મને હંમેશા એક સવાલ પૂછવામાં આવતો હોય છે કે જો તમે કોઈનાં પ્રત્યે દયાવાન હોવ અને તે તેની બિલકુલ કદર જ ન કરે તો? તે તમારી ઉદારતાને તમારી નબળાઈ ગણી લે તો શું, તમારે એવાં કિસ્સામાં પણ દયા બતાવવી જોઈએ ખરી? આ બધા તાર્કિક સવાલો છે પણ દયામાં બિલકુલ તે વાત હોતી નથી – તર્ક. દયા તો હકીકતમાં એક અતાર્કિક લાગણી છે. તે ખરેખર તો કોઈ પણ તર્ક ઉપર આધારિત નથી હોતી. દયાળુ વર્તન એ કદાચ કોઈ તર્ક પર આધારિત હોઈ શકે પરંતુ દયા એક લાગણી તરીકે, ના તો કોઈ તર્ક ઉપર આધારિત હોઈ શકે છે કે ના તો કોઈ તર્ક વડે તેને પ્રેરિત કરી શકાય છે. વર્તન કદાચ છેતરામણુ હોઈ શકે છે પરંતુ લાગણી કે જે તમારી અંદર જીવતી હોવાથી તે ક્યારેય કૃત્રિમ નથી હોઈ શકતી. તે તો જે હોય તે જ હોય છે.

આટલું કહ્યા પછી, તમે દયાળુ વર્તન રાખો છો તે બાબત (અરે તમે કદાચ સામે વાળી વ્યક્તિ માટે દયા ન પણ અનુભવતા હોય તો પણ), તેટલી જ સુંદર છે કારણકે આપણામાંના મોટાભાગનાં માટે આપણી લાગણીઓ ઉપર બહુ થોડો કે નહીવત જેટલો કાબુ હોય છે, પરંતુ આપણે ઓછા નામે આપણા વર્તનને તો કાબુ કરી જ શકતા હોઈએ છીએ. વર્તન લાગણીઓને જરૂરી ઇંધણ પૂરું પાડે છે. તમે અમુક રીતે વર્તવાનું શરુ કરો અને થોડી વાર પછી તમે તે પ્રકારની લાગણીનો અનુભવ પણ કરવા માંડશો. સવાલ, તેમ છતાં જો કે એનો એ જ રહે છે કે તમારી દયાને લાયક કોણ હોય છે? સામે વાળી વ્યક્તિને જો તેની પરવા ન હોય તો પણ તમારે શું દયા દાખવતું રહેવાનું? ચાલો હું તમને એક સરળ અને સુંદર વાર્તા કહું.

એક માણસ કે જે પોતે એક ખરાબ ઈજ્જત વાળો હતો એક દિવસ ઈસુને પોતાનાં ઘેર જમવા માટે નિમંત્રણ આપે છે. દરેકજણ જાણતા હોય છે કે ઈસુ ક્યારેય તેનું આમંત્રણ સ્વીકારશે નહિ, કારણ કે આ માણસ પાપી હતો તે કોઈનાથી છૂપું નહોતું. એવું કાં તો પછી લોકોએ વિચાર્યું હતું. પોતાની કાયમની શાંતિ અને સ્વસ્થતાને ટકાવી રાખી, ઇસુએ આમંત્રણનો સ્વીકાર કર્યો. તેમનાં શિષ્યો તો સંદેહ અને આઘાતથી તેમની સામું જોઈ રહ્યા. તેમનાં ભગવાન આવા દુર્જનના ઘરે જવાનું આમંત્રણ કેમ કરીને સ્વીકારી શકે? તેમને વિચાર્યું.

આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા અને થોડી વિચારણા પછી ગામના વડીલોએ વાતને પોતાનાં હાથમાં લેવાનું અને ઇસુ સાથે વાત કરવાનું નક્કી કર્યું.

“પ્રભુ,” તેઓએ કહ્યું, “એવું કોઈ કારણ નથી કે જેનાં લીધે તમારે આ માણસને ઘેર જવું પડે. બધા તેનાંથી દુર રહે છે, તેને અસંખ્ય પાપો કર્યા છે. તમારી જેવી વ્યક્તિ તેનાં જેવા માણસ જોડે શોભે જ નહિ.”
“મને એક વાત કહો,” ઇસુએ કહ્યું, “એક દાકતર કોની મુલાકાત લેશે? એક બિમાર વ્યક્તિની કે પછી એક તંદુરસ્ત વ્યક્તિની? એક દાક્તરે માંદા માણસની સેવા કરવી જ પડે. હું અહી ઈશ્વરનો પ્રેમ ફેલાવવા માટે આવ્યો છું અને કોઈ તે પ્રેમને લાયક ન હોય એવું મને નથી લાગતું.”

જયારે પણ કોઈ તમને એમની વિનંતિ લઇને મળે ત્યારે તેમની અરજનો અસ્વીકાર કરતાં પહેલાં, એક થોડી વાર માટે થોભી જાવ. કદાચ તમે તેમની ભૂલો કરતાં મોટા હોઈ શકો છો, કદાચ તમે માફ કરી શકો તેમ હોઈ શકો છો, કદાચ તમે દયાભાવ દાખવી શકો તેમ હોઈ શકો છો. કદાચ. આ એક પસંદગી હોય છે અને તમે તમારા સ્વભાવને અનુકુળ કઈક જુદી પસંદગી કરી શકતા હોવ તેવું બની શકે. જો કે જયારે દયાની વાત આવતી હોય ત્યારે દરેકજણ તેને લાયક હોય છે કેમ કે દયા માટે કોઈ કારણ નથી હોતું. તે તો અકારણ જ હોય છે. પરંતુ, દયા હંમેશા કઈ બિનશરતી  નથી હોતી. ઓછા નામે દરેકજણ માટે તો નહિ જ. અને આ વાત મને એક બીજા મહત્વનાં મુદ્દા તરફ દોરી જાય છે: તમારી દયા જેને જોઈતી હોય તેનાં પ્રત્યે જ દાખવો.

મહેરબાની કરીને આ વાતને તમારી અંદર ઊંડે સુધી ઉતરવા દો: તમારી દયા જેને જોઈતી હોય તેનાં પ્રત્યે જ દાખવો. આપણે સામે વાળી વ્યક્તિ માટે કઈ ન્યાયાધીશ બનવાની જરૂર નથી,  આપણે કોઈ ભેદ કરવાની પણ જરૂર નથી, પણ તેનો અર્થ એ પણ નથી કે આપણે બસ તે માનીને જ ચાલવાનું છે કે દરેકજણ આપણી દયાને લાયક છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે તમારી દયા એવાં લોકો પ્રત્યે પણ દાખવવી કે જે તેનો તિરસ્કાર કરતાં હોય, કે જેને મન તેનું કોઈ મુલ્ય ન હોય. આવી દયા દાખવનાર અને મેળવનાર બન્નેને તકલીફ પહોંચાડી શકે તેમ હોય છે. કેમ કે જે દયા દાખવી રહ્યા છે તેમને પોતાની કદર નહિ થતી હોવાનું અને અપમાન થયું હોય તેવું લાગે છે, અને જે મેળવનાર છે તે તેને એક નબળાઈ તરીકે જુએ છે.

અરે આપણી ઉપરની વાર્તામાં પણ ઇસુ કઈ વગર આમંત્રણે પેલાં માણસનાં ઘેર નહોતા પહોંચી ગયાં. પણ, એક વાર જયારે પેલી વ્યક્તિએ તેમને નિમંત્ર્યા ત્યારે, ઇસુએ તેનાં વિશે તેનાં ગુણો કે ગુણોના અભાવને લઇને કોઈ ધારણા નહોતી બાંધી લીધી. એક સાચ્ચા સંતની માફક તેઓએ તો બસ તેને સ્વીકાર્યું. કારણકે દયાને કઈ સદગુણોનાં આધારે દાખવવાની નથી હોતી, તે કઈ સામે વાળી વ્યક્તિની જરૂરિયાતને આધારે કે તેની દયા લેવાની તૈયારીના આધારે પણ નથી હોતી. માંગ્યા વગર જયારે તમે દયા આપો એનાં કરતાં જયારે તેઓ સામેથી તમારો સંપર્ક કરે ત્યારે તેઓ કદાચ તેનાં માટે થોડા તૈયાર હોય છે. જયારે સામે વાળો તૈયાર હોય ત્યારે દયાનો ભાવ પણ સમૃદ્ધ થાય છે, ફાયદાકારી નીવડતો હોય છે અને ટકતો પણ હોય છે. અને દયા માટે તૈયાર હોવું અને દયાને લાયક હોવું તે બન્નેમાં પણ તફાવત છે.

એક એવાં દર્દીની કલ્પના કરો કે જે એમ માનતો હોય કે પોતે તો બિમાર જ નથી. તમે આવા દર્દીની સારવાર ન કરી શકો કેમ કે તે દવા લેશે જ નહિ. જે ક્ષણે તે પોતે ઠીક નહિ હોવાનું અને પોતાને સારવારની જરૂર છે એમ સ્વીકારશે ત્યારે તે પોતે સારવાર માટે તૈયાર છે. એ જ રીતે, સામેવાળી વ્યક્તિને તમારી દયા ન જોઈતી હોય તો તમે ગમે તે કરી શકો છો પણ એનાંથી કામ નહિ થાય કારણકે તે દયા માટે તૈયાર જ નથી. તમે ગમે તે હોવ, તમારી પાસે ઘણું બધું આપવાનું કેમ ન હોય. તમારો પ્રેમ, સમય, કાળજી, ડહાપણ, પણ એ બધું તમે તેને જ આપો કે જેને તે જોઈતું હોય. ત્રણ વર્ષ પહેલાં મેં એક નાનો વિડીઓ બનાવ્યો હતો જેનું શીર્ષક હતું The Ten Golden Rules of Giving. તે જોવા માટે અહી ક્લિક કરો.

ચાલો હું મારી માન્યતાને ફરી-ફરીને કહી દઉં: કઈ પણ અવાંછિત પછી કે સલાહ, પ્રેમ, મદદ કે પછી ગમે તે હોય, તેની ભાગ્યે જ કદર થતી હોય છે. દયાળુ જરૂર બનો પણ પ્રાથમિકતા તેને આપો જે તમારી દયા મેળવવાં માટે તૈયાર હોય, કે જેને ઓછા નામે તમારી પાસે તેની માંગ કરી હોય. આ રીતે તમે કોઈને તેમની લાયકાત માટે લેખાંજોખાં નથી કરતાં, અને તેમ છતાં પણ તમે તે જ સમયે દયાવાન પણ બની રહો છો.

જયારે તમે ખરેખર દયાવાન હોવ છો, ત્યારે તમે બદલામાં કશાય વળતરની અપેક્ષા નથી રાખતાં. અરે આભારની પણ નહિ. દયાને તમારા રોજીન્દા જીવનમાં એક વર્તન તરીકે રાખો, અને તે અંતે તમારો એક બીજો સ્વભાવ બની જશે, એક ભાવ બની જશે. તમે તેને તમારા હાડ-માંસમાં અનુભવશો. એ સમયે, તમે આ લેખમાં દર્શાવેલા સંદેશની પણ પેલે પાર પહોંચી ગયા હશો. ત્યારે તમે ખરેખર એ સમજી શકશો કે જયારે હું એમ કહું કે દયા એ હંમેશા અકારણ જ હોય છે ત્યારે તેનો શું અર્થ થાય છે. તે હંમેશાં ધારણાથી મુક્ત હોય છે. વારું, તે દિવ્ય પણ છે. અને દિવ્યતા હંમેશાં સામેવાળી વ્યક્તિનાં કર્મો અને ઈરાદાઓનું ઉર્ધ્વગમન કરે છે. તે સ્વતંત્ર રીતે જ ચલાયમાન હોય છે. તેનાં વિશે ફરી કોઈ વાર.

પ્રેમની જેમ, દયા પણ અકારણ હોય છે, પરંતુ પ્રેમની જેમ દયા કઈ અંધ નથી હોતી. બન્ને તમને પૂર્ણતાનો અનુભવ આપે છે જોકે, તે બન્ને તમને તમારી જાત વિશે વધારે જાણવામાં મદદરૂપ પણ બને છે. તેનાં વિશે વિચાર કરતાં બેસશો તો તમને તે બને સમાનાર્થી જ લાગશે. એકને અમલમાં મૂકી જુઓ અને બીજુ આપોઆપ ત્યાં આવી જશે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email