મને ખરેખર ખબર નથી પડતી કે હું શું કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું, એવી ઘણી બધી વસ્તુઓ છે જે મારે નથી કરવી હોતી છતાં મારે કરવી પડતી હોય છે. હું ખુબ જ મૂંઝાઈ ગયો છું, મારું શેમાંય ધ્યાન લાગતું નથી, મારાથી એક પણ શિસ્તનું પાલન નથી થતું કે મારી પ્રાથમિકતાઓને યોગ્ય રીતે ગોઠવી શકતો નથી. હું મારી જાતને જરાય મદદરૂપ થઇ નથી રહ્યો. હું જયારે પણ કઈ કરવાનો પ્રયત્ન કરું તો મારો ૧% જેટલો પ્રયત્ન કર્યા વગર જ તેને તરત બહુ જલ્દી પડતું મૂકી દઉં છું. હું ખુશ નથી, હું ખુબ ઉદાસી અનુભવું છું અને મને ખબર પણ નથી કે એવું કેમ થાય છે. મારે ભણવું છે અને મારે મારા માતા-પિતા અને મારી જાતને મારા માટે ગૌરવ અપાવવું છે પણ મારાથી એમ થતું જ નથી. મને રડવાનું મન થાય છે, મને સારું લાગે એ માટે મને કોઈ મદદ મળે એવું હું ઈચ્છું છું. મારે મજબુત બનવું છે, મારે મારા કામ જાતે કરતા થવું છે. મહેરબાની કરીને મને મદદ કરો મને ખરેખર ખબર નથી પડતી કે આ સમયે હું શું કરું.

આ છે એક તરુણ યુવકે મને થોડા સમય પહેલાં મોકેલેલ એક ઈ-મેઈલનો સારાંશ. મેં થોડા વ્યાકરણની દ્રષ્ટીએ સુધારા કરીને અક્ષરસ: અહી તે ટાંકેલો છે. જો તમે મારો વિશ્વાસ કરતાં હોવ તો જેનાં ખંભા ઉપર આપણા દેશ, વિશ્વ, અને આ પૃથ્વીનું ભવિષ્ય નિર્ભર છે એવાં – તરુણો તરફથી મને મળતા મોટાભાગનાં ઈ-મેઈલનો સૂર આ જ હોય છે. દુઃખની વાત તો એ છે કે જે તરુણો મને આવા ઈ-મેઈલ લખતા હોય છે તેઓ હકીકતમાં તો ખુબ જ બુદ્ધિમાન, સક્ષમ અને મહત્વાકાંક્ષી હોય છે. તેમ છતાં તેઓ અનેક મૂંઝવણો અને ભાવુક ચુનોતીઓમાંથી રોજેરોજ પસાર થાય છે, કોઈ વાર તો એક જ દિવસમાં અનેકવાર. મને જો કે આ વાતની નવાઈ નથી લાગતી. તરુણાવસ્થા એ જીવનના તબક્કાઓમાંનો એક સૌથી અઘરો તબક્કો હોય છે કેમ કે આ વર્ષોમાં તમે તમારી જાતની જ શોધ નથી કરતાં હોતા પરંતુ તમે સતત વિચલિત અને અપેક્ષાઓ સાથે પણ  લડતા રહેતા હોવ છો.

હૃદયરોગોના એક પ્રખ્યાત દાકતર એક વખત પોતાની ગાડીને સર્વિસ કરાવવા માટે લઇ જાય છે. ગાડીના એન્જીનમાં કોઈ ગરબડ થયેલી હોય છે. થોડા કલાક પછી જયારે તેઓ પોતાની ગાડી પાછી લેવા માટે જાય છે, ત્યારે કારીગર તેમને થોડી વાત કરવા માટે ઉભા રાખે છે.
“તમે તો એક પ્રખ્યાત દાકતર છો કેમ?” તેણે કહ્યું. “શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું?”
દાકતર ગૌરવથી પોતાનું મસ્તક હલાવતા હા પાડી.
“મૂળભૂત રીતે જોવા જઈએ તો તમે અને હું બન્ને એક સરખું જ કામ કરીએ છીએ. તમે જે કામ લોકો સાથે કરો છો એ હું ગાડીઓ સાથે કરું છું. મારી જેમ તમે પણ એન્જીનને ખોલો છો, એક કે બે વાલ્વને સાફ કરો છો, અમુક ભાગ બદલો છો અને એન્જીનને પાછું મુકો છો. તો પછી તમને ૨૫૦૦ ડોલર અને મને ફક્ત ૨૫ ડોલર જ કેમ મળતા હોય છે? આ વ્યાજબી નથી, તમે શું કહો છો?”
“કારીગર પાસેથી ગાડીની ચાવી લેતાં દાક્તરે ધીમેથી કહ્યું, “હવે ફરી બીજી વાર તું એન્જીન ચાલુ હોય ત્યારે તેને સાફ કે ઠીક કરવાની કોશિશ કરી જો જે.”

તરુણાવસ્થાનાં વર્ષો કઈક આવા હોય છે – એન્જીન ચાલુ હોય ત્યારે તેને ઠીક કરવા સમાન. આ આપણા સમગ્ર જીવનને આકાર આપતો એક ખુબ જ મહત્વનો તબક્કો હોય છે કારણકે આ સમય દરમ્યાન જ આપણી મૂળ આદતો, આપણી સફાઈ આપવાના કારણો, તણાવગ્રસ્ત પરિસ્થિતિઓમાં આપણું માનસિક અને શારીરિક વર્તન, અરે આપણા ડર અને ભય, એક રીતે કાયમી બની જતાં હોય છે. જે તરુણો પોતાની શક્તિઓને યોગ્ય સ્થળે કે પછી કોઈ યોગ્ય કારણ માટે વાપરે તો આ બાબત બહુ લાંબે સુધી કામ આવતી હોય છે; અને તેઓ પોતાનાં જેવા બીજા અનેક તરુણો કરતાં અનેકગણું સારું અને અર્થસભર જીવન જીવતાં હોય છે. તો પછી આવા જવાબદાર એવાં મૂળ કારણો કયા હોય છે? શા માટે અમુક બાળકો સરળતાથી આગળ વધતાં રહેતા હોય છે જયારે મોટાભાગનાઓને  હંમેશા સંઘર્ષ કરવો પડતો હોય છે? શા માટે મોટાભાગના માતા-પિતાઓને પોતાનાં બાળકો સાથે કે પછી બાળકોને પોતાનાં માતા-પિતા સાથે પરિસંવાદ કરવામાં ખુબ જ અઘરો પરિશ્રમ પડી જતો હોય છે? અને શા માટે મોટા ભાગની વિનંતિઓ બન્ને પક્ષે મોટી માંગણીઓ થતી હોય એવું લાગે છે. એવું તો નથી જ હોતું કે તરુણોને સાંભળવું નથી હોતું (કે જે મને માતા-પિતાઓ તરફથી હંમેશા સાંભળવા મળતું હોય છે) એવું તો એટલાં માટે હોય છે કે એમનાં મગજમાં એક સાથે ઘણું બધું ચાલી રહ્યું હોય છે. તેમાં મૂંઝવણો, પસંદગીઓ, અને દરેક ડગલે મિત્રોનું દબાણ જવાબદાર હોય છે.

અરે ઘણીવાર તો મોટા ભાગનાં માતા-પિતાઓ પણ અંતે મૂંઝવણ અનુભવી જતાં હોય છે. તેમને ખબર જ નથી પડતી હોતી કે તેમને પોતાનાં બાળકોને શું કહેવું, કેવી રીતે કહેવું અને કેટલું કહેવું. મેં આ મૂંઝવણ – પોતાનાં બાળકને મદદ કરવાની આતુરતા અને તેમ નહિ કરી શકતા હોવાની નિરાશા – માતા-પિતાઓની આંખમાં જોઈ છે. વધુમાં, સામાન્યત: મોટા ભાગના તરુણો પોતે પણ પોતાનાં માતા-પિતાઓ સાથે એક અલગાવને અનુભવે છે. અંતિમ પરિણામ એ આવે છે કે બહુ ઓછા તરુણો પાસે કોઈ એવું હોય છે કે જેમની પાસે તેઓ જઈ શકે અને વાત કરી શકે કે તેમની પાસે મદદની અપેક્ષા રાખી શકે. અને, જે કોઈપણની પાસે  તેઓ જાય છે તે તેમને સલાહ આપવાનું શરુ કરે છે. આ બરાબર નથી કારણકે સલાહ કરતાં પણ વધારે જરૂરી તો તેમનાં તરફ સમાનુભૂતિ રાખવાની અને પ્રથમ તેમને સાંભળવાની છે.

આ મહિનાની શરુઆતમાં એક ધ્યાનની શિબિર યોજાઈ કે જેમાં લગભગ ૭૫ વ્યક્તિઓ કે જે ૨૫ અને ૮૧ વર્ષની ઉમરના હતાં, તેઓએ ધ્યાનની કલા શીખવાના અને દયા, શિસ્ત, એકાગ્રતા જેવા મુખ્ય સદ્દગુણોનો વિકાસ કરવાના અને પોતાનાં જીવનને અર્થસભર અને સુખી રાખવાનાં સંકલ્પ સાથે ભાગ લીધો હતો. મારી તેમની સાથેની વાતચીત દરમ્યાન એક મુદ્દો વારંવાર ઉભરી આવતો હતો કે: “કાશ આ જ્ઞાન મારી પાસે ત્યારે હોત જયારે હું મોટો થઇ રહ્યો હતો (કે મોટી થઇ રહી હતી), તો હું આજે એક અલગ વ્યક્તિ હોત.” આ વાક્યથી હું હંમેશા અટકી જતો અને વિચારમાં પડી જતો. આ સત્ય છે. હું જયારે પુખ્ત વયના લોકો સાથે હોવ છું ત્યારે તેઓએ પહેલેથીજ પોતાનાં અનુભવોમાંથી ઘણું બધું શીખી લીધું હોય છે, તેમને બદલવું હોય છે પણ તે બાબત તેમનાં માટે ખુબ જ અઘરી થઇ પડતી હોય છે, જીવન પહેલેથી જ તેમની કચડી ચુક્યું હોય છે.

કોઈ એવું માર્ગદર્શન એમની પાસે તેઓ પોતે જયારે હજી યુવાન હતાં અને એ પહેલાં કે પોતે કોઈ એવી ટેવો પોતાની અંદર વિકસાવી દે કે જેનો હવે તેઓ ત્યાગ કરવા માંગતા હોય ત્યારે હોત તો કેવું નહિ! જયારે તેઓ ઉછરી રહ્યા હતાં ત્યારે તેઓ જો પોતાનો અવાજ સાંભળી શક્યા હોત તો કેવું નહિ! જો તેઓ વિચલીતતાઓ સાથે અને મિત્રોના દબાણ સાથે કેવી રીતે કામ લેવું તે શીખી શક્યાં હોત તો કેવું નહિ! જો તેઓ શિસ્તની કલાને હસ્તગત કરીને પોતાની જાતનો વિશ્વાસ કરવાનું શીખી શક્યાં હોત તો કેવું નહિ! છેલ્લાં ચાર વર્ષોમાં, દુનિયાના ઘણાં ભાગોમાંથી અનેક વાંચકોએ મને યુવાનોને મળવાનો અને તેમની સાથે સીધો સંપર્ક કરવાનો અનુરોધ કર્યો હતો.

તો ઉપરોક્ત બાબતના સંદર્ભમાં, મેં પ્રથમ વાર તરુણો માટે સ્વ-બદલાવની એક શિબિરનું આયોજન ભારતમાં ૨૩મી મે થી ૨૬મી મે, ૨૦૧૫ દરમ્યાન કર્યું છે. આ શિબિરમાં હું શિસ્ત અને ધ્યાનને જીવનમાં વણી લઇ આંતરિક શક્તિ અને વિકાસ, વિચલિતતાઓ અને કોઈ પણ વસ્તુને ટાળતા રહેવાની આદતથી ઉપર કેમ ઉઠવું, અને પોતાનાં સહાધ્યાયીઓનાં દબાવ સાથે કેવી રીતે કામ લેવું તેનાં ઉપર હું મારું ધ્યાન કેન્દ્રિત કરવાનો છું.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email