આપણું મન ટીકાને એક દખલંદાજી તરીકે જુવે છે. આ સત્ય છે. ખાસ કરીને સામે વાળાથી જયારે નકારાત્મક અભિપ્રાય અવાંછિત હોય. મોટાભાગે સંબધોમાં દ્વેષનું બીજ ત્યારે જ ફૂટી નીકળતું હોય છે જયારે અનિવાર્ય એવી ટીકા ખુબ નિર્દયતાથી કરવામાં કે કહેવામાં આવે. ત્યારપછી, હકારાત્મક અભિપ્રાયને પણ સામાવાળા વ્યક્તિનો એક પક્ષપાતી મત ગણીને નકારી દેવામાં આવતો હોય છે. “ટીકા સાથે કદાચ સહમત ન થઇ શકાય એવું બની શકે પરંતુ તે જરૂરી હોય છે. તે શરીરમાં ઉઠતાં દર્દ જેવું જ કાર્ય કરે છે. તે વસ્તુની નાદુરસ્ત પરીસ્થિતી તરફ તમારું ધ્યાન ખેંચે છે.” વિન્સ્ટન ચર્ચિલનાં આ શબ્દો ખુબ જ સુંદર રીતે ટીકા તરફ કેવી રીતે જોવું જોઈએ તેનાં વિષે કહે છે. તેમછતાં, ટીકા પ્રત્યે ખુલ્લા મને જોવાની વાત છે તે એક કૌશલ્ય છે જે બહુ થોડા લોકો પાસે હોય છે.

અસંખ્ય વખત મેં એવું અવલોકન કર્યું છે કે લોકો તમારા પ્રામાણિક મત માટે પૂછતાં હોય છે, તે પણ પ્રામાણિક શબ્દ ઉપર ભાર મૂકીને, પરંતુ જયારે તમે તે ખરેખર આપો, ત્યારે તે તેનાં પ્રત્યે રક્ષણાત્મક બની જતાં હોય છે. પરંતુ ટીકા એ આપણા જીવનનું એક અગત્યનું અંગ છે અને આપણે તે હકારાત્મકતાથી કેવી રીતે લઇ શકાય તે શીખીને જ તે પ્રાપ્ત કરી શકીએ છીએ. જે લોકો ટીકાની સાથે વિવેકપૂર્ણ રીતે કામ લઇ શકે તેઓ પોતાનાં જીવનમાં સંઘર્ષનો અનુભવ ઓછો કરે છે અને તે જ્યાં પણ જાય ત્યાં સન્માન મેળવે છે. જો કે મેં આ વિષય ઉપર ભૂતકાળમાં લખ્યું છે, તેમ છતાં હું મારા મતને આજે એક અલગ સંદર્ભમાં રજુ કરીશ. ટીકા થતી હોય ત્યારે મનની શાંતિ જાળવી રાખવાના ત્રણ સોનેરી નિયમો આ રહ્યા. હવે ફરી વખત જયારે તમારે અસંમતીનો સામનો કરવો પડે, ત્યારે આ ત્રણ સિદ્ધાંતો ઉપર ચિંતન કરજો અને તમે મોટાભાગે તેનાંથી અવિચલિત રહી શકશો.

૧. શું તે ફાયદાકારી છે?

મોટાભાગે જયારે આપણી ટીકા થતી હોય, ત્યારે આપણો અહંકાર આપણી અંદર તેનું માથું ઊંચકતો હોય છે. અને આપણામાંના મોટાભાગનાં લોકો રક્ષણાત્મક બની જતાં હોય છે, અરે સામેવાળી વ્યક્તિને શું કહેવાનું છે તે પૂરું સાંભળ્યા પણ વિના. આપણે એવું માનવા માટે ટેવાયેલા હોઈએ છીએ કે આપણે આપણા વિષે સંપૂર્ણપણે જાણીએ છીએ અને આપણને ખબર છે કે આપણે શું કરી રહ્યા છીએ. અને જયારે પણ આપણને ચુનોતી આપવામાં આવે ત્યારે આપણી જાત પ્રત્યેની માન્યતા હલી જતી હોય છે, તે આપણને ઉદ્વિગ્ન બનાવી દે છે. અમુક લોકો ખુબ જ તીક્ષ્ણતાથી પ્રતિભાવ આપશે તો અમુક લોકો પોતાની જાતને પાછી ખેંચી લેશે, પણ સૌથી ઉત્તમ વસ્તુ તો એ છે કે તમારી જાતને એ વખતે આ સવાલ પૂછો: શું આ ફાયદાકારી છે? જયારે પણ સામે વાળાની ટીકા કે સલાહ, પછી તે વણજોઇતી હોય કે પછી નકારાત્મક, જો તે તમારા ફાયદા માટે હોય તો તેનાં પ્રત્યે ધ્યાન આપવું એ સમજદારી છે. તમારે તેમની ટીકાને વ્યક્તિગત રીતે લેવાની જરૂર નથી; ફક્ત સાંભળો અને જયારે તેમની વાત પૂરી થઇ જાય ત્યારે તેનાં ઉપર ઊંડાણપૂર્વક વિચાર કરો અને નક્કી કરો કે તેમાં કઈ ફાયદો છે કે નહિ. ત્યારબાદ તમે, તેને સ્વીકારવું કે અસ્વીકારવું તેનાં વિષે જાગૃત પસંદગી કરી શકો છો. આ વલણ તમને ટીકા કે આલોચના પ્રત્યે ખરાબ અનુભવ્યા વગર અહિંસક રીતે કઈ રીતે કામ લઇ શકાય તે શીખવે છે.

૨. શું આ સાચું છે?

જયારે ટીકા ફાયદાકારી કે સર્જનાત્મક ન હોય ત્યારે તે તમારા ઉપર, તમારી વિશ્વસનીયતા ઉપર, અને તમારા કૌશલ્ય ઉપર એક કટુતાભર્યા આક્રમણ સમાન લાગી શકે છે. જયારે પણ નકારાત્મક ટીકા આવે ત્યારે આપણી કુદરતી ટેવ એ હોય છે કે કાં તો બિલકુલ ચુપ થઇ જવું કાં તો હિંસક રીતે પ્રતિભાવ આપવો. આપણે આપણી ટીકા કરનારને આપણા વિરોધી ગણી લેવામાં ખુબ જ ઉતાવળા હોઈએ છીએ અને તેમને બસ નકારી દેતા હોઈએ છીએ. પણ, જો તેઓ ખરેખર સાચા હોય તો? અને આ લઇ જાય છે આપણને બીજા સવાલ તરફ. શું તે સાચું છે? જો તેઓ જે કહેતાં હોય તે સાચું હોય તો, પછી ભલે ને તે આનંદદાયી ન હોય અને કડવું હોય, આપણે તેના પ્રત્યે કોઈ પણ પ્રતિભાવ આપ્યા વિના કે તેને નકાર્યા કરતાં ચુપચાપ સાંભળવું જોઈએ. સામેની વ્યક્તિ કોઈ નૈતિક દબાવ હેઠળ નથી કે તે તેનાં વાક્યો ઉપર સાકર લગાવીને બોલે. અરે જયારે તેમની આલોચના ફાયદાકારી ન લાગે પરંતુ જો તે સત્ય હોય તો તેનાં ઉપર ચિંતન કરવાથી આપણને કોઈ નુકશાન નથી થવાનું. ગમે તે રીતે પણ તે ટીકા એ વિચારોનો આહાર છે અને તે આપણે જે કઈ પણ કરી રહ્યા હોઈએ તેમાં આપણને વધુ સારા જ બનાવશે.

૩. શું તેમાં કોઈ ઉમદા ઈરાદો છે?

કોઈ વખત તેમની ટીકા સાચી પણ નથી હોતી કે ફાયદાકારી પણ નથી હોતી. આ એક પેચીદો મામલો છે અને અઘરો પણ, કારણકે તમને ખબર છે કે તેઓ ખોટા છે. વારુ, તમારી શાંતિ જાળવી રાખવા માટે તમે તેમનો ઈરાદો શું છે તે ચકાસો. જો તેમનાં ઈરાદાઓ ખરાબ ન હોય, જો તેઓ તમારા શુભ-ચિંતક હોય, તો પછી પ્રતિભાવના બદલે અનુકંપાને પસંદ કરો અને જતું કરો. આ કોઈ સમય નથી કે તમે તેમને તમારો દ્રષ્ટિકોણ સમજાવવા બેસો. તમે જયારે તોફાન જતું રહે ત્યારે તેનાં વિષે પછી વાત કરી શકો છો. વધુમાં, એટલું યાદ રાખો કે જો તેમનાં ઈરાદાઓ ઉમદા નથી તો પછી તેમની ટીકાનું પણ કોઈ મહત્વ નથી. જયારે આપણને ખબર જ છે કે તેમની ટીકા સાચી નથી તો પછી તેને શા માટે વ્યક્તિગત તરીકે લેવી જ જોઈએ? અને જો તેમનો ઈરાદો સારો હોય તો પછી તે ટીકાને અંગત રીતે નહિ લેતાં, ચાલો તેનાં ઉપર કામ કરવાનું ચાલુ કરીએ.

મૂલત: ટીકા એ હિંસક અભિવ્યક્તિ છે. પણ તેમ છતાં, કોઈ વખતે આપણે નકારાત્મક પ્રતિસાદ આપવો પણ પડે એવું બને. તો ત્યારે શું કરવું, તમે કદાચ પૂછશો? વારુ, કોઈની દોષિત નિંદા કરવી અને તેમનાં દોષો કે કમીઓનું દર્શન કરાવવું તેમાં ફર્ક છે.

દાખલા તરીકે, જો કોઈ ટેનીસનો રમતવીર ઘણી કોશિશ કર્યા પછી પણ જો રમત હારી જાય ત્યારે હિંસક અને બિન-ફાયદાકારી ટીકા આવી ભાસશે: “તું ક્યારેય જીતતો જ નથી. શું ખરાબી છે તારા માં? સર્જનાત્મક ટીકા કઈક આવી હશે: “મને લાગે છે કે તારે ખરેખર બેકહેન્ડમાં ખુબ જ મહેનત કરવાની જરૂર છે. આજે મોટાભાગના પોઈન્ટ તારા એટલાં માટે ગુમાવ્યા કે તારું બેકહેન્ડ નબળું છે.”
અને હકારાત્મક પ્રતિસાદ આવો હશે: “તારો આજનો ફોરહેન્ડ સ્ટ્રોક અસાધારણ કહેવાય એટલો સારો હતો. આપણે સર્વિસમાં થોડો સુધારો લાવી શકીએ, પરંતુ, સૌથી અગત્યની વાત મને એ લાગે છે કે આપણે બેકહેન્ડની ખુબ જ વધારે પ્રેક્ટીસ કરવી પડશે. તેનાં લીધે જ તારો પ્રતિસ્પર્ધી આજે ૧૪ પોઈન્ટ લઇ ગયો.”

મુલ્લા નસરુદ્દીનના મિત્રને તેનાં જીવનમાં પહેલી વાર સ્મશાનયાત્રામાં જવાનું થયું હતું. તેને પોતાને કઈ વ્યવહારની ખબર નહોતી માટે તે સલાહ માટે મુલ્લાને મળ્યો.
“મારે દફનવિધિમાં કઈ બાજુએ રહેવાનું, મુલ્લા?” તેણે પૂછ્યું. “પાછળ, આગળ કે આજુ બાજુમાંથી કોઈ એક બાજુએ?”
“તું કઈ બાજુએ ઉભો રહે છે તેનો કોઈ વાંધો નથી, દોસ્ત,” મુલ્લાએ કહ્યું, “જ્યાં સુધી તું શબપેટીમાં નથી ત્યાં સુધી.”

ટીકા સાથે કઈ રીતે કામ લેવું તે પણ તેનાં જેવું જ છે. જ્યાં સુધી અલોચનાને તમે તમારા આત્મ-ગૌરવને નષ્ટ નથી કરવા દેતા ત્યાં સુધી તમે તેને કઈ રીતે લો છો તેનાંથી કોઈ ફરક નથી પડતો, ત્યાં સુધી તમે બરાબર છો. જે દિવસથી તમે ટીકા સાથે કામ લેતાં શીખી જશો, પ્રામાણિકપણે કે પછી બીજી રીતે, કોઈ પ્રતિકારકર્યા વિના, અહિંસકપણે, ત્યારે તમે આનંદના એક નવા કિનારે પહોંચી જશો. પ્રતિકાર, સંઘર્ષ અને ટીકા ત્યારે તમારી શાંતિનો ભંગ નહિ કરી શકે. ત્યારે તમે તમારી નુતન જાતને પામશો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email