ગયા અઠવાડિયાની જેમ, આજે પણ મને એક વાર્તાથી શરૂઆત કરવાનું મન થાય છે, એક જ્ઞાની ગુરુનાં જીવનની એક દંતકથા. તમે આ વાર્તા પહેલાં પણ અનેક વાર સાંભળી હશે, તેમ છતાં જેની પાસે પોતાનાં જીવન ઉપર ચિંતન કરવાનો સમય છે તેનાં માટે તેની અંદર એક પ્રેરણાદાયી સંદેશ રહેલો છે.

ગુરુ નાનક દેવ ભાગ્યેજ અઢાર વર્ષનાં હશે જયારે આ પ્રસંગ બન્યો હતો. તેમના પિતા મેહતા કાલુ એક ધંધાદારી વ્યક્તિ હતાં અને તે પોતાના પુત્રને દુન્વયી સુખો તરફ વાળવા માટે નિરર્થક કોશિશ કરી રહ્યાં હતાં. ગુરુ નાનક, જો કે, કોઇ સામાન્ય વ્યક્તિ નહોતાં પણ એક અસામાન્ય આધ્યાત્મિક શક્તિ હતાં કે જે આ દુનિયા ઉપર કૃપાવર્ષા કરવા માટે જ પધાર્યા હતાં, અને તેઓને ફક્ત માનવજાતનાં કલ્યાણમાં જ રસ હતો. તેમ છતાં, તેમના પિતાશ્રી એવી આશા રાખીને બેઠાં હતાં કે એક દિવસ તેમનો પુત્ર બીજાં બધાંની જેમ પોતાનું આધ્યાત્મિક લક્ષ્ય એક બાજુ મૂકીને દુન્વયી જીવનમાં રસ લેતો થઇ જશે.

એવાં જ ઈરાદા સાથે તેમને વીસ રૂપિયા ગુરુ નાનકને આપતાં કહ્યું કે આ લે અને બાજુના શહેરમાં જઈને નફો થાય એવો સોદો કરીને આવ.

“જો તું પાછો આવીને નફો બતાવીશ,” મેહતા કાલુએ કહ્યું, “તો હું તને ફરી વધારે પૈસા આપીશ.”

યુવાન નાનક હસ્યાં કારણકે નાનપણથી જ તેમને કોઈપણ વસ્તુ બાંધી શકી નહોતી અને અહી તેમનાં પિતા હજી પણ સખત પ્રયત્ન કરી રહ્યાં હતાં. ગુરુ નાનક પોતે કોઇપણ પ્રકારનાં મોહ કે નિર્મોહથી પરે હતાં, પૈસાની હાજરી કે ખોટથી તેમને કોઈ ફેર પડતો નહિ. તેમને જોયું કે વીસ રૂપિયા મળવાથી તેમને એક સદ્કર્મ કરવાની તક મળી ગયી હતી જેમાં પોતાનાં પિતાની આજ્ઞાનું પાલન તેમજ આ પૈસાનો ઉપયોગ કરીને લાભ પણ કમાવી શકાય.

તેઓ તો ચુપચાપ પોતાના મિત્ર મર્દાના સાથે ચાલી નીકળ્યાં. મર્દાના તેમના માટે એક એવાં મિત્ર હતા જેવી રીતે આનંદ પોતે બુદ્ધ માટે હતાં, કે જેણે પોતાનું આખું જીવન પોતાનાં ગુરુની સેવામાં સમર્પિત કરી દીધું હતું અને પોતે તેમનાં પડછાયાની જેમ સાથે ફરતાં હતા.

“આપણે ખરો સોદો આજે કરવાનો છે.” મર્દાનાએ ગુરુ નાનકને કહ્યું. “ ચાલો આજે કોઈ નફો રળીએ કે જેથી કરીને તમારા પિતાશ્રી પણ ખુશ થઇ જાય.”
“હા, મર્દાના.” નાનકે રહસ્યમય રીતે કહ્યું, “આજે આપણે સૌથી વધારે નફો થાય તેવો સોદો કરીશું.”

નાનકની દયાળુ નજરો આજુબાજુ ફરી અને તેમણે એક તપસ્વીઓનું ટોળું જોયું કે જે દિવસો સુધી ભૂખ્યું હતું. મર્દાનાને વીસ રૂપિયા આપતાં તેમને કહ્યું કે આ તપસ્વીઓ માટે એક ભવ્ય અને ઉદાર જમણની વ્યવસ્થા કરે. પહેલાં તો મર્દાનાએ ગુરુ નાનકને એ સમજાવવાની કોશિશ કરી કે પૈસાનો આ શ્રેષ્ઠ ઉપયોગ નથી પરંતુ પછી તરત જ તેમને તે ખબર પડી ગયી કે પોતાના મિત્રને ખબર છે કે પોતે શું કરી રહ્યાં છે. જમણની વ્યવસ્થા કરવામાં આવી અને તરત જ બીજા ગરીબો અને ભૂખ્યા લોકો પણ તેમાં જોડાયાં.

ગુરુ નાનકે તે સૌને પોતાનાં હાથે પીરસ્યું અને દરેકજણે ધરાઈને ખાધું.

“આપણે એક પૈસો પણ નફો નથી રળ્યો,” મર્દાનાએ પાછા ફરતી વખતે ગુરુનાનકને કહ્યું. “તમારા પિતા ગુસ્સેથી રાતાપીળા થશે. આપણે તેમના બધાં પૈસા વાપરી નાંખ્યા.”
“મર્દાના, આપણે તેમનાં પૈસા નથી વાપર્યા,” નાનકે એકદમ શાંતભાવમાં ડૂબી જતાં કહ્યું., “આપણે તો તેનું રોકાણ કર્યું છે. આ એક સૌથી મોટો નફાકારક સોદો હતો. ભૂખ્યા લોકોની ભૂખ ભાંગવાથી મોટું બીજું કયું કાર્ય હોઈ શકે? આપણા આ સોદામાં કોઈએ પણ ખોટ નથી ખાધી. દરેકજણને ફાયદો થયો છે. હું તો હંમેશાં બીજા બધાં કરતાં આ સોદો જ પસંદ કરીશ.”

તેમણે તેને સચ્ચા સૌદા કહ્યું.

જયારે તમે નિ:સ્વાર્થપણે કામ કરો છો ત્યારે કુદરત તમારા શબ્દોમાં એક અસામાન્ય ક્ષમતા ઉમેરે છે. આવા શબ્દો ગુરુનાનકનાં હતાં કે જે બિલકુલ નિ:સ્વાર્થ અને શુદ્ધ લાગણીથી  ઉચ્ચારવામાં આવેલાં હતાં, અને હાલ હજુ ૫૦૦ વર્ષથી વધુ સમય બાદ પણ દુનિયાનાં દરેક ગુરુદ્વારામાં લાખો લોકોને કે જે પછી કોઈ પણ ધર્મ, ઉંમર, કે નાત-જાતનાં કેમ ન હોય તે તમામને જમાડવામાં આવે છે. બિલકુલ મફત.

આ નિ:સ્વાર્થતાનો એક શ્રેષ્ઠ બદલો છે: અને તે એ કે તમારા શબ્દો ક્યારેય વ્યર્થ નથી જતાં. એક બિયારણની જેમ તે હંમેશાં અંકુરિત થતાં હોય છે અને એક ફળફૂલથી લદાયેલા એક મસમોટા વૃક્ષમાં રૂપાંતરિત થઇ જતાં હોય છે જે પેઢીઓની પેઢીઓ સુધી ફળફૂલ આપતાં રહે છે. જેમ કે ઘણાં બધાં પ્રસંગો પર મેં પહેલાં પણ કહ્યું છે કે ભગવાન કે કુદરત કે પછી તમે તેને બીજું કોઈપણ નામ આપો, તે હંમેશાં તેને મદદ કરવા માટે આગળ ઝૂકતું હોય છે કે જે કુદરતનાં નિખાર અને વિકાસ માટે મદદરૂપ થતું હોય. જયારે તમે બીજાને મદદ કરો છો ત્યારે તમે કુદરતને મદદ કરતાં હોવ છો.

જો “આધ્યાત્મિક ગુરુત્વાકર્ષણ” માટે કોઈ નામ હોય તો, હું કહીશ કે તે છે નિ:સ્વાર્થતા. જેવી રીતે પૃથ્વી દરેક વસ્તુને પોતાના તરફ ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષે છે, તેમ નિ:સ્વાર્થ લોકો પણ દરેકવસ્તુને પોતાના સદ્દગુણોનાં પરમાર્થથી બનેલાં એક પ્રચંડ બળથી આકર્ષે છે. નિ:સ્વાર્થ દ્વારા હું એમ નથી સુચવી રહ્યો કે તમે તમારી જરૂરિયાતોની અવગણના કરો કે પછી તમારી જાત પર ત્રાસ ગુજારો. નિ:સ્વાર્થતા એ તો ફક્ત જીવન જીવવાનો રસ્તો છે એક એવી સમજણનું ભાન કે આપણે જ્યાં સુધી બીજાની ખુશી પ્રત્યે ધ્યાન ન આપીએ ત્યાં સુધી આપણે પોતે પણ ખુશ નથી રહી શકતાં. તમારી પાસે એક થાળીમાં બધું જ ખાવાનું હોઈ શકે છે પણ જયારે તમે તે બીજાની સાથે વહેંચીને ખાઓ છો ત્યારે તે એક સાચ્ચા અર્થમાં સંતોષ આપનારું બની રહે છે.

જો તમને મારા પર શંકા હોય તો તમે કોઈપણ રેસ્ટોરન્ટમાં જઈને એકલાં ખાઈ શકો છો. એ જમણથી તમારું પેટ તો ભરાશે, તમને ધરાઈ ગયાં હોય એવું પણ લાગશે, પણ એ તમને સંતોષ તો નહિ જ આપી શકે. કેમ? કેમ કે એમાં ફક્ત તમારી પોતાની જ વાત આવે છે. પછી ટેબલ ભલેને હીરાથી જડેલું કેમ ન હોય, એ ફક્ત એકલાં ખાધું હોય એવી જ લાગણી આપશે. આપણામાંના મોટાભાગનાં લોકોનાં મગજમાં જીવનનો અર્થ ભૂલભરેલો બેસી ગયો છે. અને તે છે મારું જીવન એટલે ફક્ત મારા વિષેની જ વાત. જો આપણું જીવન ફક્ત આપણા વિષેની જ એક વ્યક્તિગત વાત હોત તો આપણે એક પ્રજાતિ તરીકે પણ આપણું અસ્તિત્વ ટકાવી શક્યા ન હોત. બીજાનું ધ્યાન રાખો અને કુદરત તમારું ધ્યાન રાખશે.

જયારે તમે કોઈ એક રેસ્ટોરન્ટમાં જઈને ૫૦ રૂપિયાનું જમણ જમો ત્યારે તમે અર્થવ્યવસ્થાને તો કદાચ મદદરૂપ થતાં હોવ છો, છતાં પણ સત્ય તો એ છે કે તમે અને હું બન્ને જાણીએ છીએ કે દુનિયાને મદદ કરવી એ કોઈ આપણો મુખ્ય ઈરાદો નહોતો. ઈરાદો તો પોતાની જાતને ખવડાવવાનો હતો. આમાં કોઈ દાનની વાત નથી આવતી. પરંતુ, જયારે તમે ૧૦ કે ૧૫ રૂપિયા એજ રેસ્ટોરન્ટમાં વેઈટરને ટીપ તરીકે આપો છો ત્યારે તેનાંથી તમે કોઈનાં જીવનમાં જરૂર સીધો ફાયદો કરો છો. આપણે ક્યારેય કોઈને આપણી સેવા કરવાં માટે લલચાવવા માટે ટીપ નથી આપતાં (જો તેવું હોત તો આપણે બધાં જમવાનું શરૂઆત કરતા પહેલા જ ટીપ આપતાં હોત). ટીપ આપીને આપણે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. તેમાં પણ સંપૂર્ણ નિ:સ્વાર્થતા તો નથી પરંતુ તેમ છતાં કઈક તેની નજીકનું તો છે જ.

જીવન તમને અસંખ્ય પ્રસંગો ઉપર નિ:સ્વાર્થ બનવાની લાખો તકો આપતું હોય છે. મારો વિશ્વાસ રાખો, તમે એ તમામ તકોનો ઉપયોગ કરો. અંતિમ પૃથ્થકરણમાં ફક્ત આટલી જ વાતનું મહત્વ છે, અને આટલું જ ફક્ત તમારી સાથે જશે – તમારું કર્મ, આ જ તમને એક શાંતિ અને સંતોષ આપી શકશે.

વિરોધાભાસી બોલવું હોય તો, તમે જે કઈ પણ બીજાને આપશો તે જ વસ્તુ તમારી પાસે ટકવાની છે. તમે જો પ્રેમ આપશો તો પ્રેમ રહેશે. નફરત આપશો તો નફરત તમારી પાસે રહેશે. તમે કશું નહિ આપો તો તમારી પાસે પણ કશું નહિ રહે. ફક્ત એક ખાલીપો. તમારા અસ્તિત્વનો વિસ્તાર વધારવા માટેનો એકમાત્ર રસ્તો છે અન્યને આપવું. જો તમારી પાસે તમે જેને તમારું ગણતાં હોય તે બીજાને આપવાનું હૃદય ન હોય તો ઓછાનામે બીજા સાથે તેને વહેંચો. વહેંચવું એ દાન પછી આવતું એક બીજું શ્રેષ્ઠ કર્મ છે.

આપણી આ અસ્થાયી દુનિયામાં અને આપણા આ ક્ષણભંગુર જીવનમાં ફક્ત એક જ સાચ્ચો સોદો છે અને તે છે દાનનો. તે સૌથી વધુ નફો રળી આપનારો સોદો છે. ભલા બનો, નિ:સ્વાર્થી બનો.. પછી તમે જે પણ કરશો તેમાં તમને સફળતા જ મળશે. ધૂળ પણ તમારા હાથમાં આવશે તો હીરો બની જશે. તમારો એક સ્પર્શ પણ લોઢાને સોનું બનાવી દેશે – તમે એક પારસમણી બની જશો. તમારી યોજનાઓ કદી નિષ્ફળ નહિ જાય, તમારા બધાં શબ્દો ખરા ઉતરશે. એવું કેવી રીતે, તમે કદાચ વિસ્મયપૂર્વક પૂછશો? કારણકે કુદરત ક્યારેય નિ:સ્વાર્થ વ્યક્તિ સાથે પજવણી કરવાનું સાહસ ન કરી શકે.

પરોપકાર એ દરેક હકારાત્મક લાગણીનું બીજ છે. નિ:સ્વાર્થતા એ આધ્યાત્મિકતાની જનની છે. તે તમને તમારી જાત સિવાય બીજું જોવા માટે મદદરૂપ થાય છે કે જેથી કરીને તમે તમારા સ્વપ્નો (અને બીજાના સ્વપ્નો પણ)  સિદ્ધ કરવાની જે અગાધ સંપત્તિ તમારા ચરણોમાં પડેલી છે તે જોઈને આશ્ચર્યચકિત અને દંગ થઇ જાવ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email