મેં ભૂતકાળમાં પ્રેમ ઉપર ઘણું બધું લખ્યું છે. સૌથી સામાન્ય ફરિયાદ હજી પણ જો મને મળતી હોય તો તે એ છે કે મને પહેલાં જેવું નથી લાગતું, કે પછી એ પહેલાં જેવો વ્યક્તિ હવે નથી રહ્યો કે પછી તે મારા કુટુંબનું માન નથી રાખતી કે પછી તે ખરેખર બદલાઈ ગયો છે કે પછી તે મને હવે સમજતો નથી અને વિગેરે. મને બિલકુલ નવાઈ નથી લાગતી કારણકે પ્રેમ વિષે એક મોટી ગેરસમજ થયેલી છે. જયારે બે વ્યક્તિઓ પ્રેમમાં હોય ત્યારે તેમાંના એક કે બન્ને એવું માનવા લાગે છે તેમને બન્નેને જીવવા માટે ફક્ત પ્રેમ જ બસ પુરતો છે. સત્ય એ છે કે પ્રેમ ભાગ્યે જ પુરતો હોય છે કારણ કે ફક્ત સામેની વ્યક્તિની ઈચ્છા રાખવી એ કઈ પ્રેમ નથી.

કોઈને પ્રેમ કરવો અને કોઈની સાથે રહેવું આ બે તદ્દન ભિન્ન બાબતો છે. ફક્ત પ્રેમ કરવા માટે સક્ષમ હોવું એ તાલમેળથી રહેવા માટે પુરતું નથી. સફળ સંબંધો એ કોઈ આદર્શ પ્રેમની વ્યાખ્યા ઉપર નહિ પરંતુ જીવનનાં સરળ વ્યવહારુ પાસાઓ ઉપર બંધાયેલા હોય છે. મોટાભાગે જયારે સંબધ ખાટા થઇ જતાં હોય છે ત્યારે આપણે તેને એક સમયે આપણી સંબધ વિષેની જે આદર્શ વ્યાખ્યા હતી તેની સાથે સરખામણી કરવા લાગીએ છીએ. આ દ્રષ્ટિકોણ આપણને એવું અનુભવડાવે છે કે આ સંબંધમાં ક્યારેય કશુંય સારું અસ્તિત્વ ધરાવતું જ નહોતું, કે આખી વાત શરૂઆતથી જ એક ભૂલ હતી. તમારા વિચારોના ઘોડાઓને ત્યાં જ પકડી રાખો. તમારું મન હવે રમત રમી રહ્યું છે. તમારી લાગણીનું સ્તર તમારી હકીકત ઉપર હવે હાવી થઇ ગયું છે. હું હજી કઈ વધુ કહું તે પહેલાં, ચાલો તમને એક સરસ મજાની વાર્તા કહું, જે મેં એક વખત વાંચી હતી.

બે વ્યક્તિઓ એકબીજાના ભરપુર પ્રેમમાં હતાં. તેમને એવું લાગતું હતું કે તેઓ એકબીજાના ખુબ જ આત્મીય છે. ચાર વર્ષના સંબધ પછી તેમને પરણવાનું નક્કી કર્યું.

તેમનાં લગ્ન સમયે, છોકરીની માં એ તેને એક ખાતાવહી આપી અને કહ્યું, “આને તારા લગ્નનું ખાતું સમજજે. જયારે પણ તારા જીવનમાં કઈ સારી બાબત બને ત્યારે તું તેમાં એક નાનકડી રકમ જમાં કરજે અને ખાતાવહીમાં એક નોંધ કરી રાખજે. અને જો પ્રસંગ કઈ મોટો બને તો રકમ પણ થોડી મોટી મૂકજે. આજે તારું લગ્ન છે અને માટે મેં તેમાં ૫૦૦ રૂપિયા જમાં કર્યા છે.”

એ યુગલે પોતાનાં લગ્નજીવનની ખુબ જ સરસ શરૂઆત કરી. જેમ જેમ વર્ષો પસાર થતાં ગયા તેમ તેમ તેઓ તેમનાં પોતાનાં ભાગમાં આવેલાં સહમતીઓ અને દલીલોનાં, સારી અને ખરાબ લાગણીઓના ચડાવ-ઉતારનો સામનો કરતાં ગયા. થોડા જ વર્ષોમાં તેમને ત્યાં બે બાળકો જન્મ્યા, તેમને ઘર ખરીદ્યું, પૈસો બચાવ્યો. જેમ જેમ તેઓ પોતાનાં કામ અને અન્ય જવાબદારીઓમાં અત્યંત વ્યસ્ત થતાં ગયા તેમ તેમ તેઓ એકબીજા સાથે ઓછો અને ઓછો સમય વિતાવતા થયા. જે બંધન હતું તે નબળું પડતું ચાલ્યું અને અંતે એકબીજાના હોવાની જે લાગણી હતી તે અદ્રશ્ય થઇ ગયી. વાત એટલે આવી ગઈ કે તેઓ હવે એક છત નીચે રહેતા કોઈ બે અજાણ્યા હોય એવું તેમને લાગવા લાગ્યું.

તટસ્થપણું અણગમામાં પરિવર્તિત થઇ ગયું અને મોટાભાગનાં સંવાદો દલીલોમાં. અંતે, તેઓએ હાર માની લીધી. તેઓએ ઘણો જ પ્રયત્ન કરી જોયો પરંતુ બધો જ વ્યર્થ ગયો. તેમને જો કઈ યાદ રહી ગયું હોય તો તે હતી તણાવ અને દુઃખની ક્ષણો. છોકરીએ પોતની માંને ફોન કરીને કહ્યું કે તેણે આ માણસ જોડે પરણીને એક ભારે મોટી ભૂલ કરી હતી અને હવે તેઓએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે.

“જરૂર,” માંએ કહ્યું. “આ તારી જિંદગી છે. જો તું તેની સાથે ન જ રહી શકતી હોય, તો નથી રહી શકતી. પરંતુ, તું છુટાછેડાનાં કાગળ ઉપર સહી કરતાં પહેલાં યાદ રાખીને તું બેંકમાં જઈ આવજે અને તારા લગ્નનું ખાતું જે હતું તે બંધ કરી આવજે. આવા નબળા લગ્નજીવનની એક પણ છાપ પાછળ છોડીને ન આવતી.”

થોડા દિવસો પછી એ છોકરી બેંકમાં ગઈ, પોતાનો વારો આવે તેની રાહ જોતા લાઈનમાં ઉભી રહી. બેચેની અને સહજતાથી તેણે ખાતાવહી ખોલીને જોયું. તેને જે જમાં રકમ કરી હતી તેની સંખ્યા જોઈને તેનાં માન્યામાં ન આવ્યું. તે ઘણી બધી હતી. તેમાં એક લાઈન તે પોતે ગર્ભવતી થઇ ત્યારની હતી, પોતાનું પહેલું ઘર લીધું ત્યારની હતી, પ્રથમ ગાડી, કામના સ્થળે મળેલી બઢતીના સમયની, બીજી વાર જયારે ગર્ભવતી બની ત્યારની, તેમનાં લગ્નજીવનની વર્ષગાંઠોની, જન્મદિવસોની, કુટુંબ સાથે કરેલા પ્રવાસ દરમ્યાનની, તહેવારોની અને ઉજવણીઓની.

તે ખાતું બંધ કરાવ્યા વગર જ ઘરે પાછી ફરી અને એ ખાતાવહી પોતાનાં પતિને આપી. “મારામાં આ ખાતું બંધ કરવાની હિંમત નહોતી. મારા બદલે મહેરબાની કરીને તું બંધ કરવા જઈ આવીશ?”

પતિએ ખાતાવહી હાથમાં લીધી, અને પેલીની જેમ જ, તેણે પણ તે સહજતાથી ખોલીને તેમાં આટલાં વર્ષો સુધી તે બન્ને એ કરેલી બધી જમાં રકમની યાદી જોઈ. આ કઈ એટલું ખરાબ નહોતું, એને લાગ્યું. તે બન્નેને લાગ્યું કે તેમનું લગ્ન જીવન કઈ ફક્ત ઝઘડા અને દલીલોમાં જ નહોતું વીત્યું. તેમણે બન્નેએ ઘણી બધી સારી ક્ષણોને પણ માણી હતી.

જીવન એ કઈ પરીકથા નથી, પરંતુ એ કઈ બિહામણી કથા પણ નથી. તે કઈ હાસ્યકથા નથી તો ફક્ત દુઃખમય કથા પણ નથી, તે તો બસ ફક્ત છે. જયારે જીવનમાં નબળાઈ અનુભવાય ત્યારે મોટાભાગે આપણે ફક્ત નકારાત્મક બાજુઓ તરફ જ જોઈએ છીએ, ભૂતકાળનો તણાવગ્રસ્ત સમય અને સંઘર્ષમય સમય જ યાદ આવે છે. એક સમગ્ર ચિત્ર જોવાની અને સુંદર ક્ષણોને યાદ કરવાની મગજની ક્ષમતા જ જાણે કે જતી રહે છે. જેમ કે જયારે તમે તમારો એક દાંત ગુમાવો છો ત્યારબાદ થોડા દિવસો સુધી, જીભ વારેવારે તે ખાલી જગ્યામાં ફર્યા કરે છે એવી રીતે. તેને બાકીના ૩૧ દાંત જે સલામત છે તેમાં કોઈ રસ જ હોતો નથી. તે તો બસ જે ગુમાવેલા દાંતની જગ્યાએ જે ખાલી ખાડો પડી ગયો છે તેમાં જ ફર્યા કરે છે. એ જ રીતે, આપણે જે ગુમાવી દીધું હોય છે મનને બસ તેમાં જ રસ પડે છે, અને તેમ કરવામાં, તે ખરેખર આપણી પાસે જે કઈ પણ રહી ગયું છે તેને અવગણે છે કાં તો તેનો અસ્વીકાર કરે છે.

એક નવપરણિત યુગલે પોતાનાં ગુરુને પૂછ્યું, “અમારો પ્રેમ અખંડ રહે તે માટે અમારે શું કરવું જોઈએ?”
“બન્ને સાથે મળીને બીજી વસ્તુઓને પ્રેમ કરો,” ગુરુએ જવાબ આપ્યો.

આ જ રહસ્ય છે સફળ સંબધોનું: અન્ય વસ્તુઓને સાથે મળીને પ્રેમ કરો અને તમારી પાસે જે કઈ પણ સારું છે તેનાં તરફની દ્રષ્ટી ન ગુમાવો. જયારે તમે જેને પ્રેમ કરતાં હોવ તે વ્યક્તિને જ ફક્ત પ્રેમ નહિ કરતાં રહીને તે વ્યક્તિ જેને પ્રેમ કરે છે તેને પણ તમે જો પ્રેમ કરતાં થશો તો તમારો સંબંધ એક નવી જ ઉંચાઈએ પહોચશે. જયારે તેમનાં માટે જે મહત્વની વસ્તુ છે તે તમારા માટે પણ કઈક અર્થસભર બનવાની શરુઆત થશે ત્યારે સાથે જીવન જીવવાનું એકદમ સરળ અને સહજ બની જશે.

પ્રેમ કરવો અને સાથે જીવન જીવવું એ બન્ને એકસાથે ત્યારે જ શક્ય બને છે જયારે બન્ને જણા બીજી વ્યક્તિનો પ્રેમ શેના ઉપર છે તેનાં વિષેની કાળજી કરવાનું રાખે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email