એની ટેઈલર લેબેલના કાર્ટૂનમાં એન્ગસ નામનો કુતરો ફિલ નામનાં બીજા કુતરાને પૂછે છે:
“નવા વર્ષનો સંકલ્પ એટલે શું?”
“તે એટલે જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં કરવાનાં કામોની યાદી,” ફીલે જવાબ આપતાં કહ્યું.

કેમ આ વાત બરાબર લાગે છે ને?

આપણામાંના મોટાભાગનાં લોકો નવા વર્ષના પ્રારંભે નવા સંકલ્પો કરે છે. અંગત રીતે, મને આ સંકલ્પો કરવાનો વિચાર ગમે છે. તે તમને એવું કઈક આપે છે કે જેનાં માટે તમે આખું વર્ષ કાર્યરત રહી શકો છો. અલબત્ત, તે તમને સંકલ્પ સિદ્ધીનાં અંતે તેની ઉજવણી કરવાનું એક બીજું પણ કારણ આપે છે. જો કે, મોટા ભાગના લોકો ટકી રહેવામાં નિષ્ફળ જાય છે અને પોતાનાં સંકલ્પોને જો થોડા અઠવાડિયા પછી નહિ તો, થોડા મહિના પછી તો અધવચ્ચેથી જ છોડી દેતા હોય છે. મારા મત પ્રમાણે તો કાં તો તમે કોઈ સંકલ્પ કરશો જ નહિ કાં તો પછી તેને પૂર્ણ કરવામાં કોઈ કસર બાકી રાખશો નહિ.

જયારે આપણે સંકલ્પ કરીએ પરંતુ તેને જો ટકાવી ન રાખીએ તો ત્યારે આપણા આત્મ-ગૌરવને એક ફટકો પડે છે, અને તે આપણા આત્મ-વિશ્વાસને નબળો પાડી દે છે. તમારું જાગૃત મન, તમારી ટેવો એવું ઈચ્છે છે કે તમે તમારો સંકલ્પ તોડી નાંખો. તે તમારા મનમાં પુરતો ઘોંઘાટ કરી નાંખશે તમારા એક-એક વિચાર, યુક્તિ કે શક્યતાને પોતાની રીતે મરોડવાની પુરતી કોશિશ કરશે. જો તમે આ સમયે તમારા સંકલ્પને વળગી ન રહો અને તોડી નાંખો તો પછી બીજી વખતે તમારા માટે તમારા પોતાનાં વચનનું માન રાખવું અઘરું થઇ પડશે. અને તે એટલાં માટે કે તમારા જાગૃત મને તમારા ઉપર વિજય મેળવી લીધો છે, કારણકે તેને હવે લાગવા માંડે છે કે હું તો કઈ પણ કરી શકું છું કેમ કે જયારે હું આગ્રહ પૂર્વક સતત કોશીસ કરુ છું ત્યારે આ વ્યક્તિ તો તૂટી જાય છે.

પરંતુ, જયારે પણ તમે તમારો સંકલ્પ ટકાવી રાખવાનું અને તમારા વાતોડિયા મનને નહિ સાંભળવાનું નક્કી કરો છો ત્યારે તમારી વચન પૂર્ણ કરવાની ક્ષમતાને ખુબ જ મોટો જુસ્સો પૂરો પડે છે. કારણકે, હવે તમારું મન એમ કહે છે હું એક એવાં માણસના શરીરમાં રહું છું કે જે પોતે જે કઈ પણ બોલે છે તે મુજબ તે કરે પણ છે. મારી ફરિયાદોનો કોઈ અર્થ નથી કારણકે તે પોતે ક્યારેય ઉપાડેલું કામ અધવચ્ચે પડતું મુકશે જ નહિ. જયારે તમારું મન એ બાબતે સંમત થઇ જશે કે તમે જયારે કોઈ વાત નક્કી કરી લીધી હશે તો તમે એનું બિલકુલ સાંભળવાના નથી, તો પછી તે તમને હેરાન કરવાનું બંધ કરી દેશે. તમે આ કોઈ પણ દિવસે અજમાવીને જોઈ શકો છો. ત્રણેક વર્ષ પહેલાં, મેં ધન્ના જાટ નામના એક ભક્ત કે જેણે સાક્ષાત ભગવાનને જોવાના કરેલા સંકલ્પની લોકવાર્તા ઉપર લેખ લખ્યો હતો. સંકલ્પ એ એક જીવંત વિચાર છે. જો કે દરેકજણ એ દંતકથામાંના ધન્ના જેટલાં મજબુત નથી હોતા. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે દરેકજણ તેનાં જેટલું મજબુત થઇ પણ ન શકે. તમે જરૂર થઇ શકો છો. આ રહ્યા તમારા સંકલ્પો કરવાનાં અને તેને ટકાવવાના ત્રણ સોનેરી નિયમો.

૧). તમારા માટે સંકલ્પ કરો.

યાદ રાખશો કે તમારા સંકલ્પની હકારાત્મક અસર તમારી આજુબાજુ રહેલાંઓ ઉપર પડી શકે છે, તેમ છતાં મુખ્યત્વે તો એ તમારા માટે જ હોય છે. તમારો સંકલ્પ ફક્ત તમે પોતે શું કરવાની યોજના બનાવો છો તેનાં ઉપર જ કેન્દ્રિત હોવો જોઈએ. દાખલા તરીકે, તમે એવો સંકલ્પ ન કરી શકો કે હું મારા સાથીને આ વર્ષે મારા ઉપર ગુસ્સે નહિ થવા દઉં. કે પછી, હું મારા સાહેબ પાસેથી મારા માટે પગાર વધારો આ વર્ષે લઈશ. વારુ, તમે આમ કરી શકો છો, પણ તો પછી તે ખરો સંકલ્પ નહિ હોય કેમ કે એક ખરો સંકલ્પ તો ફક્ત ને ફક્ત તમારા પોતાનાં કર્મો ઉપર કેન્દ્રિત હોવો જોઈએ નહિ કે બીજા લોકોનાં. સંકલ્પ એ તમે તમને પોતાને આપેલું વચન છે.

તમે જે બાબત માટે અત્યંત ભાવુક હોય તેનાં માટે કઈક સંકલ્પ કરો. કઈક એવું કે જે તમને તેની પૂર્તિ માટે જરૂરી પ્રેરણા આપે. પરિણામલક્ષી સંકલ્પો કરવા તે એકદમ કુદરતી વાત છે, પરંતુ તમારું સંપૂર્ણ ધ્યાન તમારા પોતાનાં કાર્યો ઉપર કેન્દ્રિત થયેલું હોવું જોઈએ કે જે તમને તમારા ઈચ્છિત પરિણામ તરફ દોરી જાય. પરિણામ વિષે કલ્પના કરવી કે સ્વપ્ન જોવા તે ફક્ત તમારા સંકલ્પ માટે ઉત્સાહિત રહેવા પુરતું જ હોય છે. પરિણામ તો ફક્ત કર્મ કરવાથી જ આવતું હોય છે. જયારે પણ તમને આળસનો અનુભવ થાય કે સ્વપ્ન જોવાનું મન થાય કે તરત ઉભા થઇ જાવ અને કામ કરવા માંડો. કામ, કામ અને કામ. તમારા મનને બિલકુલ સાંભળશો જ નહિ.

૨). સુનિશ્ચિત સંકલ્પ કરો.

સંકલ્પ એ કોઈ ઈચ્છાઓની યાદી નથી પરંતુ કરવાનાં કામોની યાદી છે (આશા રાખીએ કે જાન્યુઆરીના પહેલાં અઠવાડિયાથી પણ વધુ ચાલે). ફક્ત એવું ન કહો કે મારી ઈચ્છા છે કે હું વધારે ખુશ વ્યક્તિ કે વધારે સારી વ્યક્તિ બનીશ કેમ કે તમે આવા સંકલ્પને કઈ રીતે માપશો? જો તમે તેને પરિમાણિત કરી શકો તેમ ન હો તો ઓછા નામે એક ચોક્કસ કહી શકાય એવો સંકલ્પ કરો જેથી કરીને વ્યાજબીપણે તમે તેનાં માટે કાર્યરત રહો છો કે નહિ તેનાં વિષે તમે સુનિશ્ચિત રહી શકો. તમારો સંકલ્પ જેટલો વધારે ચોક્કસ હશે, તેટલી જ વધારે તેમાં સફળતા માટેની શક્યતા રહેલી હશે. દાખલા તરીકે, હું આ વર્ષે વજન ઉતારીશ એ પુરતો સારો સંકલ્પ ન કહી શકાય. કારણકે વજન ઉતારવું એ તમારી એક ઈચ્છા છે કે જે તમે પૂરી થાય તેમ ઈચ્છો છો. તે કોઈ કર્મ નથી, કે કોઈ સંકલ્પ પણ નથી. તે એક પરિણામ છે.

એક સારો સંકલ્પ કાર્યો ઉપર કેન્દ્રિત હોય છે. એનાં કરતાં તો એવું કહેવું એ ક્યાંય સારું રહેશે કે, હું અઠવાડિયામાં ચાર દિવસ કસરત કરીશ, કે હું અઠવાડિયામાં એક વારથી વધુ ગળી વસ્તુ નહિ ખાવ કે પછી હું બપોરનાં ભોજનમાં ફક્ત સલાડ જ ખાઇશ વિગેરે. યાદ રાખો, એક સારો સંકલ્પ એ પરિણામનું નહિ પરંતુ એનાં માટેના જરૂરી કર્મો કરવાનું એલાન છે. જયારે તમે કયા કામ હાથ પર લેશો તેનાં વિષે તમે સ્પષ્ટ અને ચોક્કસ હશો તો તમે આપોઆપ તમારા સંકલ્પની પૂર્તિ માટેની દિશા તરફ આગળ વધતાં રહેશો. અને તમે જેટલાં કદમ તેની નજીક પહોંચશો, તમે તમારી જાતને તેટલી જ વધુ મજબુત થયેલી અનુભવશો.

૩). શિસ્તબદ્ધ બનો.

શિસ્તબદ્ધ રહેવા માટેનો એક સૌથી ઉત્તમ રસ્તો છે એક સમયે એક કદમ કે એક દિવસ કે કલાક કામ કરવું. માટે જ નુતન વર્ષનો સંકલ્પ એ જાન્યુઆરીનાં પ્રથમ અઠવાડિયામાં કરવાનાં કામોની યાદી હોઈ શકે છે. એમ કેમ, એ તો ખરેખર જાન્યુઆરીના પ્રથમ દિવસ માત્રમાં કરવાનાં કામોની યાદી હોય છે. એક સામાન્ય કરવાનાં કામોની યાદી અને આ યાદીમાં ફક્ત એટલો જ તફાવત રહેલો છે અને તે છે કે આ એક દિવસની યાદી આગળ વધતી રહે છે. તમે નવા વર્ષનાં પ્રથમ દિવસે સવારે ઉઠો અને તમારી યાદી મુજબનાં કામ કરો. તમે આજ વાત બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે, પાંચમાં દિવસે ઉઠીને કરતાં રહો જ્યાં સુધી તમે વર્ષનાં અંતિમ દિવસે ન પહોંચી જાવ.

તમારા સંકલ્પ માટે ફક્ત આજનાં દિવસ પુરતા જ કટિબદ્ધ રહો. તમારી જાતને વચન આપો કે ગમે તે કેમ ન થાય ફક્ત આજનાં દિવસ પુરતું તો તમે તમારા બંડખોર મનનાં ગણગણાટને નહિ જ સાંભળો. એનાં બદલે તમે જે નક્કી કર્યું છે કરવાનું તે જ તમે કરશો. અને આજ વાતનું આવતીકાલે, પરમ દિવસે, અને તે પછીના દિવસે પણ પુનરાવર્તન કરો. તમે ખુબ જ વિસ્મય પામશો કે વર્ષ કેટલું જલ્દી પસાર થઇ જતું હોય છે. અને આવતાં વર્ષે, તમારા માટે બીજો સંકલ્પ પાળવાનું ઘણું સરળ થઇ જશે. તમારું મન તમને બધી વિગતો આપવાની કોશિશ કરશે, તેને કોઈ બદલાવ કે શિસ્ત પસંદ નથી હોતા, તેને તેની રીતે રહેવું ગમતું હોય છે. તે તમને એમ કહી શકે છે: આમેય જીવન તો કેટલું કઠોર છે, તો પછી આ સંકલ્પો ને તેનાં જેવું બીજું કઈ કરીને તેને વધારે કઠોર શા માટે બનાવવું જોઈએ. બસ તેનાં પ્રત્યે બિલકુલ ધ્યાન જ ન આપશો. તમારે જે કરવાનું છે ફક્ત તેનાં ઉપર જ કેન્દ્રિત રહો.

ભવિષ્યનું સ્વપ્ન જોવું, પરિણામની કલ્પના કરવી, કે સંકલ્પો કરવા તે એક અસામાન્ય કહી શકાય એવો વિશેષાધિકાર માનવ જાતને વરદાન સ્વરૂપે મળ્યો છે. અને તેનો ઉપયોગ કરીને જ આપણે ઉત્ક્રાંત થયા છીએ અને પ્રગતિ પણ કરી છે. સંકલ્પ એ તમારા સ્વપ્નાઓને, તમારા ધ્યેયોને અનુસરવાની એક કલા છે. તે એક શિસ્ત છે કે જેનું દુનિયાની સુંદર અને મહાન વ્યક્તિઓએ પાલન કરેલું છે. અને તે જ તમને તમારા માટે જે મહત્વનું છે તેનાં માટે કાર્યરત રાખે છે. આજે જ કોઈ સંકલ્પ કરો, જો તમે હજી સુધી ન કર્યો હોય તો, અને ૨૦૧૫નાં બાકીના દિવસો સુધી તેને વળગી રહો.

ઉભા થાવ, અને કરવા માંડો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email