એક ગુરુનાં અનેક શિષ્યો મઠમાં એકત્રીત થયા હતા. તેઓ ત્યાં પોતાના ગુરુની એક ઝલક જોવા માટે આવ્યાં હતાં, તેમની જ્ઞાનભરી વાણી સાંભળવા આવ્યાં હતાં, ધ્યાન શીખવા માટે આવ્યાં હતાં. ટૂંકમાં, તેઓ આજનાં તણાવગ્રસ્ત વિશ્વમાં ખુશ જીવન કેમ જીવવું તે જાણવા માંગતા હતા, શું તેના માટેનો કોઈ માર્ગ છે કે કેમ?

ગુરુએ તેમના પ્રશ્નોને ખુબ જ ધીરજથી સાંભળ્યા અને શાંતિથી ખુશી પર પોતાનું પ્રવચન શરુ કર્યું. તેઓ પ્રવચનની વચ્ચે જ અટકી ગયાં અને એકઠા થયેલાં પાંચસો લોકોમાંના દરેકજણને એક-એક ફુગ્ગો આપ્યો.

“આ ખુશીનો ફુગ્ગો છે,” તેમને કહ્યું. “તેને ફુલાવો અને તેનાં ઉપર તમારું નામ લખી કાઢો.”

લખવા માટે થોડાં માર્કર આપ્યાં કે જેથી કરીને નામ લખવાનું કાર્ય પૂરું કરી શકાય.

“એક વખત પૂરું થઇ જાય,” ગુરુએ આગળ કહ્યું, “તે પછી બાજુના ખાલી ઓરડામાં જઈને તે ફુગ્ગો મૂકી આવો.”
“મને ખબર પડી ગઈ,” એક શિષ્ય બોલ્યો. “વહેલાં કે મોડા આ ફુગ્ગો ફૂટી જવાનો કે પછી તેની જાતે જ તેની હવા નીકળી જવાની અને ખુશીઓનું પણ આવું જ તો હોય છે. તે કાયમ નથી ચાલતી. જેટલી વધારે હવા ભરેલી હોય, તેટલો જલ્દી તે ફૂટી જશે. આપણે તેને ખુબ જ સાચવવો પડશે.”

ગુરુએ આ અધીરા શિષ્ય સામે સ્મિત કર્યું અને તેને સૂચનાનું પાલન કરવા માટે ઈશારો કર્યો. એક પછી એક દરેક જણાએ બાજુના ઓરડામાં જઈને ફુગ્ગો મૂકી દીધો અને પાછાં પોતાની જગ્યાએ આવીને બેસી ગયા.

“હવે,” બધાં બેસી ગયા પછી ગુરુએ બોલવાનું ચાલુ કર્યું, “જાવ અને તમારું નામ લખેલો ફુગ્ગો અહી પાછો લઇને આવો.”

દરેકજણ ઉભા થઇને પોતાનો ફુગ્ગો લેવા માટે દોડ્યાં. અંતે તો આ એક ખુશીનો ફુગ્ગો હતો. તરત જ, ફુગ્ગાઓ ફૂટવાના, દલીલોનાં, ધક્કામુક્કીનાં અવાજ આવવા લાગ્યાં, કેમ કે પ્રત્યેકજણ પોતાનું નામ લખેલો ફુગ્ગો શોધવા માટે ગાંડા થયા હતાં. પાંચ મિનીટ પછી, ફક્ત થોડાંક લોકો પોતાનો ફુગ્ગો શોધી શક્યાં. તે પણ નસીબજોગે, નહિ કે જાણી જોઈને.

ગુરુએ તેમને અટકી જવાનું કહ્યું અને કોઈ પણ એક ફુગ્ગો લઇ લેવાનું કહ્યું પછી ભલે તેનાં ઉપર ગમે તે નામ લખેલું હોય. ફક્ત થોડાક જ સમયમાં દરેકજણ પાછાં પોતાના સ્થાને આવી ગયા અને દરેકનાં હાથમાં ફુગ્ગો હતો.

“ફુગ્ગા ઉપર લખેલું નામ મોટેથી વાંચો,” ગુરુએ કહ્યું, “અને, તે ફુગ્ગો જેનો હોય તેને આપી દો.”

થોડી વારમાં જ દરેકનાં હાથમાં પોતાનો ફુગ્ગો હતો સિવાયકે જેઓએ ગાંડપણમાં આવીને પોતાનાં નામનાં ફુગ્ગા ફોડી નાંખ્યા હતા.

“દુનિયામાં કે જ્યાં આપણામાંના દરેકજણ ખુશીને શોધતાં હોય છે,” ગુરુએ કહ્યું, “સરળમાં સરળ માર્ગ છે બીજાને તેની ખુશી આપી દો અને કોઈ બીજું તમને તમારી ખુશી આપી દેશે.”
“પણ, મારો ફુગ્ગો કોઈનાંથી ફૂટી ગયો હોય તો શું?” કોઈકે પૂછ્યું. “મારી પાસે તો કોઈ ફુગ્ગો નથી.”
“બીજો ફુલાવી લો.” ગુરુએ બીજો ફુગ્ગો આપતાં કહ્યું.

ખુશીના સારને આટલી સારી રીતે આવરી લેતી બીજી કોઈ દંતકથા મેં નથી સાંભળી. આપણે ગમે તેટલું એવું માનીને કેમ ન ચાલીએ કે બીજાના ભોગે આપણે સુખી કે ખુશ થઇ જઈ શકીએ છીએ, સત્ય તો એ છે કે બીજાને દુઃખ આપીને આપણે ક્યારેય સુખી નથી થઇ શકતાં. કદાચ, તમે એવું સાબિત કરી શકો કે તમે સાચા છો, કદાચ તમે બીજી વ્યક્તિને દબાઈ દઈ શકો છો, પણ એવું કરીને કઈ તમે સુખી થઇ શકો છો? મને તો નથી લાગતું.

તમે તેમને તેમનો ખુશીનો ફુગ્ગો આપી દો અને કોઈક બીજું તમને તમારો ફુગ્ગો પાછો આપશે. બીજી વ્યક્તિ કદાચ તેનો કોઈ પ્રત્યુત્તર ન આપે એવું બને, પણ કુદરત તો જરૂરથી આપશે. એ જ વ્યક્તિ કદાચ તમને તમારો ફુગ્ગો ન આપી શકે એવું બને, કોઈ બીજું આપશે. અને, જો તમને એવો સવાલ થાય કે, કોઈ તમારો ફુગ્ગો ન આપી શકે તો શું? તમે તેમને તેમનો ફુગ્ગો આપો તેમ છતાં પણ, કોઈ તમને તમારો ફુગ્ગો આપવાની દરકાર ન કરે તો શું?

એ કિસ્સામાં, તમે તમારું સત્કર્મ કરી લીધા બાદ રાહ જોતાં રહો અને ખુબ ધીરજથી રાહ જોતાં રહો. એવી ક્ષણ ચોક્કસ આવશે જયારે દરેક પાસે તેમનો પોતાનો ફુગ્ગો હશે અને જે બાકી રહી ગયો હશે તે તમારો હશે. જો તમે કોઈ સ્પર્ધામાં જ નહિ હોવ તો તેને જીતવાનો કોઈ તણાવ જ નહિ હોય. જો તમે એ વાતનો સ્વીકાર કરી લો કે અમુક લોકોને બીજા લોકોની પહેલાં પોતાનો ફુગ્ગો મળી જાય એવું બની શકે, તો પછી તમને તમારો ફુગ્ગો વહેલો મળે છે કે થોડો મોડો એનાંથી તમે પરેશાન નહિ થાવ.

આ દંતકથા ઉપર બીજું પણ કઈક વિચારવા જેવું છે: શિષ્યો પોતાનો ફુગ્ગો મેળવવાની આશા તો જ રાખી શકે જો તેમને તેમનો પોતાનો ફુગ્ગો પ્રથમથી ફુલાવીને રાખ્યો હોય. આપણી જવાબદારી પણ આપણો ફુગ્ગો ફૂલાવાવીને રાખવાની છે. આપણી ખુશીનું સર્જન કોઈ બીજા ન કરી શકે. તમારે જાતે તમારી ખુશીનું સર્જન કરવું પડશે. બીજા બહુબહુ તો તમને તમારી ખુશીનો ફુગ્ગો આપી શકે જો તેમને તે મળે તો. પણ જો તમે ત્યાં તમારો ફુગ્ગો જ નહિ રાખેલો હોય કે જેનાંથી તમને ખુશી મળતી હોય, તો પછી કોઈ કેવી રીતે તે તમને આપી પણ શકવાનું હતું? અન્ય વ્યક્તિ તમને ફક્ત તે જ ખુશી પાછી આપી શકે છે જેને તમે તમારી ખુશી તરીકે ઓળખતાં હોવ. મહેરબાની કરીને આ સંદેશને ઊંડે સુધી ઉતરવા દો: કોઈ બીજું તમારા માટે ખુશીનું સર્જન નથી કરી રહ્યું પરંતુ ફક્ત તમને તમારી ખુશી પાછી આપી રહ્યું છે.

અને જો કોઈ બીજાએ તમારો ફુગ્ગો ફોડી નાંખ્યો હોય તો શું? તો જાવ, બીજો ફુલાવી લો. સરળ વાત છે. બીજા ઉપર ગુસ્સે થઇને બરાડા પાડવાનો કે કોઈ બીજા માટે રોષ ભરી રાખવાનો કોઈ જ અર્થ નથી. અરે જો તેઓ ઈચ્છે તો પણ હવે તમારો ફુગ્ગો પાછો સરખો કરી શકે તેમ તો હોતું જ નથી, એ હતો તેવો ને તેવો પાછો થઇ જ ન શકે. તમારે તમારી જાતને પણ તણાવગ્રસ્ત કે નારાજ થઇ જઈને બેસી રહેવાની સજા નથી કરવાની. ફૂટી ગયેલા ફુગ્ગા માટે આપણે પણ ફૂટી જવાની જરૂર નથી. ઉલટાનું ધમાકાની મજા લો. એક ડગલું બહાર ભરીને દુનિયાને જુઓ. પસંદ કરવા માટે બીજા અસંખ્ય ફુગ્ગાઓ છે.

ખુશીની અન્ય તકો, માર્ગો કે સ્રોતોની બિલકુલ કમી નથી. આ દુનિયામાં અને તમારા જીવનમાં કરી શકાય એવું ઘણું બધું છે. તમારે ફક્ત ક્યાંકથી, ગમે ત્યાંથી, અહી, અત્યારે  ફક્ત એક શરૂઆત જ કરવાની છે.

આ જીવન ખુબ જ ઝડપથી ભાગી રહ્યું છે. એક દિવસ તમે ઉઠો અને તમને ભાન થાય કે તમે તો તમારા જીવનનાં ઘણાં બધા દસકા જીવી ગયાં. શા માટે કોઈ બીજાનાં ફુગ્ગા ફોડવા માટે કે આપણો ફુગ્ગો ફોડી નાંખવા માટે કોઈની સાથે ઝઘડવામાં સમય વેડફવો જોઈએ? ચાલો આ બધાંથી ચલાવતાં શીખી જઈએ અને સત્કર્મનાં માર્ગ ઉપર ચાલતાં રહીએ. અને દરેક કદમ પર તમને ખુશીનો એક ફુગ્ગો મળતો જશે.

બીજા લોકોને તેમનાં ફુગ્ગાઓ આપતાં રહો અને તમારી પાસે તમારો ફુગ્ગો આપોઆપ રહી જશે અને બીજા ફુગ્ગા પણ કે જેનાં ઉપર હજી કોઈએ પોતાનો દાવો નથી કર્યો. કોઈ પણ કિંમતે, જીવનનો ફુગ્ગો ફૂટી જાય તે પહેલાં ખુશીનો ફુગ્ગો ફુલાવી લેવો સારો. અંતે તો જીવનનો ફુગ્ગો ફૂટી જ જવાનો છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email