એક વખતે, એક ચોરને કેટલાંય દિવસ સુધી એકધારો નસીબે સાથ નહોતો આપ્યો. એક રાતે તો તે મક્કમ નિર્ધાર સાથે નીકળ્યો કે આજે રાતે તો ખાલી હાથે પાછાં નથી જ ફરવું. પોતે શેરીઓમાં ફરીને એક એવાં ઘરની બારીકાઇથી શોધ કરવા લાગ્યો કે જેમાં છાપો મારી શકાય, પરંતુ તેને કોઈ સફળતા મળી નહિ. થાકેલો-હારેલો તે વહેલી સવારનાં એક ફૂટપાથ ઉપર બેઠો અને તેને તો ત્યાં ને ત્યાં જ ઊંઘ જ આવી ગઈ.

થોડી મીનીટો બાદ ત્યાંથી એક દારૂડિયો પસાર થયો. તેણે આ ચોરને જોઈને વિચાર કર્યો કે આ પણ કોઈ દારૂડિયો જ લાગે છે કે જે શેરીમાં જ ફસડાઈ પડ્યો છે. તે તો ત્યાં ઉભો રહીને જોવા લાગ્યો કે બાજુમાં કોઈ બાટલી પડી છે કે નહિ, કારણકે તેને તો તેમાં જ એકમાત્ર રસ હતો – બસ ક્યાંકથી વધારે દારૂ મળી જાય. પણ, ત્યાં તો એકપણ બાટલી પડી નહોતી. ગુસ્સે થઈને તે તો ત્યાંથી ચાલતો થયો. એ બસ આમ ગયો જ હશે કે ત્યાં બીજો એક માણસ, કે જે જુગારીયો હતો, તેણે આ ચોરને સૂતેલો જોયો.
“બિચારો, લુંટાઈ ગયો લાગે છે,” તેણે વિચાર્યું “તેણે કદાચ એટલું બધું ખોઈ દીધું લાગે છે કે ઘરે જતાં પણ બીક લાગતી હશે.”
એકાદ કલાક પસાર થયો હશે કે ત્યાંથી એક બીજો ચોર પસાર થયો. તેણે આ સુતેલા માણસને જોયો અને વિચાર્યું કે, “આ પણ એક મારા જેવો નાનો ચોર જ લાગે છે કે જેને પણ આજે રાતે કશું હાથ નથી લાગ્યું.”
ક્ષિતિજે પ્રભાત ફૂટ્યું અને એક યોગી બાજુની નદીએ સ્નાન કરવા માટે નીકળે છે. તેણે આ ચોરને સૂતેલો જોયો અને મનોમન તેનાં વખાણ કર્યા.
“આ ખરો યોગી કહેવાય,” તેને લાગ્યું. “મારી જેમ નહિ, હું તો હજી પણ ક્રિયાકાંડમાં ફસાયેલો છું, આ તો બસ અહી જ નિશ્ચિંત થઇને પડી ગયો છે, પોતાની પાસે કશું જ રાખ્યું નથી. ખરેખર આ યોગીનો રસ્તો છે.”
યોગીને તો આ ચોર પાસેથી એક ઊંડી પ્રેરણા મળે છે, તે તેને નમન કરે છે અને ત્યાંથી ચાલતો થાય છે.
એક બીજા કલાક પછી, સુરજની ગરમી વધતાં, આ ચોર જાગી જાય છે અને પોતાનાં ઘર તરફ ખાલી હાથે જ ચાલતો થાય છે.

આ રીતે જ આપણું આ વિશ્વ પણ ચાલતું હોય છે. તમે કેવા છો, કેમ તેવાં છો કે તમે શું છો (કે શું નથી), તેનાં વિશે દરેકજણ પોતપોતાની ક્ષમતા મુજબ જ વિચારતાં હોય છે. તેઓ પોતાની સમજ અને પોતાની પૂર્વધારણાઓ મુજબ જ તમારા વિશે મત બાંધશે. કોઈ માનશે કે તમે એક ચોર છો, તો બીજા તમને જુગારિયાનું બિરુદ આપશે. કોઈ તમને દારૂડિયા પણ સમજી લેશે તો કોઈ તમને એક યોગી તરીકે પણ જોઈ શકે છે. તેમાંના મોટાભાગનાં લોકો તમારા વિશે જે વિચારતા હશે તે તેમનાં ઉપર જ આધાર રાખતું હોય છે, તેમની પોતાની શરતી ધારણાઓ ઉપર. તે તમારા વિશે એટલું નથી હોતું જેટલું તે તેમનાં પોતાનાં વિશે હોય છે. તમે જેટલું વધારે સારી રીતે આ સમજી લેશો તેટલાં જ ઓછા તમે બીજા લોકોનાં તમારા વિશેનાં અભિપ્રાયોથી પરેશાન થશો.

મેં ક્યાંક એક વાક્ય વાંચ્યું હતું: “તમે લોકો તમારા વિશે શું વિચારે છે તે જાણીને ત્યારે બહુ જ ઓછા પરેશાન થશો જયારે તમે એ જાણી લેશો કે ખરેખર તો તેઓ તેવું (તમારા વિશે વિચાર) ભાગ્યે જ કરતાં હોય છે.” અને, જયારે પણ લોકો તમારા વિશે વિચાર કરે ત્યારે પણ એ તો મોટા ભાગે તેઓ તમારા વિશે શું વિચારવા માંગે છે તેનાં ઉપર જ હોય છે. તેઓ જેમ મોટા અને વિકસિત થતાં જાય, જેમ જેમ તેમની પ્રાથમિકતાઓ બદલાતી જાય, તેમ તેમ તેઓનું વિચારવાનું પણ જુદું થતું જાય છે. તેઓ કદાચ એવું ના સ્વીકારે કે તેઓનો તમારા વિશેનો મત બદલાઈ ગયો છે કારણકે આપણી દુનિયા દરેક બાબતમાં એક સાતત્યતાની અપેક્ષા રાખે છે. અને મતમાં બદલાવને કાયમ સારી રીતે નથી જોવામાં આવતો. જો કે તેઓ વ્યક્ત કરે કે ન કરે પરંતુ જેમ જેમ તેમની ચેતના મોટી થતી જાય તેમ તેમ તેઓ તમને એક નવા જ પ્રકાશમાં જોતા હોય છે. માટે જ, બીજા લોકોના સદા ભ્રામક એવાં વિચારો વિશે વિચાર કર્યા કરવો તેમાં કોઈ ડહાપણ નથી.

હું તમને એવું નથી કહી રહ્યો કે તમે અન્ય લોકોનાં મતને બિલકુલ સન્માન આપો જ નહિ અને તમે તમારું જીવન એવું વિચારીને દુષિત કરી નાંખો, કે વારું તેમનાં તમારા વિશેના અભિપ્રાયો તો ખોટા જ હોય છે. પણ હું તો એમ કહી રહ્યો છું કે આજે નહિ તો કાલે તમારે તમારી જાતને એ પ્રશ્ન પૂછવો જોઈએ: તમે બીજા તરફથી તમારા વિશે હકારાત્મક મત મેળવવા માટે તમારી જાતને ક્યાં સુધી ખેંચવા માંગો છો? લોકો તમારા વિશે બહુ ઊંચું વિચારે તે તમારા માટે આખરે કેટલું મહત્વનું છે? જો કે એ ખુબ જ રસપ્રદ છે અને નવાઈ લાગે તેવું પણ, કે આપણામાંના મોટાભાગનાં દરેકજણ એવી અપેક્ષા રાખે છે કે બીજા લોકો તેમનાં પુસ્તકમાં આપણને સારા ચિતરે. આપણે એવું ઇચ્છીએ છીએ કે બીજા લોકો આપણા વિશે બહુ જ ઉચું વિચારે. જયારે કોઈ બીજું આપણા મતને અનુમોદન આપે ત્યારે આપણને એક પ્રકારની પરિપૂર્ણતા અને સિદ્ધિ મેળવ્યાની લાગણી થતી હોય છે.

રમુજ પમાડે એવી વાત તો એ છે કે તેઓ પણ ખુબ જ મહેનત કરતાં હોય છે કે જેથી તમે પણ તેમને અમુક પ્રકારે જ જુઓ અને વિચારો. બન્ને જણ એકબીજા ઉપર એવી અસર કરવા માંગતા હોય છે કે જેથી કરીને તેમનાં બન્નેનું સામાન્ય લક્ષ્ય સિદ્ધ થાય અને તે છે: પોતાનાં વિશે બીજાને સારું લાગવું જોઈએ. આ બીજા લોકો તરફથી મળતા અનુમોદનની ચાહ એ ખુબ જ પ્રબળ હોય છે, અને કુદરતી હોય છે. કારણકે જન્મતાવેંત જ આપણને સતત અન્ય લોકોનું અનુમોદન જોઈતું હોય છે. હંમેશાં કોઈને કોઈ તો સતત આપણને તેણે પોતે નક્કી કરેલા માપદંડોની વિરુદ્ધ જોતું જ હોય છે. આપણે હંમેશાં બસ તે માપદંડોમાં બંધ બેસવાની કોશીસ કરતાં હોઈએ છીએ. અને એમ કરવામાં, આપણે સતત આપણી જાતમાં ફેરફાર કરતાં રહેતા હોઈએ છીએ. આ આપણને એક મોટી બેચેની અને દુઃખ તરફ લઇ જતું હોય છે. અન્ય લોકોનાં મતથી ઉપર ઉઠવાનાં ચોક્કસ માર્ગોમાંનો એક માર્ગ છે અંતર્મુખી થવું. અને, અંતર્મુખી કેવી રીતે બનવું, તમે કદાચ વિચારશો?

જો તમે તમારી જાત સાથે પ્રામાણિક હશો, જો તમે એક અર્થપૂર્ણ જીદંગી જીવી રહ્યા હશો, જો તમે થોડો વિરામ લઇને તમારા જીવન અને તમારા કર્મો ઉપર ચિંતન કરતાં હશો, તો તમે આપોઆપ અંતર્મુખી બનવાની શરૂઆત કરશો. અને ત્યારે અસંખ્ય સદ્દગુણો તમારા હૃદયમાં વસંતમાં ખીલતાં ફૂલોની જેમ મહોરી ઉઠશે. એક અંતર્મુખી મન સંતોષ તરફ દોરી જાય છે. અને ત્યારે લોકો તમારા વિશે શું વિચારે છે તે તમને ઓછું ને ઓછું પરેશાન કરતુ હોય છે. અંતર્મુખી બનવાનો અર્થ એવો નથી કે આપણે એટલાં સ્વાર્થી બની જઈએ કે આપણું ધ્યાન ફક્ત આપણી ઉપર જ ફક્ત રહે. ઉલટાનું, તેનો અર્થ તો એ છે આપણી જાતને બ્રહ્માંડનાં જ એક વિસ્તરણ તરીકે જોવું. દરેકવસ્તુમાં રહેલી પરસ્પરતાને અનુભવવી. અને, આ એક અનુભવજન્ય સમજણ તમારી અંદર એવાં ડહાપણનું પ્રભાત લઇ આવશે કે તમને લાગશે કે તમે સંપૂર્ણ છો, કે તમે પોતે જ તમારી રીતે એક બ્રહ્માંડ છો. અને એમ કે આ તમારા બ્રહ્માંડમાં દરેક લોકો માટે અને તેમનાં અભિપ્રાયોને માટે સ્થાન છે.

જો, તમારા કર્મોને આધારે, તમે તમારી જાતને અમુક ચોક્કસ પ્રકારે જોતા હોવ, અને જો તમે દ્રઢપણે એવું માનતાં હોય તો વિશ્વ પણ તમને એ રીતે જ જોવાનું ચાલે કરશે (જો તમારા માટે એ બાબત મહત્વની હોય તો). કારણકે દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી અને પરસ્પર આધારિત હોય છે. બ્રહ્માંડમાં રહેલી બિલકુલ તમામ બાબતો. તમે સુરજ બનવાનો પ્રયત્ન કરો કે ચંદ્ર, કે પછી ગેલેક્સીમાં રહેલો કોઈ એક તારો, એ તમારી વ્યક્તિગત પસંદગી છે. તમારું પરિમાણ જેટલું મોટું, તેટલી ઓછી અસર તમને કોઈ અન્ય નાના તારા તરફથી થશે. બીજા તમારા વિશે શું વિચારે છે તેનાં કરતાં તમે તમારા વિશે શું વિચારો છો તે સૌથી વધારે મહત્વનું છે, કારણકે તમારા સુખ-શાંતિ તમારા પોતાનાં તમારા વિશેના પ્રામાણિક અભિપ્રાયો ઉપર આધારિત હોય છે.

અને, વારું, અંતે તો કોઈ ચોર તરીકે જોવાય કે યોગી તરીકે, છેવટે તો બન્ને ખાલી હાથે જ પાછાં જતાં હોય છે. દરેકજણ ખાલી હાથે જ જતું હોય છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email