આજે મારી સાથે જોડાયેલાં રહેજો, કારણકે આજે હું એક ખુબ જ મહત્વના વિષય ઉપર લખી રહ્યો છું. કદાચ આજે હું જે લખી રહ્યો છું તે જ ફક્ત તમારે જીવનમાં જાણવાની જરૂર છે. હા મને ખબર છે આ એક બહુ મોટો દાવો છે, પણ આશા રાખું છું કે તમે આ લેખનાં અંત તરફ પહોંચશો ત્યારે તમારી પાસે એક નવો દ્રષ્ટિકોણ હશે.

ઘણાં વાંચકોએ મારું સંસ્મરણ પુસ્તક વાંચ્યા બાદ મને પૂછ્યું છે કે હું કેમ મારા ગુરુ પર ગુસ્સે નહોતો થયો કે હજી પણ નથી થતો? તેઓ મને પૂછે છે કે હું મારા ગુરુને ત્યાં જેમાંથી પસાર થયો તે શા માટે થયો? હું મારો જવાબ એક સરળ વાક્યમાં આપીશ: મને નથી લાગતું કે ગુસ્સાને અંદર ભરી રાખવાથી કોઈનું પણ કઈ સારું થતું હોય. હું તેમનાં આશ્રમમાં મારી પોતાની મરજીથી રહ્યો હતો, એ પસંદગી બહુ ડહાપણભરી કદાચ નહી હોય, તેમ છતાં તે હતી તો એક સભાન પસંદગી જ. અને મારે મારી પસંદગીઓની સંપૂર્ણપણે જવાબદારી લેવી જ રહી.

જયારે મેં એક સવાલના પ્રત્યુત્તરમાં વિશ્વાસઘાત ઉપર એક લેખ લખ્યો હતો ત્યારે, એ સ્વામી સત્યાનંદ ઉપર નહોતો (એવું અમુક વાંચકોને લાગ્યું હતું અને માટે તેઓ નારાજ પણ થઇ ગયા હતાં), કે નહોતો મારા ખુદના ગુરુ ઉપર, કે કોઈ અન્ય ગુરુ ઉપર પણ નહોતો. મારો લેખ તમારા અંતરાત્માનાં અવાજ પ્રત્યે બહેરા કાન ન રાખવા માટેનો હતો, કે તમે કોઈનાં પર પણ તમારો વિશ્વાસ મુકતા પહેલાં એ વ્યક્તિને ચકાસી જુઓ તેનાં વિશેનો હતો, એ તો હતો ફક્ત તમારા માટેનો. કારણકે, અંતે, આપણે પોતે જ આપણા વર્તન માટે જવાબદાર હોઈએ છીએ અને બીજા લોકો તેમનાં પોતાનાં વર્તન માટે. અને તમે જો તેને એક પગલું આગળ લઇ જવા માંગતા હોવ તો, તો તેમાં આપણે કે બીજા જેવું ખરેખર તો કશું હોતું જ નથી. દરેકની અંદર તે એક જ દિવ્યતા રહેલી હોય છે. જયારે તમે અહંમનો, હું-પણાનો પડદો ઉતારી નાંખો છો, ત્યારે ત્યાં પછી કશો ભેદ નથી રહેતો હોતો. આપણામાંના દરેકજણ અનંત સર્જનમાં રહેલ એકસમાન હસ્તી છીએ, જેમકે સમુદ્રમાં રહેલાં જળબિંદુઓ.

એ પહેલાં કે હું મારા મત મુજબ તમારે જીવનમાં જે એક માત્ર જાણવા જેવી વાત વિશે વાત કહું, હું તમારી સાથે કેન્ટ એમ. કેઈથની ટૂંકી કવિતા The Paradoxical Commandments વહેંચીશ કે જેને કોઈ વખત મધર ટેરેસાની વિશેષતા બતાવવા માટે લખી હોય એવું લાગે છે, કારણકે આ કવિતા એ બાળગૃહની દિવાલ ઉપર લટકેલી હતી જ્યાં મધરે પોતાનાં જીવનનો મહત્તમ ભાગ સેવા માટે વિતાવ્યો હતો. નીચેની આવૃત્તિ થોડી સુધારા-વધારા સાથેની છે અને તે સામાન્ય રીતે The Final Analysis તરીકે ઓળખાય છે.

People are often unreasonable, illogical, and self-centered,
Forgive them anyway.
If you are kind, people may accuse you of selfish, ulterior motives,
Be kind anyway.
If you are successful, you will win some false friends and some true friends,
Succeed anyway.
If you are honest and frank, people may cheat you,
Be honest and frank anyway.
What you spend years building, someone could destroy overnight,
Build anyway.
If you find serenity and happiness, they may be jealous,
Be happy anyway.
The good you do today, people will often forget tomorrow,
Do good anyway.
Give the world your best anyway.
You see, in the final analysis, it is not between you and them,
It is between you and God.
It was never between you and them anyway.

આપણે ઘણીવાર જીવનમાં સંઘર્ષમય પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ, વારે ઘડીએ આપણે પસંદગીઓ કરવી પડતી હોય છે, એવી પસંદગીઓ કે જે આપણા વર્તમાનને અસર કરતી હોય અને આપણા ભવિષ્યને પણ આકાર આપતી હોય. નિ:શંકપણે આપણા માતા-પિતા, કુટુંબીજન, અને આપણી આજુબાજુ રહેલાં અન્ય લોકોની પસંદગીઓ આપણા જીવનને પણ અસર કરતી હોય છે. છતાં પણ સત્ય તો એ છે કે, આપણું જીવન બીજા લોકોનાં નહિ પરંતુ આપણા પોતાનાં જ વિચારો, કર્મો અને પસંદગીઓનું પરિણામ હોય છે. અને, પસંદગીઓ હંમેશાં કઈ કાળી કે ધોળી નથી હોતી, માર્ગ હંમેશા કઈ સ્પષ્ટ નથી હોતો. સવાલ એ છે કે જયારે આપણને ખોટા ઠેરવવામાં આવે કે આપણી સાથે ગેરવર્તન કરવામાં આવે ત્યારે આપણે કેવી રીતે વર્તવું જોઈએ? જયારે આપણને ખાતરીપૂર્વક ખબર છે કે સામેની વ્યક્તિ અવિવેકી બની રહી છે ત્યારે આપણે પણ વળતો જવાબ શું ન આપવો જોઈએ? કે પછી આપણે તે સમયે ગાંધીજીનું બીજો ગાલ ધરવાના સમીકરણનું પાલન કરવું જોઈએ?

આ વિશેનો મારો મત આ છે. જયારે આપણે આપણી પસંદગીઓ માટે કોઈ બીજાને જવાબદાર ઠેરવીએ ત્યારે પોતાને જ સહન કરવું પડતું હોય છે. આપણે ભોગવવું પડતું હોય છે જયારે આપણે એવું વિચારીએ કે આપણે દુનિયા પાસેથી કઈ લેણું છે. મોટાભાગની વસ્તુઓ કે જે આપણને જીવનમાં જોઈતી હોય છે, સંપત્તિ અને મોભાથી લઇને પ્રેમ અને સન્માન સુધી, તે આપણે જાતે કમાવી પડતી હોય છે. કોઈ આપણું કશા માટે દેણદાર નથી હોતું. હા, હા, મને ખબર છે તમે કદાચ કહેશો કે જયારે તમે કોઈનાં માટે ઘણું બધું કર્યું હોય ત્યારે શું, તેમની પણ શું વળતી તમારા પ્રત્યે કોઈ જવાબદારી કે ફરજ નથી બનતી હોતી? બની શકે કદાચ. હકીકત તો એ છે કે તેઓ પોતે તેમનાં કર્મો માટે જવાબદાર હોય છે અને તમે તમારા કર્મો માટે. આપણે એવું ન કહી શકીએ કે આપણે તેમની સાથે ગેરવર્તણુંક એટલાં માટે કરી કેમ કે તેમને અમારી સાથે ગેરવર્તણુંક કરી હતી.

એક વખત એક માણસે ૫૦૦૦ રૂપિયાની લોન બેંક પાસેથી લીધી. આ રકમમાંથી તેને ૪૦૦૦ રૂપિયા પોતાનાં એક મિત્રને ઉછીના આપ્યા કે જેને તેની તાત્કાલિક જરૂર હતી. બાકીના ૧૦૦૦ રૂપિયા તેને પોતાની અંગત જરૂરિયાત માટે ખર્ચ કર્યા. એક મહિના બાદ, બેંક મેનેજરે તેનાં ઘરનો દરવાજો ખટખટાવ્યો અને ચુકવણી માટે માંગ કરી.
“હું તમને આખી રકમ ઉપર હપ્તો નહિ આપતાં ખાલી ૧૦૦૦ રૂપિયા ઉપર જ આપું તો ચાલશે કેમ કે મેં તો ફક્ત ૧૦૦૦ રૂપિયા જ વાપર્યા છે?” તેને બેંક મેનેજરને કહ્યું. “મારા એક મિત્રએ બાકીના પૈસા ઉધાર લઇ લીધા છે.”
મેનેજર આ સાંભળીને ખુશ ન થયો. “જુઓ, લોન મેં તમને આપી હતી, અને તમે તે રકમનું શું કર્યું તેનાં માટે હું જવાબદાર નથી. મને પૂરી રકમ ઉપરનો હપ્તો જોઈએ.” તેણે કહ્યું.

એજ રીતે, અંતિમ વિશ્લેષણ કરતી વખતે કુદરત કહેશે, મેં તને શરીર અને મન આપ્યા હતાં અને તે તેનાં વડે શું કર્યું તે તારી જવાબદારી છે. એ સમયે તમે એવું ન કહી શકો કે, મેં ખોટું કર્યું કારણકે મારી સાથે ખોટું થયું હતું. કારણકે, કુદરત તો પછી એમ કહેશે કે, એમને જે કર્યું એ એમની વાત છે, હું તેમની સાથે અલગથી વાત કરીશ. હું તારી જોડે તો ફક્ત તારા જ ખાતાની વાત કરીશ. અલબત્ત, હું અહી એક લાક્ષણિક ઢંગથી વાત કરી રહ્યો છું. આપણે કોઈ બીજાના ગેરવર્તનને આપણા ગેરવર્તન માટે કારણ ગણી આગળ ન ધરી શકીએ. આપણામાંના દરેકજણ આપણા પોતાનાં કર્મનાં ખાતા માટે જવાબદાર હોઈએ છીએ.

અંતે, ચાલો હું તમને એ વાત કહું કે ફક્ત તે જ તમારે જાણી લેવા જેવી છે. આ રહી તે: કોઇપણ પરીસ્થિતીમાં તમારે એવી રીતે જ વર્તવું જોઈએ કે જે તમને શોભા દેતું હોય. તમે આ સિદ્ધાંતને અનુસરો અને તમને સાચા ખોટાનું ભાન તરત થઇ જશે, તમને ખબર પડી જશે કે તમારે કઈ પસંદગી કરવી. જયારે બીજા લોકો તમારી અંદર ગુસ્સો, ધ્રુણા અને નકારાત્મક લાગણી જન્માવે, ત્યારે તે સમયે, તમારી જાતને એક સરળ સવાલ કરો: જો મારે એક સંપૂર્ણપણે સ્વતંત્ર પસંદગી કરવાની હોય, સામે વાળાનાં વર્તન અને કર્મથી બિલકુલ અસરગ્રસ્ત થયા વિના, તો હું કઈ રીતે વર્તીશ? મોટાભાગે હંમેશાં, તમને લાગશે કે તમે તમારી રીતે વર્તન કરી શકો તેમ છો, તમારે તમારી જાતને કોઈ જુદી રીતે લઇ જવાની જરૂર નથી. જે શુદ્ધજન છે, જે ઉદારજન છે તે કોઈ બીજા તરફ પથ્થર ક્યારેય નથી ફેંકતા, પછી ભલેને તે બીજી વ્યક્તિએ પાપ કર્યું હોય કે ન કર્યું હોય. વધુમાં, જયારે વળતો જવાબ પણ હિંસા દ્વારા અપાતો હોય ત્યારે હિંસક વિચારો, શબ્દો અને કર્મો ફક્ત વધતા જ હોય છે, અને ક્યારેય ખતમ નથી થતાં હોતા. હિંસા એ સ્વામીનો માર્ગ નથી.

તમારું વર્તન તમને શોભે તેવું રાખો. બધા સમયે, કોઈ પણ પરિસ્થિતિમાં, દરેકજણ સાથે. હવે, જાવ અને ચિંતન કરો કે તમારા જેવી સ્તરની વ્યક્તિને કેવું વર્તન શોભા આપશે… કરી લીધું ચિંતન? તો બસ હવે તેને જીવો.

બસ જાણવા જેવી વાત આ એક જ છે. એકમાત્ર મંત્ર. બાકીનું બધું ભાષણ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email