મારે કઈ રીતે ધ્યાન કરવું જોઈએ? કઈ પદ્ધતિ મારા માટે સર્વશ્રેષ્ઠ છે? મારું મન ધ્યાન કરતી વખતે સ્થિર રહેતું નથી; હું તેને ભટકતું કઈ રીતે રોકું? જયારે ધ્યાનની વાત આવતી હોય ત્યારે આ ત્રણ સૌથી સામાન્ય સવાલો હોય છે જે મને પૂછવામાં આવતાં હોય છે. ચોક્કસ મન છે તે સ્થિર નથી રહેતું હોતું અને માટે જ તો આપણે ધ્યાન કરતાં હોઈએ છીએ. જો કે મને ખબર છે તમારો કહેવાનો અર્થ શું છે તે; તમે ધ્યાન કરવા માટે જેટલો વધારે પ્રયત્ન કરો છો મનની ચટર-પટર પણ એટલી જ વધારે મોટેથી ચાલવા લાગતી હોય છે. પતંજલિ તેને વૃત્તિ – સજાગતામાં થતી વધઘટ કાં તો વિચારોના મોજા એવું કહે છે. ધ્યાન છે તે આ વધઘટ ઉપર કાબુ મેળવવાની એક કલા છે કે જેનાં લીધે તમે ઉત્તમોત્તમ એવી શાંતિનો અનુભવ કરી શકો છો કે જે ફક્ત શાંત મનમાંથી જ ઉદ્દભવતી હોય છે.ઉપરના વાક્યમાં કલા શબ્દ વાપર્યો છે તેની નોંધ લો. ધ્યાનનો પાયો જો કે વૈજ્ઞાનિક છે (કે જેની ચકાસણી કારણ અને અસરનાં સિદ્ધાંતથી થઇ શકે છે) અને તેનાં માટે શિસ્તની(શારીરિક, માનસિક અને નૈતિક) જરૂર પડતી હોય છે, તેમ છતાં ધ્યાનનો અભ્યાસ અને તેનાં ઉપર સંપૂર્ણતા પ્રાપ્ત કરવી તે એક કલા છે. એક કલાકારની જેમ તમે જેટલો વધારે અભ્યાસ કરશો તેટલાં વધુ સારા તમે એમાં થતાં જશો. તમે સુક્ષ્મ તફાવતોને સમજતા થશો, તમે તમારા અનુભવોથી ઉપર ઉઠતાં જશો, તમારે શું ધારણા કરવી તેની સમજ આવતી જશે, અને ધ્યાનની પ્રક્રિયા સહજ બનતી જશે. અને જયારે તમને તમારા ધ્યાનમાં સહજતાનો અનુભવ થવા લાગશે ત્યારે તે તમારા માટે એક સીમાચિહ્ન રૂપી બની જશે. આવા સાધક માટે આત્મ-સાક્ષાત્કાર ખુબ જ નિકટવર્તી બની જાય છે.

તો પછી ધ્યાન કરવા માટેની સૌથી શ્રેષ્ઠ પ્રણાલી કઈ છે, કેમ કે ધ્યાનની રીતો તો ઘણી બધી છે? નિ:શંક ધ્યાન માટેની વિવિધ વિધિઓ રહેલી છે. આપણી પાસે ધ્યાન કરવાની રીતો તો બ્રહ્માંડમાં રહેલાં તારાની સંખ્યા કરતાં પણ વધુ છે. વારુ, એ થોડું વધારે પડતું હતું, પણ માનું છું કે હું શું કહેવા માંગું છું તે તમે સમજી ગયા હશો. આ પદ્ધતિ, પેલી પદ્ધતિ, આ રીત, પેલી રીત, આ પ્રણાલી અને પેલી પ્રણાલી વિગેરે. સૌથી નોંધનીય બાબત જો કે એ છે કે મોટા ભાગની આ પદ્ધતિઓ ખરેખર તો ખુબ જ સરસ છે. તે કોઈ પણ બીજી પ્રણાલીની જેમ જ કામ કરતી હોય છે પરંતુ જેમ કોઈ પણ પદ્ધતિ માટે થતું હોય છે તેમ તે ફક્ત એનાં માટે જ કામ કરે છે જે તેનો ખંતપૂર્વક અભ્યાસ કરતાં રહેતા હોય છે. કહેવાનો અર્થ એ છે કે સવાલ એ પદ્ધતિ ઉપર નથી પણ તેનો અભ્યાસ કરનાર ઉપર છે. મારી સલાહ? મૂળ તરફ પાછા જાવ. કાં તો બેસો અને ધ્યાન કેન્દ્રિત કરો ને કાં તો બેસો અને ચિંતન કરો. બસ આટલું જ છે.

કદાચ મારા માટે હાલમાં અત્યારે આ એક સારી તક છે ધ્યાન ઉપર વિસ્તૃત વાત કરવાની કેમ કે જે લોકો ઋષિકેશ મારી સાથે ધ્યાનની શિબિરમાં આવવાના છે તેમનાં માટે તેમાં પહેલેથી જ ઘણું બધું આવરવાનું છે. છ દિવસ પણ તેનાં માટે ઓછા જ પડવાના. માટે, આજે, પતંજલિ યોગ સુત્રમાં દર્શાવ્યા પ્રમાણે, હું વિવિધ પ્રકારના સાધકો ઉપર પ્રકાશ પાથરીશ. આવનાર લેખમાં હું કદાચ જાગૃતતાનાં નવ સ્તર અને ચેતનાની સાત અવસ્થાઓ ઉપર લખીશ. જે તમને તમારી વર્તમાન અવસ્થા શું છે તે સમજવા માટે મદદરૂપ થશે, અને જેમ જેમ તમે આ ખુબ જ મહેનત માંગી લે એવાં પરંતુ ખુબ જ ફાયદાકારી, વંટોળીયા પરંતુ સુંદર એવાં ધ્યાનનાં માર્ગે ચાલતાં હશો ત્યારે ક્રમશ: તેમાં થતી તમારી પ્રગતીને માપવા માટે પણ એ મદદરૂપ બનશે. બીજું વધારે કઈ કહ્યા વગર આ રહ્યા સાધકના ચાર પ્રકારો:

તીવ્ર સાધક
તીવ્ર સાધકને ચોક્કસપણે અફર અને સ્મારક રૂપી પરિણામો મળતા હોય છે. તેમાં કોઈ બેમત નથી. જયારે ધ્યાન કરવાની વાત આવે ત્યારે પ્રયત્નોની જેટલી તીવ્રતા વધુ તેટલાં જ  ભરપુર ફાયદા. પતંજલિ એમનાં સૂત્રમાં કહે છે:

तीव्र संवेगानाम आसन्न:
તીવ્ર સાધક કે જે ધ્યાનનાં માર્ગે શ્રદ્ધા, દ્રઢતા, ઉત્સાહ અને પ્રબળતા સાથે ચાલે છે તેનાં માટે આત્મ-સાક્ષાત્કાર બહુ નજીક હોય છે.
तीव्रसंवेगानामासन्न: (पतंजली योगसूत्र. I.21)

આ મારો પણ અનુભવ રહ્યો છે, કે, અંતે જો તમે ધ્યાન દ્વારા પરમાનંદનો અનુભવ કરવા માટે ગંભીર હોવ તો તમારે આજે નહિ તો કાલે તમારા અભ્યાસની તીવ્રતા વધારવી જ પડશે. તીવ્ર સાધક એ છે કે જે ૨૪ કલાકમાં ધ્યાનની સરેરાશ ૬ બેઠક લગાવી શકે અને આવું ઓછામાં ઓછું ૬ મહિના માટે કરી શકે. અને આવા સાધકની સરેરાશ બેઠક ૬૦ થી ૯૦ મિનીટની હોવી જોઈએ. આનાથી કઈ પણ વધારે હોય તો તેને શિવ સંહિતા – એક બીજો સુંદર યોગગ્રંથ, મુજબ અત્યંત તીવ્ર ગણી શકાય.

આજનાં યુગમાં અને આ સમયમાં કોની પાસે એટલો બધો સમય ધ્યાન કરવા માટે હોઈ શકે, તમે કદાચ પૂછશો? તમને થોડો સંદર્ભ આપવા માટે કહું તો, મારા તીવ્ર ધ્યાનના અભ્યાસ દરમ્યાન, હું એક સમયે એક બેઠક ૧૦ કલાકની અને બીજી ૬ કલાકની લગાવતો હતો. બિલકુલ હલનચલન કર્યા વગર સંપૂર્ણ સ્થિરતા સાથે. મારા અભ્યાસની ટોચે, લગભગ સાત મહિના સુધી, મેં રોજના ૨૨ કલાક ધ્યાન કરેલું છે. મેં મારા જીવનમાં જે કઈ પણ અજમાવી જોયું છે તેમાં આ સૌથી અઘરું અને સૌથી વધારે થકવી નાખનારું કાર્ય મેં હાથમાં લીધું હતું. હું કહીશ કે તે હતું પણ એટલું ફાયદા કરવાનારું. ચોક્કસ, મેં કઈ લાંબા કલાકોનું ધ્યાન તરત જ નહોતું ચાલુ કર્યું; પરંતુ ઘણાં વર્ષો તેનાં માટે અભ્યાસ કર્યો હતો. અને એટલું કહ્યા પછી, તમારે કઈ ૨૨ કલાક ધ્યાન કરવાની જરૂર નથી પછી જો તમારે મેં જે અનુભવ કરવા માટે કર્યું હતું (અને હું હજુ પણ તેનો અનુભવ કરું છું) તે અનુભવવું હોય તો વાત જુદી છે. પ્રત્યક્ષીકરણનું પરિણામ તમારા અભ્યાસની ગુણવત્તા, અવધિ અને તીવ્રતા દ્વારા આવતું હોય છે.

બીજા સૂત્રમાં, પતંજલિ બીજા ત્રણ પ્રકારના સાધકોની વાત વણી લે છે કે જેમને ધ્યાનમાંથી ફાયદા થતાં હોય છે.

मृदु मध्य अधिमात्रात्वत ततोपि विशेष:
સાધકના અભ્યાસની તીવ્રતાનાં આધારે સાધક મૃદુ, સરેરાશ કે વિશેષ હોઈ શકે છે.
मृदुमध्याधिमात्रत्वात्ततोડपि विशेष: (पतंजली योगसूत्र. I.22)

વિશેષ, સરેરાશ અને મૃદુ સાધક
વિશેષ સાધક એ છે કે જે ૨૪ કલાકમાં ચાર વખત ધ્યાન કરે છે. અને દરેક બેઠક ઓછામાં ઓછા એક કલાકની હોવી જોઈએ. જો સાધક આ રીતની શિસ્ત વડે નિષ્ફળ રહ્યા વિના એક વર્ષ સુધી આ અભ્યાસ કરે તો તેને વિશેષ સાધક કહી શકાય, અને ફક્ત અમુક અઠવાડિયા માટે જ કરનારને નહિ.

એક સરેરાશ સાધક એ છે કે જે ૨૪ કલાકમાં ત્રણ બેઠક કરી શકે છે અને દરેક બેઠક ઓછામાં ઓછી ૧ કલાકની હોવી જોઈએ. જો તેઓ આ અનુશાસનને ૬ મહિના સુધી પાળી શકે તો તેને સરેરાશ સાધક તરીકે વર્ગીકૃત કરી શકાય.

એક મૃદુ સાધક એ છે કે જે ૨૪ કલાકમાં એક કે બે બેઠક કરી શકે છે અને સામાન્ય રીતે તે પ્રભાત કે સંધ્યા સમયે હોઈ શકે છે. અને મૃદુ સાધકની એક બેઠક સરેરાશ રીતે ૩૦ મિનીટ થી ૧ કલાક સુધી ચાલતી હોવી જોઈએ.

તમારામાંના મોટાભાગનાં લોકો એટલાં વ્યસ્ત હોય છે કે આટલો બધો સમય ધ્યાન માટે આપી શકે નહિ. કે પછી તમે આપી શકો તેમ છો? તમે કદાચ આ લેખ વાંચવાનું પસંદ કરશો.

તમે કદાચ મૃદુ સાધક હોય, તો પણ તમને ધ્યાન કરવાથી ઘણું બધું પ્રાપ્ત થશે. શિસ્ત અને ખંતપૂર્વક ધ્યાન કર્યે રાખવાથી તમે એક જુદા જ પ્રકારની જાગૃતતાના સ્તર ઉપર પ્રગતી કરીને પહોંચી જાવ છો. અરે એક મૃદુ સાધક પણ બીજા સ્તરે પહોંચી જ જતો હોય છે જો તે ગુણવત્તા ભર્યો સમય પોતાનાં ધ્યાન માટે આપવાનું ચાલે રાખે તો.

યોગિક ગ્રંથોના મત મુજબ, અને હું પણ તેનું ઉત્તરદાયિત્વ લઉં છું, અત્યંત તીવ્ર, તીવ્ર, વિશેષ, સરેરાશ અને મૃદુ સાધક એ જાગૃતતાના નવ સ્તર અને ચેતનાની સાત અવસ્થામાંથી પસાર થાય છે. તે કઈક ધ્યાનનાં નવ સ્તર અને આનંદની નવ અવસ્થા જેવા જ છે કે જેનાં ઉપર મેં પહેલાં લખ્યું છે. છતાં, પણ તેનાં વિષે તમે વધુ જાણીને ફાયદો મેળવી શકો છો. હું તેનાં ઉપર આવતાં અઠવાડિયે લખીશ.

“આટલા સઘન તીવ્ર ધ્યાનથી તમને શું મળ્યું?” કોઈએ જૈન ધર્મનાં સ્થાપક મહાવીરને પૂછ્યું કે જેઓ પોતે પણ બુદ્ધના સમકાલીન અને એટલાં જ પ્રબુદ્ધ જ્ઞાની હતાં.
“મને કશું મળ્યું નથી,” સાધુએ કહ્યું, “પરંતુ મેં મારા ક્રોધ, અભિમાન, વાસના, ધ્રુણા, અને ખોટી ધારણાઓ સહીત ઘણું બધું ગુમાવ્યું છે.”

ઘણો સુંદર જવાબ. ધ્યાન એ તમારી જાતને ખાલી કરવાની વાત છે. વિરોધાભાસી રીતે જોઈએ તો ધ્યાન એ કઈ મેળવવાની બાબત નથી, એ તો છે કઈક ગુમાવવા માટેની બાબત, તમારી ખોટી ઓળખને ગુમાવવાની, તમે જે કશાને પણ વળગીને બેઠેલા છો તેને ગુમાવવાની બાબત. કોઈ પણ કિંમતે, અને તે એકદમ મુક્ત કરનારું હોય છે. તમે જેટલું વધારે મધ નાંખશો તેટલું વધારે તે ગળ્યું થશે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email