આપણે બધાં જ યોજનાઓ બનાવતા હોઈએ છીએ. હકીકતમાં જોવા જઈએ તો આપણામાંના મોટાભાગના લોકો મોટાભાગે બસ ખાલી એ જ કામ કરતાં હોઈએ છીએ. આપણે ભવિષ્ય માટે યોજનાઓ, ગુલાબી યોજનાઓ, આરામદાયક યોજનાઓ, સુંદર યોજનાઓ બનાવતા રહેતા હોઈએ છીએ, પરંતુ મોટાભાગનાં લોકોની મોટાભાગની યોજનાઓ ક્યારેય કોઈ આકાર લેતી જ નથી હોતી. કોઈ વખત તો સીધી સાદી અને વ્યવહારુ યોજના પણ ઠપ થઇ જતી હોય છે. હા, એવાં પણ ઘણાં લોકો હોય છે કે જેઓ પોતાની યોજનાઓને કાર્યાન્વિત પણ કરી શકતા હોય છે. ક્યારેય વિચાર્યું છે એવું શા માટે થતું હોય છે કે બાકીની બધી વસ્તુઓ એક સમાન હોવા છતાં, અમુક લોકો સહજ સફળતાને પ્રાપ્ત કરી લેતાં હોય છે જયારે અમુક લોકો ગમે તેટલો સખત પ્રયત્ન કર્યા પછી પણ નિષ્ફળ જતાં હોય છે? તમારી યોજનાઓ કેમ કામ નથી કરતી હોતી? તમારી યોજનાઓ શા માટે આકાર નથી લેતી તેનાં માટેના મારા તરફથી આ રહ્યા પાંચ કારણો:

૧. તમે ફક્ત વિચારો જ કરો છો કાર્ય નહિ.

મોટાભાગનાં લોકો ઉત્સાહી હોય છે અને પોતાની યોજનાઓ પ્રત્યે સમર્પિત પણ હોય છે. ફક્ત તેમનાં મગજમાં જો કે. તેઓ નિરંતર પોતાની યોજનાઓ વિશે સ્વપ્નાઓ જોતા રહેશે, તેઓ તેનાં માટે સતત થાક્યા વિના વાતો પણ કરતાં રહેશે. પણ બસ તેટલું જ. તેઓ ક્યારેય સક્રિય નહિ થાય. તેઓ વર્ષો સુધી વજન ઉતારવાનો વિચાર કરતાં રહેશે, તેઓ પોતાનાં સ્વપ્નને અનુસરવાનો, પ્રવાસ કરવાનો, કોઈ નવી કલા શીખવાનો, વિચાર કરશે, પણ બસ વિચાર ઉપર જ અટકી જશે. ઘણી વાર તેઓ પોતે બનાવેલી યોજના ઉપર કામ કરવા માટે પોતાનાં જીવનમાં કોઈ મહાન ક્ષણ આવશે તેની બસ વાટ જ જોતા રહેતા હોય છે. મારા મત પ્રમાણે તો કોઈ મહાન ક્ષણની રાહ જોવી એ સૌથી મોટી ભુલ છે, કારણકે, એ કહેવાતી મહાન ક્ષણ ક્યારેય આવતી હોતી જ નથી, અને મહાન કાર્યો ક્યારેય શરુ જ નથી થતાં, મોટી યોજનાઓ ક્યારેય અમલમાં મુકાતી જ નથી હોતી. યોજના અને યોજનાઓનાં સર્જનહાર બને જ્યાં હતાં ત્યાંનાં ત્યાં જ રહી જતાં હોય છે – અને તે એટલે ક્યાંયનાં નહિ.

કોઈ યોજના, દુનિયામાં ગમે ત્યાં હોય, ફક્ત તેનાં વિશે વિચાર કર્યે રાખવાથી સફળ થઇ નથી. અલબત્ત, વિચારણા તો જરૂરી જ હોય છે, અને સફળતા માટે તો તે અનિવાર્ય પણ ખરી, પરંતુ પરિણામો તો ફક્ત તેનાં માટે કામ કરવામાંથી જ આવતાં હોય છે.

૨. તમે તમારી યોજનાઓ બહુ વહેલાં ઉઘાડી પાડી દો છો.

યોજનાઓ એક બિયારણ જેવી હોય છે. જયારે તમે તેને વાવો ત્યારબાદ તેનાં ઉપર આવરણ મૂકી દો. તેનું પોષણ કરો અને તેનાં ઉપર ચુપચાપ બસ કામ કરતાં રહો. જયારે તે આકારિત થશે, ત્યારે દુનિયાનું ધ્યાન તેની ઉપર આપોઆપ જવાનું જ છે. તમારે જાહેરાતો કરવાની કોઈ જરૂર નથી હોતી કારણકે જયારે તમે તમારી યોજનાઓ સાથે જાહેર થઇ જાવ છો, ત્યારે બીજા લોકોનાં અસંખ વિચારો, મતો અને ઉર્જા તમારી મૂળભૂત વિચારણામાં ડખલગીરી કરવા માંડે છે. વધુમાં, તમારી યોજનાઓ મોટાભાગે ચોકકસપણે બદલવાની જ. માટે, જયારે તમે તેની જાહેરાત કરી દો છો, ત્યારે જયારે પણ તમારે તમારી યોજનાઓમાં કઈક ફેરબદલ કરવી હોય, ત્યારે તમને એવી ચિંતા થવા જ માંડશે કે લોકો શું વિચારશે. આવું કરવાથી, તમે ફક્ત તમારી જાત ઉપર કોઈ મર્યાદા જ માત્ર નથી મૂકી દેતા પરંતુ તમે તમારી યોજનામાં જરૂરી એવાં ફેરફાર પણ નથી કરતાં કેમ કે તમને હવે એવો ડર છે કે તેમ કરવાથી તમે બીજા લોકોની નજરમાં મુર્ખ સાબિત થશો.

જો તમારે ખરેખર તમારી યોજનાઓ વિશે બીજાને વાત કરવી જ હોય કેમ કે તેમ કરવાથી તમને તેનાં પ્રત્યે શિસ્તબદ્ધ રહેવા માટેની કોઈ પ્રેરણા મળતી હોય, તો તમે તમારી યોજના માટે શું પગલાં લેવાના છો તેની જાહેરાત કરો અંતિમ પરિણામની નહિ. દાખલા તરીકે, તમારી યોજના ૨૦૧૫માં ૧૦ કિલો વજન ઉતારવાની છે. તો એમ ન કહો, “હું તો આ વર્ષે ૧૦ કિલો વજન ઉતારીશ.” એનાં બદલે બીજા લોકોને એમ કહો કે, “હું અઠવાડિયામાં ૫ દિવસ જીમમાં જવાનો છું અને હું ગળી વસ્તુ ખાવાનું બંધ કરવાનો છું.” કે પછી એનાં જેવું કઈક બીજું. આશા રાખું કે તમે સમજી ગયા હશો કે હું શું કહેવા માંગું છું. જયારે તમે કોઈ અંતિમ પરિણામ નહિ પરંતુ કરવા માટેના કાર્યોનું વચન આપો છો ત્યારે તમે તમારી યોજના ઉપર મુક્તપણે અને સક્ષમપણે કામ કરી શકો છો.

૩. તમે બહુ વહેલાં પડતું મૂકી દો છો.

આ સૌથી સામાન્ય પ્રશ્ન છે. વાસ્તવમાં આ એક પહેલા ક્રમાંકનું કારણ છે. તમારે ગમે તે કરવું હોય, તે રાતોરાત તો નથી જ થઇ જવાનું. તે તો તેને જોઈતો સમય લેવાનું જ છે. જો કોઈ વૃક્ષ ૧૦૦ ઘા મારવાથી તૂટતું હોય તો તમે ૧૦૦મો ઘા જ પ્રથમ નહિ મારી શકો. પ્રથમ ૯૯ ઘા પણ એટલાં જ મહત્વનાં હોય છે. પ્રથમ ૯૯ વગર, ૧૦૦ હોય જ ન શકે.

કેટલું વહેલું બહુ વહેલું કહેવાય, તમે કદાચ પૂછશો? વારુ, જયારે તમે અંતિમ લક્ષ્ય સુધી પહોંચ્યા પહેલાં જ છોડી દો તો તે વહેલું જ કહેવાય. હું અહી એવું નથી સુચવી રહ્યો કે તમે ગેરવ્યાજબી યોજનાઓને વળગેલા રહો. ઘણી બધી વાર, લોકો નાણાંકીય, ધંધાકીય, કે અંગત નિર્ણય પણ ખોટા લઇ લેતાં હોય છે, અને તમે ભૂલ કરી છે તેમ સ્વીકારવામાં કશું ખોટું પણ નથી, તેમાં સુધારો કરો અને આગળ વધો. પરંતુ, તે સિવાયના બાકીનાં બધા લક્ષ્યો માટે કે જેમાં તમારી પાસે સ્રોતની કોઈ ખોટ નથી, જ્યાં તમે વ્યાજબીપણે વધુ મોટો પ્રયત્ન કરી શકો તેમ હોવ, ખાસ કરીને આત્મવિકાસ માટેના ધ્યેયો માટે, જ્યાં સુધી તમે તમારું નક્કી કરેલું પરિણામ ન મેળવી લો ત્યાં સુધી તેને અધવચ્ચે પડતું નહિ મુકો. નાના-નાના ડગ ભરો, અને સતત ભરતા રહો, એક પછી એક. એ પહેલાં કે તમને ખબર પણ પડે નવ વારનું અંતર તમે કાપી લીધું હશે.

૪. તમે સાંભળતા નથી હોતા

તમારી યોજનાઓ માટે ચોક્કસ હોવું તે એક વાત છે અને તમારી પાસે સર્વશ્રેષ્ઠ યોજના છે તેમ વિચારવું એક બિલકુલ જુદી જ વાત છે. પ્રથમ વાતમાં તમારો આત્મવિશ્વાસ રહેલો છે જયારે બીજીમાં મૂર્ખતા. એવું સંશોધન થયેલું છે, ૯૫% ધંધા તેનાં ચાલુ થયાના પ્રથમ વર્ષમાં જ બંધ થઇ જાય છે. મોટાભાગના ઉદ્યોગીઓ પોતાનાં ધંધાના પ્રેમમાં એટલાં બધા આવી જાય છે કે તેઓ સાચી જાણકારી પ્રત્યે પણ અંધ બની જતાં હોય છે. “મારો વિચાર ખોટો હોઈ જ ન શકે, મારા નિર્ણયો ખરા હોય છે, મારી આજુબાજુ રહેલાં લોકો કરતાં હું વધારે હોશિયાર છું.” આવું આપણામાંના મોટાભાગનાં લોકો (છુંપી રીતે પણ) પોતાનાં વિશે અને પોતાની યોજનાઓ વિશે અનુભવતાં હોય છે.

હા, હા મને ખબર છે કે જે પણ લોકો સફળ થયાં છે તેમને તેમની અંત:સ્ફૂરણા ઉપર વિશ્વાસ હતો. ચોક્કસ, જાવ અને તમારી અંત:સ્ફૂરણા ઉપર વિશ્વાસ કરો, પણ, મારો વિશ્વાસ રાખો, કે બીજાને સાંભળવામાં કોઈ જ નુકશાન નથી રહેલું. ઓછા નામે, ફક્ત સાંભળો તો ખરા. એક વાર સાંભળી લીધા પછી, તમારે તેમનાં અભિપ્રાય મુજબ કરવું કે ન કરવું તેનાં વિશે નિર્ણય તમે લઇ શકો છો. કોને ખબર, કોઈક સારી વાત તેમાંથી ઉભરી પણ આવે. હા, તમારે કઈ વણમાંગી બધા જ પ્રકારની સલાહોને સાંભળવાની પણ કોઈ જરૂર નથી, અને તમે ચોક્કસપણે એ ઓળખી શકો તેમ હોવ છો કે કોને તમને એક પ્રામાણિક મત આપવામાં રસ છે અને કોને તમારી બસ ટીકા કરવામાં રસ છે. પરંતુ જો કોઈ વ્યક્તિ તમને બરાબર યોગ્ય રીતે સાંભળી લીધા પછી પણ તમારી સાથે અસહમત હોય, તો તેને તમે પણ એકવાર સાંભળી લો. કદાચ, તેની પાસે પણ કઈક કહેવા જેવું હોય.

૫. તમે તમારી શિસ્તને નથી અનુસરતા.

તમે તમારી આજુબાજુ સફળ લોકો તરફ ગમે તે બાજુએથી નજર કરશો તો તમને જણાશે કે તેઓ બિલકુલ સમય બગાડતા નથી હોતા. તેઓ પોતાનું જીવન એક શિસ્ત સાથે જીવતાં હોય છે. મહાન નેતાઓથી લઈને શ્રીમંત લોકોમાં શિસ્ત એ તેમનાં જીવનની એક વિશેષતા હોય છે. તમે એકવાર શિસ્ત નક્કી કરી લીધા પછી બસ તેને અનુસરો. તમારું મન તમને તેને નહિ અનુસરવાના, આજે ફક્ત હળવાશથી લેવાના, કાલે કરવાનાં, કે તમારી યોજનાને પડતી મુકવાના અસંખ્ય બહાના આપશે. તમારે ફક્ત એક જ કામ કરવાનું છે અને તે છે તમારા મનનું નહિ સાંભળવાનું. તમે તમારી શિસ્તનું પાલન કરવા માટે જેટલાં વધુ કટિબદ્ધ હશો તેટલું જ તમારું મન ઓછા બહાના બતાવશે. અને, એકવાર તમારાં મનને એ ખબર પડી જશે કે તમે હલો એવાં નથી, ત્યારે તે ફરિયાદ કરતુ બંધ થઇ જશે.

જો તમે સખત મહેનત કરવા વાળા અને શિસ્તબદ્ધ હશો, જો તમે એક સારા શ્રોતા હશો અને કોઈ તમારા પ્રત્યે ધ્યાન આપે એવી જરૂરત વગર જો તમે તમારું કામ કરી શકતા હશો તો તમારી સફળતા નક્કી જ છે.

મુલ્લા નસરુદ્દીનની પત્નીએ તેમને તેમનાં જીદ્દી સ્વભાવ અને વારંવાર મળતી નિષ્ફળતા માટે દાકતરને મળવા માટે રાજી કરી લીધા. મુલ્લા નિખાલસપણે ખુલ્લા થઇને વાત નહિ કરે એ બીકે તેને છુંપી રીતે મનોચિકિત્સકને બોલાવીને અગાઉથી જ તેમને આ બાબત વિષે વાકેફ કરી દીધાં.
“મને લાગે છે કે તમે સ્વ કલ્પનાઓથી પીડાવ છો,” દાક્તરે મુલ્લાને પ્રથમ મુલાકાતમાં કહ્યું.
“એ શું છે?”
“એનો મતલબ છે કે તમે તમારા માટે બહુ ઉંચો વિચાર ધરાવો છો.”
“શું બકવાસ છે,” મુલ્લાએ કહ્યું. “હું તો મારા વિશે હું વાસ્તવમાં જે છું તેનાં કરતાં ક્યાંય નીચું વિચારું છું.”

જો તમે તમારી અંદર અને તમારી આજબાજુ એક વાસ્તવિકતાનાં સ્પર્શમાં રહેશો, જો તમે તમારી જાત સાથે સાચ્ચા રહેશો તો તમારી યોજનાઓને પાર ઉતરતી જોવાની તકો અનેકગણી વધી જશે. સફળતાનાં મહેલો સચ્ચાઈ અને પ્રામાણિકતાની ભૂમિ ઉપર બંધાતા હોય છે. બસ એક સમયે એક ઈંટ.

તમારા સ્વપ્નાઓ કદાચ અવાસ્તવિક હોઈ શકે છે, પરંતુ જ્યાં સુધી તમારા કાર્યો વાસ્તવિક હશે ત્યાં સુધી તેનો કોઈ વાંધો નથી.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email