામે એક સિદ્ધાંત તો હોય જ છે કે જેમાં તેઓ કશું પણ સમાધાન નથી કરતાં હોતા.

સફળતા દ્વારા, હું ફક્ત ભૌતિક સફળતાની વાત નથી કરી રહ્યો. હું એવા લોકોની પણ વાત કરી રહ્યો છું કે જે લાગણીકીય દ્રષ્ટિથી પણ સફળ થયેલાં હોય અને માટે જ તેમનાં જીવનમાં અર્થપૂર્ણ અને સંતોષપ્રદ સંબંધો હોય છે. કે પછી તેઓ કે જે આધ્યાત્મિક દ્રષ્ટીએ સફળ હોય અને પરિણામે તેઓ સંતોષી અને આનંદી હોય છે.
મુલ્લા નસરુદ્દીન એક વખત નવા વર્ષની ઉજવણીનાં થોડા દિવસો બાદ પોતાનાં એક મિત્રને મળે છે અને તેની પાસે એક સિગારેટ માંગે છે.

“પણ મને તો એમ કે તમે નવા વર્ષે ધુમ્રપાન નહિ કરવાનો નિયમ લીધો હશે!”
“ચોક્કસ, મેં લીધો જ છે,” મુલ્લાએ જવાબ આપ્યો. “હું છોડવાની જ પ્રક્રિયામાં છું!”
“પ્રક્રિયા?”
“હા, હાલમાં હું બીજા તબક્કામાં છું.”
“અને શું છે તે બીજો તબક્કો?” તેમનાં મિત્રે પૂછ્યું.
“મેં સિગારેટ ખરીદવાનું છોડી દીધું છે.”

જયારે તમારા સંકલ્પોનું પાલન કરવાની વાત આવે ત્યારે એક પછી એક પગલાની વાત ભાગ્યે જ કામ કરે છે. કાં તો તમે તેને વળગી રહો અને કાં તો તમે તેને છોડી દો. વચ્ચે રહેવાની વાત નહિ. એનાં બદલે તો પછી દર વખતે નવાં-નવાં સંકલ્પો કરો અને તેને તોડો, જીવનમાં ફક્ત એક કે બે જ સિદ્ધાંતો એવાં રાખવા વધુ સારું કે જેમાં આપણે કોઈ સમાધાન ન ચલાવી લઈએ. જયારે તમારી પાસે કોઈ એક સિદ્ધાંત હોય ત્યારે પસંદગીઓ કરવી ઘણી સહેલી થઇ પડે છે. એવો કયો એક સિદ્ધાંત છે કે જેનું તમે પાલન કરો છો? તે એક ગુણ કે જેની સાથે તમે કોઈ સમાધાન નહિ ચલાવી લો? એવી એક વાત કઈ છે કે જેનાં સમર્થનમાં તમે ઉભા છો?

જો તમારી પાસે ન હોય, તો બનાવો એક એવો સિદ્ધાંત તમારા માટે. એનાથી તમારા જીવનમાં એક નવું જ પરિમાણ ઉમેરાશે, મારું વચન છે તમને. તે તમામ વરસાદનાં ટીપાઓ જેમ એક તળાવમાં એકઠાં થઇને એક નાનું ખાબોચિયું બનાવે છે તેમ તમે જેની કાળજી કરતાં હશો તેનાં માટેનું તમે એક મોટું સંગ્રહસ્થાન બની જશો.

જયારે તમે કશાયનાં સમર્થનમાં નથી ઉભાં રહેતાં હોતાં ત્યારે કુદરતમાં પણ કશું તમારા સમર્થનમાં ઉભું નથી રહેતું હોતું.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email