જો તમે મને એ સવાલ પૂછો તો: કોઈ પાસે સૌથી મોટો ગુણ હોય તો તે કયો હોઈ શકે? એક પણ ક્ષણનાં ખચકાટ વગર હું કહીશ કે તે છે દયાનો. એવું કહ્યા પછી પણ હું એ વાતને નકારતો નથી કે કોઈ વાર તમારે કોઈ તાર્કિક કારણોસર દયાળુ બનવા કરતાં તમારે તમારા પોતાનાં હીતને પ્રથમ પ્રાધાન્ય આપવું પડતું હોય છે. હંમેશા દયાળુ બની રહેવું સહેલું નથી, પરંતુ, બીજા કોઈ પણ સદ્દગુણની માફક, આ ગુણને પણ શીખીને, અમલમાં મૂકીને અભ્યાસ કરતાં રહીને તેમાં નિપુણતા પ્રાપ્ત કરી શકાય છે.

આજે, જોકે, હું દયા ઉપર વાત નથી કરી રહ્યો, કારણકે, તેનાં ઉપર હું ભૂતકાળમાં કેટલીય વાર લખી ચુક્યો છું. એનાં બદલે આજે તો હું તમારી સાથે એક બીજા મહત્વના ગુણ ઉપર વાત કરીશ. જે દયાનું બીજ છે. દરેક ધર્મના મહાપુરુષો આ સદ્દગુણના માલિક હતાં. અરે આજનાં આધુનિક યુગમાં પણ આ સદ્દગુણ સુસંગત અને સાશ્વત એવાં પારસ્પરિક સંબધો માટે પાયાનું કામ કરે છે. એ કયો ગુણ છે એ હું તમને કહું તે પહેલાં ચાલો તમને એક પ્રખ્યાત વાર્તા કહું.

એક નાના ગામડાની અંદર, એક ખેડૂતે નાના ગલુડિયાંઓ વેચવા માટેની એક જાહેરાત પોતાનાં ઘરની બહાર મૂકી. રવિવારની સવારે, એક નાનકડાં છોકરાએ દરવાજો ખટખટાવ્યો.

“કેટલાનાં છે તે?” નાના મુલાકાતીએ પૂછ્યું. “મારે તમારી પાસેથી એક ગલુડિયું લેવું છે.”
“ તેનો ભાવ છે ૫૦ થી ૭૦ રૂપિયા.”

“મહેરબાની કરીને મને આટલાં રૂપિયામાં તે ખાલી જોવા દેશો?” અને તેને પોતાનાં ખિસ્સામાંથી પાંચ રૂપિયાની નોટ બહાર કાઢી. ખેડૂતે એક ક્ષણનો વિચાર કર્યો અને કહ્યું, “કઈ વાંધો નહિ. ગલુડિયાઓ જોવાની કોઈ કિંમત નથી.”

તેને શ્વાનગૃહનો દરવાજો ખોલ્યો અને એક કુતરાનું નામ બોલીને બુમ પડી. તેમાંથી એક કુતરી બહાર આવી અને તેની પાછળ-પાછળ છ નાના ગલુડિયાઓ જાણે કે ફરના ગોટા ગબડતા હોય એમ બહાર આવ્યા. તેઓ પોતાની માતા સાથે કુચ કરતાં હોય તેવું લાગતું હતું. અને તરત તેઓ જાળીની નજીક પહોંચી ગયા જયારે એક ગલુડિયું કે જે નાનું અને ધીમું હતું, તે શ્વાનગૃહના દરવાજામાંથી બહાર દેખાયું અને લંગડાતી ચાલે પોતાની માં જોડે પહોંચ્યું.

“હું પેલું ગલુડિયું ખરીદી શકું છું, સાહેબ?” પેલાં છોકરાએ લંગડા ગલુડિયા તરફ આંગળી કરતાં કહ્યું. “હું તમને વચન આપું છું કે હું આવતાં ૧૦ મહિના સુધી તમને દર મહીને ૫ રૂપિયા આપી જઈશ.”

પેલો ખેડૂત નાના છોકરા પાસે ઘૂંટણીયે બેસી ગયો અને બોલ્યો, “બેટા, તારે એ ગલુડિયું નથી લેવું. બીજા કુતરાની જેમ તે તારી જોડે દોડી ને રમી નહિ શકે.”

“આ જ ગલુડિયું મારે જોઈએ છે, સાહેબ,” નાનો છોકરો એક કદમ આઘો ખસી ગયો અને પોતાનાં પગનું પેન્ટ ઉપર ચડાવવા લાગ્યો. સ્ટીલની એક પટ્ટી તેનાં એક ખાસ પ્રકારના બુટની સાથે બન્ને પગમાં જોડાયેલી હતી. “ખરેખર, તો હું પણ જાતે બહુ સારું દોડી શકતો નથી, અને આ ગલુડિયાને એવાં કોઈકની જરૂર છે કે જે તેને સમજી શકે.”

કુદરતે આપણને એક ખુબ જ વિલક્ષણ લાગણી આશીર્વાદ સ્વરૂપે આપી છે – સમાનુભુતિ. સમાનુભુતિ એ દયાનું બીજ છે. સરળ શબ્દોમાં કહેવું હોય તો, સમાનુભુતિએ દુનિયાને બીજાના દ્રષ્ટિકોણથી જોવાનો એક પ્રામાણિક પ્રયત્ન છે. કોઈ બીજાના બુટમાં પગ નાંખીને એ જોવાનો પ્રયત્ન કે ખરેખર તે ક્યાં ડંખે છે. આપણું વલણ અન્ય વ્યક્તિને ખુબ જ જલ્દીથી પારખીને તેનાં વિષે મત બાંધી લેવાનું હોય છે, કે પછી તેમને આપણો દ્રષ્ટિકોણ સમજાવી દેવાનું વલણ હોય છે, પરંતુ, સમાનુભુતિમાં એક બિન-નિર્ણાયક શ્રોતા બનવાનું છે, એક ગ્રાહકભાવથી ગ્રહણ કરતા રહેવાનું છે.

સમાનુભુતિ સામે વાળી વ્યક્તિ શું અનુભવ કરી રહી છે તેને સન્માનપૂર્વક સમજવાનું નામ છે. પરંતુ સમાનુભુતિ આપવાને બદલે આપણને તો મોટાભાગે સલાહ કે ખાતરીઓ આપવાનું મન થઇ જાય છે અને આપણી સ્થિતિ કે લાગણીને કહેવા લાગી જતાં હોઈએ છીએ. સમાનુભુતીમાં જોકે, મનને ખાલી કરવાનું છે અને આપણા સમગ્ર અસ્તિત્વ સાથે સામેની વ્યક્તિને સાંભળવાનું અપેક્ષિત છે.

માર્શલ રોઝનબર્ગે ઉપરોક્ત શબ્દોમાં સમાનુભુતિનો બહુ સરસ રીતે સારાંશ આપી દીધો છે. વાસ્તવમાં, તેને પોતાના એક અહિંસક સંદેશા-વ્યવહાર ઉપરનાં પુસ્તકમાં, તેણે રૂથ બેબરમેયરની Words are Windows or They’re Walls નામની એકબહુ સુંદર કવિતા ટાંકી છે:

I feel so sentenced by your words,
I feel so judged and sent away,
​Before I go I’ve got to know
​Is that what you mean to say?

Before I rise to my defense,
​Before I speak in hurt or fear,
​Before I build that wall of words,
Tell me, did I really hear?

​Words are windows, or they’re walls,
They sentence us, or set us free.
When I speak and when I hear,
Let the love light shine through me.

There are things I need to say,
Things that mean so much to me,
If my words don’t make me clear,
Will you help me to be free?

If I seemed to put you down,
If you felt I didn’t care,
Try to listen through my words
To the feelings that we share.

જયારે તમારે કોઈ બીજા સાથે સમાનુભુતિ કરવી હોય, ત્યારે ફક્ત તેને સાંભળો. જયારે તમે તેવું કરો છો અને એટલી પ્રામાણિકતાથી કરો છો ત્યારે, થોડીવાર પછી તમને તે એકદમ બરાબર લાગવા લાગશે. તમે તેની ચુનોતીઓ અને અડચણોને, તેની પીડા અને દર્દને સમજવાની શરૂઆત કરો છો. આપણામાંના મોટાભાગનાં લોકોને જીવનની મોટાભાગની વસ્તુઓ માટે એક આપોઆપ પ્રતિભાવ હોય છે. પરંતુ, સજાગતાથી, તમે તમારી લાગણીને પસંદ કરીને ચૂંટી શકો છો. જયારે તમને કશું ન ગમે, ત્યારે તમે ગુસ્સો, નફરત, સમાનુભતિ, દયા, તટસ્થતા કે પછી આપણે જે સત્યાવીશ પ્રકારની અન્ય જુદીજુદી લાગણીઓ અનુભવીએ છીએ તેમાંથી ગમે તેને પસંદ કરી શકો છો.

જયારે તમે જાગૃતપણે એક ચોક્કસ લાગણીને પસંદ કરીને તેનો અમલ કરવા લાગો છો ત્યારે તરત પછી તે તમારો એક બીજો સ્વભાવ બની જાય છે. અને આ કારણ છે શા માટે અમુક લોકો કાયમ ક્રોધિત કે કાયમ સ્વાર્થી કે કાયમ ઘમંડી હોય છે. કે પછી અમુક લોકો શા માટે કાયમ માયાળુ, દયાળુ કે બીજાનું ધ્યાન રાખવા વાળા હોય છે. તેમનાં જીવનમાં કોઈ એક સમયે તેમને આ લાગણીકીય પ્રતિભાવને પસંદ કરેલો હોય છે અને તેમણે એ લાગણી જ્યાં સુધી તેમનાં DNAમાં વણાઈ ન જાય ત્યાં સુધી તેનું પુનરાવર્તન કરેલું હોય છે કે.

મુલ્લા નસરુદ્દીન એક વખત એક દુકાનમાં પોતાની પત્ની માટે સ્વેટર લેવા ગયા. જયારે પોતે પૈસા ચુકવવા માટે ગયા ત્યારે ત્યાં એક જાહેરાત થઇ કે આગલા એક કલાકમાં જે લોકો પૈસા આપવા માટે આવશે તેમને બીલની કુલ કિંમતમાં ૪૦%ની રાહત આપવામાં આવશે. તરત, ત્યાં અચાનક જ સ્ત્રીઓનું લશ્કર પૈસા ચુકવવા માટે આવી ગયું અને મુલ્લાને લાગ્યું કે પોતે કેટલીય દિશાઓમાં ખેંચાઈ કે ધકેલાઈ રહ્યા છે.
મુલ્લાએ ધીરજ રાખી નમ્ર રહેવાનું પસંદ કર્યું પરંતુ એક કલાક પછી પણ આ જંગલી ટોળાને લીધે પોતે કતારમાં સૌથી છેલ્લે ઉભા હતાં. ખુબ જ નારાજ અને હતાશ એવાં મુલ્લાએ પોતાની કોણી બહાર કાઢીને બધી ઓરતોને ધક્કા મારતાં-મારતાં પોતાનો રસ્તો આગળ કરતાં ગયા.

“તમારામાં કોઈ સભ્યતા છે કે નહિ?” એક સ્ત્રી ચિલ્લાઈ. “તમે એક સભ્ય-પુરુષની જેમ નથી વર્તી શકતા?”
“ના, મેડમ,” મુલ્લાએ જોરથી કહ્યું, “હું એક કલાકથી એક સભ્ય-પુરુષની જેમ વર્તી રહ્યો છું. હવે, મારે એક સ્ત્રીની જેમ જ વર્તવું જોઈએ.”

આ ફક્ત હસવા માટે છે, સમાનુભૂતિની બીજી બાજુ દર્શાવવાં માટે નથી.

તમારે અમુક ચોક્કસ પ્રકારે અનુભવીને પછી તે મુજબનાં ચોક્કસ પ્રકારે વર્તવાની જરૂર નથી. એનાંથી ઉલટું કરવું એ વધારે વ્યવહારુ અને અસરકારક છે: તમે અમુક પ્રકારે વર્તન કરવા લાગો અને પછી તમે તે પ્રકારે અનુભવવા પણ માંડશો. સમાનુભૂતિ, માટે જ એક લાગણી બને તે પહેલાં તે એક ક્રિયા છે. તેનો અનુભવ કરવા માટે તેનો અમલ કરો. અને, સમાનુભૂતિને કેવી રીતે કેળવી શકાય? ફરી કોઈ વાર જોઈશું.

બુદ્ધના શબ્દોમાં: પોતાનાંથી નાના પ્રત્યે નરમ બનો, પોતાનાંથી મોટા પ્રત્યે દયાળુ બનો, જે સંઘર્ષ કરી રહ્યું હોય તેનાં પ્રત્યે સહાનુભુતિ દાખવો અને જે નબળા અને ખોટા હોય તેમનાં પ્રત્યે સહનશીલતા દર્શાવો. કોઈ વાર તમે પણ તમારા પોતાનાં જીવનમાં આ બધામાંથી પસાર થશો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email