મેક્સીમ ગોર્કીએ કહ્યું હતું, “એક વખત એક કાગડો હતો, તે એક ખેતરમાંથી એક ટેકરી ઉપર ઉડ્યો, એક વાડા ઉપરથી બીજા વાડા ઉપર અને એવી રીતે પોતાનું જીવન જીવ્યો. ત્યારબાદ તે મરી ગયો અને સડી ગયો. – આમાં શું જીવનનું મહત્વ છે? કઈ જ નહિ!”

તો પણ, આપણામાંના મોટાભાગનાં લોકો ગોર્કીના કાગડા જેવું જ જીવન જીવતાં હોય છે. શા માટે?

તમે ક્યારેય બેસીને તમારા પોતાનાં વિચારોનાં પ્રકારની ચકાસણી કરી છે ખરી? એક ફક્ત સાક્ષીભાવથી નહિ પરંતુ એક આલોચનાપૂર્વક અવલોકનકાર તરીકેની? કે જેથી કરીને તમે માત્ર તમારા વિચારોને ફક્ત એક મુક સાક્ષી તરીકે જ ન જોતાં તમારા મનમાં ઉઠતાં દરેક વિચારોનું પૃથ્થકરણ અને વર્ગીકરણ પણ કરતાં હોવ. આ સહેલું નથી, કેમ કે તેનાં માટે એક ધારદાર સજાગતા અને સાવધાની જોઈએ. આ એક આગળ પડતું ચિંતનાત્મક ધ્યાન છે. આ લેખ, જોકે, કોઈ ધ્યાન વિશેનો નથી. જો કે તેની સાથે જોડાયેલો જરૂર છે, પણ તેમ છતાં એકદમ જુદી જ બાબત વિશેનો છે: આપણી ચિંતાઓ વિશેનો.

જયારે આપણે વ્યસ્ત નથી હોતા ત્યારેપણ આપણું મન તો સતત એક કે બીજી વસ્તુ માટે ચિંતા કરતું જ રહેતું હોય છે. અરે જયારે તમે ધ્યાન કરવાં બેસો ત્યારે પણ, તેને એક જગ્યાએ કેન્દ્રિત કરવાં માટે અગાધ પ્રયત્નની જરૂર પડતી હોય છે કેમ કે તે ટોળામાંથી ભૂલા પડી ગયેલાં એક ઘેટાની માફક બસ ભટકતું જ રહેતું હોય છે. આપણે આટલી બધી ચિંતા શા માટે કરતાં હોઈએ છીએ? આપણામાંથી મોટાભાગનાં લોકો પોતાનાં ભૂતકાળને લઈને પરેશાન હોય છે, આપણે આપણા ભવિષ્ય માટે ચિંતિત હોઈએ છીએ અને આપણા વર્તમાન માટે ઉદ્વિગ્ન હોઈએ છીએ. આપણે દેશની હાલત, અર્થતંત્ર અને બીજી અનેક વસ્તુઓ માટે ચિંતા કર્યે જ રાખતાં હોઈએ છીએ.

સૌથી વધારે રમુજ તેમજ હેરાન પમાડે એવી વાત તો એ છે કે આપણે એવી વસ્તુઓ માટે ખુબ જ ચિંતિત હોઈએ છીએ કે જે આપણા અંકુશ બહારની હોય.

જો કે ભૂતકાળ ઉપર આપણો કોઈ કાબુ નથી હોતો, તેમ છતાં પણ આપણામાંના ઘણાં લોકો કબાટમાં પૂરી રાખેલા હાડપીંજરો માટે ખુબ જ ચિંતા કરતાં હોય છે. આપણે નથી ઇચ્છતાં હોતાં કે આપણા મેલા કપડાં કોઈ બીજું જોઈ જાય. આપણે બીજા લોકો આપણા માટે શું વિચારતા હોય તેને લઇને પણ પરેશાન હોઈએ છીએ, અથવા તો અન્ય લોકો શા માટે આપણને પ્રેમ કે આપણો સ્વીકાર નથી કરતાં હોતા તેને લઈને પરેશાન હોઈએ છીએ, પણ ફરી એક વાર, તમે તેમનાં વિચારો ઉપર કોઈ કાબુ નથી કરી શકતાં હોતા. અરે, તેમનો પોતાનો જ તેમનાં વિચારો ઉપર કોઈ કાબુ નથી હોતો. થોડી ઘણી ચિંતાઓ કરવી બરાબર છે તે તમને તમારા જીવનનું આયોજન કરવામાં મદદરૂપ થાય છે અને તે તમને તમારા કર્મો પ્રત્યે તમને વિચારતા કરે છે. વધારે પડતી ચિંતા, જોકે, એક રોગ છે.

સવાલ એ છે: આપણે એવી વસ્તુઓ વિશે ચિંતા કેમ કર્યે રાખતાં હોઈએ છીએ કે જે આપણે સારી રીતે જાણતા હોઈએ છીએ કે તેનાં માટે આપણે કશું કરી શકીએ તેમ નથી? જવાબ ખુબ જ સરળ છે: ચિંતા કરવી એક એક ટેવ છે. અને, બે બાબતો તેને સતત બનાવે છે. પ્રથમ છે, ભય અને બીજું છે બેકાબુ વિચારો. ભયને સાચા કર્મો કરીને તમે ઠીક કરી શકો છો (અહી જુવો). અને વિચારોને કાબુ કરવામાં તમને ધ્યાન મદદરૂપ નીવડતું હોય છે. જે માણસે પોતાના વિચારોને એક દિશામાં પ્રવાહિત કરવાની કલાને હસ્તગત કરી લીધી છે તે વિચારોની નદીમાં એવી સહજતાથી વહે છે જેમ કે જંગલમાં વિચરતો સિંહ.

એટલું કહ્યાં પછી, આજનાં મારા આ લેખનો હેતુ એક ત્રીજા પરિમાણ ઉપર ધ્યાન આપવા વિશેનો છે, જીવન પ્રત્યેનું એક વૈકલ્પિક વલણ કે જે તમને તમારી ચિંતાઓમાંથી ઉપર ઉઠવા માટે મદદ કરે. તેની શરૂઆત થાય છે એ સ્વીકારથી કે તકલીફો, ચુનોતીઓ અને અનિચ્છનીય પ્રસંગો આપણા જીવનનો એક મોટો ભાગ હોય છે. એમાંનું ઘણું બધું કે જેને આપણે ટાળવું હોય છે. પછી તે લોકો હોય કે સંજોગો હોય, જો કે તે ટાળી શકાય નહિ તેવું હોય છે. એવું માની લો કે પ્રતિકાર એ પ્રગતીનો એક ભાગ છે. તેનાં માટેનો એક લેટીન શબ્દ છે: amor fati જેનો અર્થ છે નસીબ ઉપરનો પ્રેમ.

amor fatiનો અર્થ એ નથી કે તમે એક રાજીનામાંનું કે એક ઉદાસીન જીવન જીવો. ઉલટાનું તેનો અર્થ તો એ છે કે તમારા જીવન અને તમારા વિશેની એવી બાબતોને કે જેના ઉપર તમારો કોઈ કાબુ નથી તેને સ્વીકારવામાં તમે ઉત્સાહી અને બિન્દાસ બનો. આ સમજણ તમારી અંદર એક અસીમ શાંતિ અને સુખ લાવે છે. મને ફ્રેડરિક નિત્શેની The Gay Science માંની એક વાત યાદ આવી ગયી, “મારે વસ્તુઓમાં રહેલી જરૂરી સુંદરતાને કેવી રીતે જોઈ શકાય તે વધુને વધુ શીખવું છે; અને ત્યારબાદ, હું તેમાંનો એક થઇ જઈશ કે જે વસ્તુઓને સુંદર બનાવે છે. amor fati: તો તેને મારો પ્રેમ બનવા દો!…અને સામાન્યતઃ બધું થઇને એક દિવસે હું એવા બનવાની ઈચ્છા રાખું કે જે ફક્ત બધાં માટે હા જ –ભણતો હોય.”

આ એક વાક્યમાં જીવનભરનું ડહાપણ રહેલું છે. “મારે વસ્તુઓમાં રહેલી જરૂરી સુંદરતાને કેવી રીતે જોઈ શકાય તે વધુને વધુ શીખવું છે; અને ત્યારબાદ, હું તેમાંનો એક થઇ જઈશ કે જે વસ્તુઓને સુંદર બનાવે છે” ખરેખર જયારે આપણે જે બાબતોને સહન કરતાં હોઈએ છીએ તેમાં આપણે સુંદરતાને જોઈ શકવાની શરૂઆત કરીશું ત્યારે આપણું જીવન ખરેખર સુંદર બની જશે. જે જીવનની સુંદરતાને જેવી છે તેવી જ જોઈ શકે અને જે પોતાનાં મનની સ્વસ્થતામાં પુરેપુરો સ્થિત છે તેને સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. નિત્શે Ecce Homoમાં ખુબ ગહનતાપૂર્વક કહે છે, “માનવ અસ્તિત્વમાં મારું મહાનતાનું સમીકરણ છે amor fati: કે જે કઈ સાશ્વતપણે બીજું કઈક બનવાની, આગળ પડતાં કે પાછળ પડતાં, એવું કશું પણ બનવાની ઈચ્છા નથી રાખતાં. જે જરૂરી છે તેને સહન કરવાનું એટલું જ નહિ તેને બિલકુલ છુપાવવાનું પણ નહિ – જયારે વાત જરૂરિયાતની આવે ત્યારે દરેક આદર્શવાદ એક મિથ્યાવાદ થઇ જતો હોય છે – તો પણ તેનાં ઉપર પ્રેમ રાખો.”

આપણે આ ગ્રહ ઉપર આપણા જીવનને સતત આ બાબત કે પેલી બાબત વિશે ચિંતા કરીને વેડફવા માટે નથી આવ્યાં. ચિંતા તમારા જીવનમાંથી પ્રાણ ખેંચી લે છે. ક્યાંક તો માણસે પોતાની જાતને મુક્ત કરવાની, પોતાને જે બનવું હોય તે બનવાની, જે તમારે હંમેશાં કરવાની ઈચ્છા હોય તે કરવાની હિમ્મત એકઠી કરવી જ પડશે. આ જ રીતે જીવનમાં પરિપૂર્ણતાનો અનુભવ તમે કરી શકશો. આ જ રીતે જીવન તમને પૂર્ણ લાગશે. કામનો અંત ક્યારેય નહિ આવે. તમારી યાદીમાં બાકી રહી ગયેલું કામ હંમેશાં રહેશે. પણ, આ બધાંમાં, આપણે જીવન જીવવાનું ભૂલી ન જવું જોઈએ. પુરતું જીવવાનું અને એક અદાપુર્વક જીવવાનું. મારી પ્રિય W.H. Daviesની એવી એક કવિતા આ રહી:

What is this life if, full of care,
We have no time to stand and stare.

No time to stand beneath the boughs
And stare as long as sheep or cows.

No time to see, when woods we pass,
Where squirrels hide their nuts in grass.

No time to see, in broad daylight,
Streams full of stars, like skies at night.

No time to turn at Beauty’s glance,
And watch her feet, how they can dance.

No time to wait till her mouth can
Enrich that smile her eyes began.

A poor life this if, full of care,
We have no time to stand and stare.

એ ખરેખર ચક્કરમાં નાંખી દે તેવું છે કે આપણે કેવી રીતે દસકાઓ ને દસકાઓનું જીવન એવી બાબતોની ચિંતા કરવામાં કાઢી નાંખીએ છીએ કે અર્થહીન બાબતો હોય, બિનજરૂરી ભય રાખીને જીવતાં હોઈએ છીએ. જેમ કે આપણે એક વેકેશનની રાહ જોતાં હોય અને જયારે અંતે આપણે ત્યાં જઈ રહ્યાં હોઈએ ત્યારે, આપણે સુંદર રસ્તા પરથી મારામમાર ફક્ત પસાર થઇ જઈએ અને રસ્તાની આજુબાજુ આવેલા સુંદર વાડાઓ, ખેતરો, ફૂલો અને વનસ્પતિઓ તરફ નજર પણ ન કરીએ.

દરેરોજ રાતે, સુવા જતાં પહેલા, મુલ્લા નસરુદ્દીનની પત્ની તેમની જોડે ઘરનાં દરવાજાઓની સાંકળ બે વખત ચકાસડાવતી કેમ કે તેને ચોર-લુટારાઓનો ડર રહેતો. તે અડધી રાતે જાગી જતી અને મુલ્લાને આખું ઘર ફરીથી ચકાસડાવતી અને તેમ મુલ્લાને સતાવતી. આ રીતે અનેક વર્ષો પસાર થઇ ગયા અને એક રાતે મુલ્લાએ પોતાના ઘરનાં ભોયરામાં અવાજ સાંભળ્યો.
તેની પત્નીતો ઘસઘસાટ ઊંઘતી હતી, પણ મુલ્લાથી આ અવાજને ટાળી શકાયો નહિ. તે નીચે ગયા અને ચોક્કસ ત્યાં ચોર હતો જ.

“ખુદા મહેરબાન,” મુલ્લાએ કહ્યું “અંતે તું આવ્યો ખરો! ઉપર આવ અને મારી પત્નીને મળ. તે તને મળવાની ૨૦ વર્ષોથી રાહ જોઈ રહી હતી.”

તમારી ગાડીનો ઈન્સ્યોરન્સ લેવો એક વાત છે અને અકસ્માત થશે તેનાં વિશે સતત ચિંતા રાખવી એક તદ્દન બીજી વાત છે. બીજું છે તે ચિંતા છે.

તમે છેલ્લે પૂર્ણિમાનો ચંદ્ર ક્યારે જોયો હતો? કે છેલ્લે તમે તમારું બિસ્કીટ ચામાં ક્યારે બોળ્યું હતું. (અને એમ કરવામાં ભીનું બિસ્કીટ કપમાં ક્યારે પડ્યું હતું)? કે છેલ્લે વરસાદની બુંદોનું તમે ક્યારે ભીંજાઈને સ્વાગત કર્યું હતું? બહાર નીકળો અને દુનિયાને જુવો, તારલા મઢ્યું આકાશ, અને તમે જોશો કે તમારા પર પહેલીથી જ કેટલાં બધાં આશીર્વાદ છે. કે જીવનમાં ખરેખર ચિંતા કરવા જેવું કેટલું ઓછું છે.

જયારે આપણે હિમાલયનાં હંસ બનીને જીવનમોતીનો ચારો ચરી શકતાં હોય ત્યારે આપણે ગોર્કીનો કાગડો નથી બનવાનું કે જે હમેશા ડર ખાઈને જીવતો હોય. જીવન ચિંતાઓથી ભરપુર હોવું જરૂરી નથી જયારે તે ખુશી અને આનંદથી છલકાતું બની શકતું હોય. ચાલો એક ખૂણામાં બેસીને જીવન કેવું હોવું જોઈએ અને કેવું હોવું જોઈતું હતું તેનાં ઉપર ચિંતા ન કરીએ. એનાં બદલે, એ જેવું છે તેવું અને તે જેવું બની શકતું હોય તેવું –અચરજ ભર્યું અને અદ્દભુત – બનાવવામાં લાગી જઈએ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email