ચાલો હું મહાભારતમાં આવેલી મારી પ્રિય વાર્તાઓમાંની એક વાર્તા સાથે શરૂઆત કરું. શ્રદ્ધા અને સમર્પણની વાર્તા, નસીબ અને દિવ્યતાની વાત. આ પ્રસંગ જયારે ભારતનાં ઈતિહાસમાં સૌથી લોહીલુહાણ યુદ્ધ લડવા માટે દેશભરમાંથી લશ્કરો એક જગ્યાએ ભેગા થયાં હતાં ત્યારે બન્યો હતો. આ કૌરવો અને પાંડવો વચ્ચેનું મહાયુદ્ધ હતું કે જે ૧૮ દિવસ સુધી લડાવાનું હતું.કુરુક્ષેત્રનું મેદાન મહાકાય અશ્વારોહી સૈન્યને સમાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું હતું. પ્રતિદ્વંદ્વીઓના વિસ્તારો આંકવામાં આવ્યા હતાં. દરિયા જેવડા મોટા સૈન્યનાં ભોજન પકવવા માટે અનેકગણું લાકડું એકત્રિત કરવામાં આવી રહ્યું હતું. હાથીઓ વડે વૃક્ષો જમીનદોસ્ત કરી ખુલ્લો પટ બનાવવામાં આવી રહ્યો હતો. આવા જ એક વૃક્ષ ઉપર એક ચકલી રહેતી હતી, પોતાના ચાર નાનાં બચ્ચાઓ સાથે. જેવું વૃક્ષ નીચે જમીનદોસ્ત થયું કે તેની સાથે સાથે ચકલીનો માળો પણ તેનાં બચ્ચાઓ સાથે જમીન પર પડ્યો. બચ્ચાઓ હજી ઉડી ન શકે તેટલાં નાનાં હતા – જોકે તેઓ ચમત્કારિક રીતે બચી ગયા હતાં.

ભયભીત અને પીડિત એવી ચકલી આજુબાજુ મદદ માટે જોવા લાગી. ત્યાં જ તેને શ્રીકૃષ્ણને અર્જુન સાથે મેદાનનું નિરીક્ષણ કરતાં જોયા. તેઓ પોતે જાતે યુદ્ધનાં મેદાનને જોવા માટે આવ્યાં હતાં કે જેથી કરીને પોતાનાં લશ્કરની વ્યુહાત્મક રીતે ગોઠવણી કરી શકાય. ચકલીએતો પોતાનામાં હતું તેટલું જોર કરીને પાંખો ફડફડાવીને શ્રીકૃષ્ણનાં રથ તરફ ઉડી.

“હે કૃષ્ણ! મહેરબાની કરીને મારા બચ્ચાઓને બચાવો,” ચકલીએ આજીજી કરી. “જેવું કાલે યુદ્ધ ચાલુ થશે કે મારા બચ્ચાઓ કચરાઈ મરશે.”
“હું તને સાંભળી રહ્યો છું,” સર્વવ્યાપી એવા કૃષ્ણે કહ્યું, “પરંતુ, હું કુદરતનાં નિયમમાં હસ્તક્ષેપ કરી શકું નહિ.”
“મને તો એટલી જ ખબર છે કે તમે જ મારા તારણહાર છો, હે ભગવાન. હું મારા બચ્ચાઓનું નસીબ તમારા હાથમાં છોડું છું. તમે તેમને મારો કે તારો, એ હવે તમારે જોવાનું.”
“સમયનું ચક્ર કોઇપણ જાતનાં પક્ષપાત વગર ફરતું રહે છે,” શ્રીકૃષ્ણ એક સામાન્ય વ્યક્તિની જેમ બોલ્યાં જાણે કે પોતે આમાં કશું જ કરી શકે તેમ નથી.
“હું કોઈ ફિલસુફી નથી જાણતી,” ચકલી પૂર્ણ શ્રદ્ધા અને પૂજ્યભાવ સાથે બોલી. “તમે જ સમયનું ચક્ર છો. મને બસ આટલી જ ખબર છે. હું તમને સમર્પિત થાવ છું.”
“તો પછી તારા માળામાં ત્રણ અઠવાડિયા સુધી ચાલે તેટલો ખોરાક મૂકી દે.”

આ વાર્તાલાપથી અજાણ એવો અર્જુન જયારે શ્રીકૃષ્ણ ચકલી સામે સ્મિત કરી રહ્યાં હોય છે ત્યારે તે ચકલીને છું કરીને ઉડાડવાનો પ્રયત્ન કરે છે. ચકલી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાં માટે થોડી વાર પોતાની પાંખો ફડફડાવે છે અને પાછી પોતાનાં માળામાં ઉડીને જતી રહે છે.

બે દિવસ પછી જયારે યુદ્ધનું એલાન કરતા શંખો ફૂંકાય છે ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનનું ધનુષ્ય-બાણ માંગે છે. પ્રથમ તો, અર્જુનને નવાઈ લાગે છે કેમ કે શ્રીકૃષ્ણે પોતે યુદ્ધમાં કોઈપણ શસ્ત્ર નહિ ઉઠાવે તેવી પ્રતિજ્ઞા કરી હોય છે. અને વધુમાં, અર્જુનન માનતો હતો કે યુદ્ધ મેદાનમાં પોતે સર્વશ્રેષ્ઠ બાણાવળી છે.

“મને આજ્ઞા કરો, ભગવાન,” તેને એક આત્મવિશ્વાસ સાથે કહ્યું, “મારા તીરથી કશું પણ વીંધી ન શકાય એવું નથી.”

અર્જુન પાસેથી શાંતિથી ધનુષ્ય લઇને, શ્રીકૃષ્ણ, સામે રહેલાં એક હાથી પર તાંકે છે. પરંતુ, હાથીને પાડી દેવાને બદલે, તીર હાથીનાં ગળામાં લટકેલા ઘંટને વાગે છે અને તે નીચે પડી જાય છે.

શ્રીકૃષ્ણ આટલું સરળ નિશાન પણ ચુકી ગયાં તે જોઈને અર્જુન પોતાનું હસવું રોકી નથી શકતો.

હું ચલાવું બાણ?” અર્જુને પૂછ્યું.

અર્જુનની પ્રતિક્રિયા અને સવાલની અવગણના કરતા શ્રીકૃષ્ણે તેને ધનુષ્ય પાછું આપ્યું અને કહ્યું હવે કશું કરવાની જરૂર નથી.

“પરંતુ, તમે હાથી પર તીર કેમ ચલાવ્યું, કેશવ?” અર્જુને પૂછ્યું.
“કારણકે આ એ જ હાથી હતો જેણે તે વૃક્ષ જમીનદોસ્ત કરી દીધું હતું જેની ઉપર પેલી ચકલીનો માળો હતો.”
“કઈ ચકલી?” અર્જુને વિસ્મયતાપૂર્વક પૂછ્યું. “અને વધુમાં, આ હાથીને તો કશું થયું નથી તે તો જીવતો ઉભો છે! ફક્ત ઘંટ ખાલી નીચે પડ્યો છે!”

તેના સવાલને અવગણતા, શ્રીકૃષ્ણે તેને શંખ ફૂંકવાનો આદેશ કર્યો.

યુદ્ધ શરુ થયું અને અસંખ્ય જીવન બીજા અઢાર દિવસોમાં હણાઈ ગયાં. અંતે પાંડવો જીતી ગયાં. ફરી એક વાર, શ્રીકૃષ્ણ, અર્જુનને લઈને યુદ્ધમેદાનનું નિરીક્ષણ કરવાં ગયાં. ઘણાં શબ હજી પણ પોતાની અંતિમ ક્રિયાની રાહ જોતાં પડ્યાં હતાં. યુદ્ધમેદાન માનવ શરીરનાં કપાયેલાં ટુકડાઓથી, માથાથી, નિર્જિવ ઘોડા અને હાથીઓથી ગંદુ થઇ ગયું હતું.

શ્રીકૃષ્ણ એક ચોક્કસ જગ્યાએ જઈને થોભી ગયાં અને એક નીચે પડેલાં એક ઘંટ તરફ વિચારપૂર્વક જોઈ રહ્યાં.

“અર્જુન,” શ્રીકૃષ્ણે કહ્યું, “આ ઘંટને ઉઠાવીને બાજુ પર મૂકી દઈશ?”

સુચના સરળ હતી અને અર્જુનને તે બરાબર પણ લાગી. કેમ કે, આ વિશાળ મેદાન પર ઘણી બધી વસ્તુઓ પડેલી હતી અને તેને સાફ કરવું જરૂરી હતું, પણ શ્રીકૃષ્ણ શા માટે એક નજીવી ધાતુથી બનેલાં શંખને હટાવવાનું કહી રહ્યાં હતાં? અર્જુને સવાલભરી આંખે તેમની સામે જોયું.

“હા, આ ઘંટ,” કૃષ્ણે ફરી કહ્યું. “આ એ જ ઘંટ છે જે મેં પેલાં હાથી તરફ તીર છોડ્યું ત્યારે નીચે પડ્યો હતો.”

અર્જુને ફરી કોઈપણ સવાલ કર્યા વગર નીચે નમ્યો અને ઘંટ ઉઠાવ્યો. જેવો તેણે તે ઘંટ ઉઠાવ્યો કે તેનું વિશ્વ સદાયને માટે બદલાઈ ગયું.

એક, બે, ત્રણ, ચાર અને પાંચ. ચાર નાનાં બચ્ચાઓ એક પછી એક તેમની માં પાછળ ઉડી ગયાં. પેલી ચકલી શ્રીકૃષ્ણની ગોળ ફરતે જાણે પ્રદક્ષિણા કરતી હોય એમ ખુબ જ આનંદપૂર્વક ચક્કર લગાવીને ઉડી ગયી.

“મને માફ કરો, હે કૃષ્ણ!” અર્જુને કહ્યું. “તમને માનવ શરીરમાં એક સામાન્ય માનવ જેવું વર્તન કરતાં જોઇને, હું એ ભૂલી ગયો હતો કે તમે ખરેખર કોણ છો.”

મેં હંમેશાં શ્રદ્ધા રાખી છે તેનો અર્થ એ નથી કે જીવન મારી અનુસાર જશે. ઉલટાનું, એનો અર્થ તો એ છે કે તમે જીવન સાથે મૈત્રી કરતાં શીખી લીધું છે. તમે એ માનો છો કે જીવન તો એની રીતે જ ચાલવું જોઈએ. જીવન તો નાનકડું અમથું છે, તેમ છતાં કુદરતની વિશાળતાનો એક અભિન્ન હિસ્સો છે. જે ખરેખર એક અત્યંત વિશાળતા છે.

શ્રીકૃષ્ણે ચકલીને યુદ્ધનાં મેદાનમાં જ છોડી દીધી હતી કેમ કે તે જ તેનું નસીબ હતું. પંખી એવી પણ ઈચ્છા કરી શક્યું હોત કે પોતે પોતાના બાલબચ્ચા સાથે કોઈ સલામત જગ્યા એ હોય. તેને શ્રીકૃષ્ણ પોતે પોતાની પાસે રાખે એવી દલીલ પણ કરી હોત. તે એવી ભીખ પણ માંગી શકી હોત કે ત્રણ અઠવાડિયા ચાલે તેટલો ખોરાક તેને આપવામાં આવે. તેને આમાંનું કશું પણ ન કર્યું. તેને ફક્ત તેને મળેલી સુચનાનું જ પાલન કર્યું અને બાકીનું બધું પોતે જેનો વિશ્વાસ કરી રહી હતી તેનાં હાથ ઉપર છોડી દીધું. તે એ પણ નહોતી ભૂલી કે પોતાની તરફથી કઈ મહેનત અપેક્ષિત હતી.

ઘણાં લોકો શ્રદ્ધા અને સમર્પણને પોતાનાં સ્વપ્નો સિદ્ધ કરવાનાં એક માર્ગ તરીકે જોતાં હોય છે. તેઓ એવું માનતાં હોય છે કે પોતે અમુક ઈશ્વરને પ્રાર્થના કરશે અને તેમની તમામ ઇચ્છાઓ પૂર્ણ થઇ જશે. કુદરત એવી રીતે નથી ચાલતું. તેને એમ કરવું પોશાય જ નહિ, કારણકે આપણે મોટાભાગે ખોટી જ વસ્તુઓની ઈચ્છા કરતાં હોઈએ છીએ. આપણે અમુક પરિણામોની ઈચ્છા તેની કિંમતનો વિચાર કર્યા વગર કે તેનાં વિશે સમજ્યા વગર બસ કર્યે જ જતાં હોઈએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી પસંદગીઓ આપણા નસીબ સાથે અભિન્ન રીતે જોડાયેલી હોય છે, તે આપણા નસીબને આકાર આપે છે. ફક્ત સારી વસ્તુઓની ઈચ્છા રાખવાથી તો આપણે ફક્ત આપણને જે જોઈતું હોય તેને જ જોતાં બેસતાં રહેલાં હોઈએ છીએ.

દાખલા તરીકે, પોતાના જીવનસાથીને ખુશ રાખે તેવી વ્યક્તિ આપણે પોતે બનીએ એવું લક્ષ્ય રાખવાંને બદલે, આપણે આપણને જે ખુશ રાખે એવી વ્યક્તિ જીવનસાથી તરીકે મળે એવી ઈચ્છા રાખીએ છીએ. અને, આપણે જેમ જેમ બદલાતાં જઈએ તેમ તેમ જે વસ્તુઓ આપણને ખુશ કરતી હતી તે હવે આપણને ખુશ નથી કરી શકતી. અને પછી આપણે બીજી વ્યક્તિની ઈચ્છા કરીએ છીએ, વધારે સારા સાથી કે એવું કઈક. આપણી પાસે જે છે તેનાંથી સંતોષ રાખ્યા વગર, આપણે વધારે વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ. વધારે વસ્તુઓ મેળવવા માટે આપણે વધુ મહેનત કરીએ છીએ, અને તે પણ મોટાભાગે આપણી તંદુરસ્તી અને આપણા સંબધોના ભોગે. આમ કરવામાં આપણું જીવનધોરણ કદાચ ઊંચું જાય પરંતુ જીવનની ગુણવત્તામાં બાંધછોડ થઇ જતી હોય છે અને પછી આપણને નવાઈ લાગતી હોય છે કે આટલી બધી વસ્તુઓ હોવાં છતાં પણ તે આપણને ખુશ કેમ નથી કરી શકતી.

હા, તમે બીયા વગરનું તરબૂચ તો ઉગાડી શકો પણ છાલ વગરનું નહિ. કુદરત રક્ષાત્મક કવચ દરેકવસ્તુ ઉપર મુકે છે. કોઈવાર આ છાલને દુર કરવાનું કામ કંટાળાજનક કે ગંદુ હોઈ શકે, પરંતુ તેનાં વગર ફળ કદાચ નષ્ટ થઇ જાય કે પાકે પણ નહિ. આપણા જીવનનો અમુક ભાગ અનિવાર્યપણે નારીયેલની છાલ ઉતારવા જેટલો મહેનત માંગી લે તેવો હોય છે પરંતુ અંદર રહેલા મધુર કોપરાનો સ્વાદ માણતા પહેલાં તે જરૂરી પણ હોય છે.

શ્રદ્ધા એ કોઈ તમારી ઈચ્છા અને ઈશ્વરકૃપા (કે જે બન્ને અનંત છે) વચ્ચે ચાલતું દોરડા ખેંચની રમત જેવું નથી કે એક દિવસ તમે ઈશ્વરને અન્યાયી બનવા માટે લલચાવી લેશો. ઉલટાનું, શ્રદ્ધામાં તો જતું કરવાની વાત છે. શ્રદ્ધામાં તો તમારા કર્મોનો ત્યાગ કર્યા વગર સમર્પણમાં હાથ ઉપર ઉઠાવી લેવાની વાત છે. શ્રદ્ધા એટલે એવી સમજણ કે દરેક દિવસ ઉજળો નહિ હોય. અને તેમાં કશો વાંધો નથી. શ્રદ્ધા એટલે એનું ભાન કે પ્રભાત પછી સાંજ પડવાની જ છે. શ્રદ્ધા એ જાગૃતિનું નામ છે કે વાદળછાયું આકાશ એટલે સુર્ય અસ્ત થઇ ગયો છે એમ નહિ.

શ્રદ્ધાનો સાર છે તમારા હાથની જે વાત હોય તે તમામ કરી છૂટવું અને જે તમારા કાબુ બહારનું હોય તે તમામને છોડી દેવું. આવી શ્રદ્ધા કે જે કર્મ અને સમપર્ણથી બનેલી હોય, તે તમામ પ્રકારના ભયથી તમારી રક્ષા કરી શકે છે.

બ્લેઈઝ પાસ્કલે બહુ સુંદર વાત કહી છે, “હૃદયને પોતનાં કારણો હોય છે, જેની તર્કને ખબર નથી હોતી. આપણે તે હજારો વસ્તુઓમાં અનુભવતાં હોઈએ છીએ.”

શ્રદ્ધા એ હૃદયનું જ્ઞાન છે. કે જે તમારું મગજ નથી સમજી શકતું પણ હૃદય જાણતું હોય છે. તમારા જીવનમાં તેને સ્થાન આપો અને તમે એક હજાર પાંખોથી ઉડાન ભરી શકશો. વધુ ને વધુ ઉંચે અને તેજ ગતિએ. સમુદ્રોની ઉપર અને આકાશની પેલે પાર.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email