મને પાબ્લો વાલેની વાસ્તવિક જીવનકથા વાંચ્યાનું યાદ છે. તે જાપાનમાં અંગ્રેજીના વર્ગ લેતો હતો. શિયાળો ઝડપભેર આવી રહ્યો હતો અને બદલાતી ઋતુ વખતે જેમ સામાન્ય રીતે બનતું હોય છે તેમ ઘણાં લોકોને શરદી અને ફ્લુ થઇ રહ્યો હતો. એક ઠંડી સવારે, એક જાપાની વિદ્યાર્થીની પોતાનું મોઢું ઢાંકીને તેનાં વર્ગમાં આવી. તેને પોતે માસ્ક પહેર્યો હતો. પાબ્લોએ વિચાર્યું, “અરે, આ દેશમાં તો લોકો બિમાર ન પડે એટલાં માટે જરાક વધારે પડતી જ કાળજી લેતાં હોય છે.” એક કલાક પછી, વિરામ દરમ્યાન, તે પેલી વિદ્યાર્થીની પાસે ગયો.

“કેમ માસ્ક પહેર્યો છે?” તેણે મજાક કરતાં પૂછ્યું. “તને શરદી ન લાગી જાય તેની ચિંતા છે?”

“એવું તો નહિ,” પેલીએ જવાબ આપતાં કહ્યું. “જાપાનમાં જયારે ઠંડી પડે ત્યારે લોકો તેનો ઉપયોગ કરતાં હોય છે કેમ કે આમ કરવાથી તમારા દ્વારા બીજા લોકો બિમાર ન પડે તેનાં માટે તમે કાળજી લેતાં હોવ છે. આ એક નમ્રતા છે.”

પાબ્લો પોતે શરમાઈ ગયો અને પોતે ક્ષુબ્ધ પણ થઇ ગયો અને પોતે એક એવો પદાર્થ પાઠ ભણ્યો હતો કે જેને પોતે ક્યારેય નહિ ભૂલે. સત્ય એ છે કે પાબ્લોની જેમ, આપણે પણ અન્ય વસ્તુઓ અને અન્ય લોકો માટે સતત મત બાંધતા રહેતા હોઈએ છીએ, અને તે પણ એવી ધારણાઓને આધારે કે જે ભાગ્યે જ સાચી હોય છે, એવાં અભિપ્રાયોને આધારે કે જે મોટાભાગે પૂર્વગ્રહથી યુક્ત હોય છે. આખરે, આપણા જ્ઞાનનો આધાર શું હોય છે? (આજના લેખનું શીર્ષક એક સવાલ છે કે જે હકીકતમાં સોક્રેટીસે પૂછ્યો હતો. તમારે એનાં વિષે વધારે વાંચવું હોય તો અહી ક્લિક કરો.) વાસ્તવમાં આપણે એટલાં બધા શરતી બની ગયા છીએ, અને કોઈ કોઈ વાર તો આપણને એવું લાગતું હોય કે આપણે કઈક જાણીએ છીએ અને તેનાં માટે આપણે એટલાં બધા વધારે પડતા આત્મવિશ્વાસથી ભરપુર થઇ જતાં હોઈએ છીએ કે આપણને ખબર પણ પડે તે પહેલાં, આપણે બીજા લોકોને વર્ગીકૃત કરતાં અને તેમને લેબલ લગાવતાં થઇ જઈએ છીએ. સરળ શબ્દોમાં કહું તો, આપણા અપરિપક્ક્વ તારણોમાં મોટાભાગે તર્ક અને સત્વનો અભાવ રહી જતો હોય છે.

અંગત રીતે, મને ધારણાઓને હકારાત્મક અને નકારાત્મક એમ બે ભાગોમાં વર્ગીકૃત કરવી ગમતી હોય છે. તે બન્ને એક સમાનપણે નુકશાનકારક હોય છે જો કે, કારણકે જયારે આપણે એક મત હકીકતના આધારે નહિ પરંતુ આપણા મગજમાં જે એક ચોક્કસ પ્રકારના વિચારો હોય છે તેનાં આધારે બાંધી લઈએ છીએ ત્યારે આપણું પોતાનું વર્તન એક નાટ્યાત્મક રીતે પલટો મારે છે.

દાખલા તરીકે મોડીસાંજે તમે અશ્વેત યુવકોનું એક ટોળું એક બગીચામાં ફરતું જુઓ અને તમે તરત તમારી સલામતી માટે ચિંતિત થઇ જાવ છો. તેઓ કદાચ હાવર્ડના MBAના વિદ્યાર્થીઓ પણ હોઈ શકે છે કે પછી છુપા પોલીસ ઓફિસર પણ હોઈ શકે છે, પરંતુ એક જડ મગજ પોતાની નિર્ણાયક શક્તિ અને સમજણ ગુમાવી દેતું હોય છે. તે પોતે એક તારણ તરફ ખુબ જ ઝડપથી પહોંચી જતું હોય છે.

જયારે આપણે આપણી ધારણાઓને આધારે કોઈનાં વિશે એક મત બાંધી લેતાં હોઈએ છીએ ત્યારે આપણા પોતાનાં વિચારોનું સ્વરૂપ એકદમ તરત જ પલટો મારે છે. આપણે અન્ય લોકો માટે તેમનાં દેખાવ, બોલી, કે ચાલ વિગેરે પરથી મત બાંધી લેતાં હોઈએ છીએ. આપણે હંમેશાં તેમને તેમની જાતિ, ધર્મ, રંગ વિગેરે પરથી વર્ગીકૃત કરતાં થઇ જઈએ છીએ. અને, તમે કદાચ તેનાંથી અવગત પણ નથી હોતા કે આપણી આ જડતા, હકારાત્મક હોય કે નકારાત્મક, તે આપણા પોતાનાં જ સ્વ-મૂલ્યાંકનને અને આત્મ-ગૌરવને નબળું પાડી દે છે. એવું કેવી રીતે, તમે કદાચ વિચારશો? વાંચતા રહો આગળ.

હકારાત્મક ધારણાઓ તમારી અંદર એક ડરની અને પરવશતાની લાગણી જન્માવે છે. દાખલા તરીકે, જયારે આપણે કોઈ એવાંને મળીએ કે જેની પાસે સત્તા, સંપત્તિ કે મોભો હોય, તો આપણે તરત જ એવું તારણ કાઢી લઈએ છીએ કે આ વ્યક્તિને આપણા તરફથી સન્માન મળવું જ જોઈએ. કે આ વ્યક્તિ મારા કરતાં ક્યાંય વધારે સારો કે સારી છે અને માટે મારે તેને આધીન થઇ જવું જોઈએ. અથવા તો પછી આપણે નકારાત્મક ધારણા કરી બેસીએ ત્યારે પણ તે આપણને ડર, ઈર્ષ્યા, ધ્રુણા અથવા તો દાઝ તરફ દોરી જાય છે. દાખલા તરીકે, આપણે એવું વિચારી લઈએ કે શ્રીમંત માણસ તો ખરાબ જ હોય, કે સત્તાધારી રાજકારણી તો જુઠ્ઠો જ હશે, કે ઝભ્ભો પહેરેલો માણસ કટ્ટરપંથી જ હશે વિગેરે.

કોઈ પણ રીતે, ધારણાઓ તમને જીવનની પુરી ખોજ કરવા દેતી નથી, તે તમને અને તમારી શક્તિઓને ખુબ જ મોટા પ્રમાણમાં મર્યાદિત કરી મુકે છે. આપણા બીજા વિશેના રૂઢિગત વિચારો આપણી આપણા ખુદના વિશ્વને માણવા અને સમજવાની આપણી જે સ્વતંત્રતા છે તેને ખુબ જ ગંભીરપણે મર્યાદિત કરી મુકે છે. તે આપણને સત્યનું ભ્રાંત દર્શન કરાવે છે. માનવજાતના ઈતિહાસ તરફ એક નજર કરો, એવાં થોડા લોકો કે જેણે આ દુનિયાને બદલી છે તેઓ એવાં લોકો છે કે જેમણે રૂઢિઓને ચુનોતી આપી છે. માર્ટીન લ્યુથર કિંગ, મધર ટેરેસા, ગાંધી, આઇન્સ્ટાઇન, ડાર્વિન એટલાં માટે થયા કે તેમણે ધારણાઓને  સ્વીકારી નહોતી પરંતુ પોતાનાં આંતર્નાદને અનુસર્યા હતાં.

બધા હિંદુઓ કઈ સહિષ્ણુ હોતા નથી, કે ના તો બધા મુસ્લિમો કટ્ટરવાદી હોય છે, કે ના તો બધા જ ખ્રિસ્તીઓ ચુસ્તવાદી હોય છે, અને ના તો દરેક યહૂદી જુનવાણી હોય છે. બધા જ શ્રીમંતો કઈ અભિમાની હોતા નથી, કે બધા જ ગરીબો કઈ માયાળુ નથી હોતા; બધા જ રાજકારણીઓ કઈ જુઠ્ઠા નથી હોતા, કે બધા જ વકીલો કઈ અપ્રમાણિક નથી હોતા. જ્યાં સુધી તમે કોઈની સાથે સમય ગાળ્યો ન હોય કે પછી તમને તે વ્યક્તિને નજીકથી જોવા-જાણવાની તક મળી ન હોય ત્યાં સુધી તેમનાં વિશેનો તમે ગમે તે મત બાંધો તે સંભવતઃ તમારી ધારણાઓ કે પૂર્વગ્રહયુક્ત માન્યતાઓને આધારિત જ હોવાનો, અને કોઈ વાસ્તવિકતા ઉપર નહિ. જો તમે ખરેખર આ વિશે વિચાર કરો તો નકારાત્મક ધારણાઓ બાંધીને ખરેખર કોઈને કશો જ ફાયદો નથી થતો હોતો. તેનાંથી ફક્ત નફરત અને ગુસ્સો જ ઉત્પન્ન થતાં રહેતા હોય છે.

એક અંગ્રેજ મુસાફર લંડનમાં ભૂગર્ભમાં ચાલતી મેટ્રો ટ્રેઈનમાં મુસાફરી કરી રહ્યો હતો. ત્યારે એક અરબી મુસાફર ટ્રેઈનમાંથી નીચે ઉતરી ગયો અને પોતાની પાછળ એક થેલો ભૂલી ગયો. કઈક શંકાસ્પદ લાગતાં તેને તે થેલો પકડ્યો અને તેનાં માલિક પાછળ દોડ્યો. તરત તેને પકડી પાડી એક ગભરાટ સાથે તે થેલો તેને પેલાં અરબી મુસાફરના હાથમાં ફેંક્યો.

પેલાં અરબી મુસાફરે તેનો ખુબ જ આભાર વ્યક્ત કર્યો અને પોતાનાં થેલામાં હાથ નાંખ્યો અને તેની અંદર પૈસાના થોકડા હતાં. તેણે પેલાં અંગ્રેજ મુસાફરને વળતર આપવા માટે હાથ લંબાવ્યો પરંતુ પેલાં અંગ્રેજ મુસાફરે નમ્રતાથી ના પાડી.

પેલાં આરબે આજુબાજુ છુપી રીતે જોયું અને પછી ગણગણ્યો, “હું તમારી ઉદારતાનો બદલો વાળી શકું તેમ તો નથી સાહેબ, પરંતુ હું તમને એક સલાહ આપીશ. કોન્વેટ્રી સ્ટ્રીટ પર આવેલી ધ અમેરિકન ડીનર નામની રેસ્ટોરન્ટથી દુર રહેજો.

અત્યંત ભયભીત થઇ ગયેલાં અંગ્રેજે ધીમે રહીને પૂછ્યું, “શું હુમલો ત્યાં આગળ થવાનો છે?”

“ના,” આરબે ધીમે રહીને કહ્યું. “ત્યાંનું જમવાનું એકદમ બેકાર છે અને ડેઝર્ટતો એકદમ બકવાસ.”

હવે ફરી વાર, જયારે તમે કોઈના વિશે તેનાં દેખાવ, પોષાક, જાતિ કે પછી કોઈ પણ બાબતના આધારે કોઈ ધારણા બાંધી લેતાં પહેલાં, એક ક્ષણ માટે થોભી જજો. મારો વિશ્વાસ કરો, એમ કરવું ખુબ જ સારું રહેશે. એ પહેલાં કે તમને એવું લાગે કે તમે તેમને પહેલીથી જ જાણો છો, એમનાં વિશે જાણવાનો ખરેખર પ્રયત્ન કરો. અને આ છે ધારણાઓ વિશેનો ટુંકસાર: કોઈને બિલકુલ જાણ્યા વગર જ માની લેવું કે તમે તેમને જાણો છો. અન્ય લોકોને માટે તમને જે લાગે છે કે તમે જાણો છો ફક્ત તેનાં આધારે તેમને વ્યાખ્યાયિત નહિ કરવાનું તમારી જાતને યાદ અપાવો. હું એવું નથી કહી રહ્યો કે તમે મત રાખવાનો પણ અધિકાર ન રાખો. તમે તેમ કરો. પરંતુ, તમારો મત તમારા પોતાનાં અનુભવને આધારે બાંધો. જાતે મેળવેલી માહિતીના આધારે, અને નહિ કે પૂર્વગ્રહથી યુક્ત માન્યતાઓને આધારે. તેનાંથી તમને તમારા મગજને ખાલી, હૃદયને હળવું અને મનને મુક્ત રાખવાની મદદ મળશે. અને ત્યારે એક સ્મિત કુદરતીપણે જ તમારા ચહેરા ઉપર ઉપસી આવશે. વધુમાં, જયારે તમે અન્ય લોકો વિશે ખરેખર જાણશો તો તમને લાગશે કે તમે ખરેખર તો કેટલું ઓછું તેમનાં વિશે જાણો છો.

જયારે તમે કોઈનાં માટે નિર્ણાયક બન્યા વગર જ ખુલ્લા થઇ જાવ છો, ત્યારે તમે તેમની નજરે આ દુનિયાને જોઈ પણ શકશો અને તેની કદર પણ કરી શકશો. આ રીતે તમે આ દુનિયાને એક વધારે સારું સ્થળ બનાવી શકશો. કોઈનાં વિશે અનિર્ણિત રહેવું એ પણ દયાનો એક પ્રકાર છે. અને દયા નકારાત્મકતાને પીગળાવી દેતી હોય છે. હા, દયામાં દરેક વસ્તુને પીગળાવી દેવાની ક્ષમતા રહેલી છે. તે ઓગળી દે છે, શોષી લે છે. જો એ જાણવું હોય તો દયાનો અમલ કરી જુઓ.

શાંતિ.

સ્વામી

 

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email