કોઈએ મને એક દિવસે પૂછ્યું હતું કે શા માટે આપણને આપણી જ પ્રિય વ્યક્તિઓ સૌથી વધુ દુઃખ પહોંચાડતી હોય છે? જો કે તમે મને પૂછો તો હું કહીશ કે આ કોઈ સવાલ નથી પણ એક વિધાન વાક્ય છે,કારણકે તમારી સૌથી પ્રિય વ્યક્તિઓ જ તમને સૌથી વધુ દુઃખ પહોંચાડતી હોય છે. જે તમને ઓળખતા જ નથી હોતા તે કદાચ તમને પીડા આપી શકે પરંતુ તમને લાગણીનાં સ્તરે દુઃખ નથી પહોંચાડી શકતાં.

તૂટી ગયેલાં સંબંધોમાં, એક ક્ષણ એવી આવતી હોય છે કે જયારે બે વ્યક્તિઓ હવે તે સંબંધની પરવા નથી કરતા હોતા. તેઓ થાકી ગયા હોય છે. બીજી વ્યક્તિને છોડી દેવામાં હવે તેઓ એકબીજા માટે તટસ્થતા અનુભવતા થઇ ગયા હોય છે. આ તટસ્થતામાં, તેઓ જાણે કે એકબીજા માટે અજાણ્યા હોય તેવું અનુભવે છે. હવે તે દુઃખ પણ નથી આપતું હોતું કારણકે અજાણ્યા લોકો દુઃખ નથી આપી શકતાં હોતા.

આટલું કહ્યા પછી, એક સંબધ છે તે તટસ્થતાનાં વળાંક ઉપર પહોંચતા પહેલા ઘણાં બધા ઘા સહન કરતો હોય છે, અને હવે નુકશાન છે તે પાછું ભરપાઈ થઇ શકે તેમ નથી હોતું. જયારે પણ તમને દુઃખ થયું હોય ત્યારે તમારા અસ્તિત્વનો એક નાનો ભાગ તૂટી જતો હોય છે. તમે તમારી જાતમાં એક સાંધો લગાવી દો છો, તમે આ પરિસ્થિતિ ઉપર વિજય મેળવી લેવાની કે સામે વાળી વ્યક્તિ બદલાઈ જશે એવી અપેક્ષા રાખો છો, પણ તમને જેટલા વધુ ઘા પડતા જાય છે તેમ તેટલા વધુ તમે તૂટતાં જાવ છો. જેમ કે સખત ભીડી રાખેલી મુઠ્ઠીમાંથી સરી જતી રેતી, જેટલું વધારે જોર તમે તમારી જાતને પકડી રાખવામાં લગાવો તેટલી જ ઝડપથી તમે તમારી જાતને ગુમાવવા માંડો છો. અને એક દિવસે તમે તે વ્યક્તિ માટે દરેક પ્રકારની લાગણીથી ખાલી થઇ જાવ છો. તે દિવસે તમે તેમના માટે અને કેટલાંક અંશે તમારા પોતાનાં માટે પણ એક અજાણી વ્યક્તિ બની જાવ છો.

તમે અરીસામાં તમારી તરફ જુવો છો ત્યારે તમારી જૂની અને ખુશ રહેતી જાત હવે ક્યાંય જોવા નથી મળતી હોતી. તમે એ જ જુનું શરીર અરીસામાં જોતાં હોવ છો પરંતુ તમે હતા એવા ને એવા ભીતરથી અનુભવતા નથી હોતા. આ એક દુઃખભરી અવસ્થા છે કારણકે તમે તમને જ ખોઈ બેઠાં હોવ છો અને જ્યાં સુધી તમને પ્રેમની એક દીવાદાંડી, લાગણીનું એક મોજું જોવા ન મળે ત્યાં સુધી તમારી જીવનનૈયા આમથી તેમ ઉછળતી જ રહેવાની. આ એક નવી પ્રકારની લાગણીઓ હોય છે, દુઃખ, અતડાપણું અને નિરાશા આ બધી અજાણી લાગણીઓ હોય છે. તમને એવું લાગવાં માંડે છે કે તમે મેળામાં ખોવાઈ ગયેલા એક બાળક છો, ટોળામાં એકલાં અટુલા, એક અજાણી વ્યક્તિ જેવા. એક અજાણી વ્યક્તિ માટે તમે કેમ કરીને કોઈ ઊંડી લાગણીને અનુભવી શકો? તમે ન જ અનુભવી શકો. અને, માફી એ દુઃખની જેમ એક ઊંડી લાગણી છે. તમે ફક્ત એ તમારા માટે જ અનુભવતા હોવ છો.

રાબી કેગન કે જે Chofetz Chaim (તેમને લખેલું હિબ્રુ પુસ્તક જેનો અર્થ થાય છે “જીવન પ્રેમી”)નામથી પણ ઓળખાતા હતા, તેઓ એક દિવસ ટ્રેનમાં જતા હતા અને એક ધાર્મિક પુસ્તકનાં ઊંડા વાંચનમાં ખોવાયેલા હતા. ત્રણ યહુદીઓ તેમની સામે બેઠાં હતા અને તેઓએ રાબીને પત્તા રમવા માટે આમંત્રણ આપ્યું કારણકે તમને એક ચોથી વ્યક્તિની જરૂર હતી. રાબીએ ના પાડતા કહ્યું કે પત્તા રમવા કરતાં પોતે વાંચન વધુ પસંદ કરશે. પેલા ત્રણ પ્રવાસીઓને કોઈ જ જાતની ખબર નહોતી કે એક અજાણી વ્યક્તિ જેની સાથે પોતે વાત કરી રહ્યા છે તે પ્રખ્યાત રાબી કેગન ખુદ પોતે જ છે. તેઓએ તો બે થી ત્રણ વાર કોશિશ કરી જોઈ અને અંતે પોતે હતાશ થઇને ગુસ્સે થઇ ગયાં. તેમાંના એકે તો રાબીના ચહેરા ઉપર જ પ્રહાર કરી દીધો અને બાકીના બે તે જોઈને આનંદ ઉઠાવવા લાગ્યા. રાબીએ પોતાનો રૂમાલ કાઢીને ઘા ઉપર મુકવા ગયા ત્યાં સુધીમાંથી લોહી નીકળીને પુસ્તક ઉપર પડ્યું.

થોડા કલાકો પછી, ટ્રેન એક સ્ટેશન ઉપર આવીને ઉભી રહી. ત્યાં આગળ અસંખ્ય લોકો આ સંતનાં સ્વાગત માટે ઉભા હતા. પોતે ચહેરા ઉપર એક ઊંડા ઘાને લઇને ઉતર્યા અને તેમના ભક્તોએ એ જાણવાની માંગ કરી કે કોણે તેમને ક્ષતિ પહોંચાડી. રાબીએ તો સવાલને ઉડાવી દઈને ચાલવા માંડ્યા. પેલા ત્રણ ગુનેગારો તો ત્યાં જ ગ્લાનીથી સ્તબ્ધ થઇને ચોટી ગયાં કે પોતે જેને એક વૃદ્ધ ગરીબ માણસ સમજીને પિટાઈ કરી હતી તે તો ખુદ રાબી પોતે હતા.

તેઓ બીજા દિવસે તેમની માફી માંગવા માટે મળવા ગયા દુઃખ અને શરમથી, તેઓએ તેમની માફીની ભીખ માંગી. જો કે રાબીએ તો તેમને માફીની ભેટ આપવાની ઘસીને ના પાડી દીધી. રાબીનો પુત્ર, કે જેણે આ બધું જોયું હતું, તેને તો એકદમ નવાઈ લાગી. આખરે માફી આપવી એ તો એક સંતનું કામ છે. પેલા લોકોએ ફરી ફરીને માફી માંગી પરંતુ રાબીએ તો તેમને ના જ પાડી. તેઓ ભારે હૈયે ત્યાંથી વિદાય થયા.

“પિતાજી,” રાબીના પુત્રે કહ્યું, “મને મારા આ શબ્દો માટે માફ કરજો પરંતુ મને લાગે છે કે તમારું વર્તન થોડું ક્રૂર હતું. તમે એક આધ્યાત્મિક મૂર્તિ છો, આખો સમાજ તમને માને છે. તમે તેઓને કેમ માફ ન કર્યા?”
“તું સાચું કહે છે બેટા,” રાબીએ કહ્યું. “તેમને માફી ન આપવી એ મારા હોવાપણાથી વિપરીત વાત છે, પરંતુ સત્ય તો એ છે કે તેમને માફ કરવાની શક્તિ મારી પાસે હતી જ નહિ.
“ચોક્કસ, હું રાબી કેગન, જીવન પ્રેમી, તેમને માફ કરું છું,” તેમને આગળ બોલતા કહ્યું, “પરંતુ મારી માફીનો કોઈ અર્થ નથી. જે માણસની પિટાઈ તેમને કરી હતી તે તો તેમના માટે એક સરળ, અજાણ્યો, ગરીબ વ્યક્તિ હતો કે જેના માટે કોઈ સદ્દભાવના ધરાવતું કોઈ ટોળું રાહ જોતું સ્ટેશન ઉપર નહોતું ઉભું. એ માણસ પોતે આ ઘટનાનો પીડિત હતો અને ફક્ત તે જ તેમને માફ કરી શકે તેમ છે. તેમને જવા દે અને તે વ્યક્તિને શોધવા દે. હું તેમને  તેમની ગ્લાનીમાંથી મુક્તિ આપી શકવા માટે અસમર્થ છું.”

થોડા મહિનાઓ પહેલા જ મેં માફી ઉપર એક લેખ લખ્યો હતો કે માફી એક ખુબ જ અઘરી લાગણી છે. અને તે એટલા માટે કે તમે કોઈ અજાણી વ્યક્તિ તરીકે કોઈને માફ કરી શકતાં નથી, તમે એક નવી વ્યક્તિ તરીકે તેમને માફી આપી શકતાં હોતા નથી. માફ કરવા માટે તમારે ઘાને ફરીથી ખોદવો પડશે, તમારે ફરીથી તે જુના વ્યક્તિ બનવું પડશે. ઊંઘતી લાગણીઓનાં અંગારને ફરીથી સળગાવવો પડતો હોય છે કેમ કે યાદોનો પવન ખોટી વિશ્વાસની રાખને ઉડાવી દેતો હોય છે. લાગણીઓ કે જે તમને લાગતું હોય છે કે ક્યારનીય જતી રહી છે તે ફરીથી પ્રજ્વલિત થતી હોય છે, પરંતુ તમારી નવી જાતને તેને સાથે કામ લેવામાં ડર લાગતો હોય છે. તમારે ફરીથી દુઃખી નથી થવું હોવું.

માફીમાં જો કે તમારે ફરીથી એક વાર દુઃખી થવા માટે તૈયાર થવાનું છે, એક અંતિમ વાર, ફરી માત્ર એકવાર અને બસ પછી પૂરું. તમારા ઘાની રૂઝ માટે કરવું પડતું છેલ્લું ડ્રેસિંગ. તેમાં તમારે તમારી નવી જાતને અને તમારી તટસ્થતાને એક કોર મૂકીને તમારી જાતને ફરીથી જૂની સંવેદનશીલતા, અસલામતી અને અચોક્કસતા પ્રત્યે ઉઘાડી કરવી પડતી હોય છે. તમારે ત્યાગી દીધેલાં અને ફાટી ગયેલા જૂતામાં ફરી પગ નાંખવાનો છે અને ફરીથી તેનાથી પરિચિત થવાનું છે. તમને જેને દુઃખ પહોંચાડ્યું  છે તેનાં પ્રત્યે તમારે ફરીથી પરિચિત થવાનું છે, તમારે ફરી એક વાર તે વ્યક્તિને અનુભવવાની છે કારણકે અજાણ્યા કોઈને દુઃખ નથી આપી શકતાં કે માફી પણ નથી આપી શકતાં.

મુલ્લા નસરુદ્દીન પોતાની પત્ની સાથે છેતરપીંડી કરી રહ્યા હતા અને તેને ખબર પડી ગયી. તેને ખુબ દુઃખ થયું અને તેમના પ્રત્યે ગુસ્સે પણ ભરાઈ. આંસુ સાથે અને ગુસ્સામાં તે પોતાના ઘરનાં મુખ્ય ઓરડામાં લટકાવેલા લગ્નના ચિત્રને બદલવા જઈ રહી હતી, ત્યાં જ મુલ્લાએ તેની માફી માંગી અને તેને મુલ્લાને માફ કરી દીધા અને તેઓ પાછા હતા તેવા ને તેવા થઇ ગયા.

હવે પછીનાં બે દસકા સુધી, જોકે, તે વારે વારે, મુલ્લાએ તેની સાથે કેવું કર્યું હતું તેની યાદ અપાવતી રહેતી.
મુલ્લાથી હવે સહન ન થતા, એક દિવસ કહ્યું, “તું શા માટે એ વાતને વારંવાર તાજી કરતી રહે છે? મને તો એમ હતું કે તું માફ કરો ને ભૂલી જાવનાં સિધ્ધાંતમાં માને છે.”
“હા તે એમ જ છે,” પત્નીએ જવાબ આપતા કહ્યું. “પણ હું નથી ઇચ્છતી કે તમે તે ભૂલી જાવ કે મેં તમને માફ કર્યા અને ભૂલી ગઈ છું.”

વાસ્તવમાં, તમે તમારા પોતાના લોકોને નથી ભૂલી શકતાં. તમે ફક્ત અજાણ્યા લોકોને ભૂલી જાવ છો. માફી આપવા માટે જો કે, તમારે ફરી એક વાર તેમને પોતાના બનાવવા પડશે. અને જયારે તમે તેમ કરો છો ત્યારે તમારી તટસ્થતા પ્રેમ અને બીજી લાગણીઓ માટે રસ્તો કરી આપતી હોય છે. અને આ લાગણીઓ તમને ફરીથી દુઃખી થવા માટે તૈયાર કરતી હોય છે. આ એક ચક્ર સમાન છે. તમે પ્રેમ કરો, દુઃખી થાવ, તમે પાછા બોલતા થાવ કે પાછા અનુકુળ થાવ, ફરી પ્રેમ કરતા થાવ અને ફરી પાછા દુઃખી થાવ. આ એકદમ અનિવાર્ય છે. માટે જ લોકો પોતાનું આખું જીવન એક પીડાદાઈ સંબધમાં વિતાવી દેતા હોય છે જયારે તેમને આગળ વધી જવા માટેની તક મળતી હોય તો પણ.

સંબધમાં દુઃખી થવાનું ટાળવા માટેનો એકમાત્ર રસ્તો છે સામે વાળી વ્યક્તિનો સંપૂર્ણ સ્વીકાર, અને તે, હું કહીશ કે, બિલકુલ ભાગ્યેજ થતો હોય છે. જો તમે તટસ્થ થઇ જાવ, તો સંબધ છે તે નજદીકી વાળો નહિ બની રહે, અને જો તમે નજીક રહો, તો પછી દુઃખી થવાની બાબત એકદમ ચોક્કસ થઇ જવાની. ગાંઠો વાળું આ જીવન મસ્તીખોર પણ એટલું જ છે કદાચ. જો તમે વધુ કાળજી રાખનારા બનો, તો તમે વધુ સંવેદનશીલ પણ બની જશો. અને જેટલા વધુ સંવેદનશીલ તેટલા જ વધુ તમે દુઃખી પણ થતાં રહેશો. તમને દુઃખ થાય છે કેમ કે તમે એક માનવ છો અને તેઓ તમને દુઃખ પહોંચાડે છે કેમ કે તેઓ પણ એક માનવ જ છે. જો તેમની સારી બાજુ તેમની ખરાબ બાજુથી વધી જાય, તો તમે અંતર્મુખી બની જાવ જેથી તમે ઓછા કમજોર બની રહેશો. જો તેમની ખરાબ બાજુ સારી બાજુથી વધી જાય તો તમે તેમને માફ કરો અને આગળ વધી જાવ.

તમારા પોતાના વ્યક્તિઓ તમને દુઃખ પહોંચાડશે, કારણકે પ્રેમ એવી વાત નથી કે જેમાં કોઈ દિવસ તમને દુઃખ ન થાય. એના બદલે, પ્રેમનો અર્થ તો એ છે કે જયારે કોઈ તમને દુઃખ પહોંચાડતું હોય ત્યારે પણ તમે તેનામાં રહેલી સારી બાજુ તરફ જોવાનું બંધ ન કરો. કોઈ વખત ઝરમર થાય અને કોઈ વખત ભારે વર્ષા. કોઈ વાર બરફ પડે તો કોઈ વાર પુર આવે. અંતે તો આ બધું પાણી જ છે. તેને વહી જવા દેવાનું શીખો.

જો તમે તેને ભરી રાખશો, તો જીવન છે તે એક સ્થિર હોજ જેવું થઇ જશે – સમયની સાથે ગંદુ પણ થઇ જશે. જો તમે વહેતું રાખશો તો તે સુંદર, સ્વચ્છ અને સૌમ્ય નદીની જેમ વહેતું રહેશે. તેને વહેવા દો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email