વહેલી સવારનાં લગભગ ત્રણ જેટલાં વાગ્યા છે જયારે હું આ લેખ લખી રહ્યો છું. તોફાની પવન જોર જોરથી ફૂંકાઈ રહ્યો છે જાણે કે તે આખા હિમાલયને ઉખાડી નાંખવા ન માંગતો હોય. જુના અને ઊંચા વૃક્ષો હવામાં જાણે કે એકબીજાને ભેટવા માટે ઝૂલી રહ્યા છે. પ્રેમનાં કે ભયના કારણોસર, એ તો હું નથી જાણતો. બહાર કાળું ડીબાંગ અંધારું છે કે વૃક્ષો અને પર્વતો જયારે વીજળીનો ચમકારો થાય ત્યારે તે ચમકારાના પ્રકાશમાં જ દ્રશ્યમાન થાય છે. વાદળોમાં મોટા ગડગડાટ થઇ રહ્યા છે અને વરસાદ સાંબેલાની ધારે પડી રહ્યો છે જાણે કે આવતીકાલ જોવા મળવાની જ ન હોય.

ત્યાં કોઈ પંખીનો કે જીવંત જનાવરનો અવાજ પણ નહોતો આવતો. આ છે મારા હાલમાં ચાલી રહેલા એકાંતવાસનું દ્રશ્ય કે જ્યાં હું મારું અમુક લેખન કાર્ય પૂરું કરી રહ્યો છું.

૮૦૦૦ ફૂટની ઉંચાઈએથી, જ્યાં હું શાંતિમાં બેઠેલો છું, કુદરતની આ જાજરમાન રમતનો સાક્ષી બનીને અને પવન, વરસાદ, અને વીજળીના ગડગડાટનાં સુંદર અવાજો સાંભળી રહેલો છું ત્યારે મને એક નાની વાર્તાની યાદ આવી જાય છે.

એક વખતે એક ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો હોય છે ત્યાં તેની પોતાની કાંડા ઘડીયાળ ખોવાઈ જાય છે. આ કોઈ સામાન્ય ઘડિયાળ નહોતી પણ તેને પોતાને પસંદ હોય તેવી તેની એક મિલકત સમાન હતી. એ તેના સ્વર્ગસ્થ પિતાએ તેને ૧૦ વર્ષ પહેલા આપી હતી. તે તો બેબાકળો બનીને ઘડિયાળને પોતાના ખેતરના ખૂણે ખાંચરે શોધવા લાગ્યો. ઘાંસની પૂળીઓ ઉથલપાથલ કરી નાંખી પણ ક્યાંયથી તેની ઘડિયાળ મળી નહિ.

થોડો ત્રસ્ત થઇને જેવો એ હેઠો બેઠો કે તેને બાજુમાં નાના છોકરાઓ રમતા હતા તેનો અવાજ સંભળાયો. તેને તે છોકરાઓને ઘડિયાળ શોધવા માટે મદદ કરવા કહ્યું અને જે કોઈ તેને ખોળી કાઢશે તેને તે પોતે ૨૦ રૂપિયાનું ઇનામ આપશે. આતુરતા અને ઉત્સાહમાં આવી જઈને બાળકોએ તો આખું ખેતર ખુંદી નાંખ્યું, છતાં પણ તેમને કઈ જ મળ્યું નહી. તેઓએ તો કંટાળીને શોધખોળ પડતી મૂકી અને પાછા પોતાની રમતમાં પડી ગયા. પેલા ખેડુતને લાગ્યું કે તેને પોતાની ઘડિયાળ હવે ક્યારેય પાછી જોવાની નહિ મળે.

“તમે મને એક મોકો આપશો?” એક નાનકડા છોકરાએ ખેડૂતનો કોટ ખેંચતા પૂછ્યું.
“મને કોઈ વાંધો નથી,” ખેડૂતે કહ્યું, એક નાનકડા પ્રતિયોગીને જોઈને તેને થોડી નવાઈ લાગી. “પરંતુ, બીજા છોકરાઓ અને હું બધે જ જોઈ વળ્યા છીએ.”
“મને ખબર છે,” તેને કહ્યું. “હું તેમ છતાં પણ મારો પ્રયત્ન કરવા માંગું છું.”

ખેડૂતને કશું ગુમાવવાનું હતું નહિ માટે તેને તો પેલા છોકરાને હા પાડી અને પોતે ખેતરમાં પોતાના કામે લાગે ગયો.
ભાગ્યેજ વીસ મિનીટ થઇ હશે, પેલો નાનકડો છોકરો તેના તરફ દોડતો આવ્યો.

“મને મળી ગઈ!” તેને કહ્યું, અને, પોતાની મુઠ્ઠી ખોલી અને તેમાં પેલી ઘડિયાળ હતી.
ખેડૂતે તો પેલા ટાબરિયાને ઊંચકી લીધો અને આનંદપૂર્વક બોલ્યો, “ભલા, તે આ કેવી રીતે શોધી કાઢી?”
પેલા છોકરાએ જવાબ આપતા કહ્યું, “હું તો ફક્ત બસ નીચે બેસી ગયો અને મૌનને સાંભળવા લાગ્યો. થોડી મિનીટ પછી, મને ઘડિયાળની ટીક ટીક સંભળાઈ. બસ પછીનું કામ તો એકદમ સહેલું જ હતું.”

આપણે આપણી સંપત્તિને, લાગણીઓને, પ્રેમને બેબાકળા બનીને શોધતા રહીએ છીએ, અને તેમ કરવામાં આખી દુનિયા ઉથલપાથલ કરી નાંખીએ છીએ, અંતે થાકી જતા હોઈએ છીએ. અને ત્યારે આપણે બેસી જઈએ છીએ, વિચારીએ છીએ, ચિંતા કરવા લાગીએ છીએ, મનન કરવા લાગીએ છીએ, ચિંતન કરવા લાગીએ છીએ, સ્વીકાર કરવા લાગીએ છીએ, કે આરામ કરવા લાગીએ છીએ. મનની એ અવસ્થામાં જીવન પેલા ટાબરિયાની જેમ ડોકિયું કરે છે અને આપણને આપણા હાથમાં આપણું જીવન પાછુ થમાવે છે.

કોઈ વખત, શોધ માટેનો સૌથી મહાન રસ્તો એ હોય છે કે બિલકુલ શોધ જ ન કરવી. જયારે તમે કોઈ શોધ નથી કરતા, બસ જેમનું છે તેમ ચાલવા દો છો ત્યારે તમને ઘડિયાળની ટીકટીક સંભળાઈ જાય છે, તમને સંભળાય છે કે જીવન કેટલું ઉત્સાહથી ભરેલું હોય છે અને તમે દરેકવસ્તુમાં સુંદરતાને જોવા લાગો છો. જયારે એવું બને છે ત્યારે તમને ભાન થાય છે કે તમારી પાસે પહેલેથી જે કઈ પણ છે તે પોતાની રીતે કેટલું કીમતી છે, વર્તમાન ક્ષણ એ સૌથી વધુ મુલ્યવાન છે.

મનને સ્થિર કરવું એ સર્વશ્રેષ્ઠ કલા છે કારણકે શાંત મન જ મૌનનું ગીત સાંભળી શકે છે. બેચેન મન કાં તો ચિંતનશીલ કે પછી ચિંતિત બની જાય છે. જયારે શાંત મન, એક દિવ્ય ધૂનનાં તાલે મસ્ત બની નાચવા લાગતું હોય છે. આપણે આપણા જીવનમાં સતત કોઈ મહત્વનાં કાર્યો કરતા રહેવા એ કઈ જરૂરી નથી. વર્તમાન ક્ષણમાં સહજ જાગૃત રહેવું, ખુશ રહેવું એ પણ એટલું જ મહત્વનું છે.

એક યુવાન સાધુએ પોતાના ગુરુને પૂછ્યું, “ગુરુજી, શું એક સ્ત્રી સાથે એક જ બિસ્તરમાં સુવું તે પાપ છે?”
“બિલકુલ નહિ, પ્રિય શિષ્ય,” ગુરુએ જવાબ આપતા કહ્યું. “તેની સાથે જાગતા રહેવું તે એક પાપ છે. સુઈ જવામાં વાંધો નહિ.”

જીવન એક રમત છે અને તે ખુબ જ ધ્યાન માંગી લે તેવી હોય છે. એ તમને સતત જાગતા રાખે તેવું ન થવા દેશો; જો તમારે શાંતિ જોઈતી હોય તો તેની સાથે ઊંઘતા પણ શીખો. ઘણી બધી વખત, જયારે તમે તમારી જાતને જેવી છે તેવી રહેવા દો છો તેમજ જીવનને પણ જેવું છે તેવું ચાલવા દો છો ત્યારે તમારા કામ બસ આપોઆપ થઇ જતા હોય છે. તમારી ચિંતાઓને છોડી દેવી તે કદાચ એટલું સરળ ન હોઈ શકે, પણ એ થઇ શકે અને કરી શકાય એવું કામ તો છે જ. તમે તમારું જીવન સરળ બનાવી દો અને તમે જોશો કે તમારા બોજાઓ આપોઆપ હળવા થઇ જશે, અથવા તો, તમે મૌનનો અનુભવ કરો અને જીવન તમને સાદું અને સહજ લાગવા માંડશે. કોઈ પણ રીતમાં તમે જીતશો.

ઊંઘમાં કોઈ બોજો નથી હોતો, જયારે તમે જાગતા હોવ છો ત્યારે ઈચ્છાઓ પાણીમાંના પરપોટાની જેમ ઉપર ચડવા લાગતી હોય છે. જો આ સમયે તમે મૌનની કલાને જાણતા હોવ તો એ હવાની માળાને બસ જોયા કરો અને તમને તેમાં એક સુંદરતા તેમજ એક લય કે તાલ જોવા મળશે કે જે તમારા વાતોડિયા મનને શાંત કરી દેશે. અરે તોફાની સમુદ્ર પણ એ સમયે શાંત લાગવા માંડશે.

ચાલો વિલિયમ વર્ડ્સવર્થની કવિતા The Daffodils કે જે મારી પ્રિય કવિતાઓમાંની એક છે તેને અહી ટાંકીને વિરમીએ.

I wandered lonely as a cloud
That floats on high o’er vales and hills,
When all at once I saw a crowd,
A host of golden daffodils;
Beside the lake, beneath the trees,
Fluttering and dancing in the breeze.

Continuous as the stars that shine
and twinkle on the Milky Way,
They stretched in never-ending line
along the margin of a bay:
Ten thousand saw I at a glance,
tossing their heads in sprightly dance.

The waves beside them danced; but they
Out-did the sparkling waves in glee:
A poet could not but be gay,
in such a jocund company:
I gazed—and gazed—but little thought
what wealth the show to me had brought:

For oft, when on my couch I lie
In vacant or in pensive mood,
They flash upon that inward eye
Which is the bliss of solitude;
And then my heart with pleasure fills,
And dances with the daffodils.

મારા પ્રમાણિક મત પ્રમાણે, જો કોઈ એક વસ્તુની ભેટ દરેકજણે પોતાના જીવનકાળમાં પોતાની જાતને આપવી હોય તો તે છે હિમાલયનું એકાંત. તે તમને બદલી નાંખે તેવું હોય છે. અને જ્યાં સુધી તમે તે કરી શકો તેમ ન હોવ તો કોઈ પણ એક શાંત ખૂણામાં થોડી વાર બેસો, તમારી આંખો બંધ કરો, અને તમારી જાતને બસ વહેવા દો. કોઈ વિચાર નહિ, કોઈ વિચારણા નહિ, કોઈ ચિંતન નહિ, બસ એક પર્વતમાળાની જેમ મંદ વહેતા પવનની જેમ વહેતા રહો જેમ કે કલરવ કરતી ગંગા. બસ આ જ વહેણની અંદર તમને તમારા સાશ્વત સુખનું શ્રોત: મનનું મૌન મળી જશે.

શાંતિ.
સ્વામી.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email