આપણામાંના મોટાભાગનાં લોકોએ આકર્ષણનાં નિયમ વિશે વાંચ્યું હશે અને અનેકજણને એ ખરેખર કામ કરી શકે કે કેમ તેના વિશે કૌતુક પણ થયું હશે. શું સંપત્તિ, પ્રેમ અને શાંતિ ફક્ત તેના વિશે વિચાર કરવાથી કઈ પ્રાપ્ત કરવાં શક્ય છે ખરા? એ વિશે કોઈ શંકા નથી કે દરેકવસ્તુ એક વિચાર માત્રથી શરૂ થતી હોય છે, પરંતુ આપણા સ્વપ્નાઓને ખરા કરવા માટે કર્મ કરવું એ અતિઆવશ્યક છે. આટલું કહ્યા પછી, એવાં પણ કરોડો લોકો છે કે જેઓ તેમનાં જીવનમાં બદલાવ આવે તેના માટે સતત વિચાર કરતાં રહીને પ્રાર્થના પણ કરે છે, તેઓ સઘન મહેનત પણ કરે છે, તેમ છતાં પણ તેમનું જીવન જેવું પહેલાં હતું તેવું જ ચાલતું હોય છે. એવું શા માટે થતું હોય છે કે તમે તમારો સૌથી ઉત્તમ પ્રયત્ન કરો, તો પણ તમારા સંજોગો જેવા હતાં તેવાં ને તેવાં જ રહે છે?

આ વર્ષેની શરૂઆતે જાન્યુઆરીમાં મેં (અહી) લખ્યું હતું કે હું તમારા માટે એક સૌથી મોટું રહસ્ય છતું કરીશ. મેં પ્રકૃતિ સાથે એક્મય થઇ જવાનું જણાવ્યું હતું કે જેથી તમે તમારી ચેતનાને એક અસામાન્ય સ્તર સુધી વિકસાવી શકો. કે જેથી કરીને આપણામાંના દરેકજણ, જેમ સમુદ્રમાં ભળી જતી બુંદોની જેમ પછી સાગર જેટલાં જ વિશાળ અને શક્તિશાળી બની શકીએ. એક બુંદ મહાસાગર નથી બનાવી શકતી પરંતુ દરેક બુંદની જરૂર પડતી હોય છે નહી તો મહાસાગરનું અસ્તિત્વ પણ નથી રહેતું. એ જ રીતે, બ્રહ્માંડને આકર્ષવા માટે જરૂરી એવા અનંત પરિમાણની જરૂરી ગહનતા મેળવવા માટે આપણે સામુહિક ચેતનામાં એક પગલું માંડવાની જરૂર પડશે. હું હજી વધારે ગુંચવણભર્યો લાગુ એ પહેલા ચાલો હું તમને મારી વિચારણાનું મૂળ તમને ત્રણ ભાગોમાં સમજાવું:

ભાગ ૧ – માનવ શરીર

માનવ શરીર શેનું બનેલું છે? આપણે હાડ, માંસ અને સ્નાયુની પેલે પાર જોઈએ તો શું છે? આપણું શરીર અબજો કોશોનું બનેલું છે. સંશોધકો કહે છે કે આ કોશોની સંખ્યા ૩૭ ટ્રીલીયન જેટલી છે. કયા કોશોની ગણતરી કરવામાં આવે છે તેનો વિચાર કરીએ તો આ સંખ્યામાં પણ બહુ મોટો ફરક પડી શકે છે (૩૫ બિલિયન થી ૭૨૪ ટ્રીલીયન સુધીનો). દાખલા તરીકે ત્વચાના વિસ્તરેલા કોશો જ ૩૫ બિલિયન જેટલાં છે.

દલીલ કરવા ખાતર જો કહેવું હોય તો ધારો કે ૩૭ ટ્રીલીયન કોશો આપણા શરીરમાં છે. દરેક કોશને પોતાની આગવી બુદ્ધિ ક્ષમતા છે. દરેક કોશ પોતાની રીતે એક સ્વતંત્ર એકમ છે. તેમાં રહેલી અંત:ત્વચા આપણા મગજની જેમ કામ કરે છે. જેવી રીતે આપણે અમુક માત્રામાં આપણી સ્વતંત્રતાને ભોગવીએ છીએ અને તેમ છતાં આપણે કાયદાકીય અને સામાજિક વ્યવસ્થાનાં એક ભાગ રૂપે કામ કરતા રહીએ તેવું અપેક્ષિત હોય છે તેવી જ રીતે આપણા કોશો પણ, આમ તો તેઓ સ્વતંત્ર હોય છે, તેમ છતાં પણ તે કુદરતનાં નિયમોને અનુસરવા માટે બંધિત છે. માનવ કોશો એક મુક્ત ઇચ્છાશક્તિ અને આપણા શરીરની – જૈવિક પ્રણાલીથી બંધિત અવસ્થા વચ્ચેનાં સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે.

અણુઓ ભેગા થઈને કોશ બનાવે છે, કોશોનો સમૂહ પેશી બનાવે છે અને પેશીઓનો સમૂહ અવયવ અને અવયવોનો સમૂહ તંત્ર અને તંત્રોનું સમૂહ અંતે એક શરીર બનાવે છે.

ભાગ ૨ – બ્રહ્માંડીય શરીર અને આપણે

આપણે આપણી આજુબાજુ જે છે તેની આબેહુબ પ્રતિકૃતિ છીએ. પૃથ્વી ઉપર ૭૦% જેટલો ભાગ પાણી છે અને આપણા શરીરમાં પણ ૭૦% પાણી હોય છે. બ્રહ્માંડમાં અસંખ્ય તારાઓ છે, અને આપણા શરીરમાં અસંખ્ય છિદ્રો છે. આપણે જે કઈ પણ આરોગીએ છીએ તે કુદરતમાંથી જ આ પૃથ્વી ઉપર ઉદ્દભવે છે, આપણે પણ એક કુદરતી સ્રોત જ છીએ. આપણે પ્રકૃતિ જ છીએ. સૌ સાથે મળીને આપણે અને બીજી પ્રજાતિઓ (પ્રાણીઓ, વનસ્પતિઓ, અને શેવાળ) પ્રકૃતિને બનાવીએ છીએ.

આપણી ગેલેક્સીમાં ૧૦૦ બિલિયન તારાઓ છે અને આવી અનેક બિલિયન ગેલેક્સીઓ બ્રહ્માંડમાં આવેલી છે. તારાઓ વચ્ચેની જગ્યાને શરીરમાં આવેલા પેશીઓ અને અવયવ વચ્ચેની જગ્યા સાથે સરખાવી શકાય. જેમ કોશો આપણા શરીર માટે જે છે તેમ આપણે (સૌ જીવંત પ્રજાતિઓ) બ્રહ્માંડ માટે છીએ – એક બંધારણીય એકમ.

આપણામાંના દરેકજણ બ્રહ્માંડીય શરીરના કોશ સમાન છીએ. આપણી રીતે આપણે ગમે તેટલા શક્તિમાન વ્યક્તિ કેમ ન હોઈએ, આપણું અસ્તિત્વ આપણે જેટલી પણ સુક્ષ્મ સંખ્યાની કલ્પના કરી શકીએ તેનાથી પણ અનંતગણું સુક્ષ્મ છે. જો કે સામુહિક પરિમાણમાં દરેકજણ બ્રહ્માંડનાં અસ્તિત્વ માટે એક અનિવાર્ય ઘટક છે. જો આપણા શરીરમાંનો દરેક કોશ મરી જાય તો આપણું આખું શરીર પડી જશે. એ જ રીતે, જો દરેક જીવંત પ્રાણી પડતું મૂકી દે તો તેની અસર આ સમગ્ર સર્જન પર ખુબ જ અકલ્પનીય રહેશે.

ભાગ ૩ – બ્રહ્માંડને આકર્ષવું

આકર્ષણનો નિયમ એ બ્રહ્માંડીય શરીરનું ધ્યાન ખેંચવા ઉપર આધારિત છે. તેનું પરિમાણ જો કે અનંતગણું વિશાળ છે – જેમ એક કીડી હાથીને રોકવાનો પ્રયત્ન કરે તેના જેવું છે. એક સરેરાશ માનવ માટે જીવનભરનો સંઘર્ષ બ્રહ્માંડની ચેતના માટે ક્ષણભરનો હોય છે. એક વ્યક્તિનો પ્રયત્ન કે વિચાર સમગ્ર બ્રહ્માંડમાં બદલાવ ન લાવી શકે. જો કે આવા બદલાવની શરૂઆત એક વ્યક્તિથી ચોક્કસ થઇ શકે પરંતુ એક ટકી શકે તેવી કે ગહન અસર થવા માટે સામુહિક ચેતનાની જરૂર પડે જ. અને, આ વાત મને મારા વિચારણાનાં સૌથી મહત્વનાં ભાગ તરફ લઇ જાય છે.

તમે ક્યારેય એ અનુભવ્યું છે કે તમે ગમે તેટલાં તલ્લીન કેમ ન થઇ ગયાં હોય, એક નાનકડું મચ્છર પણ તમારું ધ્યાનભંગ કરવા માટે પુરતું હોય છે? એક સોય વડે શરીર પર ગમે ત્યાં નાનકડું કાણું પડે તો તે આપણું ધ્યાન દોરવા માટે પુરતું હોય છે. બિલકુલ એવી જ રીતે, બ્રહ્માંડીય શરીરનું ધ્યાન દોરવા માટે આપણે એક ઘોંચ (ધીરેથી) લગાવવાની છે. એક માનવથી એકલે હાથે આ કામ ન થઇ શકે, આ એક સામુહિક પ્રયત્ન હોવો જોઈએ. જો આપણામાંથી પૂરતાં લોકો એક જ વસ્તુ ઉપર, એક જ સમયે ધ્યાન કરીએ તો આપણે બ્રહ્માંડીય ચેતનાને આપણી કલ્પના બહારના બદલાવ માટે આકર્ષી શકીશું. હું તેને પીન-પ્રિક ઈફેક્ટ કહું છું.

આ એક સવાલ ઉભો કરે છે: બ્રહ્માંડ ઉપર પીન-પ્રિક અસર કરવા માટે કેટલા સાધકોની જરૂર પડે? જવાબ છે બ્રહ્માંડમાં એક તરંગ ઉભી કરવા માટે પણ ઓછામાં ઓછા ૮૦૦૦ થી ૯૦,૦૦૦૦૦ લોકોની જરૂર પડે. અલબત્ત, જેટલાં વધુ તેટલું સારું. અહી આ રીતે હું આ ચોક્કસ સંખ્યા ઉપર આવ્યો છું (તમને જો સંખ્યામાં રસ ન હોય તો આગલો ફકરો તમે અવગણી શકો છો):

હું એક ધારણા સાથે શરૂઆત કરું છું કે એક નાનકડી સોયથી પડતું કાણું પણ આપણું ધ્યાન અસરગ્રસ્ત જગ્યા તરફ લઇ જતું હોય છે. બીજી વસ્તુઓને સમાન રાખતા, જો માનવ શરીરમાં ૩૭ ટ્રીલીયન કોશો હોય અને સોયની અણી ૦.૧૨૭ મીમીની હોય તો ૧મીમી ઊંડું એક કાણું લગભગ ૯ મીલીયન કોશોને અસર કરતું હોય શકે. જો હું ફક્ત ત્વચાના કોશોની જ ગણતરી કરું તો (૩૫ બિલિયન) તો ૧મીમીનું કાણું લગભગ ૮૦૦૦ કોશોને અસર કરી શકે. કેમ કે હું કોઈ ભૌતિકશાસ્ત્રી નથી, માટે મેં આ સવાલ એક ગોષ્ઠીમંડળમાં પૂછી જોયો હતો અને એક દયાળુ ભૌતિકશાસ્ત્રીએ મને વિગતવાર જવાબ આપ્યો હતો. આ સંખ્યા તેના જવાબના આધારે તારવવામાં આવી છે.

માટે, જો ઓછામાંઓછા ૮૦૦૦ લોકો દુનિયાનાં જુદાજુદા સ્થળે ભેગા થઇને, પોતાના ઘરનાં આરામદાયક ખૂણામાં બેસીને, એક જ સમયે, એક જ વિચાર ઉપર ફક્ત પાંચ મિનીટ માટે ધ્યાન કરે તો આપણે આપણી ઉપર બ્રહ્માંડીય શરીરનું ધ્યાન દોરી શકીએ. જોકે આપણે જ્યાં સુધી ૪.૫ મિલિયન લોકો એક જ સમયે એક જ વિચાર ઉપર ધ્યાન ન કરતાં થાય ત્યાંસુધી કોઈ મોટી અસર નહિ ઉભી કરી શકીએ. શા માટે ૪.૫ મિલિયન? આ ૮૦૦૦ અને ૯૦૦૦ મિલિયનની એક મધ્યસ્થ કિંમત છે. જો કે, ૮૦૦૦ લોકો સાથે આપણે શરૂઆત તો ચોક્કસ કરી શકીએ.

મારું સુચન છે કે આ જ્ઞાનનો ઉપયોગ આપણે અંગત કારણો માટે ન કરતાં (આપણે કરી શકીએ જો કે) વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સમાનતા માટે ધ્યાન કરીને કરીએ. આજે, ટેકનોલોજી (વાંચો ઈન્ટરનેટ)થી અમુક મિલિયન લોકોને એક સમયે એક કારણ માટે ધ્યાન કરવા માટે બેસાડવા હોય તો વાતનું સંકલન શક્ય બનાવી શકે તેમ છે.

આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં એક અસ્પષ્ટ વિડીઓ થોડા કલાકોમાં ૧૦૦ મિલિયન વખત જોવાઈ જાય છે. અને મારો વિશ્વાસ છે કે દુનિયામાં સારા લોકોની કમી નથી, એવા લોકો કે જે બીજાનાં જીવનમાં બદલાવ લાવવા માટે ઈચ્છુક હોય. જયારે આપણે વૈશ્વિક ખુશીનાં સ્તરને ઉપર લાવીશું ત્યારે અંગત શાંતિ અને સમૃદ્ધિ આપોઆપ વધશે. દુનિયામાં વધુ ને વધુ ખુશ લોકો આપણી આજુબાજુ હશે તો દુનિયા પણ આપોઆપ એક વધુ સારું સ્થળ બની જ જશે.

જો તમને આ વિચાર પસંદ આવ્યો હોય તો આગળ વાંચતા રહો અને આ વૈશ્વિક ઉમદા કાર્યમાં મારી સાથે હાથ મિલાવીને ચાલો જેથી કરીને આપણે દુનિયાને કશુંક પાછુ પણ આપી શકીએ અને આપણું જીવન પણ ભર્યુંભર્યું બનાવી શકીએ.

પીન પ્રિક ઈફેક્ટ:

આ વિચાર બહુ જ સરળ છે. આપણે ૮૦૦૦ લોકો જોઈએ છીએ કે જે અઠવાડિયે એક વાર ૫ મિનીટ માટે ધ્યાન કરવા માટે કટિબદ્ધ થાય. તમે તે ગમે ત્યાંથી કરી શકો છો – તમારા ઘર, ઓફીસ, બગીચા, કે પછી તમારી ગાડીમાં બેસીને પણ – બિલકુલ ગમે ત્યાંથી. અને આમાં એક નવાં પૈસાનો પણ ખર્ચ નથી થવાનો. આપણે બધાં એક સાથે જ ધ્યાન કરવાનું શરૂ કરીશું અને એક સાથે જ પૂરું કરીશું, પછી ભલેને આપણે દુનિયાનાં કોઈ પણ ખૂણે કેમ ન હોઈએ. આમાં તમારે એક પણ પૈસો કશા માટે ખર્ચવાનો નથી, અરે કોઈ મુસાફરી કરવાં માટે પણ નહિ. આપણે એક વિષય ઉઠાવીશું અને નિશ્ચિત કરેલા સમયે આપણે તેનાં ઉપર ધ્યાન કરીશું, અને એક માર્ગદર્શિત ધ્યાન પણ કરીશું કે જે દર ૧૨ અઠવાડિયા પછી બદલીશું.

મારું એવું મંતવ્ય છે કે જે દિવસે આપણે ૪.૫ મિલિયન લોકો એકીસાથે ભેગા મળીને ધ્યાન કરતાં થઈશું ત્યારે તે એક આધ્યાત્મિક નવજાગરણની શરૂઆત હશે. તેનાંથી ફક્ત ધ્યાન કરનારાઓનાં જીવનમાં જ નહિ પરંતુ સમગ્ર જગતમાં ઘણાં મોટા બદલાવ આવશે. અને એક દિવસે ભવિષ્યમાં ૯ મિલિયન ધ્યાન માટેનાં સાધકો સાથે, આપણે આકર્ષણના નિયમને વૈશ્વિક પરિમાણ ઉપર સક્રિય થતો જોઈ શકીશું.
આ ચળવળમાં જોડાવવા માટે, તમારે ફેસબુક ઉપર જઈને તમારું લાઈક (થમ્બસ અપની નિશાની ઉપર ક્લિક કરવાનું છે) આપવાનું છે. (અહી). મેં આ માટે એક સરળ વેબસાઈટ પણ બનાવી છે, pinprick.org.

જો નવ મિલિયન (નેવું લાખ) લોકો ભેગા થઇને તમારી શાંતિ અને ખુશી માટે ધ્યાન કરશે તો, તમે તમારા જીવનમાં ચોક્કસ બદલાવ અનુભવશો. અને જો તમે બીજાના ભલા માટે ધ્યાન કરતા આ નેવું લાખ લોકોમાંથી એક હશો તો તેનાથી એક સારા કારણને પણ મદદ મળશે.

આપણે પરસ્પરાવલંબી અને એકબીજા સાથે જોડાયેલાં છીએ. આપણા વિચારો અને કર્મોની અસર આપણી આજુબાજુ રહેલાં તમામ લોકો પર થતી હોય છે. આપણે આ વિચાર અને સામુહિક ધ્યાનની શક્તિનો ઉપયોગ સારો બદલાવ લાવવાં માટે કરી શકીએ.

શાંતિ.
સ્વામી

નોંધ: વધુ માહિતી માટે pinprick.org ની મુલાકાત લો.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email