મને અનેકવાર ગુરુ વિષે, ગુરુની ભૂમિકા વિષે, ગુરુને સમર્પણ વિષે, તમારે તમારા ગુરુનો કેટલો વિશ્વાસ કરવો જોઈએ વિગેરે ઉપર સવાલો મળતા હોય છે. એક પ્રેમાળ વાંચક કે જે મારો બ્લોગ ખાસા સમયથી વાંચી રહી છે, અને જેણે હાલમાં જ મારું બહાર પડેલું સંસ્મરણનું પુસ્તક વાંચ્યું છે, તેણે મને ઈ-મેઈલ લખ્યો છે. તે પોતે સત્યાનંદ (૧૯૨૩ – ૨૦૦૯), એક પ્રખ્યાત યોગ ગુરુ, કે જેમનો આશ્રમ શારીરિક શોષણના ગુનાસર શોધખોળ હેઠળ છે, તે પોતે આ સમાચાર વાંચીને ખુબજ અને કદાચ વ્યાજબીપણે વ્યાકુળ થઇ ગઈ છે. તેણે લખ્યું છે:

આ મુદ્દા ઉપર થોડા સમય માટે વિચાર કરીને, અને તમારું સંસ્મરણ પુસ્તક વાંચ્યા પછી, મેં કઈ સાર તારવ્યો છે:

૧. ગુરુ એ એક મનુષ્ય જ છે અને તેમાંના બધા જ કઈ સંસ્કારોથી મુક્ત નથી. માટે જ આટલાં બધા શોષણખોર ગુરુઓના કિસ્સાઓ બનતા રહે છે. ગુરુ એ અબાધિત સત્તાની સ્થિતિ છે અને જેમ જ્યોર્જ ઓરવેલે કહ્યું છે કે “સત્તા તમને ભ્રષ્ટ કરે છે. અને અબાધિત સત્તા તમને અબાધિતપણે ભ્રષ્ટ કરે છે”. સાચા ગુરુ, જે બંધનમુક્ત છે તે આ સત્તાનો દુરુપયોગ નથી કરતાં.

૨. શિક્ષાને ગુરુથી જુદી પાડીને જુઓ. આ જે કઈ પણ બન્યું છે તેમ છતાં હું હજી પણ માનું છું કે યોગનું જે જ્ઞાન તેમણે આપ્યું છે તે સારું છે. માટે જે સારું છે તે લઇ લો અને જે ખરાબ છે તેને છોડી દો. જો ગુરુ તમને હવે કઈ સારું આપી શકે તેમ ન હોય તો – ત્યાંથી નીકળીને આગળ વધી જાવ. જેમ કે તમે બાબાથી આઘા થઇને આગળ નીકળી ગયા તેમ. જેવી રીતે બુદ્ધ પોતાનાં શિક્ષકો અલારા અને ઉદકથી અલગ થઇ આગળ નીકળી ગયા હતાં તેમ.

હું આશા રાખું કે – શિક્ષાને ગુરુથી અલગ પાડી શકવી તે એટલું સહજ હોય. જો કે ચોક્કસ તે અશક્ય તો નથી જ, પરંતુ તે હવાની લહેરખી જેટલું સરળ પણ નથી. મને નથી ખબર કે હું તમને સંતોષકારક જવાબ આપી શકીશ કે નહિ, તેમ છતાં, ચાલો હું તમને આ એક ખુબ જ મહત્વના વિષય ઉપરના મારા પોતાનાં વિચારો કહું.

મેં ભૂતકાળમાં ગુરુ-શિષ્યનાં સંબંધ ઉપર લખ્યું છે (અહી) કે આ સંબંધ કોઈ અન્ય સંબંધ જેવો નથી કારણકે તે સામાન્ય લેવડ-દેવડથી મુક્ત હોય છે. પરંતુ મહત્વનો સવાલ એ પૂછવાનો છે કે ગુરુ કોણ છે અને ગુરુ કોણ બની શકે? ફક્ત વિશેષ વસ્ત્રો પહેરી દેવાથી, અમુક સિદ્ધિ હાંસિલ કરી લેવાથી, ધ્યાન કરી શકવાની ક્ષમતા હોવાથી, કે પ્રવચન કરી શકવાની ક્ષમતા હોવાથી કે પછી શિષ્યો હોવાથી કોઈ ગુરુ નથી બની જતું.

કોઈ પણ વ્યક્તિ વિશેષ વસ્ત્રો ઓઢી શકે છે – સફેદ, કાળા, ભગવા કે બીજા કોઈ પણ રંગના, તેનાંથી કોઈ ફર્ક નથી પડતો. જેમ કે લોકો ભૌતિકવિજ્ઞાન કે અંગ્રેજી સાહિત્ય ભણે છે તેમ તેઓ વૈદિક શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર પણ ભણી શકે છે; આ બે વાતમાં કોઈ પણ પ્રકારનો તફાવત નથી – એક તમને આ વિચારસરણીથી વાકેફ કરાવે છે અને બીજો તમને પેલી વિચારસરણીથી. દાખલા તરીકે કોઇપણ વ્યક્તિ કે જે પ્રયત્ન કરે તો તે ધ્યાન પણ કરી જાણે છે અને સારો વક્તા પણ બની શકે છે. અને શિષ્યો હોવાની વાત કરીએ તો, તમને આ દુનિયામાં પુરતી સંખ્યામાં કોઈપણ ફિલસુફીને લેવા વાળાઓ મળી જશે. અરે ખરાબમાં ખરાબ ફિલસુફી પણ કેમ ન હોય, મહામુર્ખ શિક્ષક કે ધર્મોપદેશક કેમ ન હોય તે પણ ટોળું ભેગું કરી શકે છે. વિશાળ ટોળાને ગુરુની ગુણવત્તા સાથે કોઈ લેવાદેવા નથી. તેનો ફક્ત એટલો જ અર્થ છે કે તે ગુરુ જનસમૂહને આકર્ષી શકે છે. અરે એક બટેકુ કે કોળું પણ લોકોને આકર્ષી શકે છે, એ રીતે જોવા જઈએ તો.

સૌથી સફળ થયેલી ધ્યાન, યોગ, કે આધ્યાત્મિક ચળવળો તરફ જુઓ કે જેમાં તેનાં અનુયાયીઓ એ પોતાની આખી જિંદગી ગુરુને, પંથને, કે પછી તે ચળવળને આપી દીધી હોય પણ તેમનાં કેટલાં જણાની અંદર જ્ઞાનોદય થયો? એક પણમાં નહિ. (ઓછા નામે, મને તો કોઈ એવું મળ્યું નથી હજી સુધી). ક્યારેય વિચાર્યું છે શા માટે? હું તમને પ્રામાણિકપણે કહી દઉં, મારો પ્રથમ માર્ગદર્શનનો સિદ્ધાંત છે: કોઈને ક્યારેય આશ્રમ, મંદિર કે મઠમાં રહીને બોધ થયો નથી. જયારે એક ગુરુ તમને  આત્મસાક્ષાત્કાર કે સ્વર્ગપ્રાપ્તિ માટે તેની પોતાની પ્રણાલીને અનુસરવાનું કહે ત્યારે તે તમને મુર્ખ બનાવી રહ્યાં છે. તમે હજી વધારે સારાને લાયક છો. તેઓ તેને આ ધ્યાન અને ફલાણું ધ્યાન કે પછી આ ક્રિયા અને પેલી ક્રિયા કહી શકે છે, તેનાંથી કોઈ ફર્ક પડતો નથી. આ ફક્ત રૂપરેખાઓ અને પ્રણાલીઓ માત્ર હોય છે અને જયારે આધ્યાત્મિકતાનું નામ આવે ત્યારે તે ત્યાં કામ પણ કરતી હોય છે, કેમ કે અસંખ્ય લોકો બહુ થોડાથી પણ ખુશ થઇ જતાં હોય છે.

જો તમે કોઈને એટલાં માટે જ ગુરુનું સ્થાન આપી દો કેમ કે તે ધર્મોપદેશ કરી જાણે છે કે પછી તે આકર્ષક છે કે જ્ઞાની છે, તો પછી તમારી લાગણી ત્યાં ઘવાય તેની સંભાવના અનેકગણી વધી જાય છે. તમે એક દક્ષ કલાકારને કે પછી એક સારા વિક્રેતાને ગુરુ માની લેવાની ભૂલ કરી રહ્યા છો. તેઓ તમને કઠપૂતળી બનાવી દેશે, તેઓ તમારો આગળ પણ તેમનાં કારણ માટે ઉપયોગ કરશે અને તેઓ તમારી ઉપર અંકુશ પણ રાખશે કેમ કે તમે તેમને તેમ કરવા દો છો. અને આ વાત મને દોરી જાય છે મારા બીજા માર્ગદર્શક સિદ્ધાંત તરફ: કોઈપણને તમારા ગુરુ તરીકે એટલાં માટે જ ન સ્વીકારી લેશો કેમ કે તેમણે તમને ચકિત કરી દીધાં છે. એમને તો જ અનુસરો જો તમને તેમનાં જેવા બનવાનું મન થતું હોય.

તમારા ગુરુ તમને ગુસ્સાથી દુર રહેવાનું કહેતાં હોય અને તમે જો તેમને બુમો પાડતા જોતા હોવ તો, એ એક દંભી માત્ર છે. જો તમે તેમનામાં એક લાલચ અને સ્વાર્થને જોઈ શકતા હોય, જો તમે તેમને અસત્ય બોલતાં જોતા હોવ અને જો એ તમને સત્ય બોલવાની શીખ આપતાં હોય, તો એ દંભી છે. જયારે, તે પોતે પ્રેમ અને દયાનો ઉપદેશ આપતાં હોય, પરંતુ, જે કોઈ તેમની પાસે આદરપૂર્વક આવતું હોય ત્યારે એમનાં માટે એમની ઈમારત અને આશ્રમ, ગમે તે કારણોસર, જો વધારે મહત્વના હોય, તો એ દંભી છે. મહેરબાની કરીને તમારી આંખો ખોલો અને જાગો. તેમનો ત્યાગ કરો. ખોટા ન્યાયને એટલાં માટે જ ફક્ત ન સ્વીકારો કે તે તમારા ગુરુ કરી રહ્યા છે. અને તે દોરી જાય છે અત્યંત મહત્વના મુદ્દા ઉપર: ખોટું શું છે?

જયારે એ જે કહેતા હોય તે પોતે ન કરતાં હોય, તો તે ખોટું છે. દાખલા તરીકે, જો ઓશો કોઈ સ્ત્રી સાથે સુતા હોય, તો હું તેમને ખોટા નહિ કહું કેમ કે તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે પોતે નથી સુતા. પરંતુ જો રામદેવ એવું કહે તો હું જરૂર તેને ખોટા કહીશ કેમ કે તેઓ કહે છે કે તે પોતે બ્રહ્મચારી છે. જ્યાં સુધી તેમનાં કર્મો તેમનાં શબ્દો સાથે મેળ ખાતા હશે, ત્યાં સુધી હું એમાં કોઈ વિશ્વાસઘાત જોતો નથી. જો તમારા ગુરુ ખુલ્લા અને પ્રામાણિક છે, તો પછી તેઓ ખોટા નથી, પછી ભલેને તમે તેમની સાથે અસહમત થતાં હોવ. એ સમયે તમારી પાસે પસંદગી હોય છે, ત્યાં રહેવાની કે ત્યાંથી ચાલતાં થવાની. અને, ખુલ્લા અને પ્રામાણિક હોવાનો મારો અર્થ એ નથી કે તેઓએ તેમની અંગત ડાયરી તમારા હાથમાં આપી દેવી (જો એ તમારી અંગત ડાયરી નથી માંગી રહ્યા તો). જો તેમનાં કાર્યો અને વ્યવહાર તમારી સાથે સારી રીતે બંધબેસતા નથી, તો પછી આગળ નીકળી જાવ. કારણકે, દરેક વસ્તુને ચકાસવાની પણ જરૂર નથી અને તમારી જેમ, તમારા ગુરુને પણ તેમની પોતાની જિંદગી હોવાનો અધિકાર છે.

આટલું કહ્યા પછી, હું તમને કહી શકું કે ખોટું શું છે પછી ભલેને તમારા ગુરુ કેટલાંય મુક્ત કેમ ન હોય, કે પછી પરીસ્થિતી ગમે તેટલી આધ્યાત્મિક કેમ ન હોય. જયારે લોકો દુ:ખી થતાં હોય છે, શોષિત થતાં હોય છે, તેમની સાથે શારીરિક છેડછાડ કે ગેરવર્તણુંક થતી હોય છે, ત્યારે તે હંમેશાં ખોટું હોય છે. હંમેશાં. જયારે તમને તમારા ગુરુબંધુઓ સાથે જ કોઈ પણ કારણોસર અસત્ય બોલવાનું જણાવવામાં આવતું હોય ત્યારે તે હંમેશા ખોટું હોય છે. જયારે તમારા ગુરુ તમને એમ કહેતાં હોય કે તેમનો રસ્તો જ એકમાત્ર સાચો રસ્તો છે, તો એ તો મોટામાં મોટું જુઠ્ઠાણું છે. જયારે તમે ખોટું થતું જુઓ, ત્યારે ફક્ત તેની સાથે નાતો કાપી ને ત્યાંથી નીકળી ન જાવ. તેનાં વિરોધમાં અવાજ ઉઠાવો. તમારા આંતર્નાદનો વિશ્વાસ કરતાં શીખો. બધા ગુરુ જો કે ખરાબ નથી હોતા. આજના દિવસે અને સમયે જો કે તેમાંના અનેક પાખંડીઓ છે, તેમ છતાં પણ પ્રામાણિક અને સારા ગુરુઓ પણ અનેક છે. જો તમે આ માર્ગ ઉપર પ્રામાણિકતાથી ચાલતાં રહેશો તો કુદરત તમારા જીવનમાં ગુરુની વ્યવસ્થા આપોઆપ કરી આપશે. આ બાબતે મારો વિશ્વાસ રાખો.

કોઈપણને તમારા ગુરુ તરીકે સ્વીકારતા પહેલાં તમારે જોઈતો પુરતો સમય લો. તેમને પૂરી રીતે ચકાશો. વારંવાર ચકાશો. સુસ્પષ્ટપણે ચકાશો. જો તેઓ જે પ્રસ્તુત કરતાં હોય તેને તમે સંપૂર્ણપણે સ્વીકારતા હોવ અને તમે તેમના જેવા બનવા માંગતા હોવ તો જ તેમને ગુરુ તરીકે સ્વીકારો. એક વખત તમે તૈયાર હોવ, યારે તમારો વિશ્વાસ તમારા ગુરુમાં નહિ પરંતુ તેઓ જેનું પ્રતિનિધિત્વ કરતાં હોય તેમાં મુકો. કારણકે, જયારે તમે તમારો વિશ્વાસ તથ્યમાં મુકો છો અને વ્યક્તિમાં નહિ, જયારે તમે તમારી સંવેદનાઓને એક માન્યતામાં કે એક કારણમાં મુકો છો અને નહિ કે તેનાં પ્રસ્તાવકમાં ત્યારે તે ફક્ત એક વિશ્વાસ માત્ર નથી બની રહેતો, તે એક શ્રદ્ધા બની જાય છે. અને, શ્રદ્ધાનો, વિશ્વાસની જેમ ક્યારેય ઘાત થતો નથી કારણ કે સાચી શ્રદ્ધા બિનશરતી હોય છે. તે કશાય ઉપર આધારિત નથી હોતી.

ગુરુ એ અબાધિત સત્તાનું કોઈ પદ નથી પરંતુ અમર્યાદિત કરુણાના વાહક છે. તે ક્યારેય સત્તાનો દુરુપયોગ નહિ કરે કેમ કે તેમની પાસે કોઈ સત્તા હોતી જ નથી, આમ જોવા જઈએ તો, ફક્ત પ્રેમ જ હોય છે. એક સાચા ગુરુ તમને ક્યારેય તમને પોતાનાં માર્ગનું આંધળું અનુકરણ કરવાનું નહિ કહે, ઉલટાનું એ તમને તમારો પોતનો માર્ગ શોધવા માટે પ્રોત્સાહન આપશે. તે મંદ ગતિએ વહેતી નદી જેવા હોય છે, શિયાળાના સુરજની જેમ હુંફાળા હોય છે, પૂનમનાં ચંદ્રમાં જેવા પ્રકાશમાન હોય છે, મોસમની પ્રથમ વર્ષાની જેમ તમને ફરી તાજા અને યુવાન બનાવનાર હોય છે. અને જો તમે તેમની હાજરીમાં એ મંદતા, હુંફ, પ્રકાશ અને એ તાજગીનો અનુભવ ન કરતાં હોવ, તો એ તમારા માટે સાચા ગુરુ નથી.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email