ક્યારેય વિચાર્યું છે કે શા માટે અમુક આહાર અમુક લોકો માટે અદ્દભુત રીતે કામ કરે છે અને અન્ય માટે નથી કરતો? શા માટે અમુક લોકોને જ અમુક ઋતુઓમાં એલર્જી થાય છે? શા માટે અમુક લોકો ફક્ત એક દારૂનો ગ્લાસ પીવા માત્રથી જ નશામાં ધુત થઇ જાય છે જયારે અમુક લોકો બોટલોની બોટલો ગટકાવી ગયા પછી પણ સંયમિત વર્તન કરતાં રહેતા હોય છે? અને, શા માટે અમુક લોકો ફક્ત અડધો કલાક શારીરિક કામ કર્યા પછી પણ થાકી જાય છે જયારે અમુક લોકોમાં અથાક ઉર્જા ભરેલી હોય છે?ઉપરોક્ત સવાલોનો તેમજ અન્ય અનેક એવાં સવાલોનો જવાબ આયુર્વેદમાં રહેલો છે કે જેમાં શરીરને ફક્ત હાડ-માંસની થેલી તરીકે જ જોવામાં નથી આવતું, પરંતુ દરેક પ્રકારના આનંદ અને દુઃખને અનુભવવાનાં એક સુંદર વાહન તરીકે જોવામાં આવે છે. યોગ અને તંત્રની જેમ આયુર્વેદમાં પણ વ્યક્તિની તંદુરસ્તી એ માત્ર શારીરિક સ્થિતિની વાત નથી પરંતુ શરીર એ ઇન્દ્રિય, મન અને આત્માનો એક સમસ્ત સમૂહ છે. આપણું શરીર એક પવિત્ર જગ્યા છે, તે આપણી જાગૃતિનું આસનસ્થાન છે. અને જો આપણે તેની જરૂરિયાતો અને વૃત્તિઓ તરફ ધ્યાન આપીએ તો એ આપણું ઘણું કલ્યાણ કરી શકે તેમ હોય છે.આપણામાંનાં દરેકજણ એક વિશિષ્ટ બંધારણ સાથે જન્મેલા હોય છે. અને આ બંધારણ તે નક્કી કરે છે કે આપણે જે પણ આહાર આરોગીએ છીએ તેનો કઈ રીતે સ્વીકાર થાય, કઈ રીતે તેનાં ઉપર પ્રક્રિયા થાય, અને કેવી રીતે તેનું શોષણ થાય. આ બંધારણ આપણે આપણી આજુબાજુના વાતાવરણને કેવી રીતનો પ્રતિભાવ આપીએ છીએ તેનાં પર પણ અસર કરતુ હોય છે. પ્રત્યેક વ્યક્તિનાં આ બંધારણને માટે આયુર્વેદમાં એક શબ્દ છે પ્રકૃતિ. તેનો અર્થ છે આપણું આનુવંશિક બંધારણ, આપણો જન્મજાત સ્વભાવ. આ એક ખુબ જ રસપ્રદ વાત છે કેમ કે કુદરત માટે પણ સંસ્કૃતમાં વપરાતો શબ્દ છે પ્રકૃતિ.

આપણે કુદરતનો જ એક ભાગ છીએ. આપણી પ્રકૃતિ (સ્વભાવ, ઝુકાવ, આદતો…) તે પ્રકૃતિ (કુદરત)નો જ નિષ્કર્ષ છે. આ કોઈ રૂપક વાક્ય નથી પરંતુ એક વૈજ્ઞાનિક સત્ય છે. કારણકે, જે આહાર આપણે આરોગીએ છીએ, જે પાણી આપણે પીતા હોઈએ છીએ, જે હવા આપણે શ્વાસમાં ભરતા હોઈએ છીએ, તે બધું જ એક સમયે આપણી બહાર, કુદરતમાં હોય છે. એક વખત આપણે તેનો ઉપભોગ કરીએ છીએ ત્યારે તે આપણી અંદર હોય છે. તે આપણું અસ્તિવ બની જાય છે. આપણે તેમાંથી જ બનેલાં હોઈએ છીએ. આપણી પોતાની પ્રકૃતિ, બંધારણને સમજવું ખુબ જ જરૂરી હોય છે, જેથી કરીને આપણે એ જાણી શકીએ કે પ્રકૃતિ (કુદરત)માંથી આપણને શું અનુકુળ આવશે.

તંદુરસ્તી માટે સંસ્કૃત ભાષામાં શબ્દ છે સ્વાસ્થ્ય: તેનો અર્થ થાય છે આત્મ-નિર્ભરતા કે શરીર અને મનની મજબુત અવસ્થા. જો તેને હજુ વધુ ચકાસવામાં આવે તો તેનો અર્થ થાય છે તમારો મૂળ કુદરતી સ્વભાવ; સ્વા અર્થાત કુદરતી અને સ્થ્ય અર્થાત અવસ્થા કે સ્થિતિ. આયુર્વેદનું લક્ષ્ય છે તમારા સ્વાસ્થ્યની કુદરતી અવસ્થાને પુન:સ્થાપિત કરવી કે જેથી કરીને તમે માનસિક અને શારીરિક રોગોમાંથી મુક્ત રહી શકો.

મહત્તમ રીતે, અને પુખ્ત વયનાઓ માટે તો ચોક્કસ વાત છે કે મોટાભાગનાં રોગો એ દમિત અને ઉઝરડા પડેલી ચેતનાના પરિણામ સ્વરૂપે થતાં હોય છે. માનસિક પીડાઓ શારીરિક સ્તરે રોગ પેદા કરતી હોય છે અને શારીરિક રોગો, પાછા, માનસિકતાનાં સ્તરને વિક્ષુબ્ધ કરે છે. તમે શરીરમાં થયેલાં રોગની સારવાર કરી શકો છો પણ તેનો અર્થ ફક્ત એટલો જ છે કે તમે ખાલી લક્ષણોની સારવાર કરી રહ્યા છો. તે કાયમી ઉપાય નથી.

આધુનિક દવાઓ ફક્ત લક્ષણોને જ ધ્યાનમાં લે છે. જો મને માથું દુઃખતું હોય, તો એ મને દર્દ-શામક દવા લેવાનું જ કહેશે. પરંતુ આયુર્વેદ એ લક્ષણોની સારવાર કરવામાં નથી માનતું. તે દર્દીને સમજવાનું અને લક્ષણોના મૂળની સારવાર કરવામાં માને છે. અને આ કરવા માટે, પ્રાચીન ગ્રંથોએ આપણી જીવન જીવવાની પદ્ધતિને તેમજ આપણી પ્રકૃતિને (કે જે વ્યક્તિ-વ્યક્તિએ અલગ પડતી હોય છે) એકસાથે સાંકળી લઈને તંદુરસ્તી પ્રત્યે એક ખુબ જ વિશાળ દ્રષ્ટિકોણ લીધો છે. કોઈ પણ દવા દરેક વ્યક્તિ ઉપર એક જ પ્રકારે અસર નથી કરતી હોતી. બીજા શબ્દોમાં કહેવું હોય તો: એક માણસ માટેની દવા બીજા માણસ માટે ઝેર હોઈ શકે છે.

શારીરિક તંદુરસ્તી પ્રત્યે ફક્ત સારા આહાર અને કસરત દ્વારા જ ધ્યાન આપવું એ તો ફક્ત આંશિક ઉકેલ છે; તમારું માનસિક અને લાગણીકીય સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે. જીવન તમારી તરફ જે કઈ પણ ફેંકે તેનાં પ્રત્યે તમે કઈ રીતે પ્રતિક્રિયા આપો છો તે બાબત તમારી તંદુરસ્તીને ખુબ જ મહત્વપણે પણ અસર કરે છે. તમે કોઈપણ વસ્તુ પ્રત્યે કેવી રીતે જુઓ છો અને તમે તેને કઈ રીતે સ્વીકારો છો કે તેનાં પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપો છો તે તમારા સમગ્ર સ્વાસ્થ્યને નક્કી કરવા માટેનાં બે બહુ અગત્યનાં પરિબળો છે. તમે જેનાંથી હેરાન હોય તેનાં પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ જો તમે બદલી શકો તો નેવું ટકા કામ થઇ ગયું સમજો. બાકીના દસ ટકા ફક્ત શારીરિક તંદુરસ્તી વિષેની વાત છે. યૌગિક જ્ઞાન તમને માનસિક સંતુલન પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે અને આયુર્વેદ તમારા શારીરિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.

ઉપરોક્ત વાત એ The Wellness Sense નામના મારા તંદુરસ્તી અને સ્વાસ્થ્ય ઉપરનાં પુસ્તકની એક ઝલક છે. આ પુસ્તક તેની પ્રામાણિકતા અને ચોક્કસાઈ માટે આઠ ફિઝીશ્યન દ્વારા ચકાસવામાં આવ્યું છે. આ પુસ્તકમાં મેં યૌગિક અને આયુર્વેદિક ગ્રંથોના જ્ઞાનનાં સારને આધુનિક મેડીકલ સાયન્સમાં ઉપલબ્ધ લેખો સાથે સાંકળી લીધા છે.

એ પહેલાં કે તમે મને ઈ-મેઈલ કરીને આ પુસ્તકની પ્રત ક્યારે મળી શકશે તે પૂછો તે પહેલાં હું તમને તેનો જવાબ અહી જ આપી દઉં: હાલમાં, મારી પાસે આ પુસ્તકની પ્રત છપાવવા માટેનાં જરૂરી એવાં સ્રોત ઉપલબ્ધ નથી, એટલાં માટે, આ પુસ્તક એક ઈ-બુક તરીકે દુનિયાભરમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. તમે આ પુસ્તકના નમુના માટેનું લખાણ વાંચવા ઇચ્છતાં હોવ કે ખરીદવા ઇચ્છતાં હોવ તો તમે Amazon પરથી તેમ કરી શકો છો. થોડા દિવસોમાં જ આ ઈ-બુક iBooks, Koboમાં પણ ઉપલબ્ધ થશે.

પ્રાચીન જ્ઞાનનાં ગૂઢ અર્થોને સરળ શબ્દોમાં સમજાવતું આ પુસ્તક તમે વર્તમાન સમયમાં – કે જેમાં આપણી પાસે તમામ સુવિધાઓ હોવા છતાં આપણે બેચેન છીએ – તેમાં તમારી જાતની સારી રીતે કાળજી કઈ રીતે લઇ શકો અને તંદુરસ્તી ભર્યું જીવન કેવી રીતે જીવી શકો તે બતાવે છે. આપણી પાસે ઓર્ગેનિક નાસ્તો તો છે પણ તેને ખાવાનો સમય નથી. આપણી પાસે આરામદાયક ગાદલું છે પણ ઊંઘ ઓછી છે. કલ્યાણકારી જીવન તેમજ તમારી તંદુરસ્તીની ચાવી તમારા પોતાનાં જ હાથમાં છે. તમને ફક્ત એક સાચા દ્રષ્ટિકોણ અને શિસ્તની જ જરૂર છે. તમે જો આયુર્વેદ માટે જિજ્ઞાસુ હોય અને પોષણ અને તંદુરસ્તી માટે તમને જો જુસ્સો હોય તો તમે આ વિગતવાર પુસ્તકને એક વાર અજમાવી શકો છો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email