જીવન બહુ અઘરું છે. તે ખરેખર છે. હું કઈ બીલ ભરવાની, દેવામુક્ત રહેવાની, મુસીબતના સમય માટે બચત કરવાની, તંદુરસ્ત રહેવાની, નિવૃત્તિ માટે આયોજન કરવાની કે સંબધો સાચવવાની વાત નથી કરી રહ્યો. એ તો કશું જ નથી (મજાક કરું છું). નિ:શંક આ બધા પરિબળો આપણા જીવનને ચુનોતીભર્યું તેમજ લાભદાયી પણ કદાચ બનાવે છે. હું તો ખરેખર એક સરળ વાત કરું છું: ખુશ રહેવાની. આપણે જે કઈ પણ બધી સખત મહેનત સખત પ્રમાણિકતાથી કરીએ છીએ તેમ છતાં પણ ખુશી તો એક ક્ષણિક ટકતી લાગણી જ રહે છે, એક છેતરામણી લાગણી, જેમ કે ઉજળા દિવસે દેખાતા વાદળા જેવું – જે થોડાક સમય માટે દ્રશ્યમાન થાય અને ત્યાં રહ્યાં-રહ્યાં પણ પોતાના આકારો બદલતાં રહે.

જે કોઈએ પણ પોતાના જીવનનો હેતુ નથી શોધી કાઢ્યો, કે પછી કોઈ પોતે જે કઈ કરી રહ્યું હોય તેના માટે ભાવુક નથી હોતા, તેમનાં માટે જીવવું એ એક વિશાળ કાર્ય બની જાય છે. ખુશી જેવું કઈક ખરેખર તો આપણા માટે કુદરતી હોવું જોઈએ કારણકે આપણે આનંદ સ્વરૂપ છીએ, આપણે પ્રેમમાંથી જ જન્મ્યા છીએ. અરે જે ગર્ભનાળથી આપણને નવ મહિના સુધી પોષણ મળતું હોય છે, કે જે આપણી અને આપણી માતા વચ્ચેનું બંધન હોય છે, તેને પણ આપણી સ્વતંત્રતાના પ્રતિક તરીકે જન્મ્યા પછી તરત જ કાપી નાખવામાં આવે છે. જાણે કે એવું કહેતા ન હોય કે હવે કોઈ બંધનની દોરીઓ વળગેલી નથી. આપણે પોતે જ ખુશી છીએ, આપણે મુક્ત છીએ. શું આપણે ખરેખર તેમ છીએ ખરા? ખુશી આપણા માટે એવી સહજ હોવી જોઈએ જેવી રીતે પર્વતો ઉપર હવાની લહેરખી સહજ હોય છે – મંદ અને સતત – પરંતુ એવું લાગે છે કે આપણે તો તે મેળવવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે.

દુઃખ એક છૂપી લાગણી છે. જેવી રીતે તમે ગમે તેટલું ધરાઈને કેમ ન ખાધું હોય થોડા કલાકો પછી તમારા પેટની અંદર ભૂખ જાગી જ જતી હોય છે તેમ તમે ગમે તેટલાં સુખી કેમ ન હોવ, દુઃખ તેના પિતરાઈ ભાઈ-બહેન (દુઃખ, ક્રોધ, ગ્લાની, રંજ, નારાજગી, ભય, પશ્ચાતાપ વિગેરે) સાથે કે તેમના વગર ચોરીછૂપીથી તમારી પાસે આવી જ જતું હોય છે. જયારે તમને બઢતી મળે કે તમે ખુશ થઇ જાવ છો અને પછી બીજી જ ક્ષણે કામનું દબાણ વધી જાય છે. તમે જયારે મોટું ઘર ખરીદો ત્યારે તમને પરમ સુખ લાગવા માંડે છે, અને ત્યારબાદ મોટી લોનના લીધે તણાવ વધી જાય છે. કાલે મારી પાસે નોકરી ન હોય તો શું થશે, હું મારા કુટુંબનું પાલન કેવી રીતે કરીશ? એવું લાગે કે જાણે ખુશી તો એક સંદેશવાહક જેવી ન હોય કે જે ફક્ત આવીને એક ખુશીનાં સમાચાર આપીને બસ ચાલી જાય. મને તો એવું લાગ્યું કે ખુશી તો મારી આત્મીય હશે, પરંતુ એ તો એક ગણિકા જેવી નીકળી.

ઉપરોક્ત વાત એ મારા તાજેતરમાં બહાર પડેલા પુસ્તક, When All Is Not Wellનાં પાંચમાં પ્રકરણનો થોડો અંશ છે. આ પુસ્તક ખુશ કેવી રીતે રહેવું તેના ઉપરનું નથી જો કે. એનાં બદલે, એ તો દુઃખ ઉપરનું છે, ખરેખર એક તીવ્ર દુઃખ. મેં જે લોકો સાથે કામ કર્યું છે તેમનાં અસલી જીવન પ્રસંગો પર આધારિત આ પુસ્તક એક સૌથી મોટી રહસ્યમય બીમારી વિશેનું છે. ના, હું ધ્યાન, જ્ઞાન, કે લગ્ન વિશે પણ વાત નથી કરી રહ્યો (આ બધાં માટે તો કોઈ કાયમી દવા નથી – મજાક કરું છું). હું એવી બીમારી વિશે વાત કરી રહ્યો છું જે માનસિક, લાગણીકીય અને શારીરિક તંદુરસ્તી ઉપર એકીસાથે હુમલો કરે છે. અને તે પણ ખુબ જ ત્વરિત અને પ્રચંડ રીતે.

When All Is Not Well એ ડીપ્રેશન અને દુઃખ ઉપરનું એક યોગિક દ્રષ્ટિકોણ રજુ કરતુ પુસ્તક છે. અને, ડીપ્રેશન એ કેવી રીતે તીવ્ર દુઃખ નથી એ દર્શાવે છે. તીવ્ર દુઃખ એ મનની અવસ્થા હોઈ શકે છે જયારે ડીપ્રેશન એ એક બીમારી છે. મેં રૂમીની એક સરસ કવિતા એ પુસ્તકમાં ટાંકી છે.

You sit here for days saying,
This is strange business.

You’re the strange business.
You have the energy of the sun in you,

but you keep knotting it up
at the base of your spine.

You’re some weird kind of gold
that wants to stay melted in the furnace,
so you won’t have to become coins.

આવું ડીપ્રેશન પીડિત વ્યક્તિ અનુભવતી હોય છે – એક પીગળેલ સોનું કે જેને ભઠ્ઠીમાં જ પડી રહેવું હોય છે.

મારા મત મુજબ, ડીપ્રેશન એ એક એવી વસ્તુ છે કે જેને બહુ ઓછું સમજવામાં આવ્યું છે અને એ માણસને સૌથી વધુ અશક્ત કરી નાંખે તેવું હોય છે. તે ગમે તેને, ગમે ત્યારે, તેમનાં જીવનનાં કોઈ પણ તબક્કે અસર કરી શકે છે. તમારી જીવનશૈલી ગમે તે કેમ ન હોય, તમારું માનસિક વલણ કે લાગણીકીય સ્તર ગમે તે હોય, કોઈપણ આ બીમારીથી બચતું હોતું નથી. ડીપ્રેશન માટે સૌથી હેરાન કરનારી બાબત એ છે કે તે તમને એ તમામથી આઘા કરી દે છે જેને તમે ઓળખતાં હોવ. તમને એવું લાગે છે કે તમે પોતે તમારા શરીરમાં જ, તમારી દુનિયામાં જ એક અજાણી વ્યક્તિ જાણે કે ન હોવ. એમાંય સૌથી ખરાબ વાત તો એ છે કે ડીપ્રેશન માટેનો કોઈ ચોક્કસ ઈલાજ જ નથી. એન્ટી-ડીપ્રેશન્ટસ મોટાભાગનાં લોકો માટે કામ કરે છે જયારે મોટાભાગનાં લોકોમાં તે રત્તીભાર પણ ફરક લાવતું નથી. થોડાંક લોકોને ધ્યાન અને યોગા કરવાથી મદદ મળી જતી હોય છે જયારે અનેક એવાં લોકો પણ હોય છે કે જેમને તેનાથી કોઈ ફાયદો થતો હોતો નથી. જ્ઞાનાત્મક વર્તણુંક (Cognitive behavioral) સારવાર અમુક દર્દીઓ માટે કામ કરી જાય છે જયારે અનેક લોકો માટે તે સમયની બરબાદી જેવું હોય છે. આવું કેમ?

સત્ય એ છે કે ડીપ્રેશનની સારવાર એ બિલકુલ તમારા ડીપ્રેશનનાં સ્વભાવ ઉપર આધાર રાખે છે. અને, જો તમે ડીપ્રેશનથી પીડાતા હોવ તો તમે પોતે જ એકમાત્ર સારી રીતે તમારા ડીપ્રેશનની ગંભીરતાની ખાતરી કરી શકો તેમ હોવ છો. નિ:શંક એક વિશેષજ્ઞ તમને એક ખરા નિદાન માટે મદદ કરી શકે પરંતુ અંતે તો તમારી લાગણીઓનાં ઉત્તમ નિર્ણાયક તમે પોતે જ છો. “લાગણી” શબ્દનો પ્રયોગ કરીને હું એવું નથી સુચવી રહ્યો કે ડીપ્રેશન એ કોઈ મૂડ ડીસઓર્ડર છે. એનાં બદલે, ડીપ્રેશન તો એક ખરી અવસ્થા છે અને, બીજી બધી બીમારીઓની જેમ, તે પણ તબીબી ધ્યાન અને સારવાર માંગી લે છે.

લગભગ ચાર વર્ષ પહેલાં, મેં ડીપ્રેશન ઉપર ટૂંકમાં લખ્યું હતું અને ત્યારથી મને અસંખ્ય વખત વિનંતી કરવામાં આવી હતી કે હું આ વિષય ઉપર મારો દ્રષ્ટિકોણ વિગતવાર અને વિસ્તારપૂર્વક રજુ કરું. માટે મેં When All Is Not Well આ પુસ્તક લખ્યું છે અને મને એ જણાવતાં ખુબ જ આનંદ થાય છે કે હાર્પરકોલીન્સ ઇન્ડિયા આ પુસ્તકનું પ્રકાશન કરવા માટે તૈયાર થયા છે. ભારતમાં, આ પુસ્તકની પ્રત ફેબ્રુઆરી ૨૦૧૬માં બહાર પડશે. આ જો કે ફક્ત ભારતમાં રહેતાં વાંચકોને લાગુ પડે છે.

દુનિયાનાં બાકીના ભાગ માટે મારી પાસે એનાંથી પણ સારા સમાચાર છે. તમારા માટે આ પુસ્તકની પ્રત તેમજ ઇ-બુક બન્ને amazon.com ઉપર ઉપલબ્ધ છે. તમે અહી ઓર્ડર કરી શકો છો.

હાલમાં જો તમે તમારા જીવનમાં ઊંડું દુઃખ અનુભવી રહ્યાં હોવ, કે પછી ડીપ્રેશન સાથે લડાઈ લડી રહ્યાં હોવ કે પછી ભૂતકાળમાં પણ ડીપ્રેશનથી પીડાયા હોવ, કે તમે કોઈ બીજા એવાં ને ઓળખતાં હોવ કે જે પીડાયું હોય તો હું આશા રાખું કે તમે આ પુસ્તક વાંચશો. આપણે બધું જ નથી ખોઈ બેઠાં. હજી આશા છે. અને આશા, હું કહીશ, કે એકમાત્ર એવી વસ્તુ છે કે જેને ડીપ્રેશનના સમયમાં પકડી રાખવી જેવી છે. કારણકે ડીપ્રેશનનો રાક્ષસ ડીપ્રેશન પીડિત વ્યક્તિમાંથી આશાને ચુસી ખાય તે પહેલાં અને એવું લાગે કે ડીપ્રેશન તમને ક્યારેય છોડવાનું નથી, ત્યાં હજુ એક આશા હોય છે. ખરેખર છે. અને, બસ મેં એ જ આશા સાથે આ પુસ્તક લખ્યું છે.

શાંતિ.
સ્વામી.

P.S. મારા અન્ય પુસ્તક If Truth Be Told (અહી) અને The Wellness Sense (અહી) ની પ્રત હવે વિશ્વભરનાં વાંચકો માટે ઉપલબ્ધ છે.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email