તમે આ લેખ વાંચવાનું ચાલુ કરો તે પહેલાં જ હું તમને જણાવી દઉં કે આજનું મારું લખાણ જેને ધ્યાન જેવા વિષયમાં રસ નથી કે પોતે પ્રવૃત નથી એમને કંટાળાજનક લાગી શકે છે. વધુમાં એ મારા સામાન્ય અઠવાડિક લેખ કરતાં ઘણું લાંબુ પણ છે. માટે, જો તમને ધ્યાન અને માનવ ચેતના જેવા વિષયમાં રસ ન હોય તો તમે આ લેખ વાંચવાનું ટાળી શકો છો. આ લેખ મેં વિશેષત: જે ગંભીર સાધકો છે તેમનાં માટે લખ્યો છે.

ગયા અઠવાડિયે, સાધકોના ચાર પ્રકાર વિશે લખતી વખતે મેં વચન આપ્યું હતું કે હું જાગૃતતાનાં નવ સ્તર વિશે વિસ્તારપૂર્વક વર્ણન કરીશ. એ પહેલાં કે હું આ વિષયમાં ઊંડે ઉતરું, એ સમજી લેવું ખુબ જ અગત્યનું છે કે ક્ષણિક કે એકાદ વાર કરેલા ધ્યાનના અનુભવને ચેતનાના અમુક ચોક્કસ સ્તરની પ્રાપ્તિ સાથે ભ્રામક રીતે ન ભેળવી દેવો જોઈએ. દાખલા તરીકે, તમારી કરોડરજ્જુ ઉપર કે ભ્રમરોની મધ્યે અનુભવાતી સંવેદના કે પછી કોઈ પ્રકાશ કે પછી તમારા ભવિષ્યની કોઈ ઝાંખી થવી તેનો અર્થ એ નથી કે તમે એક સાધક તરીકે કોઈ વિકસિત કે ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છો (સિવાય કે તમે એવો અનુભવ તમે જયારે પણ ધ્યાન કરવા બેસો અને થતો હોય તો જુદી વાત છે). આવા અનુભવોનું મહત્વ બહુ થોડું છે. વાસ્તવમાં તો તે અવરોધ પણ બની શકતા હોય છે.

મારા ૨૨ વર્ષની ધ્યાનની યાત્રા એ મુખ્યત્વે મારા અનુભવોને એક વૈજ્ઞાનિક આધાર આપવા ઉપર કેન્દ્રિત હતી. જો હું તેને ફરી આબેહુબ રીતે તેનું પુન:સર્જન ન કરી શકતો હોવ તો તે અનુભવનું કારણ હું સમજ્યો જ નથી.  જો હું એ જાણતો ન હોવ કે શેનાથી એ અનુભવ ઉદ્ભવ્યો તો પછી મને એ કેવી રીતે ખબર પડે કે તે અનુભવ ખરેખર હકીકત હતો કે નહિ અને તે બીજા વ્યક્તિ સુધી લઇ જવાય કે કેમ? અનુભવ કે પછી તે અમુક સંવેદન અનુભવવાનો હોય કે પછી શરીરના અનિચ્છાવર્તી તંત્ર ઉપર કાબુ મેળવવાનો હોય, જો આપણે તેને આપણી ઈચ્છા પ્રમાણે તેનો પુન: અનુભવ ન કરી શકતા હોઈએ તો તેનો અર્થ છે કે આપણે ખરેખર તેનાં ઉપર હજુ પ્રભુત્વ નથી મેળવ્યું. જો કોઈ સંગીતકાર પોતાની ઈચ્છા પ્રમાણે પોતે જે ધૂનની સર્જના કરી છે તે વગાડી ન શકતો હોય તો તે પોતે સંગીતજ્ઞ ન કહી શકાય. શું કહી શકાય? કોઈપણ વસ્તુમાં સાતત્યતા તેનાં સાચા અભ્યાસથી આવતી હોય છે. અને, અભ્યાસ એ ધ્યાનની કલામાં સર્વોત્તમ બનાવાનો મૂળ આધાર છે.

ઘણાં વાંચકોએ મને લખી જણાવ્યું છે કે તેઓ તો મારા છેલ્લાં લેખમાં વિશેષ કે તીવ્ર સાધક બનવા માટે જણાવેલા કલાકો સુધીના ધ્યાનની જરૂરિયાત વાંચીને જ ચકિત થઇ ગયા છે. વાત એમ છે: મેં તમને શ્રેષ્ઠ આદર્શ વાત કરેલી છે, અને હવે, એ તમારા ઉપર છે કે તમારે કેટલે સુધી તેમાં જવું. મારું કામ છે તમને સત્ય કહેવું. જયારે પણ તમે સમાધિ વિશે વિચારતા હોવ કે પછી ધ્યાન દ્વારા આનંદનો અનુભવ કરવા માંગતા હોવ ત્યારે હું તમને આંખો બંધ કરીને આઈનસ્ટાઇન, એડીસન, ન્યુટન જેવાઓનો વિચાર કરવાનું કહીશ. તેમને જે પોતાનાં સંશોધનો કર્યા છે તેનાં માટે કેટલાં કલાકો સુધીનો સમય પોતાનાં જમીનતોડ સિદ્ધાંતો શોધી કાઢવા માટે અર્પણ કર્યો હશે તેનાં ઉપર જરા ચિંતન કરી જુઓ. એડીસન પોતે પોતાની પ્રયોગશાળામાં સુઈ જતો હતો; તે દિવસો સુધી તેમાંથી બહાર નહોતો આવતો. કાં તો પછી કોઈ વ્યાવસાયિક પિયાનો વગાડનાર વિશે વિચાર કરો. જે પોતાના સંગીતના જલસા યોજે છે તેને તજજ્ઞ બનતા પહેલાં પોતે ૧૦,૦૦૦ જેટલાં કલાકોનો સમય તેની તાલીમ અને અભ્યાસ માટે રોકેલો હોય છે; અને ત્યારે તે વગાડવાનું તેનાં માટે સહજ અને કુદરતી બને છે. ધ્યાન કરવાની બાબતમાં પણ કોઈ તફાવત નથી. ઓછા નામે પ્રથમ પગલું તો ભરો. તમારા માટે પ્રકાશનું કિરણ આ રહ્યું જોકે: પ્રથમ ચાર સજાગતાના સ્તર પછી તમારે બેસીને ધ્યાન કરવાની જરૂર નથી. તમે ધ્યાનસ્થ જાગૃતતા બધા સમય માટે જાળવી રાખી શકતા થઇ જાવ છો.

કેટલાંક વાંચકોએ મને લખ્યું છે કે મેં જે લખ્યું હતું તેટલાં બધા કલાકોનો સમય મુકવો અશક્ય છે.  મને ખુબ રમુજ લાગી (હું નવાઈ નહોતો પામ્યો) જયારે આપણે એમ કહેવાનું હોય છે કે હું પોતે આટલો સમય કાઢવા નથી માંગતો ત્યારે આપણે અશક્ય શબ્દને કેટલો સહજતાથી વાપરતા હોઈએ છીએ. સત્ય તો એ છે કે અંતે તો ધ્યાન એ તમારી પ્રાથમિકતામાં ક્યાં છે તેનાં ઉપર બધું છે. જો કશુંક તમારી પ્રાથમિકતા હશે તો તમને એનાં માટે સમય મળી જ જશે. અને તમે જેમ જેમ આ માર્ગમાં પ્રગતી કરતાં જશો તેમ તેમ, હું તમને ખાતરી આપું છું કે, તમારી પ્રાથમિકતાઓ પણ બદલાતી જશે. તે બદલાશે કેમ કે તમે પોતે ઉત્ક્રાંત થતાં જશો, આધ્યાત્મિક, લાગણીકીય, માનસિક અને બૌદ્ધિક દ્રષ્ટીએ પણ તમે વિકસતા જશો. આવો વિકાસ તમારી અંદર ગહન અને કાયમી બદલાવ લાવશે. તમે દુનિયા તરફ જુદી જ દ્રષ્ટીએ જોતા થઇ જશો. જે તમારા માટે જેટલું મહત્વનું છે તે ત્યારે એટલું મહત્વનું નહિ રહે.

પતંજલિ, વ્યાસ અને તેમનાં જેવા બીજા સંતોએ જયારે ધ્યાન ઉપર વિવરણ આપતી વખતે તેમને જાગૃતતાનાં નવ સ્તરો વિશે જણાવ્યું છે. એક રીતે, આ સ્તરો સાધકની ઉત્ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. ગયા અઠવાડિયાના મારા સાધકના પ્રકારો ઉપરના લેખને વાંચો કેમ કે આજનો આ લેખ તેનો અનુગામી વિષય છે.

૧. બૌદ્ધિક જાગૃતતા
તેને વિતર્ક પ્રજ્ઞા કહેવામાં આવે છે. બુદ્ધિ સિવાય, વિતર્કનો અર્થ તર્ક અને મત પણ થાય છે. પ્રજ્ઞાનો અર્થ છે ડહાપણ, જ્ઞાન કે બુદ્ધિ. જાગૃતતાના આ સ્તરે બુદ્ધિ ફક્ત બાહ્ય સ્તરના બૌદ્ધિક વિશ્લેષણ સુધી જ મર્યાદિત છે. જે મૃદુ સાધક છે તેનું જ્ઞાન અનુભવજન્ય બુદ્ધિથી રહિત હોય છે અને દરેક ઘટનાની ફક્ત બૌદ્ધિક સમજણ સુધી જ મર્યાદિત હોય છે. આ સ્તરે, તમે જે કઈ પણ જાણતા હોવ છો તે બીજા પાસેથી પ્રાપ્ત કરેલું, કહેલું-સાંભળેલું જ્ઞાન હોય છે. કોઈએ તમને આપેલું હોય છે. આ સ્તરનો સાધક ગ્રંથો અને શિક્ષકો દ્વારા તેનાં સુધી જે જ્ઞાન પહોંચ્યું છે તેનાંથી ખુશ હોય છે.

૨. સંશોધક જાગૃતતા
યોગિક ગ્રંથો તેને વિચાર પ્રજ્ઞા કહે છે. તેનો અર્થ છે તમે ધ્યાનપૂર્વક એક વિચાર ઉપર કુશાગ્ર બુદ્ધિથી વિચાર કરીને તમને જે બુદ્ધિ પ્રાપ્ત થાય છે તે. હવે સાધક પોતે માનસિક જાગૃતતા કેળવે છે. આવા સાધકને કોઈપણ ગ્રંથને તેનાં અંકિત મૂલ્યાંકનથી સ્વીકારવામાં કોઈ રસ નથી હોતો. તે તો શિક્ષણને પોતાની અંદર ઉતારી દઈને પોતાનાં સત્ય સુધી પહોંચવા માટે તેનાં ઉપર ચિંતન કરતો હોય છે. પ્રથમ બે અવસ્થા એ મૃદુ સાધક સુધી મર્યાદિત છે. હવે પછીની બીજી બે અવસ્થાઓ જોકે, સરેરાશ કે મધ્યમ સાધક માટેના છે.

૩. આનંદની જાગૃતતા
તેને આનંદ પ્રજ્ઞા પણ કહે છે. તે નોંધવું ખુબ રસપ્રદ રહેશે કે એક સરેરાશ સાધક પોતે આનદ પ્રજ્ઞાને હજુ પોતે અંતિમ અવસ્થાએ પહોંચે તે પહેલાં જ બહુ અગાઉથી અનુભવતો થઇ જાય છે (તેનો અર્થ છે કે આનંદ પોતે પોતાની રીતે કોઈ અંતિમ અવસ્થા નથી હોઈ શકતી.) સામાજિક અને ધાર્મિક શરતીપણાથી ઉપર ઉઠતા જતો આ સાધક હવે ગ્રંથો અને ઉપદેશોથી અલિપ્ત થતો જાય છે. આવા સાધકમાં ગ્રંથોમાં કહેલી વાત ઉપર સવાલ ઉઠાવવાની અને પોતાની રીતે સત્યની ખાતરી કરવાની હિંમત હોય છે. પોતાનાં ધ્યાનની બેઠકમાં હવે એક ચોક્કસ સ્થિરતા ઉભરતી જાય છે અને પોતે શાંતિનો અનુભવ કરતો થાય છે, આવા સાધકને પોતાના ખરા સ્વભાવની ઝાંખી મળતી જાય છે. જો તે ટકી રહે તો પોતે નિશ્ચિંતપણે આગળની જાગૃતતાની ઉચ્ચ અવસ્થાનો અનુભવ કરે છે.

૪. સ્વ-જાગૃતતા
તેને અસ્મિતા પ્રજ્ઞા કહે છે. સામાન્ય રીતે અસ્મિતાનો અર્થ થાય છે અહં. આ અવસ્થામાં સાધક પોતાના વ્યક્તિગત અહંને વિશાળ બ્રહ્માંડીય અહંમાં વિલીન થતો અનુભવે છે. તમે એ અનુભવ કરવાનું શરુ કરો છો કે તમે બ્રહ્માંડની જ એક આબેહુબ પ્રતિકૃતિ છો, અને તમે પોતે પણ આ બ્રહ્માંડ જેટલાં જ અનંત અને સાશ્વત છો. તમે એ અનુભવ કરવાનું શરુ કરો છો, ફક્ત બૌદ્ધિક રીતે જ નહિ પરંતુ અનુભવસિદ્ધ ઢંગથી કે તમે કઈ ફક્ત શરીર, મન કે ઇન્દ્રિયો જ નહિ પરંતુ તેનાંથી પણ કઈક પરે છો. કે તમે હાડ-માંસ અને હાડકાનાં સમૂહ કરતાં પણ કઈક વિશેષ છો, તમારી ઈચ્છાઓથી પણ વધારે, કે તમારી નજરે જે કઈ પણ પડતું હોય તેનાંથી પણ વિશેષ. તીવ્ર સાધક હવે પછીની ચાર અવસ્થાઓનો અનુભવ કરી શકે છે.

૫. યુગ્મિય અવસ્થા
યોગ સુત્ર અને ઉપનીષદોમાં તેને વશીકર પ્રજ્ઞા કહી છે. તેનો સામાન્ય અર્થ થાય છે ઈચ્છાઓ પર વિજય. આ તીવ્ર સાધક માટેની પ્રથમ અપરિવર્તનીય અવસ્થા છે. સાધક આ અવસ્થામાં પોતે જયારે ધ્યાન ન પણ કરતાં હોય તો તે વખતે પણ પોતાની ઇચ્છાઓને કારણે બેચેનીનો અનુભવ નથી કરતાં. તેમની જાગૃતતા હવે તેમનાં ધ્યાનની વસ્તુ સાથે જોડાઈ ગયી હોય છે જયારે તેમની દૈહિક અને બીજી ઈચ્છાઓ તેમની શ્રેષ્ઠતમ જાગરૂકતા દ્વારા નિયંત્રણમાં આવી જાય છે. કલ્પના કરો કે જયારે કોઈ પ્રેમમાં પડે ત્યારે શું થાય છે. તેમનાં મનમાં એક ખૂણે તેઓ સતત જેને પ્રેમ કરતાં હોય તેનાં વિશે વિચારતાં હોય છે. તેમની ચેતના તેઓ જેને પ્રેમ કરતાં હોય તેની સાથે જોડાઈ ગયી હોય છે. આ પણ બસ તેનાં જેવી જ અવસ્થા છે ફક્ત એક અગત્યના તફાવત સાથે અને તે એ છે કે અહી સાધક જાગૃતપણે તેને કેળવે છે અને તે આ જાગૃતતાના કાબુમાં હોય છે અને તેથી ઉલટું નહિ.

૬. વિરામ અવસ્થા
જયારે સાધક પોતે ધ્યાનના માર્ગે ચાલતો રહેતો હોય છે ત્યારે મનની ચટર-પટર કરવાનો સ્વભાવ ઓછો થઇ જાય છે. તમે જેનાં પણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હોય તેનાં ઉપર તમે તમારા આંતરિક ઘોંઘાટ કે ભટકતા વિચારોથી પરેશાન થયા વગર તમે તેમ કરી શકવા માટે સમર્થ બની જાવ છો. આ અવસ્થાને વિરામ પ્રત્યય કહે છે. વિરામનો અર્થ થાય છે ઠહેરાવ અને પ્રત્યત્યનો અર્થ અહીના સંદર્ભે થાય છે સમજણ, બુદ્ધિ, કે ચેતના. તમારી ઈચ્છાઓને વશમાં કરવા કરતાં (પછી ભલેને એ ગમે તેટલું સહજ કેમ ન હોય) તો વધારે સારું એ છે કે તે ઈચ્છાઓ પહેલેથી હોય જ નહિ. માટે જ વિરામ અવસ્થા એ યુગ્મ અવસ્થા કરતાં વધારે સારી છે. ત્રણેક વર્ષ પહેલાં, મેં કહ્યું હતું કે જયારે આપણે એક વિચારને ત્યાગી નથી દેતા ત્યારે અંતે કાં તો તે એક ઈચ્છા બની જાય છે કાં તો પછી એક લાગણી.

૭. કુદરતી અવસ્થા
તેનો અર્થ થાય છે ભાવ પ્રત્યા અને તેનો અર્થ પણ થાય છે માનસિક શાંતિ. આ સ્તરની અવસ્થાને દર્શાવવા માટે મેં બહુ કાળજીપૂર્વક કુદરતી શબ્દને પસંદ કર્યો છે. જયારે તમે એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની બાબતથી પણ ઉપર ઉઠો છો, જયારે તમે તમામ માનસિક પ્રવૃત્તિઓમાંથી વિરામ અનુભવો છો, ત્યારે કઈક ગહન વાત બને છે: તમે મનની સંપૂર્ણ સ્થિરતાનો અનુભવ કરો છો. જેમાં કોઈ વિચાર નહિ, કોઈ લાગણી નહિ, કોઈ વિશ્લેષણ નહિ. આ તમારા મનને દોરી જાય છે તેની કુદરતી અવસ્થા તરફ જે છે એક શુદ્ધ અને અબાધિત સાશ્વત આનંદની અવસ્થા. આ અવસ્થાએ, તમારી ઇચ્છાઓ અને તમારી લાગણીઓ તમને બેચેન નથી બનાવતી. ત્રીજી અવસ્થામાં જણાવેલ સરળ આનંદની અવસ્થા અને આ આનંદની અવસ્થામાં મુખ્ય તફાવત ચેતનાની અવસ્થામાં આવતી વધઘટનો છે. ત્રીજી અવસ્થામાં, જો કે તમેં આનંદનો અનુભવ તો કરો છો તેમ છતાં પણ તે સહેલાઇથી બીજા વિચારો અને લાગણીઓથી વિચલિત થઇ જાય છે. જયારે આ અવસ્થામાં તમે જો કે, ઇચ્છાઓને પરાજિત કરવાનાં સ્તરને પણ પસાર કરીને માનસિક તમામ પ્રવૃત્તિને બંધ કરી શકવાના કૌશલ્યમાં પ્રવીણ બની ગયા હોવ છો. તમે હવે અવિચલિત રહો છો.

૮. કૌશલ્યપૂર્ણ જાગૃતતા
તેને ઉપાય પ્રત્યા કહે છે. યજુર્વેદ અને બીજા ઉપનિષદોમાં ઉપાયનો અર્થ કહ્યો છે પોતાનાં ધ્યેય સુધી પહોંચવા માટે જે પણ વલણ, સલંગ્નતા કે કોઈ પણ કલાનો ઉપયોગ કરવો તે. પરંતુ મને બી.કે.એસ. આયેંગર (૧૯૧૮ – ૨૦૧૪)ની વ્યાખ્યા સૌથી વધુ ગમી છે: કૌશલ્યતા. આ એક ખુબ સમજવા જેવું છે કે કૌશલ્યપૂર્ણ જાગૃતતાને આનંદની જાગૃતતા અને કુદરતી જાગૃતતાની અવસ્થા પછીના ક્રમાંકે મુકવામાં આવી છે. અને તેનાં માટે બહુ સુંદર કારણ પણ છે. પ્રથમ સાત અવસ્થાઓમાં, સાધક સતત પ્રગતી કરતો રહેલો હોય છે તેમ છતાં તેનું વિશ્વ માટેનું યોગદાન ખુબ જ મર્યાદિત હોય છે. તેઓ હજુ પણ પોતાનાં આનંદ અને શાંતિ માટે કામ કરતાં હોય છે. અને આ અવસ્થામાં વાત ફક્ત તેમનાં વિશેની જ નથી. કૌશલ્યપૂર્ણ જાગૃતાતાની અવસ્થામાં તેઓ પોતાની પ્રકાશ અને પ્રેમની કુદરતી અવસ્થાને તો ટકાવી જ રાખી શકે છે તેમ છતાં દુનિયામાં પ્રવૃત રહીને કાયમ માટે બીજાને મદદરૂપ પણ થતાં રહે છે. દરેક સંસ્કૃતિમાં થયેલાં ઘણાં મહાન સંતોનું જીવન આ જ વાતને દર્શાવે છે. એવાં પણ ઘણાં સાધકો છે જે અહી અટકી જતાં નથી, તેઓ આગળ વધવાનું ચાલુ રાખે છે. તેમને શ્રેષ્ઠ તીવ્ર સાધક કહેવામાં આવે છે. અને આગલી અવસ્થા એવાં સાધકોને પ્રાપ્ત થાય છે.

૯. પરમોચ્ચ જાગૃતતા
શ્રેષ્ઠ તીવ્ર સાધક અંતિમ અવસ્થાનો અનુભવ કરે છે અને તે છે પરા વૈરાગ્ય. તેનો અર્થ થાય છે પરમ વૈરાગ્ય. જો ઇચ્છાઓ જ ન થવી તે ઇચ્છાઓને પરાજિત કરવા કરતાં શ્રેષ્ઠ બાબત હોય તો ઇચ્છાઓની પરિપૂર્ણતા કે અપરિપૂર્ણતામાં સમતા એ અંતિમ અવસ્થા છે. કારણકે ઇચ્છાઓ જો દરેક દુ:ખોનું મૂળ હોય તો આપણે એ હકીકતને પણ નકારી નથી શકતા કે માનવ પ્રગતીના મૂળમાં પણ ઈચ્છાઓ જ રહેલી છે. વ્યવહારુ સ્તરે, ઇચ્છાઓનું મુલ્ય આપણે ઓછું ન આંકી શકીએ. કોઈ જગ્યાએ કોઈએ એક ચોક્કસ પ્રશ્ન માટેના ઉકેલની ઈચ્છા રાખેલી હતી. અને માટે તેઓએ અગ્નિ, સાધન, પૈડું, વીજળી, ફોન, વિમાન, કમ્પ્યુટર વિગેરેની શોધ કરી. એક દક્ષ સાધક આ સ્તરે પોતાની ઇચ્છાઓથી અલિપ્ત રહીને એક પારમાર્થિક ચેતનાનો વિકાસ કરે છે. પોતે સમાધિ કે સમતામાં સ્થિર રહીને, શાંતિપૂર્વક પોતાનું જીવન દરેક સચેતન જીવોનાં કલ્યાણ માટે સમર્પિત કરે છે.

શું પરમ વૈરાગ્યનો અનુભવ કરવા માટે ધ્યાનની કઠોર સાધનામાંથી પસાર થવું જરૂરી છે? બિલકુલ નહિ. મેં ધ્યાન માર્ગને પસંદ કરેલો કેમ કે તેનો વૈજ્ઞાનિક આધાર મને ખુબ જ અનુરોધ કરી ગયો હતો. તમારે તે જ માર્ગે જવું એવું જરૂરી નથી. મેં મારો ગયો લેખ અને આ લેખ મોટાભાગે પતંજલિ યોગ સૂત્રના આધારે લખ્યા છે માટે હું ફરી એક વાર તેમને ટાંકીશ:

ईश्वर प्रणिधानत वा
ચેતનામાં આવતો ચડાવ-ઉતાર ઈશ્વર ઉપર ધ્યાન કરવાથી અને તેમને સંપૂર્ણ સમર્પણ કરવાથી નિયંત્રિત કરી શકાય છે.
ईश्वरप्रणिधानाद् वा (पतंजलि योग सूत्र, I.23)

જો તમે ભગવાનમાં માનતાં હોવ, તો તમે તમારા ભગવાન સાથે અંગત સંબધ બનાવીને અને તેની ઈચ્છાને સંપૂર્ણ સમર્પણ કરીને પણ પરમ વૈરાગ્યના સ્તરને સિદ્ધ કરી શકો છો. અને આ એક અગત્યનો સવાલ ઉભો કરે છે: તો પછી નાસ્તિક અને સંશયવાદીઓનું શું? વારુ, તેમના માટે પણ પરમ વૈરાગ્યની એટલી જ સંભાવના છે, જો વધારે નહિ તો. કેવી રીતે? અંતે તો આ કોઈ ધ્યાન વિશે કે કોઈ ગ્રંથ કે ધર્મમાં વિશ્વાસ હોવા વિશેની બાબત નથી, એ તો તમારી જીવન સરિતાની સાથે વહેવા વિશેની બાબત છે. દયા અને કૃતજ્ઞતાથી જીવવા વિશેની બાબત છે. તમે જેટલાં ઉપર ઉઠેલા હશો તેટલાં જ વધુ તમે કુદરતી રીતે દયાળુ પણ હશો. એક આધ્યાત્મિક જીવ, પછી તેનો ધર્મ પ્રત્યેનો દ્રષ્ટિકોણ ગમે તે હોય, તે આપોઆપ પોતાની અંદર આપણા આ સુંદર સર્જનમાં રહેલાં દરેકજણા માટે એક નિ:સ્વાર્થ ભાવ વિકસાવે છે. આવું માનસિક વલણ તેમને મુક્તિના અંતિમ સ્તર તરફ દોરી જાય છે જે છે સંપૂર્ણ મોક્ષ.

અહી એક ઝેન ગુરુ રયોકેનની સુંદર કવિતા છે તમારા માટે:

Too lazy to be ambitious,
I let the world take care of itself.
Ten days’ worth of rice in my bag;
a bundle of twigs by the fireplace.
Why chatter about delusion and enlightenment?
Listening to the night rain on my roof,
I sit comfortably, with both legs stretched out.

જો તમે કૃતજ્ઞ હોવ, જો તમે હસતાં રહેતા હોવ, જો તમે સંતોષી હોવ અને જો તમારા જીવતાં રહેવાથી કોઈ બીજાને મદદ મળી રહી હોય, તો તમે બિલકુલ બરાબર છો. બસ શ્વાસ લેતાં રહો.

હું ચેતનાના સાત સ્તરોને પણ વણી લેવા માંગતો હતો પરંતુ આ લેખ ખુબ જ લાંબો થઇ ગયો છે. કોઈ બીજી વાર જોઈશું. બિલકુલ કોઈ બીજી વખતે.

શાંતિ.
સ્વામી

(અગત્યની નોંધ: ગુજરાત રાજ્યમાંથી નિયમિતપણે જે લોકો આ ગુજરાતી બ્લોગ કે અંગ્રેજી બ્લોગ વાંચી રહ્યા હોય તે મને bharatsinhjhala@gmail.com પર ઈ-મેઈલ દ્વારા સંપર્ક કરશે તો હું તેમનો આભારી રહીશ. સંપર્કનો હેતુ ફક્ત એ છે કે ગુજરાત રાજ્ય સ્થિત વાંચકોને મળી શકાય અને સ્વામીજીના વિચારો હજુ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે જરૂરી એવી કોઈ પ્રવૃત્તિનો વિચાર ભેગા મળીને કરી શકાય. આભાર.- ભરતસિંહ ઝાલા)

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email