બીજું એક વર્ષ પસાર થઇ ગયું, ૫૨ અઠવાડિયા કે ૩૬૫ દિવસો કે ૮૭૬૦ કલાકો કે પછી ૫,૨૫,૬૦૦ મીનીટો. તમારે જે રીતે ગણતરી કરવી હોય તે રીતે, આ એક ઘણો મોટો સમય હતો જે જતો રહ્યો. એ સમય, કે જે ક્યારેય પાછો નહિ આવે. થોડા દિવસ પહેલાં, અમુક લોકોએ નુતન વર્ષ માટેનો વિડીઓ સંદેશ રેકોર્ડ કરવાની મને વિનંતિ કરી. મેં થોડી ક્ષણો માટે તેનાં ઉપર વિચાર કર્યો અને મેં નક્કી કર્યું કે આ વખતે એવું કશું નથી કરવું, મને નથી લાગતું કે મારી પાસે કશું પણ નવું કહેવા જેવું કઈ હોય. શું કહું તમને? કે આપણે આપણા ગુસ્સાને કે નકારાત્મકતાને ત્યાગી દેવી જોઈએ, કે પછી આપણે હંમેશા ખંતીલા બનવું જોઈએ, કે પછી, આપણે દયાવાન બનવું જોઈએ? કે પછી મારે તમને એમ કહેવું જોઈએ કે તમારું સત્ય તમે જાતે શોધી કાઢો? તમને આ બધી અને બીજી અનેક વાતોની પહેલેથી જ ખબર છે.

આપણે બધા આપણા જીવનમાં ધ્યેય નક્કી કરીએ છીએ અને આપણામાંના મોટાભાગનાં લોકો આપણી પોતાની ઈચ્છા અને ધ્યેયપ્રાપ્તિ પ્રત્યે પ્રયત્નશીલ પણ રહેતા હોય છે. મેં એવું અનુભવ્યું છે જ્યાં સુધી સામે વાળાને પોતાને તેમ કરવાની ઈચ્છા ન હોય ત્યાં સુધી તમે કોઈને પણ એ ફરજ નથી પાડી શકતા કે તે તમને સાંભળે કે પછી તે તમારો દ્રષ્ટિકોણ સમજે. તમારી આજુબાજુનાં લોકો તેમની પોતાની અનુકુળતા મુજબ જ તમારી પાસે આવશે, તમારી આસપાસ ટહેલશે, કે તમારી સામે ટકરાશે કે પછી તમારી આગળથી ઉભા થઇને ચાલતાં પણ થઇ જશે. બહુ ઓછા એવાં લોકો હોય છે કે જેમને ખરેખર તમારી પડી હોય છે. જો આપણે અન્ય વ્યક્તિને બદલાવાનો જે સંઘર્ષ છે તેમાંથી આપણે જાતને આઝાદ કરી દઈએ તો આપણા જીવનનાં નેવું ટકા પ્રશ્નોનો તુરંત જ અંત આવી જશે.

સામે વાળાને બદલાવવું અમુક સમયે જરૂરી હોય છે, લોકો મને એવું કહેતાં હોય છે. સહમત છું. કારણકે નહિતર જો કદાચ તે તમને કે તમારા માટે જે અગત્યનું હોય તેને નુકશાન પહોંચાડે તો, તેઓ કહેતાં હોય છે. તો ત્યાંથી ઉઠીને ચાલ્યા જાવ, એ મારો જવાબ છે. અને, જો તમે ત્યાંથી ઉઠીને ચાલી ન જઈ શકો તેમ હો તો? તો તેનો અસ્વીકાર કરો. અને, જો તમે તેનો અસ્વીકાર પણ ન કરી શકો તેમ હો તો? અવગણો. પરંતુ જો અવગણી પણ ન શકો તો? સ્વીકારો. અને, જો તમે સ્વીકારી પણ ન શકો તો? તો કરો સહન. જો આપણે આપણી જાતને તેમાંથી દુર ન લઇ જઈ શકતા હોય, અસ્વીકાર, અવગણના, કે સ્વીકાર પણ જો ન કરી શકતા હોય તો પછી આપણે આપણી જાત માટે સહન કર્યા સિવાયનો કોઈ વિકલ્પ છોડતા જ નથી. અને, શું સહનતાને ટાળી શકાય એવો કોઈ માર્ગ છે ખરો? હા; તમારો આનંદનો જે ખરો સ્વભાવ છે તેનાં ઉપર ધ્યાન કરો. તમારું અસ્તિત્વ સાશ્વત અને અનંત છે, કોઈ તમને કેવી રીતે રાખે તેનાં કરતાં પણ તે પરે છે. અને આ વાતનો ફક્ત અનુભવ થઇ શકે, સમજી ન શકાય.

તો આ છે મારો નુતન વર્ષનો સંદેશ: આપણે આપણા દુઃખથી ઉપર ઉઠી શકીએ છીએ. અને તેમ કરવા માટે, આપણે આપણી જે પસંદગીઓ કરીએ છીએ તેની જવાબદારી લેવી જોઈએ. આપણા માટે જે મહત્વનું હોય તેની કાળજી આપણે જાતે જ લેવાની છે. સામે વાળી વ્યક્તિ આપણી કદર કરે, આપણને સમજે કે આપણા માટે મહત્વના વિચારો જે છે તેને ટેકો આપે તેવી અપેક્ષા આપણે ન રાખી શકીએ (વાસ્તવમાં આપણે રાખવી પણ ન જોઈએ). છેલ્લાં ત્રણ વર્ષોમાં મેં અસંખ્ય ઈ-મેઈલ વાંચ્યા છે અને તેનાં જવાબો આપ્યા છે, તેનાં વિશ્લેષણ પછી આ એક ખુબ જ મહત્વનો પાઠ હું શીખ્યો છું. આજે, મારી પાસે તમારા માટે કહેવાની કોઈ વાર્તા કે કોઈ રમુજ નથી. એનાં બદલે આજે હું તમારી પાસે થોડી મહત્વની એવી યોજનાઓની પ્રગતી વિષે વાત કરીશ અને અમુક ચોક્કસ લોકો પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યકત કરવા ઈચ્છું છું. આપણે ઈ-મેઈલના વિષય ઉપર છીએ તો ચાલો ત્યાંથી શરુ કરીએ.

છેલ્લાં ત્રણ વર્ષમાં, ૪૦૦૦ થી પણ વધુ કલાકોનો સમય ફક્ત ઈ-મેઈલને આપ્યો છે, મેં ૯૦,૦૦૦ થી વધુ ઈ-મેઈલ વાંચ્યા છે અને ૪૦,૦૦૦ થી વધુના જવાબ આપ્યા છે. મોટાભાગે, આ બાબત અનિયંત્રિત બની ગઈ છે. મેં ઘણી પદ્ધતિઓ અજમાવી જોઈ, જેવીકે, જવાબ આપવામાં થોડું મોડું કરવું, ઓટો-રીપ્લાય મુકવો, અમુક ઈ-મેઈલને વર્ગીકૃત કરવા, કે પછી એક ફોર્મ બનાવીને ઈ-મેઈલની લંબાઈને નિયંત્રિત કરવી વિગેરે, પણ કશું જ ખરેખર કામ ન આવ્યું. મને તમારા ઈ-મેઈલનો જવાબ આપવો ગમશે, પરંતુ દિવસમાં એટલાં પૂરતા કલાકો જ નથી કે હું તે તમામ ઈ-મેઈલને વાંચી પણ શકું.

માટે ૧લી જાન્યુઆરી ૨૦૧૫થી, હું હાલનું મારું ઈ-મેઈલ એકાઉન્ટ છે તે નહિ જોઉં કે પછી હું એકલો પણ નહિ જોઉં. મારી સાથે સંપર્ક કરવાનાં બે રસ્તા છે: અહી આ ફોર્મ ભરો. કાં તો પછી તમને જે પોસ્ટ દર અઠવાડિયે તમારા ઈ-મેઈલના ઈનબોક્સમાં મળતી હોય તેનો જવાબ આપો. પરંતુ એક ખાસ નોંધ લેશો કે તમારા ઈ-મેઈલ ૨-૩ અન્ય સ્વયંસેવકો દ્વારા પણ વાંચવામાં આવશે કે જેઓ મને આ કામમાં હવે પછી મદદ કરવાનાં છે. માટે, મહેરબાની કરીને કશું ખાનગી ન લખશો. જો તમારા ઈ-મેઈલમાં કોઈ એવો સવાલ હશે કે જે બીજા અનેક લોકોને મદદરૂપ થઇ શકે તેમ હોય તો હું તેને મારા બ્લોગમાં વણી લેવાનો મારો ઉત્તમ પ્રયત્ન કરીશ. જો તમારે કોઈ અંગત સવાલ હોય, તો તમે મને આશ્રમમાં આવીને મળી શકો છો.

મેં ૨૦૧૪ની શરૂઆતમાં કહ્યું હતું કે મારા આ વર્ષે ત્રણ પુસ્તકો આવશે. છેલ્લાં મહીને મેં મારું સંસ્મરણ પુસ્તક રજુ કર્યું છે કે જે ફક્ત ભારતવર્ષમાં જ વાંચકો માટે ઉપલબ્ધ છે અને સ્વાસ્થ્ય ઉપરનું Wellness Sense જે દુનિયાભરમાં એક ઈ-બુક તરીકે ઉપલબ્ધ છે. મારે ડીપ્રેશન ઉપરનું મારું ત્રીજું પુસ્તક જે છે તેનાં ઉપર કામ કરવાનું અને તેને છપાવવાનું કામ કરવું હતું, પરંતુ ભારત બહાર, અનેક વાંચકો સંસ્મરણ પુસ્તક વિષે પૂછતાં હોય છે. માટે મેં મારા ત્રીજા પુસ્તક તરીકે મારા સંસ્મરણ પુસ્તકની પ્રત દુનિયાભરમાં ઉપલબ્ધ કરવા માટે તૈયારી કરી છે અને હવે તે ઈ-બુક તરીકે amazon.com ઉપર (અહી) ઉપલબ્ધ છે. જો તમારી પાસે Kindle app ન હોય તો તમે તેને મફત ડાઉનલોડ કરી શકો છો અને આ પુસ્તકને તમારા લેપટોપ, ટેબ્લેટ કે પછી સ્માર્ટફોન ઉપર વાંચી શકો છો.

મારા સંસ્મરણ પુસ્તકના પ્રચાર માટે જેમને પણ મને મદદ કરી છે તે બધાનો ખુબ ખુબ આભાર. તમારામાંના કેટલાંય તો એવાં છે કે જેમણે પોતાનાં ફેસબુકનાં કવર પેજમાં આ પુસ્તકનો ફોટો રાખ્યો છે, મને એવું જણાવવામાં આવ્યું હતું. આ ખરેખર મારા હૃદયને સ્પર્શી ગયું છે. (હવે, આ પુસ્કત બહાર પડી ગયું છે, માટે તમે તે કવર પેજ પરથી લઇ શકો છો.) હું એ તમામ લોકોનો પણ આભાર માનવા માંગું છું કે જેઓએ ફક્ત આ પુસ્તક વાંચવા માટેનો સમય નીકાળ્યો છે એટલું જ નહિ પરંતુ Flipkart કે Amazon ઉપર તેનાં વિષે પોતાનો મત પણ લખ્યો છે. ઘણાંએ પોતાનો મત સીધો મને જ લખીને જણાવ્યો છે, હું તેમનો પણ આભારી છું. મહેરબાની કરીને એ નોંધ લેશો કે તમે મને તમારો મત લખીને જણાવ્યો છે તેની હું કદર કરું છું, તેમ છતાં પણ તેનાંથી તે અન્ય કોઈને મદદરૂપ નહિ થઇ શકે. માટે જો તમને વાંધો ન હોય તો મહેરબાની કરીને તમારો મત Amazon કે Flipkart કે પછી તે બન્ને વેબસાઈટ ઉપર પ્રકાશિત કરી શકો છો. વિશાળ સંખ્યામાં લોકો વાંચકોના મતને આધારે પુસ્તક ખરીદતા હોય છે. જે લોકોએ પોતાનો મત ઓનલાઈન પ્રકાશિત કર્યો છે તેમનો હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર. ૫-સ્ટાર, ૪-સ્ટાર કે ૧-સ્ટાર તેનાંથી કોઈ ફરક નથી પડતો. જયારે તમે તમારો મત ઓનલાઈન પ્રકાશિત કરો છો ત્યારે તે મને મદદરૂપ થાય છે, બીજાને મદદરૂપ થાય છે અને તેનાંથી આપણો હેતુ સરે છે.

૨૦૧૪માં, મેં ભારત અને વિદેશમાં ખુબ જ સઘન યાત્રા કરી. ૧૮૦ કલાકોથી વધુ હું બોલ્યો છું, આશ્રમ સહીત ૭૦થી વધુ પ્રવચનો ભારત, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં આપ્યા છે. વધુમાં ૩૦૦૦ કલાકોથી વધુ સમય ખાનગી મુલાકાત માટે ૧૦૦૦થી વધુ લોકોને આપ્યો છે. ૨૫૦ થી વધારે કલાકોનો સમય મેં રસ્તા ઉપર, ૧૫૦ કલાકથી વધુ સમય એરપોર્ટ ઉપર, અને ૧૦૦ કલાક જેટલો સમય વિમાનમાં પસાર કર્યો છે. આ બધું થકવી નાંખે એવું હતું તેમ છતાં મને જેને સતત ચાલતો રાખ્યો છે તે છે અસીમ પ્રેમ કે જે મને હું જ્યાં પણ ગયો ત્યાંથી મળ્યો છે. અનેક લોકોની અસંખ્ય મદદ વિના અને ઘણાં યજમાનો અને બીજા લોકોની મદદ વગર આમાંનું કશું જ શક્ય ન થયું હોત. જે લોકોએ થાક્યા વગર અને નિ:સ્વાર્થ ભાવે આ વર્ષને સફળ વર્ષ બનાવવા માટે જે પણ મહેનત કરી છે; કે પછી હું જેનો વિચાર પણ કરી શકું તે પહેલાં તે તમામ નાની-નાની વિગતોની કાળજી રાખી છે તે દરેક લોકોનો હું ખુબ-ખુબ આભારી છું.

તમને બધાને આ બદલામાં શું આપી શકાય તે વિચારવાનું મેં બંધ કરી દીધું છે; કારણકે તમે મારા માટે જે કર્યું છે તેનું કોઈ પણ રીતે વળતર ચૂકવી શકાય તેમ નથી. મારા બ્લોગનું અન્ય ભાષામાં ભાષાંતર કરતી ટીમ, દર અઠવાડિયે મારા વિડીઓ પ્રકાશિત કરતી ટીમ, સોશિયલ મીડિયા ઉપર દરેક બાબતનાં સમાચાર આપતી ટીમ, જે મારા વાક્યો ઉપર સુંદર મજાના પોસ્ટર બનાવે છે તે ટીમ, તે લોકો કે જે હંમેશાં મારી હસ્તલિખિત પ્રતને વાંચવા માટે પોતે ઉપલબ્ધ રહ્યા હતાં, તે તમામ પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મારી પાસે પૂરતા શબ્દો નથી.

૨૦૧૫માં, મારે મોટાભાગનો સમય મારા પુસ્તકો (ચક્રો પર ધ્યાન વિશેની અધિસુચના ઉપર અને અમુક કાલ્પનિક સાહિત્ય ઉપર) કે જે મેં ગયા વર્ષે લખ્યા છે તેનાં ઉપર કામ કરવામાં વિતાવવાનું આયોજન છે. તમને આવતાં વર્ષે મારા તરફથી એક કાલ્પનિક સાહિત્ય અને એક અધિસુચનાઓ ઉપરનું પુસ્તક મળશે. હું બિલકુલ બહુ પ્રવાસ નથી કરવા માંગતો અને આશ્રમમાં મુલાકાત માટે મારી ઉપલબ્ધીનું સમય પત્રક બ્લોગ ઉપર મુકતો રહીશ. આ દરમ્યાન હું દર અઠવાડિયે લેખ લખતો રહીશ.

તમને ખુબ ખુબ શુભેચ્છાઓ અને પુન: તમારો ખુબ ખુબ આભાર. તમારી દયાને કુદરત અનેકગણી કરીને તમને તેનું પ્રતિદાન આપશે. અને હંમેશાં આપતી હોય છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email