અસંખ્ય લોકો સાથે નિયમિતપણે બોલવાથી, દુનિયાભરના વાંચકોના ઈ-મેઈલ વાંચવાથી, એક વાત મેં જાણી છે કે કોઇપણ સાથે કઈ પણ ખરાબ થાય કે પ્રથમ વસ્તુ જો એ કઈ અનુભવતા હશે તો એ હશે અવિશ્વાસની ભાવના. જો કે છૂપી રીતે આપણા દરેકજણ પાસે પોતાના વિશેની આત્મ-શંકા અને નિરર્થકતાને અનુભવતી ઉદાસીન ક્ષણો હોય જ છે; તેમ છતાં મોટાભાગના એવું માનતાં હોય છે કે આપણે બીજા સરેરાશ લોકો કરતાં વધુ સારા છીએ. દાખલા તરીકે મોટાભાગના લોકો એવું માને છે કે પોતે પોતાનાં સાથી કરતાં વધારે દાની, વધારે કાળજી કરનારા છે. કાં તો પછી તેઓ તેમનાં સહકર્મચારીઓ કરતાં પોતે વધુ સારી રીતે પોતાનું કામ કરી રહ્યા છે. માટે, જયારે પણ કોઈ અપ્રિય ઘટના તેમનો દરવાજો ખટખટાવે ત્યારે સૌથી પ્રથમ પ્રતિક્રિયા તેમની એ હોય છે કે આવું મારી સાથે ન બની શકે, હું આને લાયક નથી.થોડી વાર પછી, જયારે તમે એવું સ્વીકારવા લાગો છો કે કોઈપણની સાથે કઈ પણ ઘટના ઘટી શકે છે, મારા-તમારા સહીત બધા સાથે, ત્યારે એક બીજો સવાલ મનમાં પરેશાન કરવા લાગે છે: મારી જોડે જ આમ શા માટે? મને પીડા અને કષ્ટની એટલી બધી ભયાનક વાતો સાંભળવા મળતી હોય છે કે તમને ખરેખર એવો સવાલ કરવાનું મન થઇ જાય કે કોઈએ પોતાનાં જીવનમાં એવું તો શું કર્યું હશે કે તેમની સાથે આવું થઇ રહ્યું છે? અને તેમણે જે પણ કર્યું હશે તેને કુદરત કે ભગવાન કે પછી જે કહો તે શું તેને માફ ન કરી શકે? સત્ય તો એ છે કે અમુક સવાલોના કોઈ જવાબો નથી હોતા. કર્મનો નિયમ, આકર્ષણનો નિયમ, પ્રત્યક્ષીકરણનો નિયમ એમ દરેક વાતો ત્યાં નિષ્ફળ જાય છે. આપણે બસ અમુક પરિકલ્પનાઓ, આશ્વાસનો અને સંભાવનાઓ સાથે રહી જઈએ છીએ.આનંદ, સુખ અને ખુશીઓ અનુભવવાના તેમજ તેને હંમેશા માટે વળગી રહેવાનાં આપણા નિરંતર ચાલતાં રહેલાં પ્રયત્નોમાં જો કોઈ એક જ વસ્તુ સાશ્વતપણે બનતી હશે તો તે છે આ તમામથી ઉલટું – કષ્ટ પ્રાપ્તિ. તમે થોડા સમયના ભોજનને જવા દો અને તમારું શરીર તરત ભૂખથી પીડાવા લાગશે, તમે થોડી રાત્રીની નિંદ્રાને જવા દો તો તરત તમે થકાવટથી પીડાવા લાગશો, તમે થોડા દિવસો માટે આરામ કરવાનું માંડી વાળો અને તમે મંદ પડી જશો. એવું લાગે છે કે કુદરત કોઈ પણ ભોગે કોઈ પણ પ્રકારની છૂટ આપવા માટે રાજી નથી, જાણે કે તેને વ્યક્તિગત પસંદગીઓ માટે કોઈ સન્માનની ભાવના જ નથી. આવું કેમ હોય છે? શા માટે પીડા ભોગવવી એ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે? હું હજી આ વિષયમાં વધુ ઊંડો ઉતરું તે પહેલાં ચાલો તમને એક મહાભારતની વાર્તા કહું.

પાંડવો યુદ્ધ જીત્યાં પછી કૃષ્ણનો આભાર માનવા માટે જાય છે. આવા કૃતજ્ઞ લોકોની આગળ કુંતા માતા ચાલતાં હતાં.

“જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મેં તમને સતત મારા પ્રશ્નોને લઇને તમને હેરાન કર્યા છે, કૃષ્ણ,” કુંતા એ કહ્યું. “તમારી કૃપા અને આશીર્વાદના બદલામાં મેં તમને ક્યારેય કશું આપ્યું નથી. એક ભિક્ષુકની જેમ હંમેશા તમારી પાસેથી બસ લીધા જ કર્યું છે. મને ખબર છે કે હું તમને કશું જ આપી શકું તેમ નથી. તમારી પાસે પહેલેથી જ બધું છે, ખરેખર તો તમે પોતે જ બધું છો, માટે તમને કઈ પણ આપવું તે સુરજને દીવો દેખાડવા બરાબર છે.”

કુંતાના હાથ પકડી લઇને કૃષ્ણે કહ્યું, “તમારે મારો આભાર માનવાની કોઈ જરૂર નથી, હું તો ફક્ત ધર્મના માર્ગે ચાલી રહ્યો હતો. મને આનંદ છે કે તમે ફરી પાછાં રાજમાતા બનશો.”

“પરંતુ, હું હજી પણ ખુશ નથી, કૃષ્ણ, કારણકે મને ડર લાગી રહ્યો છે. આજે પણ, ખરેખર તો હું તમારો આભાર માનવા નથી આવી. પરંતુ, હું તો એક છેલ્લી ઈચ્છા લઈને આવી છું.”

કૃષ્ણ ત્યાં હસતાં હસતાં ઉભા રહ્યા, તેઓ શાંત અને આતુરતાથી ત્યાં ઉભા રહ્યા હતાં.

“મને ખુબ જ અસલામતીની લાગણી અનુભવાય છે,” કુંતાએ કહ્યું, “દુઃખો સાથે સતત સંઘર્ષ કરતાં અને લડાઈ કરતાં, મેં મારા માટે જે પણ મહત્વનું હતું તે તમામ ગુમાવી દીધું છે. હું મોટાભાગે મોટા ડરમાં જ જીવી છું કારણકે મારા જીવનમાં વચ્ચે-વચ્ચે આવી જતી આનંદની ક્ષણો તો બહુ ઓછી અને થોડીક જ હતી. અને હવે જયારે વિધાતાએ મારું બારણું અંતે એક સ્મિત સાથે ખટખટાવ્યુ છે, ત્યારે મને ડર લાગી રહ્યો છે કે આ બધી ખુશીઓના ઉભરામાં ક્યાંક હું તમને ભૂલી તો નહિ જઉં ને? માટે હે! કૃષ્ણ! હું તમારી પાસે એ ભીખ માંગું છું કે ક્યારેય મારા દુઃખો મારી પાસેથી ના લઇ લેશો, કારણકે એનાં લીધે તો હું તમને રોજ યાદ કરું છું. મારે તમને નથી ગુમાવવા.”

સુખમાં કે દુઃખમાં, આપણી પ્રાર્થનાઓની રચનામાં ક્યારેય ભગવાનને બદલામાં કશું આપવાની વાત નથી આવતી. આપણે સંભવતઃ શું આપી શકીએ તેમ છીએ? તેમાં આપણું તેમની સાથેનું બંધન અખંડ રહે તેની જ ખેવના છે. જેવી રીતે એક બાળક પોતાની માં માટે રડતું હોય છે તેમ, જેવી રીતે એક માછલી જેટલું ઉંચે કુદાય તેટલું કુદતી હોય છે પણ ફક્ત પાછી પાણીમાં આવવા માટે જ તે હોય છે, તેવી જ રીતે આપણા દુઃખો આપણને તેની સાથે, કુદરત સાથે, એકબીજાથી જોડાયેલાં રાખે છે.

જો કે કોઈને પણ પોતાનાં જીવનમાં પીડાઓ નથી જોઈતી હોતી, કુંતામાતા ને પણ નહોતી જોતી, પરંતુ પોતાની ઈચ્છાની અભિવ્યકિતમાં તેમને માનવ અસ્તિત્વના સત્યનું દર્શન કરાવી દીધું છે: કષ્ટની અંદર તમારા મૂળ સ્રોત સાથે જોડાયેલાં રહેવાનો એક માર્ગ રહેલો છે. હું બિલકુલ એવું નથી કહી રહ્યો કે આપણે દુઃખોની માંગણી કરતાં ફરતા રહેવું જોઈએ (તો પણ તમે તેમ તો નથી જ કરવાનાં જો કે), પરંતુ હું તો એવું સુચવી રહ્યો છું કે પીડા તરફ જુદા દ્રષ્ટિકોણથી જોઈ શકાય તેમ છે. ઋતુઓની જેમ એક પસાર થતો સમય જાણે કે. હું પીડાને લાયક નથી એ એક એવું વાક્ય છે કે જે કુદરત નથી સમજતું અને મારી સાથે જ આમ શા માટે એ એક એવો સવાલ છે કે જેનો જવાબ કુદરત નથી આપતું. માટે, જો ખરેખર આપણે આપણી પીડાથી ઉપર ઉઠવા માંગતા હોઈએ તો આપણે તેનાં અલગ પરિમાણ તરફ ધ્યાન આપવું પડશે.

આવો જ એક દ્રષ્ટિકોણ છે તાકાતનો. પીડા આપણને જે તાકાત આપે છે, સુખ આપણને તે નથી આપી શકતું. પીડા એ એક એવો ધગધગતો સૂર્ય છે કે જે આપણને ઠંડીના મૂલ્યની કદર કરતાં શીખવે છે. અને એ ઠંડીની એક રાત્રી હોય છે કે જે આપણને સૂર્યની હુંફની કદર કરતાં શીખવે છે. તે આપણને ખરા માનવ બનાવે છે. જો તમે ઈશ્વરમાં વિશ્વાસ ધરાવતાં હોવ તો પીડા તમારી પ્રાર્થનામાં સત્યનો ઉમેરો કરાવશે, તે તમારા ઈશ્વર સાથેના અંગત સંબધમાં પ્રામાણિકતા અને ભક્તિનો ઉમેરો કરશે. પરંતુ, સૌથી મહત્વનું તો એ છે કે પીડા આપણા પગ જમીન પર ટકાવે છે, તે આપણને નમ્ર બનાવે છે. અને, નમ્રતા, હું કહીશ કે, તે એક અર્થસભર અને સંતોષી જીવનનું સૌથી મહત્વનું ઘટક છે. જયારે તમે કષ્ટ, પીડા કે દુઃખમાંથી પસાર થાવ છો ત્યારે તમારી અંદરનું કશુક કાયમ માટે બદલાઈ જતું હોય છે. તમે વધુ કૃતજ્ઞ, વધુ શક્તિશાળી, વધારે ડાહ્યા અને વધારે સમાનુભુતી વાળા બનીને ઉભરી આવો છો.

હું એ વાતે બિલકુલ સહમત છું કે તમારે બિનજરૂરીપણે પીડાને નિમંત્રણ આપવાની કે પછી જીવનની કદર કરવા માટે થઇને જાણી જોઇને અભાવોથી ભરેલું જીવન જીવવાની જરૂર નથી. વધુમાં, પીડા એ કોઈ મહેમાન પણ નથી કે તેને કોઈ આમંત્રણની જરૂર પડવાની હોય. પરંતુ, તે જયારેપણ આપણા જીવનમાં આવે, અને તે ચુક્યા વગર આવશે જ, ત્યારે તમારે ફક્ત ધીરજ રાખવાની છે અને તેની સાથે એક મનોહર ઢંગથી કામ લેવાનું છે. તમે તેની સાથે લડી નથી શકવાના કે તમે તેને ઠપકો પણ નથી આપી શકવાના. તમારે સહજતાથી તેનાંથી ઉલટું કરવાનું છે. આત્માની અંધારી રાત્રીમાં, તમારે ખુબ ધીરેથી શ્રદ્ધાનો દીપ જલાવવાનો છે. સમર્પણની વાટ અને ભક્તિનું તેલ લઈને. પીડાની હાજરી ત્યારે આખા ઓરડામાં નહિ ફેલાય, ફક્ત અમુક ખૂણાઓમાં અમુક ક્ષણો માટે જ રહેશે.

ચાલો, કોઈ પણ કિંમતે કૃતજ્ઞ બનીએ કેમ કે કૃતજ્ઞતા એ કષ્ટનું મારણ છે. તે તમને નમ્ર બનાવે છે, અને સારા સમયમાં પણ મજબુત બનાવે છે. કષ્ટ કૃતજ્ઞતાની સન્મુખ થતાં જ ચાલતી પકડે છે; તે બન્ને સહ-અસ્તિત્વ ધરાવી શકતા જ નથી. છતાં પીડા કદાચ ત્યાં રહેશે, પણ કૃતજ્ઞતાનો મલમ દુઃખના ઘાવને ધીમે-ધીમે ભરી દેશે. કારણ કે જ્ઞાની મહાપુરુષોએ કહ્યું છે કે પીડા અનિવાર્ય છે પરંતુ દુઃખ એ વૈકલ્પિક છે.

આપણે શું ગુમાવી દીધું છે તેને શોધવામાં જે આપણી પાસે છે તેને ન ગુમાવીએ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email