આજે, હું એક સૌથી અઘરી એવી માનવીય લાગણી ઉપર વાત કરીશ. ભૂતકાળમાં મેં તેનાં ઉપર લખ્યું છે અને તેને એક ક્રિયા, એક જાગૃત પસંદગી કહી છે. મુશ્કેલી એ છે કે આ એક ક્રિયા હોવા છતાં આ લાગણી હકીકતમાં અમલમાં મુકવી ખુબ જ અઘરી છે કારણકે આપણે આપણી લાગણીઓની પક્કડમાં એટલાં બધા આવી ગયા હોઈએ છીએ કે મોટાભાગે આપણા ઉપર આપણી લાગણીઓનો જ વિજય થઇ જતો હોય છે. તેમાં કોઈ પસંદગીનો વિકલ્પ હોય તેવું લાગતું જ નથી. કોઈ તમને સહેજ ગુસ્સે કરે કે તમે તરત જ, તમને ખબર પણ પડે તે પહેલાં જ ક્રોધિત થઇ જાવ છો. અને ક્રોધે થઇ જવું એ કોઈ પસંદગી માટેનો વિકલ્પ હોય એવું તો તે ક્ષણે લાગતું જ નથી પણ એ એક કુદરતી પ્રતિભાવ હોય એવું લાગે છે.

પરતું, હું ક્રોધ, ધ્રુણા, ઈર્ષ્યા, બળતરા, કે દુઃખ ઉપર વાત નથી કરી રહ્યો. અત્યંત સજાગતા અને ધર્મથી તમે આ બધાથી અને તેનાં જેવી બીજી અનેક લાગણીઓથી ઉપર ઉઠી શકો છો. મોટાભાગની લાગણીઓથી દુર ઉભા રહેવું એ જોકે, ખુદ એક એવી લાગણી છે કે જે શાસ્વત શાંતિ માટેનાં એક જરૂરી આધારની ગરજ સારે છે. જયારે મેં આના ઉપર પહેલાં લખ્યું હતું, તો મેં ત્યાં ટાંક્યું હતું (અહી) કે જયારે તમે તેને અમલમાં મુકવાની શરૂઆત કરો છો ત્યારે થોડા સમય પછી એ એક ક્રિયા કે લાગણીમાંથી તમારા અસ્તિત્વનો એક ભાગ બની જાય છે. તમારી પોતાની પ્રકૃતિનો એક ભાગ બની જાય છે. તેનાં વિશે વાત કરતાં પહેલાં ચાલો હું તમને બુદ્ધના જીવનની એક વાર્તા કહું.

એક વખત બુદ્ધે થોડા વખત માટે દુર જવાનું નક્કી કર્યું. તેમને પોતાનાં નજીકના શિષ્યો આનંદ, શરીપુત્ર અને અન્ય શિષ્યોને મઠમાં જ રહેવાનું કહ્યું અને પોતે એકલાં જ વિચરણ કરશે એમ કહ્યું. આ એકદમ અસામાન્ય વાત હતી કેમકે બુદ્ધ જ્યાં પણ જતાં પોતાનાં શિષ્યો અને ભક્તો હંમેશા તેમની સાથે રહેતા કે જેઓ તેમને ખુબ જ પ્રેમ કરતાં અને પોતાનાં જીવન કરતાં પણ બુદ્ધને વધારે પૂજતા. તેમને હંમેશા તેમની આસપાસ રહેવાનું અને બુદ્ધના સ્વરૂપના દર્શન કરતાં રહેવાનું, તેમનાં શાંતિ પ્રદાન કરતાં શબ્દોનું શ્રવણ કરવાનું, અને સૌથી અગત્યનું તો બુદ્ધની સેવા કરવાનું ખુબ જ ગમતું. પરંતુ આ વખતે બુદ્ધે તેમને પોતાને અનુસરવાની ના પાડી.

એક ગામથી બીજે ગામ પગપાળા વિચરતા રહેલાં બુદ્ધને ઘણાં લોકો ઓળખી શકતા નહોતા. તેમને નહોતું લાગતું કે આ ગૌતમ બુદ્ધ છે કેમકે તેમની પાસે કોઈ ચાકર હતાં નહિ, તેમની પાછળ કોઈ ટોળું નહોતું. તે કોઈ એક સામાન્ય સંન્યાસીની જેમ જ વિહરી રહ્યા હતાં, શાંત અને એકલા. રસ્તામાં બુદ્ધ એક માણસ પાસે ભિક્ષા માંગવા ગયા. એ વ્યક્તિની જો કે પોતાની એકની એક ગાય થોડી ક્ષણો પહેલાં જ મરી ગઈ હતી અને માટે તે એકદમ પરેશાન અને નારાજ હતો. ગુસ્સાની લાગણીમાં, તે બુદ્ધ ઉપર રાડો પાડવા માંડ્યો અને અને તેમને ગાળો આપવા માંડ્યો. તે સંન્યાસી તો એકદમ શાંત રહ્યા અને ત્યાંથી ચાલી ગયા. પરંતુ ત્યાં બાજુમાં ઉભેલાં એક અન્ય ગ્રામજને કોઈ પણ જાતની ભૂલ વગર બુદ્ધની હાજરીને અનુભવી અને તે તેમને ઓળખી ગયો.

તેણે તે ગુસ્સે થયેલાં વ્યક્તિને શાંત પાડ્યો અને કહ્યું, “તને ખબર છે તે કોણ હતું.?”
“મને શું પડી છે?” તેણે કહ્યું.
“ના, તારે કાળજી કરવી જોઈએ એ જાણવાની. તે તથાગત હતાં, સ્વયં બુદ્ધ પોતે.”
“તું શું કહી રહ્યો છે?” પેલાં ગાળો આપનાર વ્યક્તિએ આશ્ચર્ય પામતાં કહ્યું. “એ શક્ય નથી કેમકે તેમની પાછળ તો એકદમ મોટું ટોળું હોય છે. તેમનાં શિષ્યો ક્યાં છે?”
“મને તેની નથી ખબર પરંતુ હું ચોક્કસપણે કહી શકું છું કે તે બુદ્ધ જ હતાં. મેં સાંભળ્યું છે કે તેઓ થોડા સમય માટે એકલાં જ વિચરણ કરી રહ્યા છે.”
પેલો માણસનાં ચેહરા પર તો ગ્લાની છવાઈ ગઈ અને તેણે નક્કી કર્યું કે પોતે તે સાધુને શોધી જ કાઢશે જેથી કરીને તે તેમની પાસે માફી માંગી શકે. બીજા દિવસે, તેણે તેમને શોધી કાઢ્યા અને તે તેમનાં પગમાં પડી ગયો.
“મને માફ કરો, ઓ સંત!” તેણે કહ્યું. “મને ખરેખર મારી જાત ઉપર શરમ આવી રહી છે કે મેં તમને ગાળો આપી. મહેરબાની કરીને મને કોઈ સજા આપો કે જેથી કરીને મારું પાપ ધોવાય.”
“તને સજા આપું પણ શા માટે?” બુદ્ધે શાંતિથી પૂછ્યું.
“હું તમારા ઉપર ચિલ્લાયો એટલાં માટે, પ્રભુ.”
“એમ, તે એવું ક્યારે કર્યું?”
“ગઈકાલે,” તેણે કહ્યું.
“હું ગઈકાલને નથી ઓળખતો,” બુદ્ધે કહ્યું. “મને તો ફક્ત આજની ખબર છે.”

માફી. માફી આપવી તે સૌથી અઘરી માનવીય લાગણી છે. ચાલો હું તમને એક સુક્ષ્મ તફાવત કહું. જયારે કોઈ તમારી માફી માંગે અને તમે તેને માફ કરો છો, આ છે માફીની ક્રિયા. છતાં આ તો જરા પણ મોટી વાત નથી કેમ કે, સામેની વ્યક્તિએ પોતાની ભૂલ સ્વીકારી છે. જો તે ખરેખર પ્રામાણિક હશે અને ફરીથી તેનું પુનરાવર્તન નહિ કરવા માટે કટિબદ્ધ હશે તો તેની પ્રામાણિકતા તમને પીગળાવી નાંખશે. પણ હું તો અહી માફીના ઉચ્ચતમ સ્તરની વાત કરી રહ્યો છું, અને તે છે, માફ કરવું તે એક તમારી અંદરની લાગણી બની જાય. અપરાધી પોતાનાં કૃત્યની કબુલાત કરે કે ન કરે તેમ છતાં પણ તમે માફીને તમારી અંદર અનુભવી પણ શકો અને અને તેનો અમલ પણ કરી શકો અને તેમ કરી શકતા હોવાની તમારી તે ક્ષમતા એ સૌથી મોટી લાગણી છે. આ અધ્યાત્મ-પ્રાપ્તિની ટોચમાં દયા પછીના બીજા ક્રમે આવતી લાગણી છે.

આ બુદ્ધની વાર્તામાં ખુબ જ ગહન સંદેશ રહેલો છે. મોટાભાગે, લોકો પોતાની ફરિયાદોને વળગી રહેતા હોય છે જાણે કે તે કોઈ મુલ્યવાન સંપત્તિ ન હોય. તેઓ તેને જયારે છોડી દઈ શકે એમ હોય ત્યારે પણ તેઓ તેમ નથી કરતાં હોતા. આમેય જીવન તો કઠોર હોય છે જ, અને તેમ છતાં માણસ સાશ્વતપણે આવી કઠોર લાગણીઓનો સંગ્રહ કરીને શા માટે જીવનને વધારે મુશ્કેલ બનાવતાં હશે – આ માનવીય વર્તન જેટલું રમુજી છે તેટલું જ રસપ્રદ પણ છે. ચાલો એ ભૂલી ન જઈએ કે આજનો દિવસ આપણો આ પૃથ્વી પરનો અંતિમ દિવસ હોઈ શકે છે. અને દરેક દિવસ એક નવી શરૂઆત હોય છે. આપણે દિવસની શરૂઆત કરવા માટે બ્રશ કરીએ છીએ, સ્નાન કરીએ છીએ, આપણે કપડા પહેરીએ છીએ, ખાઈએ છીએ. તો પછી તેને ખરેખર નવો શા માટે ન બનાવવો? દરરોજ સવારે આપણે આપણી જાતને એ શા માટે યાદ ન અપાવીએ કે આજના દિવસ માટે હું મારી આજ ઉપર મારા ભૂતકાળને જબરદસ્તીથી ઘુસવા નહિ દઉં? કે આજે, હું દરેક વ્યક્તિને એવી રીતે મળીશ કે જાણે તેને પ્રથમ વાર જ મળી રહ્યા છીએ. શું આ થઇ શકે તેવી વાત છે, તમે કદાચ પૂછશો? વારું, જ્યાં સુધી તમે તેનાં માટે પ્રયત્ન નહિ કરી જુઓ ત્યાં સુધી તો તમને તેની ખબર નથી જ પડવાની.

વર્તમાન ક્ષણ એ ખરેખર કોઈ પણ પ્રકારનાં નિર્ણય, વિશ્લેષણ કે હસ્તક્ષેપથી પરે હોય છે. બુદ્ધની જેમ આપણે પણ જો વર્તમાન ક્ષણમાં, આપણી આજમાં જીવવાનું ધ્યેય રાખીએ તો આપણી ગઈ કાલ આપણને ઓછી ને ઓછી તકલીફ આપશે. બુદ્ધને ગાળો આપનાર પેલો વ્યક્તિ જરૂર ખોટો હતો, પરંતુ આપણને એ બાબતની નથી ખબર હોતી કે તે પોતે શેમાંથી પસાર થઇ રહ્યો હશે. બની શકે તે ગાળો આપનાર વ્યક્તિએ પોતે પોતાની એકની એક ગાય ખરીદવા માટે પોતાનું એકનું એક ખેતર ગીરવે મુક્યું હોય. કદાચ તેનું કુટુંબ ભૂખે મરી રહ્યું હોઈ શકે, કદાચ તે પોતે કોઈ માનસિક બીમારીથી પીડાતો હોઈ શકે. આપણે તેનાં વર્તનને સામાજિક કે અસામાજિક તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ, આપણે તેને એક ખરાબ વ્યક્તિનું બિરુદ પણ કદાચ આપી દઈએ, પરંતુ આપણને તેની લાગણીઓ વિશે નિર્ણય કરવાનો કોઈ હક્ક નથી હોતો. બુદ્ધે તેને કોઈ ઉપદેશ આપ્યો નહિ, સામે કશું કહ્યું નહિ કે તેનાં વિશે કોઈ નિર્ણય પણ ન કરી લીધો. તેમને તો ફક્ત  પોતાનું જે વર્તન હતું તેનું જ પાલન કર્યું. અને આ વાત મને એક અગત્યના મુદ્દા તરફ લઇ જાય છે.

આપણે હંમેશાં અન્ય લોકોની લાગણીઓ વિશે નિર્ણય કરી લેતાં હોઈએ છીએ. જો કોઈ આપણી વર્તણુંકના લીધે દુઃખ અનુભવે તો આપણે કદાચ કહીશું કે તેઓ વધારે પડતી અને બિનજરૂરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. વારું, તેમ કરવાથી આપણે એક ઓર ભૂલ કરી રહ્યાં હોઈએ છીએ. સત્ય તો એ છે કે, આપણ એ નથી જાણતા. પ્રથમ, તો આપણે કોઈને દુઃખ પહોંચાડ્યું છે અને પછી આપણે એવું માનીએ કે તેમને ખરાબ નહોતું લગાડવાનું કે પછી આટલું બધું ખોટું નહોતું લગાડવાનું. આ અજ્ઞાન છે. કોઈ પણ માણસ કોઈપણ બાબત પ્રત્યે કેટલું સંવેદનશીલ હોઈ શકે છે તે તેની અંગત બાબત છે; અને મોટાભાગે તે ફક્ત કોઈ એક વિશિષ્ટ પ્રસંગ પુરતી જ બાબત નથી હોતી પરંતુ તેની પાછળની તેની આખી જિંદગીના અનુભવોનો સંગ્રહ જવાબદાર હોઈ શકે છે.

અપરાધીની દિલગીરી કે પીડિત વ્યક્તિની માફી તે બન્ને કોઈ કામ નહિ કરે જો તેઓ એકબીજાનાં ન્યાયાધીશ બની જતાં હશે તો. તમારી ભૂલ થઇ ગઈ હોય તો માફી માંગવાની હિંમત રાખો. તે તમને કઈ નાના નહિ બનાવી દે, તે તો તમને મજબુત બનાવશે. અને, જયારે કોઈ તમારી પાસે દિલગીરી વ્યક્ત કરે તો તેને માફ કરવાની મહાનતા રાખો. તે તમને કઈ ઓછા નહિ કરે, હકીકતમાં તે તો તમને દિવ્ય બનાવશે. જો તમે તેને માફ ન કરી શકો તેમ હો, તો પછી ઓછા નામે તેનાં માટે ન્યાયાધીશ ન બની બની જશો.

એક માણસ શિકાર કરવા નીકળે છે, પણ તે એક રિંછ ઉપર તાકેલું પોતાનું નિશાન ચુકી જાય છે. પોતાનાં સ્વ-બચાવમાં રિંછ પાગલ થઇને તેની પાછળ પડે છે. પેલો શિકારી, ભયથી ધ્રુજતા એક બીજી ગોળી છોડે છે, પણ તે ય ચૂંકી જાય છે. તે પોતાની બંદુક ફેંકી ને પોતાની જિંદગી બચાવવાં માટે દોટ મુકે છે, પણ થોડી જ વારમાં રિંછ તેની સામે આવી જાય છે.

પેલો શિકારી ઘૂંટણીયે પડી જાય છે અને પ્રાર્થના કરવા લાગે છે કે, “હે ભગવાન, આ રિંછ મને મારી નાંખે તે પહેલા તેને તેનો કોઈ ધર્મ યાદ અપાવો.”

અચાનક એક ચમત્કારિક રીતે પેલું રિંછ થોભી ગયું અને તે પણ ઘૂંટણીયે પડી ગયું અને પ્રાર્થના કરવા લાગ્યું. “વ્હાલા ભગવાન,” તેને કહ્યું, “ આ ભોજન કે જે મને હવે મળવાનું છે તેનાં માટે મહેરબાની કરીને મારો આભાર સ્વીકારો…”

મોટાભાગે આપણે જયારે આપણે બીજી બાજુએ હોઈએ ત્યારે આપણે સામે વાળી વ્યક્તિ સદ્દગુણી બને તેવું ઈચ્છીએ છીએ, જયારે આપણે તો ગમે ત્યારે આપણી બંદુકમાંથી ગોળીઓ છોડી દેતા હોઈએ છીએ એટલાં માટે કે આપણે તેમ કરી શકીએ તેમ હોઈએ છીએ. આ એક લોંગ શોટ છે કે જેમાં સફળતાની શક્યતાઓ બહુ ઓછી પરંતુ ફાયદા વધુ હોય છે.

જો કે હું અહી તમને એક નાનું રહસ્ય કહી દઉં: દર વખતે જયારે તમે કોઈકના ખોટા કૃત્યને માફ કરી દો છો, ત્યારે કુદરત પણ તમારા એક ખોટા કૃત્યને માફ કરી દેતું હોય છે. એક દિવસે જયારે તમારા મનમાં કોઈના પણ માટે જીવનમાં કોઈ ફરિયાદ નહિ હોય, જયારે તમારી પાસે એવું કોઈ બચ્યું નહિ હોય કે જેને માફ કરવાનું બાકી હોય ત્યારે કુદરત પાસે પણ તમારી વિરુદ્ધ કશું નહિ હોય. અને મને નથી લાગતું કે મારે તમને એ કહેવાની જરૂર હોય કે ત્યારે તમે કેટલી હળવાશ અનુભવશો, કે તમે એક સંતુષ્ટ પંખીની જેમ હળવા અને મુક્ત થઇ ને ભૂરા ગગનમાં તમારી ઉડાન ભરી શકશો. જયારે તમે કોઈને માફ કરી દેશો ત્યારે ફક્ત તમે તેમની ભૂલને જ જતી નથી કરતાં પરંતુ તેમની તે ભૂલથી તમને જે દુઃખ થયું છે અને જે નકારાત્મકતા તમે તમારા મનમાં લઇને ચાલો છે તેને પણ તમે છોડી શકશો. કોઈને માફ નહિ કરવું એ કોઈની ભૂલ માટે પોતાની જાતને સજા કરવા જેવું છે. હાલ માટે, મને આ લાંબા લેખ માટે માફ કરશો.

જાવ, તમારી જાતને માફ કરો, બીજાને માફ કરો, દરેકને માફ કરો. જીવન બહુ ટૂંકું છે.

શાંતિ.
સ્વામી

 

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email