શા માટે અમુક લોકો બીજાની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ હોય છે અને અમુક લોકોને કોઈની પડી જ નથી હોતી? એવું અમુક લોકોમાં શું હોય છે કે જે તેમનાંમાં સમાનુભતિ આપોઆપ જન્માવતી હોય છે. ભારતમાં આ એક સુદંર અને પ્રખ્યાત ભજન છે, જે મહાત્મા ગાંધીનું સૌથી પ્રિય ભજન હતું. આ રહી તેની પ્રથમ થોડી પંક્તિઓ:

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે,
પર દુઃખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે.

સાચો ભક્ત તો એ છે કે જે પારકી પીડાને સમજે છે, જે બીજાને મદદરૂપ થાય છે અને તેમ છતાં પોતાનાં મનમાં અભિમાન કે અહંકાર આવવા દેતો નથી.

પીડા માટે કઈક વિચિત્ર કહી શકાય એવી બાબત રહેલી છે. તે જુદા જુદા લોકોને જુદી જુદી રીતે અસર કરે છે. કેટલાંક લોકો જે પીડાય છે તે દુનિયાને પીડવાનું નક્કી કરે છે. “મને આ સહેલાઇથી નથી મળ્યું, માટે કોઈને પણ આ સહેલાઇથી ન મળવું જોઈએ,” એવું તેઓ માનતાં હોય છે. જયારે, અમુક લોકો એવાં હોય છે જે બિલકુલ તેનાંથી વિપરીત કરતાં હોય છે. “મને જે દુઃખ પડ્યું તે બીજા કોઈને ન પડવું જોઈએ,” એવું તેઓ કહેતાં હોય છે. આ બન્ને કોટીમાં આવતાં લોકોની સંખ્યા કઈ કમ નથી, આપણું વિશ્વ સારા અને ખરાબ એમ બન્ને લોકોથી ભરપુર છે. સવાલ જો કે તેમ છતાં એ છે કે અમુક લોકો બીજા લોકો કરતાં શા માટે વધુ કાળજી કરનારા અને અન્ય પ્રત્યે સમાનુભુતિ દાખવનારા હોય છે? ચાલો પ્રથમ હું તમને એક નાની વાર્તા કહું.

એક ગુરુ રાજાનાં કુંવરને બાર વર્ષ સુધી શિક્ષા આપીને એક સુંદર નવયુવાન બનાવે છે – એક શિષ્ટ અને ઉદાર વ્યક્તિ. જયારે ગુરુ રાજાને તે કુંવર પાછો સોપે છે ત્યારે તે વખતે તે તેનાં વખાણ કરવાનું નથી ચુકતા. તેઓ ભવિષ્યવાણી કરે છે કે આ ગુણવાન કુંવર એક દિવસ મહાન સમ્રાટ બનશે. થોડા વર્ષો પસાર થઇ જાય છે અને કુંવર છે તે રાજ્યની મહત્વની બાબતો ઉપર સારો એવો કાબુ મેળવી લે છે. વૃદ્ધ થતાં જતાં રાજા એવું વિચારે છે કે હવે કુંવરને સત્તા સોપી દઈને પોતે નિવૃત થઇ જવું જોઈએ.

સહજપણે, તેનાં ગુરુને આ ખાસ વિધિ સમારોહ માટે નિમંત્રણ આપવામાં આવે છે.

“હે ગુરુદેવ,” રાજાએ સમારોહમાં કહ્યું, “તમારા શિષ્યને આશિષ આપો કે તે હંમેશા એક ન્યાયી રાજા બને અને લોકોના કલ્યાણ માટે હંમેશા કટિબદ્ધ રહે.”

ગુરુએ સ્મિત કર્યું અને ધીમેથી ઉભા થયા અને રાજકુંવર પાસે ચાલીને ગયા. પરંતુ આશીર્વાદ આપવાને બદલે તેમણે તો એક લાકડી લઇને રાજકુંવરને મારવાનું ચાલુ કર્યું.

રાજા, રાજકુંવર, ઉપસ્થિત બધા દરબારીઓ અને અને ત્યાં હાજર રહેલાં તમામ લોકોને તો ખુબ જ આશ્ચર્ય થયું અને ચકિત થઇ ગયા, પણ કોઈએ એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહિ જ્યાં સુધી ગુરુ પોતે અટક્યા નહિ.
“હે ગુરુદેવ મને સજા કરવાનો તમને પૂરો અધિકાર છે,” કુંવર કહ્યું, “પણ, મને મારો વાંક તો ક્હો.”
“હા, ગુરુવર,” રાજા બોલ્યા, “તમે તેને શા માટે ફટકાર્યો? કઈ ભૂલ માટે?”
“કોઈ ભૂલ નથી થઇ,” ગુરુએ જવાબ આપતાં કહ્યું. “આ અંતિમ પાઠ હતો. કાલે, એક રાજા તરીકે તેને કોઈકને સજા પણ આપવી પડશે. હવે, જયારે જાતે પીડાનો અનુભવ કરી લીધો છે તો તે એક સાચ્ચા સંયમ સાથે તેનું પાલન કરશે. તે સજા પામેલ વ્યક્તિની લાગણીને વધુ સારી રીતે સમજી શકશે.”

મને વાર્તામાંનો સંદેશ ખુબ જ ગમી ગયો. ક્યાંક, કોઈનાં દર્દને સાચી રીતે સમજવા માટે, તેની સાથે સમાનુભૂતિ દાખવવા માટે, આપણને ખબર હોવી જ જોઈએ કે પીડાવું એટલે શું. એક વિરોધાભાસ સાથે, અમુક હદ સુધીની પીડા માણસોને એકબીજાની નજીક લાવે છે. એ દંભના સ્તરને બહુ ઝડપથી તોડી પાડે છે, કૃત્રિમતાને પીગળાવી દે છે. પીડામાં, કાં તો તમે સામે વાળી વ્યક્તિની સાથે હોવ છો ને કાં તો સાથે નથી હોતા. જયારે તેઓ દર્દમાં હોય છે, ત્યારે કાં તો તમે તેમને મદદ કરો છો અને કાં તો નથી કરતાં.

ઘણીબધી વાર હું એવાં લોકોને મળતો હોવ છું કે જેઓને દયાનો અનુભવ કરવો હોય છે, સમાનુભૂતિ દાખવવી હોય છે પરંતુ તેઓ તેમ કરી શકતા નથી હોતા, એવું તેઓ કહેતાં હોય છે. જયારે તેઓને સામે વાળા સાથે બનતું નથી હોતું ત્યારે તેમને ફક્ત તેમનાં માટે ગુસ્સો જ અનુભવાય છે. સામે વાળાનું દુઃખ, દર્દ કે પીડા તેમનાં હૃદયને પીગળાવી શકતું નથી, તે તેમને સહેજ પણ હલાવી શકતું નથી. તેઓ બસ જાણે કશું જ નથી થયું તેમ રાખીને બસ આગળ ચલાવે જાય છે, જાણે કે એની સાથે પોતાને કઈ જ લેવાદેવા ન હોય. હું સમજુ છું તમે શું કહી રહ્યા છો. અને તેનાં માટે ખોટું લગાડવાની કોઈ જ જરૂર નથી.

તમારી લાગણી તમારા કાબુની વાત નથી. મોટાભાગે. પરંતુ તમારા કર્મો તમારા કાબુમાં છે. હું એવી આશા રાખું છું. કોઈ વાર તમે સામે વાળાને દર્દમાં જોઈને તમને એક તટસ્થતા કે સ્વાર્થ કે પછી એમાં જાણે કે કશું જ અનુભવાતું ન હોય એવું તમને લાગી શકે છે. કઈ વાંધો નહિ. એ માનવસહજ (કે અમાનવીય) છે. એ સારું નથી, પરંતુ તેનાંથી તમે કઈ ખરાબ વ્યક્તિ નથી બની જતાં. તમે તમારી લાગણીને કહી ન શકો પરંતુ તમે અમુક રીતે ચોક્કસપણે વર્તી શકો છો, એક દયા ભાવ સાથે, એક વધુ કાળજીપૂર્વકતાથી. જો તમે તેમ કરશો, તો બહુ વાર લાગ્યા વિના જ તમે સમાનુભૂતિની સરિતાને તમારા હૃદયમાં ચારેય ઋતુમાં ખળખળ વહેતી અનુભવશો.

કોઈને માથું દુઃખી રહ્યું છે અને તેઓ પીડામાં છે. તમને તેમનું દુઃખ નથી અનુભવાતું. કોઈ વાંધો નથી. તમે કદાચ એ રીતનાં હોઈ શકો છો. પણ, ઉભા થાવ અને તેને દવા આપો. આ દયા છે. કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વિના બસ તેને સાંભળી લો. આ સમાનુભૂતિ છે. જયારે તમે આ બન્નેનું પાલન કરશો ત્યારે, તમે ફક્ત સામેવાળાને દર્દને સમજવાની જ શરૂઆત નહિ કરો પરંતુ તમે તે દર્દને તમારી અંદર અનુભવી પણ શકશો.

જયારે તમે બીજાનું દર્દ અનુભવી શકતા હશો ત્યારે તમારું પોતાનું અસ્તિત્વ એક ગહન પરિવર્તન પામશે. દયા અને સમાનુભૂતિ માટે આ એક કદાચ ખુબ જ મોટી વાત છે: તે ખરેખર તમને તમારા પોતાનાં વિકાસ માટે મદદરૂપ થાય છે – આધ્યાત્મિક અને લાગણીકીય વિકાસ બન્ને માટે. તમે જયારે નિ:સ્વાર્થ ભાવે વર્તન કરો છો ત્યારે તમને સીધો ફાયદો થઇ જતો હોય છે.

મેં ક્યાંક વાંચ્યું હતું: બીજાનું દર્દ સમજવા માટે ફક્ત તેનાં બુટમાં પગ જ રાખીને ન જુઓ પણ એ બુટ પહેરીને એક મીલ સુધી દોડી પણ જુઓ. અને જો એ દોડને અંતે પણ તમને એનું દર્દ ન અનુભવાય, તો શું હતું, ઓછા નામે તમે એ દુઃખી વ્યક્તિથી એક મીલ જેટલાં દુર તો થઇ ગયા અને તમારી પાસે એને ડંખતા બુટ પણ આવી ગયા.

આ ફક્ત એક હસવા માટેની વાત છે, કારણકે, દયા અને સમાનુભૂતિ પછીની જો કોઈ દિવ્ય લાગણી હોય તો તે છે રમુજ. બધી જ સારી લાગણીઓની જેમ, રમુજ પણ આપનાર અને મેળવનાર બન્નેને સમૃદ્ધ કરે છે. અરે ભૌતિક રીતે પણ. નહિ તો જેરી સીનફિલ્ડ કઈ રીતે શ્રીમંત કલાકાર બની શકત, તમે જાતે વિચારો? જરા કલ્પના કરો કે વિનોદી હોવાનો અભિનય કરવાથી જો એટલું શ્રીમંત થઇ જવાતું હોય તો ખરેખર વિનોદી સ્વભાવના હોઈએ તો કેવું અનુભવાય?

ભૌતિક બાબત હોય કે આધ્યાત્મિક. જયારે તમે દયાળુ ન બની શકતા હોવ, જયારે તમે સમાનુભૂતિ ન દાખવી શકતા હોવ, જયારે તમે બીજાનું દર્દ ન અનુભવી શકતા હોવ તો ઓછા નામે ગુસ્સે તો ન જ થાવ, મારું કહેવાનું બસ ફક્ત એટલું જ છે.

ચાલો થોડી પોતાની જાતને ઢીલી છોડી દઈએ અને આપણી ઈચ્છા, આપણી પ્રાથમિકતાઓ અને આપણી માંગની ઉપર ઉઠીને પણ જોઈએ. આ જ દુનિયા ત્યારે ઘણી જુદી લાગશે, એટલી ઠંડી કે રોગી નહિ લાગે. મને એક સુફી વાણી યાદ આવી ગઈ:

अय खुदा ऐसी खुदाई ना दे की खुद के सिवा कुछ और दिखाई ना दे

હે ભગવાન મારા ઉપર એટલી કૃપાવર્ષા પણ ન કરો કે મને મારા સિવાય બીજું કશું દેખાય જ નહિ.

જયારે બીજા લોકોનાં દર્દની વાત આવે, ત્યારે તેને અનુભવવાની કોશિશ કરો. ઓછાનામે કોશિશ તો કરો જ. જો તમે તે ન કરી શકતા હોવ, તો તેનાં ઉપર ચિંતન કરો, તેનો વિચાર કરો. અને તે પણ જો બહુ અઘરું હોય તો પછી ઓછા નામે તમારું વર્તન તો સારું જ રાખો કે જેથી કરીને તમે બીજાને દુઃખ ન પહોંચાડો. અને આ જ બાબત જાદુ કરી જશે. સૌથી મહત્વની વાત, આપણને બીજાને તકલીફ પહોંચાડવાનો કોઈ જ હક્ક નથી. કોઈ જ નહિ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email