તાજેતરમાં જ હું કોલકત્તામાં યોજાયેલી આધ્યાત્મિકતા, શક્તિ અને માનવતાના છઠ્ઠા વૈશ્વિક સંમેલનમાં બોલ્યો. ડૉ. એચ. પી. કનોરીયા, એક સાદા કરોડપતિ અને હૃદયથી ખુબ પરોપકારી જીવ છે કે જેમણે મને ખુબ જ પ્રેમપૂર્વક એક માનનીય અતિથી તરીકે નિમંત્રણ પાઠવીને સતત બીજા વર્ષે પણ તેમાં બોલાવ્યો હતો. હું અંગત રીતે ઘણાં ગર્ભશ્રીમંતોને ઓળખું છું, પરંતુ ડૉ. કનોરીયા જેવા બહુ ઓછા જોયા છે કે જે દુનિયા માટે કઈક કરી છૂટવા માટે કટિબદ્ધ હોય અને સામાજિક કલ્યાણ હેતુ પોતાનાં માનવીય અને આર્થિક સ્રોતનો મોટાપાયે રોકાણ કરતાં હોય.

તેઓ ઇચ્છતાં હતાં કે હું ત્યાંના શ્રોતાગણ વચ્ચે એ વિષય ઉપર મારા વિચારો પ્રસ્તુત કરું કે શા માટે આજે દુનિયામાં આટલી બધી અશાંતિ છે અને સૌથી મહત્વનું તો એ કે શું આધ્યાત્મિકતાની અંદર શાંતિ માટેનો કોઈ રામબાણ ઈલાજ રહેલો છે કે કેમ? જેટલી ઝડપથી આપણે પ્રગતિ કરી રહ્યા છીએ તેટલી જ ગતિથી આપણે પાટા પરથી નીચે પણ ઉતરી રહ્યા છીએ. જેટલી વધુ સુખ સુવિધા આપણે મેળવીએ તેટલી જ વધુ અસુવિધા પણ આપણને જીવનમાં મળતી હોય છે. આપણામાંના મોટાભાગના લોકો ખુબ જ વધારે પ્રમાણમાં અધીરા, વિચલિત, અને પોતે જે કઈ પણ છે, જ્યાં પણ છે અને જે કઈ પણ કરતાં રહેલાં છે તેનાં પ્રત્યે અસંતોષી થતાં જાય છે. આપણે ખુશ રહેવા માટે, શાંતિ અનુભવવા માટે, આપણાથી શક્ય હોય તેટલું બધું જ કરી રહ્યાં છીએ, અને તેમ છતાં ખુશી અને શાંતિ ઉનાળાનાં વાદળો જેવા હંમેશાં ભ્રામક જ લાગે છે. એવું કેમ?

અંગત રીતે કહું તો, મને લાગે છે કે બેચેની, અસંતોષ, અને દુ:ખ જેવા કારણો માટે આપણે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. કારણ કે, પ્રથમ તો તેઓ ખરા કારણ પણ નથી આમ જોવા જઈએ તો. એ તો ફક્ત લક્ષણો માત્ર છે. આપણે ફક્ત દુઃખી છીએ માટે જ કઈ આપણે અસંતોષી છીએ એવું નથી. આપણે માત્ર અધીરા છીએ એટલાં માટે જ કઈ આપણે વિચલિત છીએ એવું નથી. આ તો ફક્ત તૈલી ત્વચા ઉપર થતાં ખીલ જેવા છે. તેઓ ત્વચાની સપાટી ઉપર દેખાય છે ખરા પરંતુ એ ત્વચાની અંદરની અશુદ્ધિ હોય છે કે જેનાં લીધે ખીલ થતાં હોય છે. તો બેચેની, અસહનશીલતા, હિંસા, અધીરાઈ, દુઃખ જો કારણ નથી તો પછી તે શું છે, તમે કદાચ પૂછશો? અને ખરું કારણ જે પણ હોય તે શું આધ્યાત્મિકતાની અંદર તેનો વૈશ્વિક જવાબ રહેલો છે ખરો?

સત્ય તો એ છે કે આપણી દુનિયાની તમામ સારાઈ અને ખરાબીનું સ્રોત એક વસ્તુમાં રહેલું છે. મારા મત મુજબ, તે પ્રતિકારમાં રહેલું છે. તમારી આજુબાજુ નજર કરો અને તમે જોશો કે આપણામાંના ઘણાં બધા લોકો પોતાનું જીવન પ્રતિકાર કરવામાં જ જીવતાં રહેલાં છે. આપણે બીજા લોકોનો, વિચારોનો, સંજોગોનો, માન્યતાઓનો, પરિસ્થિતિઓનો, અને એ તમામ કે જેને આપણે ટાળવા માંગતા હોઈએ તેનો પ્રતિકાર કરતાં હોઈએ છીએ. અને આ બાબત મને આ વિષયનાં સાર તરફ લઇ જાય છે. પ્રતિકારથી ખરેખર મારો કહેવાનો અર્થ શું છે? આ રહ્યું તે સરળ શબ્દોમાં:

આપણામાંના મોટાભાગના લોકોના જીવનમાં ફક્ત બે જ મુખ્ય પ્રશ્ન હોય છે. અને વાસ્તવમાં, જોવા જઈએ તો આ બે જ માત્ર ચુનોતીઓ રહેલી છે. આ બન્નેને હટાવી દો અને તમારા જીવનમાં કોઈ પ્રતિકાર, કોઈ દુઃખ કે કોઈ તણાવ રહેશે નહિ. પ્રથમ છે: લોકોને જે પોતાની પાસે નથી હોતું તે જોઈતું હોય છે. પછી તે તંદુરસ્તી હોય, સંપત્તિ હોય, શક્તિ હોય, પ્રેમ હોય, પોતાનાં પ્રત્યે ધ્યાન આપવાની બાબત હોય કે બીજું કઈ પણ હોય. બીજું છે: તેમની પાસે એવું કઈક હોય છે કે જે તેમને નથી જોઈતું હોતું. પુન: એ બાબત કઈ પણ હોઈ શકે છે. આપણે દસકાઓ સુધીનું આપણું જીવન જેમાં આપણને લાગે કે આપણી પાસે શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ ફક્ત આ બે બાબતો માટે કામ કરવામાં જ સતત પસાર કરી દેતા હોઈએ છીએ. આ પ્રવાહની વિરુદ્ધ તરવા જેવું હોય છે.

જે આપણી પાસે ન હોય તે મેળવવાની ઈચ્છા અને જે ન ગમતું હોય તેને ટાળવાની ઈચ્છા – આ બે વિચારધારાઓમાંથી બેચેની અને દુઃખ નામના બે દૈત્યો પેદા થતાં હોય છે. અને તેઓ એક આંતરિક કોલાહલનું પરિણામ છે કે જે પ્રતિકારમાંથી જન્મતું હોય છે, અને તે પરિણામ સ્વરૂપે બહાર આવતાં હોય છે. અને કોઈ પણ પરિણામ આપણી પસંદગીઓ કે ઇચ્છાઓ ઉપરથી નિશ્ચિત નથી થતું, પરંતુ આપણા કર્મોથી થતું હોય છે. માટે જ પરિણામનો પ્રતિકાર કરવો એ નરી મૂર્ખતા છે. તમારે તમારા માર્ગ ઉપર ધ્યાન આપવું જોઈએ. જો તમે સમુદ્રમાં તરતા હશો તો વહેલાં કે મોડા મોજા ઉછળવાનાં તો ખરા જ. તે તમારી નાવને ડગમગાવશે જ. તમે સમુદ્રની મધ્યે ભગવાનને પ્રાર્થના કરશો એટલાં માત્રથી કઈ ભગવાન સમુદ્રને શાંત નહિ કરી દે. તેને એમ કરવાનું પાલવે પણ નહિ કેમ કે અસંખ્ય સમુદ્રી જીવોનું અસ્તિત્વ આ પ્રચંડ મોજાઓ ઉપર આધારિત હોય છે.

તમે કુદરત સાથે લડી ન શકો કેમ કે તેનું પરિમાણ અત્યંત વિશાળ હોય છે. પરંતુ, કમનસીબે, બહુ મોટા અજ્ઞાનથી વશ થઇને, કાં તો પછી બહુ મોટા ગુમાન કે ઘમંડમાં આવીને આપણામાંના મોટાભાગના લોકો બિલકુલ તેવું જ કરતાં હોય છે. શું તેનો અર્થ એ છે કે આપણે સુતા સુતા બધું સ્વીકારી લેવું? અને શું કશાની ઈચ્છા રાખવી તે ખોટું છે? તમે વિવાદ કરતાં કદાચ પૂછશો. જવાબ છે ના. તમારા જીવનને તમે અમુક રીતે આકાર આપવાની કોશિશ કરો કે તેમાંથી કશું મેળવવાની ઈચ્છા રાખો તેમાં મૂળભૂત રીતે કશું ખોટું નથી. પરંતુ, આપણે એ યાદ રાખવું જ જોઈએ કે આપણે આપણી ઈચ્છા, પસંદગીઓ અને કર્મોના પરિણામ માટે ખુદ પોતે જ જવાબદાર હોઈએ છીએ.

તમે જો કદાચ તમારા વર્તમાન પ્રત્યે ખુશ ન પણ હોય, તો પણ સત્ય તો એ જ છે કે આજે તમે જે છો તેવાં હોવાનું તમે કોઈક વાર ઇચ્છતાં જ હતાં, તમે આજે જે પણ છો તેવાં તમે કોઈ વાર બનવાનું ધ્યેય રાખેલું હતું માટે તમે તેમ છો, અને આજે તમારી પાસે જે કઈ પણ છે તે તમે પહેલાં ક્યારેક ને ક્યારેક ઈચ્છેલું હતું, માંગેલું હતું માટે છે. અને, આજે તમારામાંના મોટાભાગના લોકો જેનો પણ સામનો કરી રહ્યા છે તે તમારા વિચારોનું જ પ્રત્યક્ષીકરણ છે. ભૂલી જવું બહુ સહેલું છે પણ આ એક ક્રૂર સત્ય છે. જો કોઈ આજે લોનનાં હપ્તા ભરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે તો સંભવ છે કે તેઓ એવાં ઘરના માલિક બની બેઠા છે કે જે એક દિવસ તેમને મળે તેવી તેમણે ઈચ્છા રાખી હતી. કુદરતે તેમને તે ઘર આપ્યું, પરંતુ હવે તેમને લોન તો જાતે જ ભરવી પડે. કુદરત તેમને ગાડી આપી શકે છે કેમ એકવાર તેઓ તેનાં માટે ખુબ જ આવશ્યકતાથી ઈચ્છા કરતાં હતાં, પણ હવે તેમને ગાડીનો વીમો ભરવાની વ્યવસ્થા તો જાતે જ કરવી પડે. તમે કદાચ સુંદર, હોશિયાર અને પ્રેમાળ સાથીની અપેક્ષા રાખી હોય, પણ તો પછી તમારે પણ તમારા ભાગે આવતો ભાગ ભજવવો પડે કે જેથી કરીને તે પણ તમારી રાહ જોતા હોય (જો કે મોટાભાગે તે તેમની પ્રાથમિકતા ઉપર પણ આધાર રાખે છે).

આધ્યાત્મિકતા એ કુદરત સાથે એક થઇને રહેવાની કળા છે જેથી કરીને તમે તેનાં અનંત પરિમાણમાં, અમર્યાદિત સ્રોતમાં કદમ માંડી શકો અને તેને આગળ લઇ જવા માટેનું એક ફળદ્રુપ માધ્યમ બની શકો. આમ કરવાથી તમને તમારા સ્વપ્નમાં પણ ખ્યાલ ન હોય તેટલાં તમને તે સામર્થ્યવાન, શક્તિમાન બનાવશે અને એટલું વળતર ચૂકવશે. અને સૌથી મહત્વનું તો તમારા ઉપર શાંતિ અને ખુશીના આશીર્વાદ હંમેશા બન્યા રહેશે. તો, હા, આધ્યાત્મિકતા એ ફક્ત એક રામબાણ ઈલાજ જ નહિ પરંતુ તે એકમાત્ર રામબાણ ઈલાજ છે. કારણકે આધ્યાત્મિકતા તમારા અહમ્ નું ઉર્ધ્વગમન કરે છે. આધ્યાત્મિકતા એ ધર્મ અને કોઈ પણ વિચારધારાથી પરે છે, તે તમારા અંગત વિચારને બ્રહ્માંડીય ચેતના વડે બદલે છે. અને આ રીતે તમે કુદરત સાથે એક બની રહો છો. આ એક ઉત્કૃષ્ઠ યોગ છે.

તો પછી સવાલ છે કુદરત સાથે એક બનીને કેવી રીતે રહેવું? વારુ, સ્વામી પાસે તમારા માટે એનો જવાબ છે. મારી પ્રાથમિકતાની યાદીમાં મારી પાસે એક કામ છે કે જે હું જુન ૨૦૧૫ (જો વહેલું નહી તો) સુધીમાં સંપૂર્ણ કરવા માંગું છું. કે જે તમારા આ સવાલને સંબોધશે અને તમને આ દિવસ અને આ યુગનો શક્ય એવો સૌથી સરળમાં સરળ માર્ગ બતાવશે. કોઈપણ અતિશયોક્તિ કર્યા વગર હું તમને એમ કહી રહ્યો છું કે હું તમારી પાસે એક મહાન રહસ્ય છતું કરીશ. અને ના, આ કોઈ પુસ્તકની વાત નથી, જો તમે વિચારતાં હોવ તો.

તો મારી સાથે જોડાયેલાં રહો, જો તમને મારા ઉપર વિશ્વાસ હોય તો. અથવા જો તમે જિજ્ઞાસુ હોય કે કોઈ પ્રયોગ કરવા માટે ઈચ્છુક હોય તો પણ. પરંતુ હું જે તમારી સાથે વહેંચીશ તેની તમે જાતે ચકાસણી કરી જોજો અને ત્યાર બાદ જ મારો વિશ્વાસ કરજો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email