કરોડો લોકો જ્યોતિષીઓને અનેક કારણોસર મળતાં રહેતાં હોય છે. એમાંના હજારો લોકો મને દર વર્ષે ઈ-મેઈલ કરતાં હોય છે. મોટાભાગે, તેઓ ત્યાંરે લખતાં હોય છે જયારે તેઓ તેમના જ્યોતિષે તેમના ભવિષ્ય વિશે જે કઈ કીધું હોય તેને લઇને તેઓ ચિંતિત હોય. અને, સામાન્ય રીતે, એજ ભવિષ્ય ભાખનાર તેમને કોઈ ઉપાય વિશે પણ બતાવતાં હોય છે, જેમ કે આ પથ્થર પહેરો, આમ કરો કે તેમ કરશો તો આવનાર બરબાદી આપોઆપ ટળી જશે. મોટાભાગે (હંમેશાં નહિ જો કે), આ કહેવામાં આવેલાં ઉપાયમાં કોઈ નાણાંકીય કિંમત પણ રહેલી હોય છે. અને અહી જ્યોતિષીઓ પોતાનો નફો રળતાં હોય છે.

જો તેઓ તમને કોઈ ઉપાય બતાવવા માટે પૈસા લેતાં હોય, તો તેમાંથી તેમને સીધો ફાયદો થતો હોય છે. જો તેઓ તમને કઈ કરવાનું સુચવતાં હોય કે જેમાં પૈસો સામેલ ન હોય, તો તેમને તમારો વિશ્વાસ જીતીને આડકતરો ફાયદો થતો હોય છે, તમને એવું લાગે કે, આ સારો જ્યોતિષી છે. તેનો કોઈ નિહિતસ્વાર્થ આમાં નથી, તેને આમાંથી કોઈ ફાયદો નથી થવાનો. પરંતુ, સત્ય તો એ છે કે આજે તે તમને મફત ઉપાય સુચવી રહ્યો છે, કાલે તે તમને એવો ઉપાય સુચવશે કે જેની કોઈ કીમત હોય. કાં પછી, તમને આજે તે એક મફત તાવીજ આપી રહ્યો છે અને પછી તે તમે કોઈ બીજાને આ સારા ભવિષ્યવેત્તા પાસે લઇને જશો ત્યારે તે તે બીજાને પૈસા લઇને ઉપાય બતાવશે.

હું એવું નથી કહી રહ્યો બધા જ જ્યોતિષીઓ તમને લુંટવા બેઠાં છે. ઉલટાનું, એવા કેટલાંય છે જે કે ખરેખર ખુબ સારું ભવિષ્ય વાંચતા હોય છે, જ્ઞાની હોય છે અને તેમની અંત:સ્ફૂરણા પણ સારી હોય છે. એવા પણ કેટલાંક સારા હોય છે કે જે પ્રમાણિકપણે પોતાની ભવિષ્ય ભાખવાની પ્રણાલી ઉપર વિશ્વાસ ધરાવતાં હોય છે. કમનસીબે, તેનો અર્થ એ નથી કે તે પ્રણાલી પણ પ્રમાણિક છે. તાજેતરમાં એક નવી નવી સગાઇ થયેલાં મંગેતરે મને લખ્યું હતું:

અમે એક જ્યોતિષીનો અમારા લગ્નવિષયક બાબત વિશે સંપર્ક કર્યો હતો અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે અમારા બન્નેની જન્મકુંડલીઓ એવું સૂચવે છે કે જો અમે લગ્નની તારીખ, સમય અને સ્થળ નહિ બદલીએ તો બન્નેનાં લગ્નજીવનમાં ખુબ જ ગંભીર વિરોધ અને ઘર્ષણ રહેશે અને એમ પણ કહે છે કે જો લગ્ન પછી અમે ભારતમાં રહીશું તો મારા સાથીનું જીવન ખતરામાં છે. મહેરબાની કરીને મને માર્ગદર્શન આપશો.

હું તમને આ સવાલ વિશે અને પેલા જ્યોતિષી વિશે મારો શું મત છે તે કહું એ પહેલાં હું તમને હિંદુગ્રંથમાંથી એક વાર્તા કહું છું.

એક વખત, એક ગુરુ કે જે પોતે બહુ મહાન તપસ્વી હોય છે, એક ઋષિ હોય છે, જેમની પાસે અનેક શક્તિઓ હોય છે તેમનો એક અતિ હોશિયાર વિદ્યાર્થી હોય છે કે જે ફક્ત ૧૦ વર્ષનો હોય છે. આ ગુરુ કે જે પોતે એક વિદ્વાન જ્યોતિષી પણ હોય છે, તેમને આ શિષ્યની જન્મકુંડલી જોઈ અને તેમને જોયું કે આ તો ફક્ત ૧૨ વર્ષ જ જીવવાનો છે. આનાંથી પોતે ખુબ વ્યાકુળ થઇ ગયા અને તેમણે આ ભાગ્યને બદલવા માટેનો નિર્ધાર કરી લીધો.

પોતાનાં આ શિષ્યને લઈને તેઓ બ્રહ્મા-સર્જનહાર પાસે ગયા, તેમને આ શિષ્યને લાંબુ આયુષ્ય આપવાં માટે વિનંતી કરી.
“હું તમારી વ્યથા સમજુ છું,” બ્રહ્માએ કહ્યું. “આ છોકરો ખુબ જ તેજસ્વી છે અને માનવજાતને મદદ કરી શકે તેવો છે. પણ મારું કામ છે, સર્જન કરવું. આપણે વિષ્ણુ પાસે જવું પડશે.”

મદદ કરવાના ઈરાદા સાથે, બ્રહ્મા પણ તેમની સાથે આ ભૂરા ભગવાન – વિષ્ણુને મળવા માટે સાથે આવે છે. વિષ્ણુ ભગવાન કહે છે કે મારું કામ છે આ સર્જનને ચલાવવાનું માટે તે કદાચ આ શિષ્યનાં જીવનમાં સમયનાં ચક્રની ગતિમાં વિક્ષેપ કરીને વધુ વર્ષો નહિ ઉમેરી શકે. તે તેમને શિવ પાસે જવાની સલાહ આપે છે.

બન્ને બ્રહ્મા અને વિષ્ણુ પણ આ ગુરુ અને શિષ્ય સાથે આ વિનાશના દેવ શિવજીને મળવા જાય છે. પ્રખર યોગી, શિવ, આ વિષયને લઈને ચિંતન કરવાં લાગે છે અને જવાબ આપે છે કે તેમનું કામ તો ફક્ત કુદરતનાં નિયમનુસાર વિનાશ કરવાનું છે. પોતાની શક્તિનો ઉપયોગ કરીને ધર્મનું ચક્ર ફરતું બંધ કરવું એ બરાબર ન કહેવાય. તેઓ એવી સલાહ આપે છે કે કુદરતને સમય સાથે તેનું કામ કરવા દો.

ગુરુ, જો કે, ઢીલા નથી પડતાં અને ત્રણેય ભગવાનને સાથે આવવાની વિનંતી કરે છે કે જેથી કરીને પોતે મૃત્યુંના દેવ પાસે જઈને પોતે આ બાબત વિશે આજીજી કરી શકે. ત્રિદેવ, શિષ્ય અને ગુરુ જાય છે ધર્મરાજા પાસે – કે જે દરેક જીવંત વસ્તુ-વ્યક્તિના મોતની ખાતરી કરવા માટે જવાબદાર દેવ છે.

આ દરમ્યાન, બે વર્ષ પસાર થઇ ગયાં હોય છે અને પેલો શિષ્ય ૧૨ વર્ષનો થઇ જાય છે. તે પોતાનું શરીર ધર્મરાજાનાં મહેલમાં જ ત્યાગી દે છે – બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પોતાના ગુરુ અને ધર્મરાજાની ખુદની હાજરીમાં જ.

ગુરુતો ચોંકી જાય છે. “સૌથી શક્તિશાળી ભગવાનો અહી હાજર છે,” ગુરુ બોલ્યા, “મારો શિષ્ય તમારી ઉપસ્થિતિમાં મૃત્યું પામી જ કેવી રીતે શકે?”

ધર્મરાજા ઊંચું જુવે છે અને પેલાં શિષ્યનો દિવ્ય સંગ્રહ ચકાસીને તેનાં મૃત્યુંનું ખરું કારણ ચોક્કસપણે જાણવાનો પ્રયત્ન કરે છે અને પોતાનું શિર હલાવે છે જાણે કે આ બાબત તેમનાં માન્યામાં ન આવતી હોય.

“શું થયું?” ગુરુએ પૂછ્યું.
ધર્મરાજાએ કહ્યું, “આ છોકરો પ્રખર બુદ્ધિશાળી હતો અને અને તે ઘણી મહાન વસ્તુઓ કરવાં માટે જન્મ્યો હતો. અને તેને પકડવો તો ખરેખર મારી શક્તિની પણ બહાર હતું. કારણકે, તે તો જ મૃત્યું પામી શકે એમ હતો કે જો સ્વયં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેનાં ગુરુ સાથે તે પોતે સદેહે મારા મહેલમાં મને મળવા માટે આવે! જો તમે તેની જન્મકુંડલી જોઈ જ ન હોત તો આ અસંભવ હતું.”

હું આશા રાખું કે હું શું કહેવા માંગું છું તે તમે સમજી ગયા હશો. ચાલો કઈક આપણે સુંદર રીતે સ્વીકારી લઈએ અને બીજા કશા માટે કાર્યાન્વિત થઈએ.

જો કોઈ પણ રીતે તમારા ભાગ્યને બદલવાનો કોઈ રસ્તો હોય તો તે છે તમારે જાતે તમારા ઉપર કામ કરવું. અને ત્યારે દરેકવસ્તુ આપોઆપ તેનાં સ્થાને ગોઠવાઈ જશે. હીરા અને પથ્થર, ચિન્હો અને સસ્તા આભુષણ સમયના ચક્રને બદલી શકતાં હોતાં નથી. જો તમારું લગ્નજીવન ડામાડોળ હોય તો તમારે બન્ને સાથીઓએ સાથે મળીને તેનાં ઉપર કામ કરવાનું છે. જો તમે દેવાનાં ડુંગર નીચે દટાઈ ગયાં હોય તો તમારે તમારા ખર્ચામાં જાતે જ કાપ મુકવો પડશે અને તમારી આવક વધારવી પડશે. કોઈ પથ્થર પહેરવો કે કોઈ અમુક ચોક્કસ ગ્રહને શાંત કરવો એ કોઈ તેનું સમાધાન નથી, જો તમે મને પૂછતાં હોય તો.

વધુમાં, જયોતિષનાં પુરાણા ગ્રંથોમાં, “ઉપાય” જેવી કોઈ વાત દર્શાવેલી છે જ નહિ. જયોતિષ શાસ્ત્રને મુખ્યત્વે બે વિભાગોમાં વહેચવામાં આવે છે: ગણિત જયોતિષ અને ફલિત જયોતિષ. ગણિત જયોતિષ એ જયોતિષની એક એવી શાખા છે કે જે ગ્રહો અને તારાની ગતિ ઉપર આધારિત છે. જયારે ફલિત જયોતિષ એ આવા ગ્રહોની ગતિની તમારા ઉપર વ્યક્તિગત શું અસર પડે છે તેના વિશે છે. તેમાં કોઈ “ઉપાય” કે “ઉકેલ” ની વાત છે જ નહિ. એવું કશું નથી કે જેમાં તમે આ કરો કે પેલું કરો તો તમે અમુક પ્રસંગોને ટાળી શકો. (હું આવું બે વસ્તુને આધારે કહું છું. એક, એવો કોઈ જયોતિષનો પ્રાચીન ગ્રંથ નથી કે જે મેં વાંચ્યો ન હોય. અને બીજું, ઘણાં વર્ષો સુધી, મેં ધંધાદારી જ્યોતિષી તરીકે કામ કરેલું છે.)

તો શું એનો અર્થ એ છે કે તમારે કોઈ જ્યોતિષીએ બતાવેલા દરેક સમાધાનને ફેંકી દેવા? હું એવું નથી કહી રહ્યો કે જયોતિષમાં કોઈ સત્ય નથી રહેલું. હું ફક્ત એટલું કહી રહ્યો છું કે ઉપાય અને સમાધાન વગેરે વાતો ઉપજાવી કાઢેલી છે. તેને એક પ્લાસીબો (પ્રાયોગિક ઔષધ) તરીકે માત્ર જુઓ. તેને ફક્ત તમારા માનસિક ફાયદા માટે જ ઉપયોગ કરો. એમાં બીજું કશું થવાનું નથી. અને, હું તમને મારો એક સાદો સિદ્ધાંત કહી દઉં. જો કોઈ પણ તમારી અંદર ક્યારેય કોઈ ભય પેદા કરે, પછી ભલે તે વ્યક્તિ કોઈ વિદ્વાન જ્યોતિષી, કોઈ ધાર્મિક વ્યક્તિ, પ્રવચનકાર, કે સ્વામી વિગેરે ગમે તે હોય, જયારે તે તમારી અંદર કોઈ ભય પેદા કરતાં હોય તો તે જ ક્ષણે તેમનો ત્યાગ કરી દો. ભય ઉપર ભરોસો કરવો બહુ સરળ હોય છે. તમારા પોતાના ભલા માટે, જો તમે સ્વતંત્રતા ભર્યું જીવન જીવવા માંગતા હોય તો પછી કોઈને પણ તમારી અંદર ભય પેદા ન કરવા દો. કોઈ પણ રીતે.

જો તમે મારું સંસ્મરણ પુસ્તક વાંચ્યું હોય તો તમને ખબર હશે કે હું જયોતિષ વિશે ખરેખર શું માનું છું. ચાલો હું તમારા માટે સારતત્વ કહી દઉં, જો કે: મેં મારા જીવનમાં કોઇપણ નાના કે મોટા નિર્ણય કરતી વખતે ક્યારેય કોઈ જ્યોતિષીની સલાહ નથી લીધી. પછી તે કોઈ ધંધો શરુ કરવાનો હોય કે તેનું નામ રાખવાનું હોય, ઘર ખરીદવાનું હોય કે પછી કોઈ નવાં દેશમાં જવાનું હોય, કોઈ કંપનીમાં રોકાણ કરવાનું હોય કે કોઈ નવી મુસાફરીમાં ઝંપલાવવાનું હોય. મારા કાર્યક્રમને અનુકુળ જે હોય તે મેં કર્યું છે. મેં ફક્ત મારી અમુક આધ્યાત્મિક ક્રિયાઓ માટે ચંદ્રની ગતિ પર આધારિત કેલેન્ડરની મદદ લીધી છે ફક્ત અમુક પરંપરાઓનાં સન્માન ખાતર.

જો જયોતિષ શાસ્ત્ર તમારાં પ્રશ્નો ઉકેલી શકતું હોય, તો પછી જ્યોતિષીઓનાં જીવનમાં કેમ કોઈ પ્રશ્ન હોય છે? તેઓ શા માટે બીમાર પડતાં હોય છે કે પછી તેમના બાળકો કેમ નિરંકુશ હોય છે? તેમને કેમ નાણાંકીય તકલીફો ભોગવવી પડતી હોય છે કે પછી એમનાં પણ કેમ છૂટાછેડા થતાં હોય છે? જાતે વિચારો.

તમને શું એવું લાગે છે કે દુનિયાનાં મોટા મોટા શક્તિશાળી લોકો, શ્રીમંત લોકો, સંશોધકો, ફિલસૂફો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગીઓ શું જ્યોતિષીઓ અને ભવિષ્યવેત્તાઓની આસપાસ ફરતાં રહેતાં હશે? મહેરબાની કરીને જાગો અને તમારા બધા જવાબો માટે તમારી અંદર ઝાંખીને જુઓ. તમારા સમયનાં માલિક બનો અને એ મુજબ વર્તો. બસ દિવસને અંતે આટલું જ જરૂરી હોય છે.

તમારી જાત ઉપર અને તમારા ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો. હંમેશાં સાચા કર્મો કરો, યોગ્ય પસંદગીઓ કરો, દયાળુ બનો અને ક્યારેય કોઈ કાર્ય પડતું ન મુકો. તમારે જયોતિષ શાસ્ત્રની પછી ચિંતા કરવાની કોઈ જરૂર નહિ પડે. એના બદલે તમે તમારી મુશ્કેલીઓ અને અવરોધોની વચ્ચે એવી રીતે રસ્તો કરી લેશો જેમ કે એક નદી જમીન પરથી અને ખડકોમાંથી પસાર થઇ જતી હોય છે.

શાંતિ.
સ્વામી

નોંધ: ભારત અને વિદેશમાં વસતા ભારતીયોને સ્વાતંત્ર્યદિનની ખુબ શુભેચ્છાઓ. વંદે માતરમ્.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email