અમારો સંબંધ ખુબ જ અદ્દભુત હતો. અમે લગ્ન કરતા પહેલા ચાર વર્ષ સુધી એકબીજાની સાથે પ્રેમમાં હતા. ત્યારે તો અમારી વચ્ચે કોઈ પણ પ્રકારની દલીલ થતી હોય એવું મને યાદ નથી. અમે બન્ને એકબીજા માટે આત્મીય હતા. પરંતુ આજે, લગ્નના ફક્ત ત્રણ વર્ષ પછી અમે છૂટાછેડાના કિનારે આવીને ઉભા રહી ગયા છીએ. મેં એવું ક્યારેય ધાર્યું પણ નહોતું કે આવું મારી સાથે પણ બની શકે છે. હું દલીલો કરીને, પૂછી-પૂછીને, અને નાના-મોટા ઝઘડાઓ કરીને થાકી ગઈ છું. તેને મારી સાથે બિલકુલ સમય વિતાવવો પસંદ નથી. તે મને સાંભળતો જ નથી. શું ખોટું થઇ ગયું અમારી વચ્ચે, સ્વામી? લગ્નનો અંત આવી રીતે કેમ આવી શકે?

મને એક પરેશાન વાંચક તરફથી થોડા અઠવાડિયા પહેલા જ મળેલ એક ઈ-મેઈલનો આ સાર છે. હું સમજુ છું તમે શું કહેવા માંગી રહ્યા છો, લગ્નજીવન બહુ અજીબ હોય છે અને મોટાભાગનાં લગ્નો છૂટાછેડામાં પરિણમતા હોય છે. આવું ન થવું જોઈએ. ચાલો હું તમને એક વાર્તા કહું:

એક વખત એક નાનકડી છોકરી હતી. તે અને તેનો વિધુર બાપ બંને સરકસમાં એક ખુબ જ અઘરો ખેલ કરતા હતા. બાપ છે તે એક ૨૦ ફૂટ લાંબા વાંસને પોતાના કપાળ ઉપર રાખતો હતો અને છોકરી છે તે એ વાંસ ઉપર છેક ટોચ સુધી ચડીને પછી તેની ઉપર એક પગે ઉભી રહેતી હતી (મૂળ જેટલું લગ્નજીવન સરળ છે તેટલી જ સરળ આ વાત છે.) જયારે તે ઉપર પહોંચીને એક પગે ઉભી રહી જાય ત્યારે તેનો બાપ તેને વાંસ ઉપર લઈને જ મેદાનની ગોળ ફરતો ચાલવા માંડે. તેઓ જયારે પણ આ ખેલ કરે ત્યારે પેલા બાપને પોતાની દીકરીની સલામતી માટે ચિંતા થતી.

“મેં તને હજાર વખત કહ્યું હશે,” બાપે પેલી છોકરીને કહ્યું, “કે, તારે તારી નજર હમેશા મારી ઉપર ટકાવી રાખવાની. હું હંમેશાં તને જોતો રહેતો હોવ છું જેથી કરીને હું વાંસનું સંતુલન જાળવી રાખી શકું. તારે પણ મને જોવો જોઈએ જેથી કરીને તારાથી પણ કોઈ ભૂલ ન થઇ જાય અને એ રીતે તું કોઈપણ પ્રકારની દુર્ઘટનાને ટાળી શકે. મારી પાસે તો ફક્ત તું જ એક છે.”

“ના, પિતાજી, ના,” તેને ખુબ જ ડહાપણ ભર્યો જવાબ આપતા કહ્યું. “ખેલપ્રદર્શન કરતી વખતે, તમારે તમારા ભાગમાં આવતા કામની કાળજી કરવાની અને મારે મારા ભાગે આવતા કામની. આપણે એકબીજાને જોયા કરીને આપણું ધ્યાન વિચલિત કરવાની જરૂર નથી. તમે તમારે જે કરવાનું હોય તેના ઉપર જ બસ ધ્યાન આપો. એકદમ સ્થિર રહો, એકદમ જાગૃત. અને હું મારે જે કરવાનું છે તેના ઉપરજ મારું ધ્યાન એકાગ્ર કરીશ. આ જ ફક્ત એક રસ્તો જે આપણા ખેલને દર વખતે સફળ બનાવશે.”

પેલો બાપ તેની વાતથી સહમત નહોતો અને માટે તેઓ બુદ્ધ પાસે ગયા અને બુદ્ધે છોકરીની વાત સાચી છે તેમ કહી આ બાબતનું સમાધાન કર્યું.

લગ્નજીવનમાં, કે પછી કોઈપણ સંબધમાં, તમારે ફક્ત તમારા જ કર્મોની જવાબદારી લેવાની છે. બીજી વ્યક્તિ કઈ તમને બધો સમય ખુશ રાખે અને સારું રાખે તેના માટે જવાબદાર નથી. હું તમને એક સવાલ પૂછું છું: તમે લગ્ન શા માટે કર્યા? તમે એટલા માટે લગ્ન કર્યા કેમ કે તમારે બીજાનું જીવન ખુશીઓથી ભરવું હતું કે પછી તમે તમારા જીવનમાં કોઈ હોય એવું ઈચ્છતા હતા એટલા માટે કર્યું? કદાચ બન્ને, પણ મોટાભાગે તો જે બીજું કારણ છે તે જ. વધુમાં, બીજાના જીવનને ખુશીઓથી ભરી દેવાની તમારી જે વ્યાખ્યા છે તે બીજી વ્યક્તિ કરતા જુદી પણ હોઈ શકે છે. તમે તેનું ફ્રીજ કેરીઓથી ભરી દેવા માંગતા હોય એવું બની શકે પણ તેને તો ફક્ત પપૈયા જ જોઈતા હોય એવું પણ બની શકે.

મોટાભાગના લોકો પોતાની જરૂરિયાતો સંતોષાય એ જ મૂળ ઈરાદા સાથે પરણતા હોય છે. તમારે કોઈ એવું જોઈતું હોય છે કે જે તમારી કાળજી કરે, તમારી જરૂરિયાતમાં તમારી સાથે હોય, કોઈ એવું કે જેની સાથે તમે તમારા મનની બધી જ વાત કરી શકો વિગેરે. આમાં કશું ખોટું નથી. પરતું વાત ફક્ત એટલી છે કે તે કોઈ વખતે થોડું અવ્યવહારુ પણ થઇ જતું હોય છે. જયારે લગ્નજીવન એ જવાબદારીઓનો એક કરાર બનીને રહી જાય કે જેમાં બીજી વ્યક્તિ સતત તમારા ઉપર ધ્યાન રાખીને બેસી રહેતી હોય, ત્યારે આવા લગ્નજીવનોનો વિનાશ થતો હોય છે. આવું શા માટે? કારણકે એક દિવસે તે પુરુષ કે સ્ત્રી થાકી જશે. અને, જયારે તે થાકી જશે ત્યારે તેઓ ખુશી અને આનંદ માટે બીજા રસ્તાઓ શોધશે, તેઓ પોતે આરામ અને સાજા-સરખા થવા માટે કોઈ બીજી જગ્યાએ જવાનું પસંદ કરશે.

થકાવટનો અહેસાસ સંબંધમાં એક અંતર લાવી દે છે.

પ્રેમમાં એકબીજાને મળતા રહેવામાં અને લગ્નજીવનમાં મુખ્ય તફાવત બન્ને સાથીઓની એકબીજા પ્રત્યેની અપેક્ષાઓમાં રહેલો હોય છે. જયારે પ્રેમ કરતા હોવ છો ત્યારે તમે એકબીજાને વિનંતી કરતા હોવ છો અને એકબીજાને વ્યક્તિગત અવકાશ આપતા હોવ છો. તમે કદાચ એકબીજાને શનિ-રવિએ મળતા હોવ છો અરે તમે કદાચ લીવ-ઇન રીલેશનશીપ (લગ્ન કર્યા વગર એકબીજા સાથે રહેવાની જીવનશૈલી)માં પણ હોવ, તો પણ તમે તમારા બીજા મહત્વપૂર્ણ સંબંધોને પણ સાચવી શકતા હોવ છો. પ્રેમમાં જયારે તમે એકબીજાને મળી રહ્યા હોવ, ત્યારે દાખલા તરીકે તમે તમારા સાથીને પૂછતાં હોવ છો કે તે આજે રાતે તમારી સાથે જમવા માટે આવી શકે તેમ છે કે કેમ. અને જો તે ના પાડે તો, તમે તેના ઉપર નારાજ નથી થતા કે જોર જોરથી નથી બોલવા માંડતા. ખુબ પ્રેમથી તમે એમ બોલો છો, “સારું, કઈ વાંધો નહિ. આપણે કોઈ બીજા દિવસે જઈશું.” વિગેરે.

પરંતુ લગ્ન પછી, તમારા અવાજમાં આ કોમલ સુરના બદલે એક માલિકીભાવ આવી જાય છે. જયારે વિનંતીઓ માંગણીઓમાં બદલાઈ જાય છે ત્યારે સંબધોની સિલાઈ ઉકેલાઈ જાય છે. એક માંગણી વાળો સંબધ અને એક એવો સંબધ કે જેમાં ફક્ત માંગણીઓ જ ભરેલી છે તે બન્ને સમાન બાબત નથી. હું માઈકલ રોઝેનબર્ગને (થોડા આંશિક સુધારા સાથે) ટાંકીશ:

આપણી વિનંતીઓનું અર્થઘટન માંગ તરીકે ત્યારે થતું હોય છે કે જયારે સામે વાળી વ્યક્તિ એવું માનવા માંડે કે જો તે આપણી વિનંતીને માન નહિ આપે તો તેને દોષ કે સજા મળશે. જયારે લોકો કોઈ માંગણીને સાંભળે ત્યારે તેઓ પાસે બે જ વિકલ્પો હોય છે: સમર્પણ કે બળવો. કોઈપણ વિકલ્પમાં વિનતી કરનાર વ્યક્તિને પીડા આપનાર તરીકે જ જોવામાં આવે છે, અને પછી જે શ્રોતા હોય છે તેની દયા દાખવવાની શક્તિમાં ક્ષય થવા માંડે છે.

ભૂતકાળમાં જયારે કોઈએ આપણી વિનંતીઓને માન ન આપ્યું હોય ત્યારે આપણે જેટલી વખત સામે વાળી વ્યક્તિને દોષ કે સજા કરી હોય કે તેને ગ્લાની અનુભવડાવી હોય તો શક્ય છે કે હવે પછી આપણી વિનંતીઓને એક માંગ તરીકે જ જોવામાં આવે. તે માંગ છે કે વિનંતી તે જાણવા માટે જયારે વિનંતીને સંતોષવામાં ન આવતી હોય ત્યારે તે વિનંતી કરનાર શું કરે છે તે ચકાસો. દાખલા તરીકે:

જેક પોતાની મિત્ર જેનને કહે છે, “હું એકલો છું તું આજની સાંજ મારી સાથે વિતાવી શકે છે?”

આ વિનંતી છે કે માંગ? જવાબ છે જો જેન જેકની વિનંતીને માન ન આપે તો જેક પોતે જેન જોડે કેવો વ્યવહાર કરે છે તે જ્યાં સુધી આપણે ન જોઈ લઈએ ત્યાં સુધી આપણે તે ચોક્કસપણે ન કહી શકીએ કે તે માંગ છે કે વિનંતી.

ધારો કે જેન એવો જવાબ આપે, “જેક, હું ખરેખર આજે બહુ થાકેલી છું.”
જો જેક તે પછી આવા બોલ બોલે, “તું સાવ કેવી એકદમ સ્વાર્થી છો!” તો તેની વિનંતી એ એક માંગ હતી.

જેનની આરામની કરવાની જરૂરિયાત સાથે સહાનુભુતિ દાખવવાને બદલે, તે તેને દોષ આપી રહ્યો છે.
(Nonviolent Communication: A Language of Life)

માંગણીઓ લગ્નજીવનનો વિનાશ કરે છે.

જો તમે તમારા લગ્નજીવનને સફળ બનાવવા માંગતા હોવ તો તમારે માલિકીભાવ દર્શાવવાની બાબતને બિલકુલ ભૂલી જવી પડશે. એકબીજાને સ્વતંત્રતા આપો કે જેથી કરીને તમે એક હકારાત્મક વાતાવરણનું સર્જન કરી શકો જે તમારા બન્નેના પરસ્પરના વિકાસ માટે સહાયક હોય. આવા સ્વતંત્ર વાતાવરણમાં પ્રેમ અને મૈત્રી મજબુત વૃક્ષ પર જેમ વેલા ફાલતાં હોય છે તેમ ખીલી ઉઠશે. તમે જે પણ લોકોને યાદ કરો છો, તેમાં તમે એવા લોકોને યાદ કરો છો જેની આસપાસ રહેવું એક ખુશી અને રમુજની વાત હોય કે તમે એવા લોકોને યાદ કરો છો કે જે સતત માંગણીઓ કર્યા કરતુ હોય અને જે તમને ચિપકીને રહેતું હોય?

જો તમારે “હુકુમ મેરે આકા” કહેવા વાળું પાત્ર જોઈતું હોય તો મારું તમને સૂચન છે કે તમારે એ જાદુઈ ચિરાગ લઇ આવવો જોઈએ જે અલ્લાદીન પાસે હતો (અહી ચિત્રમાં બતાવ્યો છે તે).

જો તમે કોઈ મનુષ્ય સાથે લગ્ન કર્યા હોય અને તેમ છતાં તમે જો એવું ઈચ્છતા હોય કે તમારા સાથી તમને પ્રેમ કરે, યાદ કરે, અને તમારી સાથે સમય પસાર કરે તો તમારે તેના વ્યક્તિગત અવકાશને માન આપવું જ પડશે. તમારે તેમને ખુલ્લા છોડી દેવા પડશે અને તમારે માંગણીઓ કરવાનું બંધ કરવું પડશે. ઓહ! બહુ બધું કરવું પડશે, હા મને ખબર છે (મેં ક્યારેય એવું નથી કહ્યું કે લગ્નજીવન સરળ છે). જો કે લગ્ન કે પ્રેમમાં તમે જે છો તે બની રહેવા વિશે છે તેમ છતાં પણ તે બીજાના ભોગે તેવું કરવાની વાત નથી. ક્યારેક, સ્વતંત્રતા લેવામાં આપણે બીજી વ્યક્તિને દુઃખ પણ પહોચાડી બેસતા હોઈએ છીએ. તે બહુ ખરાબ કહેવાય. તમે તમારા કામના સ્થળે કેવી રીતે વર્તન કરો છો? તમે તમારા ઉપરી કે સહકર્મચારીઓ જોડે દલીલો કરો છો? આશા રાખું કે તમે તેવું નહિ કરતા હોય. શા માટે? કારણકે તમને ખબર છે કે તમારે અમુક ચોક્કસ રીતે જ તમારી વર્તણુંક રાખવી પડે નહિ તો તમારી રોજગારીનો અંત આવી જશે.

ઘરમાં દ્રશ્ય જુદું નથી. એક સામાન્ય દ્રષ્ટિકોણ એવો હોય છે કે હું આખો દિવસ કામ કરું છું, જયારે હું ઘરે આવું ત્યારે મારે કઈ કરવાની જરૂર નથી. આ એક ભૂલ છે. લગ્નજીવનમાં પણ બહુ કામ કરવું પડતું હોય છે. લગ્ન પણ એક વચનબદ્ધતા છે જે તમે તમારી જાતને અને એકબીજાને આપો છો કે તમે તમારો અને તમારા સંબધોનો વ્યવહાર કેવી રીતે રાખવાનાં છો. એકબીજા સાથે અને વ્યક્તિગત રીતે. અથવા તો પછી બીજો રસ્તો છે ઢીલું મૂકી દો. એકબીજાને સ્વતંત્રતા આપો અને કામ તેમજ ઘરની બહાર તમારું એક વ્યક્તિગત જીવન જીવતા શીખો. જો તમે હકારાત્મક અને ખુશ હોવ, કાબુ કરવા વાળા અને માંગણી કરવા વાળા નહિ હોવ તો તમારા સાથી તમારી સાથે વધુ સમય વિતાવવાનું પસંદ કરશે. અચ્છા તો પણ એ તમારી સાથે સમય વિતાવવાનું પસંદ ન કરે તો, તમે પૂછશો? તો પછી, ઓછા નામે તમારા હૃદયમાં એ વાતની તો શાંતિ હશે કે તમે તો કોઈને દુઃખ નથી પહોંચાડી રહ્યા.

કારણકે, હું તમને કહી દઉં, કે તમારી પાસે દુનિયાની તમામ વસ્તુઓ હોય તો પણ, લોકોને જે સૌથી વધારે જોઈતું હોય છે તે કઈ પ્રેમ, મૈત્રી કે સંપત્તિ નથી હોતા. તેમને જે જોઈતું હોય છે તે છે સ્વતંત્રતા. તે અમુલ્ય હોય છે. લોકો સંપત્તિ ભેગી કરતાં હોય છે કે જેથી કરીને તેઓ ઘણી બધી વસ્તુઓ કરવાની સ્વતંત્રતા ભોગવી શકે. અરે સૌથી વધારે અસલામતી અનુભવતી વ્યક્તિ કે માલિકીભાવ વાળી વ્યક્તિ કે જે કોઈકને ચીટકી રહેતી હોય, તેઓ પણ એવું એટલા માટે કરતા હોય છે કે જેથી કરીને તેઓ તે વ્યક્તિ સાથે પોતાને જેમ ગમે તેવી રીતે રહી શકીને પોતાની સ્વતંત્રતા અનુભવતા હોય છે. જરા આના ઉપર વિચારો: કોઈની સ્વતંત્રતાને કાપી લઇને તમે શું પ્રાપ્ત કરી લેવાની આશા રાખો છો? જો તમે પ્રેમનો અનુભવ કરવા માંગતા હોવ તો તમે તેમને ખુલ્લા મૂકી દો.

જયારે એક પંખી પોતાના માળામાં સલામતી અને ખુશી અનુભવે છે ત્યારે તે ભલેને ગમે તેટલું દુર ઉડીને કેમ ન જાય, તે હંમેશાં પાછું આવતું હોય છે અને એ જ વૃક્ષ પર પોતાનું ઠેકાણું બનાવતું હોય છે, અને એ જ માળામાં નિરાંતે સુઈ જતું હોય છે. આપણે સૌથી વધારે હોશિયાર છતાં સૌથી વધારે પરેશાન જાતિ છીએ કારણકે આપણે ફક્ત સીમાડાઓમાં રહેતાં, માલિકીભાવ વાળા અને આત્મલક્ષી (તેવા તો દરેક પ્રાણીઓ પણ હોય છે) તો છીએ જ પરંતુ આપણે ચાલાક અને છળકપટ કરવાવાળા પણ છીએ. આપણને એવું લાગતું હોય છે આપણે બીજી વ્યક્તિને છેતરી શકીએ કે તેમને કાબુ કરી શકીએ તેમ છીએ. આપણને એવું માનતા હોઈએ છીએ કે કોઇપણ રીતે આપણે તેમને એટલું બધું આપી શકીએ તેમ છીએ કે તેમને ક્યારેય બીજા કશાની કે બીજી વ્યક્તિઓની જીવનમાં જરૂર નહિ પડે. આશાસ્પદ વિચાર છે. પરંતુ પ્રેમમાં કોઈ ચાલાકી નથી હોતી.

પક્ષીઓ આકાશમાં સ્વતંત્રપણે ઉડતા રહે છે, ગાય મેદાનમાં મુક્તપણે ચારો ચરતી રહેતી હોય છે, સિંહ જંગલમાં શાનદાર રીતે વિહરતો રહે છે, મધમાખીઓ એક ફૂલ પરથી બીજા ફૂલ પર નિર્ભયપણે ઉડતી રહે છે, અને, આપણે, કહેવાતી આગળ પડતી જાતિને એકબીજાના હોવાની લાગણી જોઈતી હોય છે અને તે પણ જે દરેકનો મૂળભૂત હક છે તે છીનવી લઇને. સ્વતંત્રતા. કોઈ નવાઈ નથી લાગતી કે આપણે શા માટે આટલા બધા વિનાશક પણ છીએ! સ્વતંત્રતાનું વિરોધાર્થી એ બંધન નથી, પરંતુ વિનાશ છે. તમારે જેનો પણ વિનાશ કરવો હોય, તેની પાસેથી તેની સ્વતંત્રતાને ઝુંટવી લો. આપણે પ્રત્યેકજણ આપણી પોતાની દુનિયાના સર્વોપરી હોઈએ છીએ.

પ્રેમ ફક્ત કાળજી કરવાનું જાણે છે, તે ફક્ત સેવા કરવાનું જાણે છે અને અંતે તે ફક્ત એક સ્વતંત્રતાને જ સમજતું હોય છે, કારણકે, સ્વતંત્રતા જ ફક્ત એકમાત્ર એવી લાગણી છે કે જે તમને અંતે સંપૂર્ણ બનાવતી હોય છે, જે તમને માનવ હોવાનો અહેસાસ આપે છે. તે ખરેખર મુક્ત કરનારું હોય છે. અને મહેરબાની કરીને અંગ્રેજીમાં તેના માટેનો શબ્દ છે soul mate (આત્મીયજન, soul = આત્મા) અને sole mate (sole = પગરખાનું તળિયું અને બીજો અર્થ થાય ‘એકમાત્ર’) નહિ. અને, sole હું પગરખાનાં તળિયા માટે નથી વાપરતો પરંતુ એકમાત્ર વિશેષણ તરીકે વાપરું છું (sole mate = એકમાત્ર મારા સાથી).

જયારે મુલ્લા નસરુદ્દીન મેયર તરીકે ચૂંટાયા ત્યારે કોઈએ પૂછ્યું, “સાહેબ, તમે દારૂ પીવો છો?”
“આ એક આરોપ છે કે આમંત્રણ?” મુલ્લાએ કહ્યું.
“આ તો ફક્ત એક સવાલ છે, સાહેબ.” પેલાએ જવાબ આપ્યો.
“ઓહ,” મુલ્લા હસ્યા. “એમાં શું મજા છે?”

હું મારા વાંચકને એક શબ્દમાં પણ જવાબ આપી શક્યો હોત: ‘છૂટાછેડા’. અથવા બે શબ્દોમાં: ‘પીઢ બનો.’ અથવા ત્રણ શબ્દોમાં: ‘આ છે લગ્નજીવન.’ અથવા ચાર શબ્દોમાં: ‘તમારી શું આશાઓ છે?’ પણ, પછી મેં વિચાર્યું, એમાં શું મજા છે?

તમારી જાતને બહુ ગંભીરતાથી ન લેશો; તે એક રોગ છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email