મને પૂછવામાં આવતાં દરેક સવાલનો જવાબ જેટલો બની શકે તેટલો સીધો આપવાનો હું ઉત્તમ પ્રયાસ કરું છું. પરંતુ અમુક સવાલો એવા પણ હોય છે કે જેનો હું જવાબ આપવાનું પસંદ નથી કરતો. ના એટલાં માટે નહિ કે મારી પાસે કશું કહેવા જેવું નથી હોતું પરંતુ એટલાં માટે કે સત્ય કોઈ વખત સવાલ પૂછનાર માટે કષ્ટદાયી હોઈ શકે છે.

ગયા વર્ષે, મારા વિદેશ પ્રવાસ દરમ્યાન, મારા પ્રવચનને અંતે એક યુગલ મારી પાસે આવીને મને અંગત મુલાકાત માટે વિનંતી કરી. મારી પાસે સમયની ખુબ જ કટોકટી હતી, હું કોઈને પણ પાંચ મિનીટથી વધુ સમય ફાળવી શકું તેમ નહોતો. અને તેઓ એ અગાઉથી મળવાનો સમય પણ નિશ્ચિત નહોતો કર્યો. છતાં મેં મારા મદદનીશને કે જે મને મુલાકાતો ગોઠવવા માટે મદદ કરી રહ્યાં હતા તેમને આ યુગલને માટે સમય ફાળવવાની સુચના આપી.

આ યુગલ પછી મને મળવા માટે અંદર આવ્યું અને ઓરડાનો દરવાજો તેમની પાછળ બંધ કરી દેવામાં આવ્યો. તેમનાં ચહેરા ઉપર કોઈ સ્મિત નહોતું, તેઓ આવ્યા અને ચુપચાપ નીચે બેઠાં, અને શાંતિથી થોડી મિનીટો માટે બેસી રહ્યાં.

મારા અંતરાત્માએ કહ્યું કે તેમને વધારે સમયની જરૂર હતી. એમનો કોઈ સામાન્ય પ્રશ્ન નહોતો. હું ઉભો થયો અને મારા મદદનીશને કે જે બહાર ઉભા રહીને મુલાકાતનાં સમય ઉપર દ્રષ્ટી રાખતા હતા તેમને સુચના આપી કે ૨૦ મિનીટ જેટલો સમય આ મુલાકાત માટે બાજુ પર રાખે.

“૨૦ મિનીટ?” તેમને આશ્ચર્ય થયું.
“હા. ૨૦ મિનીટ બિલકુલ ખલેલ વગર. કદાચ ૨૫ મિનીટ પણ થાય.”

હું મારી બેઠક પર પાછા જઈને બેઠો. એક બીજી મિનીટ પસાર થઇ ગઈ અને આ સજ્જને તો રડવાનું ચાલુ કર્યું. ખુબ જ મોટેથી. ક્યાંક, મને લાગતું હતું કે કોઈ જગ્યા એ આ રુદનથી ઘા રુઝાઈ રહ્યો હતો અને માટે મેં એમના આંસુઓને થોડી વાર માટે વહેવા દીધા. આ બધા દરમ્યાન, તેમની પત્ની મારા તરફ શાંતિથી જોઈ રહી. તે પણ છાનીમાની રડી રહી હતી. અંતે, સજ્જને પોતાનાં આંસુઓ લૂછ્યાં, પોતાની જાત ઉપર કાબુ મેળવી ને એક ઊંડો નિસાસો નાંખ્યો.

“સ્વામી,” તેમને કહ્યું, “અમે, અમે” અને પાછા તેઓ રડી પડ્યા. હવે તે બન્ને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહ્યાં હતાં. હું મારી બેઠક પરથી ઉભો થયો અને હું તેમની પાસે ગયો અને તેમના માથે હાથ ફેરવ્યો. જેમ એક માં-બાપ પોતાના બાળકને સહેલાવતાં હોય તેમ.

“કઈ વાંધો નહિ,” મેં કહ્યું, “જે કઈ પણ હોય, હું તમને તેનો ઉપાય કરવામાં મદદ કરીશ. તમારી ખોટ ભરપાઈ ન થઇ શકે તેટલી મોટી છે પણ તેમ છતાં આશાનાં પ્રકાશનું એક કિરણ છે.”
“અરે, સ્વામી, તમે તો બધું જાણો છો.” અને તેઓ વધારે રડ્યાં.

મેં મારા હાથ તેમના માથા ઉપર રાખીને શાંતિ માટે પ્રાર્થના કરી. તેઓ શાંત થઇ ગયા.

“સ્વામી,” પેલી સ્ત્રી બોલી. “છેલ્લાં પાંચ વર્ષમાં મારા પતિ પહેલી વાર રડી રહ્યાં છે. મને ખુબ ચિંતા થતી હતી –

“ના, મને બોલવા દે,” પેલા સજ્જને અટકાવતાં કહ્યું. “આજે, હું તમને મારી વાત કહેવા માંગું છું. એ મારો ૫૦મો જન્મદિવસ હતો સ્વામી. મારે સંતાનોમાં બે પુત્રો અને બે પુત્રીઓ હતાં. અમે બધાં બહાર સાથે જમવા માટે ગયાં હતાં અને ખુબ જ સારી રીતે બધા એ સાથે સમય વિતાવ્યો હતો. બધું બરાબર લાગતું હતું, અમે ઘરે પાછા આવ્યા. બીજા દિવસે સવારે મારો મોટો પુત્ર એના ઓરડામાંથી બહાર ના આવ્યો. અમને ચિંતા થઇ અને થોડી વાર પછી અમે બારણું તોડ્યું અને અંદર ગયાં. તે બાથટબમાં એના પોતાનાં લોહીમાં જ લથબથ પડ્યો હતો. તેને પોતાનું કાંડું કાપી નાખ્યું હતું.”

તેઓ પાછા રડવા લાગ્યાં. મેં તેમને આંખો લુછવા માટે ટીસ્યુ આપ્યાં. તેમને આત્મહત્યાની ચિઠ્ઠી વિશે અને બીજી બાબતો વિશે વધારે વિગતો પણ કહી કે જે એમના જીવનમાં ચાલી રહી હતી. તેઓ ત્યારબાદ ક્યારેય બહાર ગયા નથી કે કોઈ પ્રસંગની ઉજવણી કરી નથી, તેમને કહ્યું.

“અમે એક ચુસ્ત કેથોલિક છીએ, સ્વામી,” તેમને કહ્યું. “મારો પુત્ર ક્યારેય રવિવારની ચર્ચ સભા ચુક્યો નથી. તે જાણતો હતો કે આત્મહત્યા કરવી એ પાપ છે. તે એક બહાદુર છોકરો હતો, તો પછી તેને આ નિર્માલ્યપણુ કેમ દાખવ્યું, સ્વામી?”

મેં તેમનું દુઃખ અનુભવ્યુ. માં-બાપ માટે પોતાના પહેલા પોતાના બાળકને જતા જોવા એનાથી વધુ કોઈ મોટું દુઃખ નથી હોતું.

“દરેકજણ એવું માને છે કે અમે તેનાં મૃત્યું માટે જવાબદાર છીએ,” તેમને બોલવાનું ચાલુ રાખતા કહ્યું. “મને ખુબ દુઃખ થાય છે. શું હું એક ખરાબ પિતા છું? તેને આવું શા માટે કર્યું? તે ફક્ત ૨૪ વર્ષનો જ હતો.”

“તમારે જાણવું છે કે હું સત્યને કેવી રીતે જોઉં છું?” મેં કહ્યું. “કાં પછી તમારે એ જાણવું છે કે ધર્મપુસ્તકો આ વિશે શું કહે છે?”

“અમારો તમારા ઉપર વિશ્વાસ છે, સ્વામી,” તેઓએ કહ્યું. “અમને ‘સત્ય’ બતાવો.”

એ સાચું છે કે મોટાભાગનાં ધર્મો આત્મહત્યાને એક પાપ ગણે છે. ખ્રિસ્તી ધર્મ અને હિંદુ ધર્મમાં પણ તેને આત્મઘાત ગણ્યો છે. અનેક ધર્મગ્રંથો આપણા શરીરને ભગવાનનું એક મંદિર ગણે છે. આ બધું બરાબર છે, (જો કે હું આ દાવાઓ સાથે સહમત નથી.), સત્ય તો એ છે કે દુઃખના સમયમાં ધર્મો તો એકદમ લુખ્ખા અને અયોગ્ય સાબિત થાય છે. આ કોઈ પ્રથમ પ્રસંગ નહોતો કે જ્યાં હું કોઈ એવા યુગલને મળી રહ્યો હતો કે જેમને પોતાના બાળકને ગુમાવ્યું હોય, અને બીજી એવી અનેક મુલાકાતો દરમ્યાન, મને ક્યારેય કોઈ પુસ્તકને ટાંકવાનું પસંદ નથી હોતું, પછી તે ગમે તેટલું પવિત્ર કે ઈશ્વરીય પુસ્તક કેમ ન હોય.

“તમારા પુત્રે કોઈ પાપ નથી કર્યુ,” મેં કહ્યું. “મૃત્યુંનું કારણ ગમે તે હોઈ શકે છે. આપણે બધા એક જ ટ્રેઈનમાં મુસાફરી કરી રહ્યા છીએ. આપણામાંના દરેકજણે કોઈનાં કોઈ સ્ટેશને ઉતરી જ જવાનું છે. કોઈ વહેલાં ઉતરી જતાં હોય છે. તેઓ પોતાની મુસાફરી અધવચ્ચે જ અટકાવી દેતાં હોય છે. અને આ જ મૃત્યું છે, એ એક વિરામ છે, છતાં તે એક કષ્ટદાયી પડાવ હોય છે.”

“જો તમે મારો વિશ્વાસ કરતા હોવ તો હું તમને કહી દઉં,” મેં ચાલુ રાખ્યું, “હું નથી માનતો કે આત્મહત્યા એ કોઈ પાપ હોય અને મને એમ પણ નથી લાગતું કે આ કોઈ એક નિર્માલ્યપણું હોય. તમારો પુત્ર કોઈ નર્કમાં નથી, તેને સ્વર્ગમાં આવકારો નથી મળ્યો એવું પણ નથી. તેનો આત્મા સહજ રીતે કોઈ બીજું ઘર શોધી લેશે.

“અને તમે કોઈ તેના મૃત્યું માટે જવાબદાર પણ નથી. પોતાનો જીવ લઇ લેવાનો વિચાર એક ઊંડી હતાશામાંથી આવતો હોય છે, આ માનસિક બીમારીનું એક ખુબ જ વિનાશક પરિણામ છે. જેમ કે કોઈ એક ડોક્ટર દર્દીના કેન્સર માટે જવાબદાર નથી હોતો, તેમ એક માં-બાપ ક્યારેય પોતાનાં બાળકમાં આત્મહત્યાથી થતા મૃત્યું માટે જવાબદાર નથી હોતા.”

“સ્વામી,” પેલા પિતાએ કહ્યું, “મારે તેની સાથે એક અઠવાડિયા પહેલાં થોડી દલીલ થઇ ગઈ હતી, પરંતુ મને તો એમ હતું કે અમારા વચ્ચે બધું સરખું થઇ ગયું છે.”

“આ કોઈ પ્રથમ વાર જ દલીલ થઇ હતી?” મેં પૂછ્યું.

“ના.”

“તો પછી એ દલીલ આ પરિણામનું કારણ નથી. પરિણામનું કારણ તેની પોતાની માનસિક અવસ્થા છે.”

“તમારી ખોટ ઘણી મોટી છે,” મેં ઉમેર્યું. “ઘાવ ઊંડો છે. અને તેને રુઝાતા બહુ લાંબો સમય થશે. કોઈ તમારા પુત્રની ખોટ પૂરી નહિ કરી શકે. પરંતુ, તમારું પોતાનું જીવન નહિ જીવીને તમને નથી લાગતું કે તમે તમારી જાત જોડે અને તમારા બીજા બાળકો સાથે અન્યાય કરી રહ્યાં છો?”

તે ઓરડામાની ઉર્જા એકદમ બદલાઈ ગઈ. જાણે કે તેઓ એક ખરાબ સ્વપ્નમાંથી જાગી ગયા હોય. અચાનક, તેમને ભાન થયું કે તેમના એક પુત્રનાં મોતનાં દુઃખે દુઃખી થઇને તેઓ તેમના બીજા બાળકોનાં જીવનની ભેટને નકારી રહ્યાં છે. તેમના માટે આ એક દિવ્યપ્રકાશની ક્ષણ હતી.

“અરે સ્વામી,” તેમને કહ્યું, “મારી છાતી પરથી એક મોટો ભાર ઓછો થઇ ગયો હોય એવું લાગે છે. તમે સાચા છો. અમારે અમારા બીજા બાળકો માટે, અમારા માટે અને અમારા તારણહાર માટે જીવવું જોઈએ.”
તેઓ બન્નેએ સ્મિત કર્યું. તેઓએ એકબીજા સામે પ્રેમાળ દ્રષ્ટીથી જોયું અને પછી મારા તરફ જોયું અને ધીમેથી હસ્યાં.

હું માનું છું કે આત્મહત્યાને નમાલાપણું કહેવું એ જે આ જગતને છોડીને ચાલી ગયું છે તેની બીમારીની કીમત ઓછી આંકવા બરાબર છે. તેમનું દુઃખ ખુબ જ મોટું હોવું જોઈએ, તેમની નિરાશા એટલી પ્રચંડ હોવી જોઈએ, તેમનો માર્ગ એટલો અંધકારભર્યો હોવો જોઈએ કે તેમને ફક્ત એક જ માર્ગ દેખાયો અને તે એ કે પોતાના જીવનનો અંત લાવી દેવો.

અને આ બાબત માટે, મને નથી લાગતું કે હું કોઈ એવાને જાણતો હોય કે જેમને મૃત્યુને જીવનની અનંત યાતનાઓમાંથી મુક્ત થવાનાં એક વ્યાજબી વિકલ્પ તરીકે ક્યારેય પણ જોયો ન હોય, કદાચ એક ક્ષણ માટે પણ તે હોઈ શકે છે. ફક્ત માનવી જ આત્મહત્યા કરતા હોય છે. આપણી પાસે આ બધી ધાર્મિક ધારણાઓ હોય છે અને આપણને લાગતું હોય છે કે આપણે તે સમજી લીધું છે, કે જીવન અમુક ચોક્કસ પ્રકારે જ હોવું જોઈએ. જીવન પણ, જો કે, કઈ ઓછુ નથી હોતું. તે જયારે પણ આપણને કોઈક પાણીચું પકડાવે ત્યારે આપણને ધોખો થયો હોવાનું કે આપણને ખોટ ગઈ હોવાનું અનુભવાય છે. આપણને લાગે છે કે જીવન અન્યાયી છે (જે તે ખરેખર છે જ), અને, ત્યારે જેમ એક ચોકલેટ માટે અધીરા થયેલા બાળકની જેમ, આપણે પણ જીવનની મધુરતાને ફરી ચાખવા માટે આતુર બની જતાં હોઈએ છીએ, આપણને આપણા દુઃખમાંથી બહાર આવવું હોય છે. આપણે કોઈ તુરંત થતા સમાધાનને ઝંખવા લાગીએ છીએ, જે કદાચ સરળ પણ હોવું જોઈએ.

માનવ મન એક વિચિત્ર ઘટના છે. ક્રૂર ક્ષણોમાં તે મૃત્યુંને જીવન કરતા પણ વધુ સુંદર, અને સ્વપ્ન કરતા વધારે આકર્ષક બનાવી દેતું હોય છે. તો પણ તેનો અર્થ એ નથી કે મૃત્યું એ કોઈ પસંદગી છે. આત્મહત્યા એ કોઈ સ્વૈચ્છિક કાર્ય કે કોઈ જાગૃત પસંદગી નથી હોતી. ભલે તે ઉપરથી ગમે તેવું લાગતું હોય, કોઈપણ વ્યક્તિ પોતાના જીવનનો અંત લાવવાનું “પસંદ” નથી કરતું હોતું. દુનિયાના ૭ અબજ લોકોમાંના મોટાભાગના માટે જીવન જેટલું અઘરું અને દુઃખભર્યું છે તે જોતાં, જો આત્મહત્યા એ કોઈ પસંદગીનો વિષય હોત તો ઘણાં બધા અત્યાર સુધી ખુશીથી જતાં રહ્યા હોત.

આત્મહત્યા એ એક જીવલેણ બીમારી છે. તે બીમારીનું અંતિમ અવસ્થા છે. જો તમને આત્મહત્યાનો વિચાર સતત આવી રહ્યો હોય તો તમારે તરત જ મદદ લેવી જોઈએ. આત્મહત્યાનો વિચાર આવવો તેનો અર્થ એ નથી કે જીવન ખરાબ છે, તેનો અર્થ એ છે કે તમારા હતાશ મને તમારા ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે. તેનો અર્થ એ છે કે તમારી સ્વતંત્રતાના વિચારને તમારા મને ઘેરી લીધી છે. જયારે મૃત્યું જ એકમાત્ર આશાની બારી જેવું લાગતું હોય ત્યારે જીવનની સુંદરતાને પાછી લાવવા માટેનો એક માર્ગ ત્યાં હમેશા હોય છે, એનો અર્થ છે કે તમે સાચી દિશામાં નથી જોઈ રહ્યાં.

એક પ્રખ્યાત ઉપદેશક બગીચામાં બેઠાં હતા જયારે તેમને એક નાના બાળકને પોતાના પિતાને એમ કહેતા સાંભળ્યો કે દુનિયામાં ભગવાન નથી.
“મારા ધાર્મિક પ્રવચનમાં આવજે,” ઉપદેશ્કે કહ્યું. “હું તને ભગવાન પાસે જવાનો માર્ગ બતાવીશ.”
“એવું કેમ હોય છે, સાહેબ,” પેલા નવયુવાને પૂછ્યું, “કે એક ઘોડો, ગાય અને હરણ એક જ ઘાસ ખાય છે તેમ છતાં પણ તેઓ જુદી-જુદી રીતે મળોત્સર્ગ કરે છે. એક હરણ લીંડીઓ કરે, ગાય છે તે પોદરો કરે અને ઘોડો લાદ કરે.”
“હ્મ્મ્મ….મને બિલકુલ નથી ખબર,” પેલા ઉપદેશકે સવાલથી વિસ્મય પામતા કહ્યું.
“બરાબર,” પેલા નાના છોકરાએ શાંતિથી જવાબ આપતાં કહ્યું, “તો તમને નથી લાગતું એ બહુ વધારે પડતું કહેવાય જયારે તમે મને એમ કહો છો કે તમે મને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવશો જયારે તમને છી વિશે પણ ખબર નથી!”

તમારા ભયને, તમારી ધારણાઓને, અને તમારી માન્યતાઓને એક ક્ષણ માટે ત્યાગી દો. તમારા અંતરાત્માને સાંભળો. તમારી અંદર કોઈપણ કે કશુંપણ ભય ભરી શકે તેમ નથી કે તમને દુઃખી કરી શકે તેમ નથી. આ જીવન, આ ક્ષણ બસ આજ છે તે. આ જ એકમાત્ર સત્ય છે. અહિયાં જ. આ જ ફક્ત એ સ્વર્ગ અને નર્ક છે. જયારે આપણે અહી જ છીએ તો ચાલો થોડું જીવી પણ લઈએ. જીવન સરિતાના વહેણ સાથે વહેવા લાગીએ. તમારો ભૂતકાળ જે પણ હોય, તેને બાજુ પર મૂકી દો, જતું કરતા શીખો. તમારા વર્તમાનને ખુબ જ સુંદર બનાવો, કિંમતી બનાવો, અને અર્થસભર બનાવો કે મોત પણ તમારા પગે પડીને કહે કે થોડી વાર માટે રોકાઈ જાવ, કારણકે તમારી આસપાસ મૃત્યું પણ જીવનને માણતું હોય છે.

કૃતજ્ઞ બનો. બીજાની સેવા કરો. તમારા કરતા મોટા કોઈ કારણ માટે જીવો. અને, હું વચન આપું છું કે, તમારું જીવન એક નવો જ અર્થ પામી જશે, એક તદ્દન નવું પરિમાણ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email