ચાલો હું તમને બુદ્ધનાં જીવનની વાર્તા શરૂઆતથી કહું, બુદ્ધ કે જે સંસારત્યાગ પહેલાં રાજકુમાર સિદ્ધાર્થ તરીકે ઓળખાતાં હતાં.સિદ્ધાર્થ અને તેમનો પિતરાઈ ભાઈ દેવદત્ત એક આખો દિવસ જંગલમાં ગુજારવાનું નક્કી કરે છે,  તેઓ વૃક્ષનાં છાયાંમાં આરામ કરે છે, તળાવમાં રમે છે અને જોડે આવેલાં નોકર-ચાકર તેમને લાડ લડાવતાં હોય છે. એક રાજવી કાફલો તેમનાં આરામ અને સલામતી માટે ગોઠવવામાં આવ્યો હતો. દેવદત્ત પણ તેનું ધનુષ્યબાણ લઈને આવ્યો હતો જો કે તેઓ બન્ને શિકાર નહિ કરવા માટે સહમત હતાં.

તેઓ તળાવમાં રમતાં હતાં ત્યારે ત્યાં નજીકમાં એક હંસ ઉતર્યું. આવો સોનેરી મોકો જોઇને દેવદત્તે તરત જ પોતાનું ધનુષ્ય તેનાં તરફ તાક્યું. સિદ્ધાર્થે તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ દેવદત્ત પોતની જીદ પર અડગ રહ્યો. થોડી ક્ષણો વિતી હશે કે આ હલચલ સાંભળીને હંસ ઊડવા લાગ્યું. દેવદત્ત જો કે ખુબ જ કુશળ તીરંદાજ હતો (કમનસીબે) અને તેને તો તીર છોડી દીધું અને પોતાનું નિશાન વીંધી નાંખ્યું. પંખીને નીચે પડતાં જોઈ, સિદ્ધાર્થ તેનાં તરફ લાંબા ડગલાં ભરીને દોડ્યાં.

ચમત્કારિક રીતે, પેલું હંસ હજી જીવિત હતું. પરંતુ, તે લડખડાતું હતું જાણે કે તે બિચારા પંખીમાંથી પ્રાણ નીકળી જતાં ન હોય. તેની આંખો બંધ થઇ રહી હતી, તેનાં ઘાવમાંથી લોહી નીકળી રહ્યું હતું. ધીરેથી, રાજકુમારે તીર ખેંચી કાઢ્યું અને બાજુમાંથી કોઈ વનસ્પતિનાં પાંદડાનો ઠંડો રસ કાઢીને તેનાં ઘાવ ઉપર લગાવી દીધો કે જેથી લોહી નીકળતું બંધ થઇ જાય. રાજકુમાર સિદ્ધાર્થે પોતાની સાથે આવેલાં કાફલામાંથી એક વૈદ્યને બોલાવ્યા અને તેમને કોઈ વનસ્પતિની ઔષધિ આપી જે સિદ્ધાર્થે પોતાનાં કોમળ હાથોથી હંસનાં ઘાવ ઉપર લગાવી દીધી.

ભયભીત હંસને થોડી રાહત અનુભવાતા પોતે પાંખ ફડફડાવીને ઉડવાની કોશીસ કરવાં લાગ્યું. જો કે તેને અત્યંત દર્દ થઈ રહ્યું હતું અને તે ઉડી નહોતું શકતું. તે સિદ્ધાર્થનાં નાજુક હાથોમાં પડી રહ્યું. દેવદત્તે આ વાતને સહજતાથી ન લીધી અને તેને એવું લાગ્યું કે કોઈએ પોતાની રમતમાં હસ્તક્ષેપ કર્યો હોય.

“લાવ મને આપી દે તે!” તેને સિદ્ધાર્થને કહ્યું. “તે મારો શિકાર છે.”
“બિલકુલ નહિ,” રાજકુમારે જવાબ આપ્યો. “મેં તેને બચાવ્યું છે.”
“શું મજાક છે,” તે ચિલ્લાયો. “તે મારું પક્ષી છે, મેં તેને મારા તીરથી નીચે પાડ્યું છે.”
“જો તે મરી ગયું હોત, તો તે તારું હોત,” સિદ્ધાર્થે હંસને પોતાની છાતી પર ચિપકાવતાં કહ્યું, “પરંતુ, તે હજી જીવિત છે, અને માટે તે મારું છે.”

જ્યાર તેમનાં વચ્ચે દલીલો ખતમ ન થઇ ત્યારે તેમને રાજાનાં એક મંત્રી કે જે રાજવી કાફલામાં સાથે આવેલાં હતા તેમને પૂછી જોયું. મંત્રીએ એક સુચન આપ્યું કે તે જંગલમાં બાજુમાં જ એક તપસ્વી સાધુ રહેતાં હતાં કે જે આ પરિસ્થિતિનો સૌથી સારી રીતે ઉકેલ લાવી શકે તેમ છે. તે સમયનાં પ્રચલિત રિવાજ મુજબ તેઓ પોતાની સાથે ફળફૂલ તેમને ધરવા માટે લઇ ગયા અને તે સંત સામે ઝૂકીને પ્રણામ કરીને પોતાની વાત રજુ કરી.

“આમાં કોઈ મુંઝવણ જેવું કશું છે જ નહિ,” પેલા સંતે જવાબ આપતાં કહ્યું. “જીવન તેનું હોય છે જે તેને બચાવવાની કોશિશ કરે. જે તેને દુઃખ આપતું હોય તેનું નહિ.”
“માટે,” તેમને આગળ કહ્યું, “આ હંસ સિદ્ધાર્થનું છે.”

આ એક સરળ વાર્તા છે, પણ ડહાપણ હંમેશાં સરળતામાં જ રહેલું હોય છે. વાસ્તવમાં, તે ફક્ત સરળતામાં જ રહેતું હોય છે. ડાહ્યાં લોકો સરળ હોય છે. અંગત રીતે, મને એવું લાગે છે કે શ્રેષ્ઠ ડહાપણ માટે જરૂરી છે એક સુંદર જીવન જીવવું. એક સંતુષ્ટ અને અર્થસભર જીવન એક ખુબ જ શાનદાર રીતે ચમકતું હોય છે જેમકે મુગટમાં રહેલો હીરો. એક વાક્યમાં કહેવું હોય તો:

જીવન જે તેને ચાહતું હોય તેનું બનીને રહેતું હોય છે.

તમને જે ગમતું હોય તેનું તમે રક્ષણ કરતાં હોવ છો, તમે કુદરતી રીતે જ તેને બચાવો છો જેને તમે પ્રેમ કરો છો. જો તમે જીવનને હાનિ પહોંચાડો, તો પછી તે તમારું નથી રહેતું, તે તમારા જીવન તરીકે રહેવાનું બંધ કરી દે છે. જો પસંદગી આપવામાં આવે, તો તમને શું લાગે છે હંસ કોની સાથે રહેવાનું પસંદ કરશે – દેવદત્ત પાસે કે સિદ્ધાર્થ પાસે? એ પંખી સિદ્ધાર્થ પાસે હંમેશાં ખુશ રહેશે, તે તેની સાથે રહેવાનું વધુ પસંદ કરશે કારણકે રાજકુમારે તેનું જીવન બચાવવાની કોશિશ કરી હતી.

એજ રીતે, તમારા જીવનને પણ એનું પોતાનું જીવન હોય છે. જો તમે તેને પ્રેમ કરો, તેની કદર કરો, તેનું રક્ષણ કરો, તો તે પણ તમારી સાથે રહેવાનું પસંદ કરશે. તે તમારું બની જશે. પરંતુ, જો તમે તેને હાનિ પહોંચાડવાની કોશિશ કરશો, તો તે તમારાથી દુર ઉડી જશે. દુર દુર. તેના પ્રત્યે માયાળુ બનો, કોમળ બનો, જેમકે આપણી વાર્તાનો રાજકુમાર, અને તો જીવનહંસ તમારા હાથમાં જીવંત બનીને આવશે.

જયારે બીજી વ્યક્તિ તમારા પ્રયત્નોની કદર ન કરે ત્યારે તમને કેવું દુઃખ થાય છે, જીવનને પણ તેવું જ દુઃખ થાય છેજયારે તમે તેનો પ્રતિકાર કરતાં રહો અને તે જે તમારા માટે કરી રહ્યું હોય તેની તમે કદર ન કરતાં હોવ.

જયારે તમે ઈર્ષ્યા, ફરિયાદ અને સ્વાર્થના બાણ જીવન પર ચલાવતાં હોવ ત્યારે જીવન ભયભીત અને દુઃખી થઇ જાય છે. દરેક વખતે જયારે-જયારે આવું બને ત્યારે-ત્યારે તે તમારાથી અંતર રાખતું થઇ જાય છે. અને, જયારે તમારું પોતાનું જીવન તમારાથી દુર થઇ જાય, દુનિયાની કોઈપણ વસ્તુ કે વ્યક્તિ પછી તમને સુખી કે ખુશ નથી કરી શકતું. લાંબા સમય માટે તો નહિ જ. જીવન દ્વારા હું ફક્ત શારીરિક તંદુરસ્તીની વાત માત્ર નથી કરી રહ્યો, જીવનનાં સારની વાત કરી રહ્યો છું, એક શાંતિ અને આનંદની લાગણીની આ વાત છે. તમારા જીવનને બેદરકારી કે અવગણના કરવામાં કોઈ બુદ્ધીગમ્યતા નથી કેમ કે અવગણના જેટલું દુઃખ બીજું કશું આપી શકતું નથી.

એક વિદેશી મુલાકાતી ઝેન સંન્યાસીને મળવા જાય છે અને સંન્યાસી તેને ચા આપે છે. કાગળ જેટલાં પાતળા કપને જેવો પેલો મુલાકાતી પકડવા જાય છે કે તે તૂટી જાય છે.

“તમે તમારા કપ આટલા નાજુક કેમ બનાવો છો?” તે પેલા સંન્યાસીને થોડા ત્રસ્ત અને છોભીલા ભાવથી પૂછે છે.
“એવું નથી કે કપ નાજુક છે,” સંન્યાસી પોતાનાં કપમાંથી ચાની ચુસ્કી ભરતાં બોલે છે. “તમને એ ખબર નથી કે તેને કેવી રીતે પકડવો.”

તમે તમારા જીવન જોડે કેવી રીતે કામ લો છો તે મહત્વનું છે નહિ કે જીવન તમારા માટે કેવું હોવું જોઈએ. જીવન તો જે છે તે છે. જો તમે તેની જોડે દયા, કૃતજ્ઞતાથી કામ લેશો તો તમને ખબર પડશે કે જીવનનો એક-એક અંશ સુંદર છે, કે તે અત્યંત હૃદયતાપૂર્વક તમારું થઇને રહેલું હોય છે.

જીવન જેવું છે તેને તેવી રીતે પ્રેમ કરતાં શીખો કારણકે દરેક પંખી એક જુદું જ ગીત ગાતું રહેતું હોય છે. તેને કેવી રીતે સાંભળવું તે શીખો. આ એક રમુજ પમાડે એવું છે પરંતુ જયારે તમે જીવને તમારા માટે જે યોજનાઓ કરી હોય તેને અનુકુળ થવાનું શરુ કરી દો છો ત્યારે જીવન પણ તમારા પ્રમાણે ગોઠવાતું જાય છે. જો તમે જીવનને હાનિ પહોંચાડ્યે રાખો અને તેની સાથે સતત યુદ્ધ કરતાં રહો, તો એ તમારી બિલકુલ અવગણના કરતું થઇ જશે અને તમારાથી અંતર રાખતું થઇ જશે. જેમ કે મેં પહેલાં કહ્યું હતું, તમે જીવનનું પોષણ કરો, તેને પ્રેમ કરો, તેનું રક્ષણ કરો તો તે તમારું બનીને રહેશે. તે તમારા આદેશ મુજબ ચાલશે.

“જીવન તું મને શા માટે દુઃખ આપી રહ્યું છે?” તે સવાલનો જવાબ છે “તમે શા માટે જીવનને દુઃખ આપી રહ્યાં છો?”

તમારે જેને તમારી પાસે રાખવું હોય તો તેને દુઃખ ન આપો. જો તમારે તે તમારી સમીપ રાખી મુકવું હોય તો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email