દરેકજણ એકલું હોય છે. આ સત્ય છે.

હું એવાં કોઈને હજી ઓળખતો નથી જેણે ક્યારેય પોતાનાં જીવનમાં એકલવાયા હોવાનું અનુભવ્યું ન હોય. કોઈ તેને બીજા કરતાં લાંબા સમય સુધી અને વારંવાર અનુભવે છે, જે હોય તે, પરંતુ આ એક એવી લાગણી છે જેને આપણામાંના દરેકે અનુભવી હોય જ છે. એકલવાયા હોવાની લાગણીનો મૂળ સ્વભાવ સમજવો ખુબ જરૂરી છે કારણકે તેમાંથી એક બીજી અને વધારે શક્તિશાળી લાગણી જન્મતી હોય છે: દુઃખની લાગણી.

જયારે તમને એકલવાયું લાગતું હોય, ત્યારે તમે દુઃખ અનુભવો છો. અને ત્યારે બધું જ અર્થહીન ભાસે છે, પ્રત્યેકજણ ત્યારે દૂર લાગે છે, અને જીવન છે તે એક ઢસરડો હોય એવું લાગે છે. એકલવાયું લાગવું તે એક બિનઆરામદાયક લાગણી છે. જો તમે બીજાનું અવલોકન કરશો, કે તમારા પોતાનાં જીવનનું અવલોકન કરશો, તો તમને જણાશે કે આપણામાંના મોટાભાગનાં લોકો સતત અટક્યા વગર પ્રવૃત રહેતાં હોય છે કે જેથી કરીને એકલાં હોવાની લાગણીને ટાળી શકાય. આજુબાજુ લોકોથી અને સતત ટોળામાં જીવન જીવવાની રીતથી આપણે એટલાં બધા ટેવાઈ ગયા છીએ કે આપણા વ્યક્તિગત અને સ્વતંત્ર આનંદની પ્રકૃતિ વિષે આપણે આપણી દ્રષ્ટી જ ખોઈ બેઠા છીએ.

જે ક્ષણથી આપણે જન્મ્યા ત્યારથી માંડીને આપણે સતત લોકોથી ઘેરાયેલા રહીએ છીએ. ઘેર માતા-પિતા અને ભાઈ-ભાંડું, શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ, વિગેરે. આપણે જેમજેમ મોટા થતાં જઈએ છીએ, તેમ તેમ આપણા સંબધો વધુને વધુ જટિલ અને વિવિધતા વાળા થતાં જાય છે. કામના સ્થળે, મોલમાં, દેવાલયમાં, દરેક જગ્યાએ આપણે લોકોથી ઘેરાયેલાં હોઈએ છીએ. ઘણાં લોકો ઘરે પાછાં આવ્યા પછી તેમની સાંજ છે તે ટીવી સામે પસાર કરે છે. જેટલું વધુ એકલવાયું તમને લાગતું હશે તેટલું વધુ ટીવી તમે જોશો. જો તમને મારું અવલોકન થોડું અસ્વાભાવિક લાગતું હોય તો થોડો સમય કાઢીને તેનાં ઉપર થોડું ધ્યાન કરી જુઓ અને સત્ય હકીકતને તમારી જાતે જુવો.

એકલવાયાપણું એ એક આંતરિક ખાલીપો છે જેને મોટાભાગનાં લોકો બાહ્ય અનુભવોથી ભરવાની ભૂલ કરે છે. આપણે આપણા અંદરના અવાજને, આપણી ખરી જાતને ભૂલી જવા માંગીએ છીએ, જેથી કરીને આપણને એકલાં હોવાનું ન લાગે. અને એવું કરવાને માટે લોકો અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં પરોવાઈ જાય છે – સામાજિક પ્રસાર માધ્યમોમાં, પ્રદર્શનો જોવામાં, ટીવી જોવામાં, અરે ક્યારેક તો જરૂરી ન હોય તેમ છતાં પણ વધારે કલાકો સુધી કામ કરવામાં વિગેરેમાં પરોવાઈ જાય છે. આ બધી પ્રવૃત્તિઓ તમને પાછી વધારે થકવી નાંખે છે, તે તમને તમારી જાત વિષે ભુલાવી દે છે. અને, તમારી જાતને ભૂલી જવી એ તમારી જાતને અવગણવા બરાબર જ છે.

જયારે તમે તમારી જાતને પ્રેમ કરતાં અને સ્વીકારતા થશો ત્યારે એક આત્મ-ગૌરવ અને આત્મ-સ્વીકાર તમારી અંદર આપોઆપ ઉભું થશે. તમે તમારા પોતાનાં, તમારી કુશળતાઓનાં, તમારી ક્ષમતાઓનાં સંપર્કમાં આવતાં થાવ છો. તે સાથે, તમે તમારી જાત સાથે આરામદાયકતા અનુભવતા થાવ છો. અને જેવું એમ થવાની શરૂઆત થાય કે એકલવાયા હોવાનો ભય તાજા સુર્યપ્રકાશની રોશનીમાં જેમ ઝાકળબિંદુ અદ્રશ્ય થઇ જાય છે તેમ ગાયબ થઇ જાય છે.

જયારે તમે તમારી સાથે થોડી પણ સહજતા અનુભવતા થાવ, ત્યારે બાહ્ય અભિપુષ્ટિની, વધારે મેળવવાની ઈચ્છાની, લોકોથી ઘેરાયેલા રહેવાનાં એક તલસાટની વિગેરે જરૂરિયાતો એકદમ અચાનક જ ખતમ થઇ જાય છે. અને, જયારે તમારી ઇચ્છાઓમાં ઓટ આવવાની શરુ થઇ જાય ત્યારે દુનિયા સુંદર લાગવા માંડે છે અને તમે સંપૂર્ણતા અનુભવો છો. કારણકે, તે કૃપાથી યુક્ત ક્ષણમાં તમને એ સાક્ષાત્કાર થાય છે કે તમે પહેલીથી જ એક સંપૂર્ણ વ્યક્તિ છો, સુંદર વ્યક્તિ છો, તમને એ જરૂર જ નથી રહેતી અન્ય કોઈ તમારું સમર્થન કરે કે તમારી જાતને મંજુર કરે.

એક શિષ્યે પોતાનાં ગુરુને પૂછ્યું કોઈની આધ્યાત્મિક પ્રગતિને માપવાનો કોઈ ઉપાય છે ખરો? “હા,” ગુરુએ કહ્યું. “જો કે દિવસભરમાં તું કેટલી વખત અશાંત કે વ્યાકુળ થઇ જાય છે.”

જેવી રીતે આધ્યાત્મિક રીતે વિકસિત વ્યક્તિ સહેલાઇથી ઉદ્વિગ્ન નથી થઇ જતી તેમ લાગણીની રીતે વિકસિત વ્યક્તિ એકલવાયાપણાને એટલું બધું અનુભવતી હોતી નથી. તમે એકલવાયાપણું અનુભવો છો કે નહિ તે જાણવાની એક સરળ પરીક્ષા એ છે કે તમે જુઓ કે તમે સામાજિક પ્રસાર માધ્યમો (social media)માં કેટલાં સક્રિય રહો છો. ફક્ત ૨૪ કલાકનું વિશ્લેષણ કરો અને જુઓ કે તમે કેટલી વખત ફેસબુક, વોટ્સ એપ વિગેરે ઉપર મહત્વની ન હોય એવી વાતો કરતાં રહો છો. હું એવું નથી સુચવી રહ્યો કે સામાજિક પ્રસાર માધ્યમો એ ખરાબ કે ખોટા છે, હું તો ફક્ત તમે ક્યાં ઉભા છો એ તમને સમજાવવા માટેનો એક રસ્તો બતાવી રહ્યો છું. તમે આ સામાજિક પ્રસાર માધ્યમો ઉપર જેટલાં વધુ સક્રિય તેટલાં જ વધુ તમે એકલાં છો. અલબત્ત, સિવાય કે પછી તે તમારી નોકરી કે ધંધાનો એક ભાગ હોય.

અહી એક મહત્વના તફાવત તરફ મારે અંગુલીનીર્દેશ કરવો રહ્યો. એકલાં હોવાનાં ડર અને એકલાં હોવાની લાગણી વચ્ચે એક તફાવત રહેલો છે. તમને એકલાં હોવાની લાગણી તમારા કંટાળામાંથી પણ જન્મી શકે છે (જોકે કંટાળાથી ઘણું વધારે છે તેમાં), પરંતુ એકલાં હોવાનો ડર સીધો તમારી અસુરક્ષિતતાની લાગણીમાંથી અને પુરતું નહિ હોવાની લાગણીમાંથી ઉદય પામતો હોય છે. એકલાં હોવાની લાગણીમાં તમને તમે વિખુટા પડી ગયા હોવાનું કે દિશાહીન થઇ ગયા હોવાનું લાગે છે. તમારે મોટું કુટુંબ અને વિશાળ મિત્ર વર્તુળ હોઈ શકે છે, છતાં પણ તમે એકલાં હોવાનું અનુભવો છો. પણ, જયારે તમને એકલાં હોવાનો ડર લાગે છે ત્યારે તેનો અર્થ મોટાભાગે એ છે કે તમારે તમારી જાત સાથે નથી જીવવું હોતું, કે તમારે કોઈ સાથ જોઈએ છે.

જો તમને તમારી રીતે રહેવાનો કોઈ ડર ન હોય તો તમને એકલવાયા હોવાનો ડર પણ નથી રહેતો. અને જો તમને એવો ડર હોય અને તમારે તેની ઉપર ઉઠવું હોય તો શું કરવું? ફરી કોઈ વાર જોઈશું.

લાંબી અને થકાન ભરી એક મુસાફરી પછી, એક શ્રીમત માણસ એક સન્માનીય વ્યક્તિ કે જે બીજાનું સ્વાસ્થ્ય સારું કરતાં હતાં તેમની પાસે પહોંચ્યો, જે એક બરફ આચ્છાદિત પર્વતોથી ઘેરાયેલું નાનું ગામડું હતું.

“તમે કોઈ એક મોટા શહેરમાં કેમ નથી રહેતા?” મુલાકાતીએ પૂછ્યું.
“કારણકે મને અહી રહેવું ગમે છે,” પેલી વ્યક્તિએ કહ્યું.
“પણ, આ બહુ દુર પડે છે!”
“એમ, ક્યાંથી દુર?”

આ એક મારી પ્રિય દંતકથા છે કે જે બહુ સુંદર રીતે એ વાતનું નિર્દેશન કરે છે કે તમે તમારી જાત સાથે જેટલાં વધુ જોડાયેલાં રહો તેટલાં જ તમને બીજા લોકો સાથે જોડાયેલાં રહેવાની જરૂરિયાત ઓછી મહેસૂસ થશે.

જે એકાંતનો આનંદ ઉઠાવે છે તે આંતરિક શાંતિના સમુદ્રમાં ડૂબકી લગાવે છે. આવી વ્યક્તિ ક્યારેય પોતાની જાતથી દુર નથી હોતી. જયારે તમે પોતાની જાતની નજીક હોવ છો ત્યારે તમે એકલાં હોવાનો અનુભવ નથી કરતાં. અને જયારે એકલવાયાપણું તમારી જિંદગીમાંથી ચાલી જશે, દુઃખ પણ તેની સાથે સાથે ચાલ્યું જશે. પીછાં વાળા પંખીઓ બધા સાથે જ ઉડી જતાં હોય છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email