એવી દંતકથા છે કે ગ્રીસનો એલેકઝાન્ડર ત્રીજો, કે જે સામાન્ય રીતે એલેકઝાન્ડર ધ ગ્રેટ તરીકે પ્રખ્યાત છે તેને પોતાના એક સંદેશ વાહકને પોતાનો સંદેશ લઈને એક શાંત યોગી દંડીની પાસે ફિલસુફીના પ્રવચન અને ચર્ચા માટે આમંત્રણ આપવા મોકલ્યો. અસંખ્ય લોકોનાં જીવ લઈને દુનિયા આખીને જીતી લઇને તે પોતાની સત્તા વધારવામાં ખુબ જ ઝડપથી પ્રગતી કરી રહ્યો હતો. તેને આ યોગી વિશે ખુબ સાંભળ્યું હતું. દંડીનીએ તો જો કે તેનાં આમંત્રણનો અસ્વીકાર કર્યો અને તેઓ પોતાની જંગલમાં આવેલી ઝુપડીમાં જ રહેવાનું પસંદ કર્યું. એલેકઝાન્ડરે આ વાતને જો કે હળવાશથી ન લીધી, પરંતુ પોતે વિદ્વાન એરીસ્ટૉટલનો વિધાર્થી હોવાથી તે ખુબ સારી રીતે એ વાત જાણતો હતો કે યોગીઓ અને તત્વચિંતકો કશાથી પણ લલચાતાં કે ડરતાં હોતાં નથી.

તેને પોતાના એક કુશળ નાવિકને દંડીનીને બોલાવવા માટે ફરી એકવાર મોકલે છે અને તે ત્યાં જઈને યોગીનાં ખુબ વખાણ કરે છે અને તેમને ભેટ-સોગાદો આપે છે. તો પણ દંડીની પોતે તૈયાર થતાં નથી ત્યારે પેલો નાવિક તેમને ધમકી આપે છે કે એલેકઝાન્ડરે કહ્યું છે કે તેનો હુકમ ન માનનારનું માથું તેના ધડ ઉપરથી દુર કરી દેવું. દંડીનીએ તમામ ભેટસોગાદોનો અસ્વીકાર કર્યો અને પોતાની જગ્યાએ હલ્યા વગર બેસી રહ્યાં, અને કહ્યું કે પોતાને મૃત્યુનો કોઈ ભય નથી. પેલા નાવિકની આ યોગીને મારી નાંખવાની હિંમત ન ચાલી, તેના બદલે તે પોતે તે યોગીને નમસ્કાર કરીને પાછો ફર્યો અને જે કઈ પણ બન્યું તેની તેને એલેકઝાન્ડરને જાણ કરી.

એક જંગલમાં રહેનાર વ્યક્તિ તરફથી પોતાનો તિરસ્કાર થતો જોઈને, એલેકઝાન્ડરે નક્કી કર્યું કે પોતે આ દંડીનીને પાઠ ભણાવીને જ રહેશે.

જેવો એ પોતાનાં સૈન્યની એક ટુકડી લઈને જંગલમાંથી કુચ કરતો દંડીનીને મળવા જઈ રહ્યો હતો ત્યારે ઊંડા જંગલમાં ચાલતાં-ચાલતાં તેને એક શાંતિનો ભાવ સ્પર્શી ગયો. જયારે તેને દંડીનીની આરપાર વીંધી નાખતી નજરમાં આંખ નાખીને જોયું ત્યારે તેનો ક્રોધ બિલકુલ શમી ગયો. પરંતુ જયારે આ સાધુ તેને સત્કારવા માટે ઉભા પણ ન થયા ત્યારે તેને પાછો ક્રોધ ચડ્યો.

“મારી ભેટ-સોગાદોનો અસ્વીકાર કરવાની તમારી હિંમત કેમ થઇ?” એલેકઝાન્ડરે કઠોરતાથી પૂછ્યું.
“તે લોહીમાં રગદોળાયેલી હતી.”

દંડીનીનાં અવાજમાં કઈક હતું, એક ઠંડુ સત્ય, એક નિર્ભયતા કે જેણે એલેકઝાન્ડરને અંદરથી હલાવી દીધો. તેમ છતાં પોતે પોતાની અંદરની ભાવના પોતાનાં અવાજમાં પોતાનાંજ સૈનિકોની સામે છતી થઇ જાય તેના માટે તૈયાર નહોતો. એલેકઝાન્ડર પોતાના ઘોડા પરથી નીચે ઉતર્યો અને આ સાધુ કે જે શાંતિથી બેઠાં હતા તેમની સામે પહાડની જેમ ઉભો રહ્યો.

“તમને ખબર છે હું કોણ છું?” એલેકઝાન્ડરે પૂછ્યું.
“મને નથી લાગતું કે તને ખબર હોય કે તું કોણ છે.”

યોગીના આ રહસ્યમય જવાબથી એલેકઝાન્ડરનો ગુસ્સો ઓર વધી ગયો અને તેને તેમાં પોતાનું અપમાન લાગ્યું. પોતાની ચળકતી તલવાર બહાર કાઢી અને હવામાં વીંઝીને દંડીનીની ગરદન પર મૂકી.

“હું વિશ્વવિજેતા એલેકઝાન્ડર છું,” તેને ગર્જના કરતાં કહ્યું. “તું મારી જમીન ઉપર બેઠો છું. મારે તાબે થા નહિ તો હું તને મોતને ઘાટ-“
“તારી જમીન?” દંડીની તેની વાત અધવચ્ચેથી જ કાપી નાંખીને હસતાં હસતાં બોલ્યા. “જમીન કોઈની નથી હોતી, ઓ રાજવી!”
“તારી પહેલા પણ બીજા હતાં જે આ જમીનને પોતાની કહેતાં હતાં,” તેમને બોલવાનું ચાલુ રાખતાં કહ્યું. “તારા પછી પણ બીજા હશે કે જે આ જમીનને પોતાની કહેશે. દરેક સર્જન ફક્ત સર્જનહારનું જ હોય છે, એલેકઝાન્ડર. અને કોઈપણને એ વિનાશ કરવાનો હક નથી હોતો કે જેનું તેને પોતે જાતે સર્જન ન કર્યું હોય. તારા હાથમાં લોહી છે, ઓ સમ્રાટ. તું કદાચ અસ્થાયી સમય માટે આ જમીન ઉપર તારો દાવો કરી શકે છે, પરંતુ તારી આત્મા પર તો કાયમી ઘાવ થઇને પડ્યા છે.”

એલેકઝાન્ડરે પોતાની તલવાર નીચી કરી પોતાનું વલણ હિચકિચાહટ સાથે સરખું કરતાં કહ્યું. પોતાનાં માણસોને દુર ઉભા રહેવાનું કહ્યું. પોતે પોતાનું ગળું ખોખરો ખાતા સાફ કર્યું.

“આખી દુનિયા મારી છે, દંડીની,” એલેકઝાન્ડર વિસ્મયતા પૂર્વક કહ્યું. “ઈતિહાસ મને એક શક્તિશાળી સમ્રાટ તરીકે યાદ કરશે! મારા માણસો મારા માટે મરવા પણ તૈયાર છે!”
“તારી મહત્વકાંક્ષા અને લોકોનાં યાદ કરવાની બાબતનું શું મહત્વ છે, ઓ રાજવી? તું તો રોજ સાંજે મદિરામાં ડૂબી જતો હોય છે, કે જેથી કરીને તું તારા કરેલા પાપો ભૂલી જાય. અને આ માણસો કે જે આજે તારી આસપાસ ફરી રહ્યાં છે, તેઓ ખરેખર તો તારાથી હવે થાકી ગયાં છે. તે બહુ જલ્દી તારો સાથ છોડી દેશે.”
“વધુમાં,” દંડીનીએ આગળ બોલતાં કહ્યું, “તું આ દુનિયાનું શું કરીશ? તારે તો ફક્ત બે વાર જમીનની જ જરૂર છે. બે વાર લાંબી અને બે વાર ઊંડી. અંતે તો એટલી જ જમીન તારા નામે થવાની છે.”

એલેકઝાન્ડર અંદરથી એકદમ હલી ગયો અને તેને પોતાની તલવાર પાછી મૂકી દીધી, પોતે દંડીનીની સામે ઝૂકતો હોય તેવી રીતે થોડું મસ્તક હલાવીને ત્યાંથી તરત ચાલતો થયો.

થોડાંક મહિનાઓ જ પસાર થયાં હશે અને તેના લશ્કરે વિદ્રોહ કર્યો અને તેના ભારત પરનાં અભિયાનનો અચાનક અંત આવી ગયો. ત્રણ વર્ષ પછી, એલેકઝાન્ડર બેબીલોનની અંદર ૩૩ વર્ષની ઉંમરે મૃત્યું પામ્યો.

જો કે એવું લાગશે, પણ મારું આજનું ધ્યેય એલેકઝાન્ડર અને તેનાં વિશ્વ અભિયાન ઉપર નથી. તેના બદલે મારું કેન્દ્રબિંદુ તો તમે અને હું અને આપણા વિજયો ઉપર છે. માનવજીવનનો કુલ સરવાળો શું હોય છે? શું આપણે બસ કાયમી છેતરામણા અને વિસ્તરતા જતા ધ્યેયો માટે બસ કામ જ કરતાં રહેવાનું છે? હું આ અલંકારયુક્ત ભાષામાં કહી રહ્યો છું. સાથે સાથે જો કે હું એ પણ માનું છું કે સતત કાર્યક્ષમ અને સતત પ્રગતિશીલ બની રહેવાનાં આપણા સતત ચાલતાં પ્રયત્નોમાં આપણે જીવનની એક સુંદર બાજુ તરફ દ્રષ્ટી કરવાનું જ ભૂલી જઈએ છીએ – અને તે છે તેની સાદગી.

સાદું અને સરળ જીવન એ સુદંર જીવન હોય છે. આ મારો મત છે. એક વારનું સારું જમણ, હાસ્યની બે ક્ષણો, પ્રેમનો એક ઈશારો, ભલાઈનું એક કામ, જીવન બસ આ જ છે, સરળતા પણ આ જ છે. કોઈપણ સંબંધમાં કે પછી તમે જયારે એકલાં હોય ત્યારે, તે આ નાનાં ઈશારાઓ હોય છે, આ સરળ ક્ષણો હોય છે કે જે તમને સંપૂર્ણ હોવાનો, તૃપ્ત હોવાનો અનુભવ કરાવે છે.

અને, સહજતામાં જરૂર પડતી હોય છે જાગૃતતાની અને કટિબદ્ધતાની કારણકે સાધનો અને બીજા યંત્રોથી બનેલાં આપણા જીવનમાં કચરો ભરવો બહુ સહેલો હોય છે. બહુ વધારે પડતાં સંકળાઈ ગયેલા વિશ્વમાં આપણા જીવનને વધારે જટિલ બનાવવું બહુ સરળ થઇ ગયું છે. પોતપોતાનાં વિશ્વનાં એલેકઝાન્ડર, એવા આપણે ભૌતિક વસ્તુઓની માલિકી માટેની અનંત દોટમાં લાગી ગયેલાં છીએ. હું એવું બિલકુલ નથી કહી રહ્યો કે તમે તમારી જાતને તમારી સંપત્તિથી દુર કરી દો કે પછી તમે ભૌતિક વિકાસ માટે કોઈ કામના ન રાખો.

સાદગી દ્વારા હું તો એમ સૂચવવા માંગું છું કે તમે તમારા જીવનની જરૂરિયાતોની ગણતરીઓ સજાગપણે કરતાં રહો. તમે ક્યાં છો અને તમે ક્યાં જવા માંગો છો? તમારા માટે શેનું મહત્વ છે? તમે ખરેખર જીવી રહ્યાં છો કે પછી બસ ખેંચી રહ્યાં છો?

જયારે એક વખત તમે તમારું જીવન સાદું બનાવી નાંખશો ત્યારે તમારા જીવનનો દ્રષ્ટિકોણ અને તમારી સફળતાનાં માપદંડોમાં ખુબ જ મોટો મૂળભૂત ફરક આવી જશે. હકીકતમાં, જીવનની સાદગી એ કોઈ નિર્જન પ્રસંગ નથી, એ તો એની પોતાની રીતે જીતાયેલી દુનિયા છે. એક પ્યાલો ભરેલું જળ પુરતું છે કે નહિ તે જેટલું પાણીનાં જથ્થા ઉપર આધારિત છે તેટલું જ તરસ ઉપર પણ છે. જો તમે તરસ્યાં નહિ હોવ તો, થોડું પાણી પણ પુરતું છે અને જો તમારો આત્મા જ શુષ્ક હશે, તો આખો સમુદ્ર પણ પુરતો નથી.

કેટલું હોવું એ પુરતું છે, આખરે? એક સંતોષી હૃદય માટે, તે હંમેશાં પુરતું હોય છે. કુદરતનું પણ એવું જ છે – ભરપુર, પ્રચુર અને પુરતું. કાયમ.

શાંતિ.
સ્વામી

મહત્વની નોંધ: મને એ જણાવતાં અત્યંત ખુશી થાય છે કે મારું તંદુરસ્તી અને સ્વાસ્થ્ય ઉપરનાં પુસ્તકની છપાયેલી પ્રત હવે ભારતમાં ઉપલબ્ધ છે. તમે Amazon ઉપર તેમજ Flipkart ઉપર તમારી પ્રત ખરીદી શકો છો. હું હાર્પર કોલીન્સનો આ માટે આભારી છું. બહુ જલ્દી, આ પુસ્તકની પ્રત હવે દુનિયાભરમાં પણ ઉપલબ્ધ થશે. તમે આ પુસ્તક વિશેનાં મત અહી વાંચી શકો છો.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email